કહ્યું કશું ને સમજ્યાં કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું ; ઉંડો કુવોને ફાટી બોખ, શીખ્યું સાંભળ્યું સર્વે ફોક!
સ્પેક્ટ્રોમીટર - જય વસાવડા
શરદ જોશી કે બકુલ ત્રિપાઠી જેવા રાજકીય વ્યંગબાણના મહારથી હતા. કટાક્ષ કટાર કરતા વધુ ધાર કાઢે. કાર્ટૂન જેવી મસ્તીમાં વાસ્તવિક ઘટનાઓથી પ્રેરિત કાલ્પનિક દ્રશ્યો
દ્રશ્ય ૧:
સ્થળ: ઈરાનની એક ગુમનામ જગ્યા.
મામલો: 'ફતવા-એ-ઉલઝુલૂલ- બરબાદે-જહાંદ ગુ્રપની ગુપ્ત બેઠક. કેટલાક શસ્ત્ર સજ્જ ઉલ્લુઓ વચ્ચે પહોંચી ગયેલ એક અક્કલશાહ.
ઉલ્લુ ૧: આ અમેરિકા સમજે છે શું એના મનમાં ?
ઉલ્લુ ૨: એક ધક્કા ઓર દો, અમરિકા કો તોડ દો.
ઉલ્લુ ૩: પણ અહીં બેઠાંબેઠાં એને તોડવું કેવી રીતે ?
ઉલ્લુ ૧: કંઈ પણ તોડો. ટ્રમ્પને પહોંચી ન વળાય તો શેરીના શાકવાળાને તોડી નાખો. ઇસ્લામ ખતરે મેં હૈ.
અક્કલશાહ ( કોઈ બહેનો આસપાસ ન હોઈને ) : પણ ભાઈઓ, આમાં ઈરાન ચોક્ક્સ ખતરામાં છે, પણ આખો ઇસ્લામ ક્યાંથી આવી ગયો ? ઇસ્લામની ઈજ્જતહિંસક જેહાદી ત્રાસવાદીઓની નાપાક હરકતોથી સૌથી વધુ ખતરામાં છે. અમેરિકાના નેતાઓ માનો કે કોઈ ગફલત કે દાદાગીરી કરે તો આપણે એમને જવાબ આપીએ. એમાં નિર્દોષ નાગરિકોનો શું વાંક ? અને આ ટ્રમ્પની તો પર્સનલ ભાગીદારી સાઉદીમાં છે. તો ત્યાં જઈને જરાક કહીએ ને આપણા ભાઈજાનોને કે -
ઉલ્લુ ૪: ચૂઉઉઉપ. તેં તો દાઢી જ નથી વધારી. તું મુસલમાન નથી, અમેરિકાનો એજન્ટ છો. ઝિઓનિસ્ટ લોકો અને ખ્રિસ્તીઓના હાથનું પપેટ છો. અલ્લાહનો ખૌફ તારા પર -
અક્કલશાહ : દાઢી તો શરિઅત પર ચાલતા પાકિસ્તાનના ભાગ્યે જ કોઈ શાસકે રાખી છે. તો ય એ મુસ્લિમ ને હું નહિ ? વેસ્ટર્ન બધું હોય એ ક્રિશ્ચિયન નથી હોતું. હમણાં બાપડા
વૃદ્ધ પોપ એક ધરાર હાથ પકડતી ચાહક મહિલાનો હાથ છોડાવવા ગયા તો આધુનિક પશ્ચિમી જગતે ધોઈ નાખ્યા, ને બીજે દિવસે એમણે દેખીતી રીતે એવો કોઈ વાંક નહોતો તો ય માફી માંગવી પડી. આપનાથી ખુમૈનીની માફીનો વિચાર પણ કરાય છે ? આ ઝિઓનિસ્ટ યહૂદીઓના બનાવેલા ઇન્ટરનેટ અને સોશ્યલ નેટવર્ક પર તો આપણા મેસેજ એકબીજાને જાય છે.
એ લોકો એજ્યુકેશનને પકડીને બેઠાં છે, એટલે આગળ છે. આપણે તાલીમ અને ઇલ્મનો વિચાર કરીને એમને ટક્કર આપતી પેટન્ટસ રજીસ્ટર્ડ કરાવીએ, આર્ટમાં આપણા જ વારસાને યાદ કરીને જૂનો પશયન દબદબો પાછો મેળવી લઈએ. એમના જેવી નારીમુક્તિ શરુ કરી, જાહેરમાં માથું ઢાંકવા ને પતિપત્ની ન હો તો હાથ પણ ન પકડવા એવા રૂઢીચુસ્ત નિયમો નેસ્તનાબૂદ કરીને આપણી ઓલરેડી ક્વોલિટી ફિલ્મ્સ ને મ્યુઝિક ઇન્ટરનેશનલ કરીએ. આપણી મોડેલ્સ વર્લ્ડ આઇકોન બને -
ઉલ્લુ ૧: તૌબા તૌબા તૌબા. આ કાફિર ક્યાંથી ઘુસી ગયો છે અહીં ? ક્યાંનો છે આ બદદિમાગ ?
અક્કલશાહત અહીંનો જ છું. આયાતોલ્લાહે કબજો કર્યો એ પહેલા આપણા દેશમાં ય કમાલ પાશાના તુર્કીની જેમ આ બધું આસાનીથી થતું જ હતું. અરે આપણું ફારસ તો ઇસ્લામના આગમન પહેલા ય સંસ્કૃતિનો કળાત્મક ગઢ હતું. હિન્દુસ્તાનના ટોચના એવા પારસીઓ અહીંથી જ ગયેલા ને. આપણા ઝોરાષ્ટ્રીયન હમવતનીઓ...
ઉલ્લુ ૩: આ તો હિન્દુસ્તાનમાં કહે છે એમ પેલા પીએમ મોદીનો ચાટુકાર લાગે છે.
અક્ક્લશાહ : અરે, ત્યાં પણ હમણાં બંધારણના નામે ફ્રીડમ અને આઝાદી પોકારતી મૂવમેન્ટમાં મઝહબી બુરખામાં ચહેરો ઢાંકીને ઉભેલી ઔરતોના દેખીતા વિરોધાભાસ પર સવાલ ઉઠાવતી એક ટવીટ ત્યાંના સ્કોલર પ્રોફેસર એવા ડો. રિઝવાન સાહેબે કરી હતી. આ મૂળ વાત ધામકતા વિરુદ્ધ આધુનિકતાની છે. તમે લોકો ટવીટર પર આપણા ઈરાનના જ, આપણા એક સમયે સત્તાની નજીકના ટોચના ખાનદાનના વંશજ એવા ઈમામ ઝવાહિદીનું ટવીટર એકાઉન્ટ 'ઈમામ ફોર પીસ' ખોલી એમની અલ્ટ્રાલિબરલ ટવીટસ જુઓ, તો ઘણું સાચું સમજવા મળશે આપણી બાબતે.
ઉલ્લુ ૨: ટવીટર હરામ છે, ઇન્સ્ટાગ્રામ હરામ છે, ગૂગલ હરામ છે, છોકરાઓ ચાલે પણ ટૂંકા કપડાંવાળી છોકરીઓની તસવીરો પણ હરામ છે, સિનેમા હરામ છે...
બધા ઉલ્લુઓ કોરસમાં : હરામ છે, હરામ છે. બેન કરો. ના ના, બેન તો છે જ એ ચાલુ રાખો.
અક્કલશાહ : અરે પણ પાછા ફોરેનના જ શોધેલા હથિયારો ને ટેકનોલોજી લડવા માટે વાપરવી છે. પશ્ચિમી સંસ્કૃતિનો મોકળાશ નથી જોઈતી પણ એને લીધે શોધાયેલી ટેકનોલોજી જોઈએ છે'. આ તો દોગલાપન છે. ભારતમાં તો આપણી છોકરીઓ માથું ઢાંક્યા વગર હીરોઈન બની શકે છે, બિકિની પણ પહેરી શકે છે. આપણા છોકરાઓ સ્ટાર ને સિંગર ને ઓફિસર બની શકે છે. આપણા દીદાર તો જુઓ. આવી રીતે જન્નતમાં પણ જશો તો હૂરો છળી મરશે ને ભાગી જશે !
ઉલ્લુ ૪: આ નામાકૂલ બદતમીઝને જ મારો પહેલા.
અક્ક્લશાહ : હા, ચર્ચામાં મુદ્દા પર ટકી ન શકો એટલે માણસ પર ચાલુ પડી જવાની કુટેવ દરેક બેવકૂફને હોય છે. પહેલા સરખું વાંચો તો ખરા. નહિ તો પેલા પાકિસ્તાનના દુનિયા ફરેલા અમીર ક્રિકેટર પીએમ પણ ફેક વાઈરલ વોટ્સએપ મેસેજીઝ ટવીટ કરીને પોતાનો ફજેતો જાતે કરાવે છે, એવું થશે. આપણા પર બાકીના હસશે. આપણે બદલો લેવો હોય તો સુધારા શરુ કરીએ જૂનવાણી જીવનમાં ને સાચું સાસરું ભણીને એમનાથી સારી રીતે આગળ નીકળી બતાવીએ. અફઘાનિસ્તાન તાલિબાનના રવાડે ચડયું તો હજુ સરખું નથી થયું. આપણે સુપીરિયોરિટી કોમ્પ્લેક્સ છોડીને સાફ નીયતથી હોશિયાર બનવા શીખવાનું શરુ કરીએ.
ઉલ્લુ ૩: મારવા પરથી યાદ આવ્યું. આપણે અમેરિકાને ફટકારવાનું છે. એના લશ્કરને ઈરાકમાંથી મારી હટાવવાનું છે. એણે આપણા જાંબાઝો પર જે હિચકારો હુમલો કર્યો એનો મૂંહતોડ જવાબ દેવાનો છે. આયાતોલ્લાહ આબાદ રહે.
ઉલ્લુ ૫: હું એટલે જ ખામોશ હતો. હવે આ નકામી ચર્ચા બંધ કરો. કોમ માટે ફના થઈ જવાનો બુલંદ હૌસલો રાખો. આતંકી અમેરિકાના પાપી જવાનોનું વિમાન ઉડાડી દો. એને ય ખબર પડે ઈરાન કા બદલા. મૌત કા કહર.
અક્ક્લશાહ બડબડે છે: ભારતની ન્યુઝ ચેનલો ખાનગીમાં બહુ જોતા લાગે છે...
શાંતિ. અંધારું. થોડી વાર પછી ઉલ્લુ નંબર છ ચિલ્લાતો ચિલ્લાતો આવે છે: હૂજૂર, આલીજાહ...
ઉલ્લુનો પઠ્ઠો સરદાર ત અબે, આ ઉર્દૂમાં બનતી હિન્દી ફિલ્મનો સેટ નથી. ડ્રામા બંધ કર. બોલ શું થયું ?
ઉલ્લુ નંબર ૬: ખુશઆમદીદ. આપણે નાપાક અમેરિકાનું લશ્કરી વિમાન ઉડાડી દીધું. આપણે બતાવી દીધું કે હમ ભી કુછ કમ નહિ. હમસે જો ટકરાયેગા... આપણે પણ એટેક કરી શકીએ છીએ. આપણે પણ મિસાઈલવાળી મહાસત્તા છીએ. જગતમાં છાકો પડી જશે આપણા નામનો હવે. દહશતથી કાંપી જશે વ્હાઈટ હાઉસનો પ્રેસિડેન્ટ.
અક્કલશાહ આક્રંદ અને આક્રોશભર્યા સાદે: અરે ખુદાથી ડરો ઓ શેતાનો. કયામતના દિવસે દોઝખમાં જશો લાદેન, બગદાદી, ઉમર, ક્સાબ જેવાઓની માફક. તમે ચેક કરો રિપોર્ટ્સ. મોટા ઉપાડે શૂરાતન અને શક્તિનો વટ પાડવા જે પ્લેન ઉડાડી દીધું એ અમેરિકન સેનાનું નથી. યુક્રેનિયન એરલાઈન્સનું સિવિલિયન પ્લેન હતું ઓ જાલિમો. એમાં સૌથી વધુ તો ઈરાનના નાગરિકો જ સવાર હતા ! ૨૦૧૫માં અમેરિકાએ પૈસાંઈ ખાનગી સોદાબાજી કરીને ચાર અમેરિકન નાગરિકોને ઈરાનથી છોડાવેલા. એના પર ભલે પેલી 'આર્ગો' જેવી ફિલ્મ ન બની હોય પણ એ ઓપન જેવું સિક્રેટ છે.
એ ચાર અમેરિકન સત્તાધીશોના સગા નહોતા, પણ અમેરિકન સિટીઝન એવા ઈરાનીઓ હતા ! અમેરિકાએ આપણા આઈએસને ખદેડવામાં બાહોશ અને લોકપ્રિય કમાન્ડર સુલેમાની પર એને વાંધો હોઈને હુમલો કર્યો તો એના કાફલા સિવાય બીજા કોઈને ઘસરકો પણ ન પહોંચે એનું ધ્યાન રાખ્યું છે.
એના સૈનિકો રાજકીય આદેશોથી તબાહી મચાવે તો એની જ એનજીઓ આપણા બાળકોને મેડિક્લ હેલ્પ કરવા દોડે છે. ને તમે જાહિલોએ ક્રતાની સાથે મુર્ખાઈનું ય પ્રદર્શન કર્યું કે સરખા ટાર્ગેટ પર મિસાઈલ છોડતા ય નથી આવડતું, દુશ્મન ઓળખતા ય નથી આવડતું ને બાથ ભીડવી છે પશ્ચિમી મહાસત્તાઓ સાથે ! સહાનુભૂતિ અને આબરૂનો ફાલુદો કરી નાખ્યો અધૂરી અક્કલના આવેશમાં.
ચીસાચીસ. રોકકકળ. સન્નાટો.
દ્રશ્ય ૨:
સ્થળ : ઓનલાઈન ચેટિંગ ને ઓફલાઈન ગપાટા બેઉ એકસાથે ચાલુ હોય એવી એક ઓફિસ.
મામલો: ભગવાન કરતાં ય વધુ રાજકીય વિચારધારાના એમના આકાઓ, સોરી, આરાધ્યોના પણ કાબુ બહાર ગયેલા વોટ્સએપ વિષવિદ્યાલયના વિદ્યાર્થી 'ભક્તો'ની મંડળી. પક્ષભક્તિને દેશભક્તિમાં ખપાવી દેતા ઉગ્ર રાષ્ટ્રવાદના નારામાં સંકુચિત મનોરોગ છુપાવી દેતા ભોપાઓની બેઠકમાં પહોંચી ગયેલ એક બુદ્ધિધન.
બુદ્ધિધન: શું ચાલે છે ?
ભોપો ૧ : આખો દેશ અત્યારે પ્રગતિના પંથે છે ને તમે આ શું ચાલે છે એવું પૂછવા નીકળ્યા છો તો રવીશવાળા છો કે રાજદીપવાળા ? પાછલા સાઠ વર્ષમાં કેમ કદી પૂછવા નહોતા નીકળ્યા કે શું ચાલે છે ? જુઓ કેટલા વચનો પૂરા કરવામાં આવી રહ્યા છે. ટ્રિપલ તલાકથી કલમ ૩૭૦...
બુદ્ધિધન: અરે ભાઈ, કાયમ આમ તામડી ગરમ જ રહે છે તમારી ? હસવાને બદલે ભસવા જ લાગો છો ? મેં તો અમસ્તું જ પૂછયું કે શું ચાલે છે.
ભોપો ૨: માઈક્રોસોફ્ટવાળા સત્ય નાદેલાના દાદા મુસલમાન હતા કે દાદી એની ખોજ ચાલે છે !
ભોપો ૩: એ હવે એ નથી કરવાનું. એમનું નવું સ્ટેટમેન્ટ આવી ગયું છે. મારી જેમ સતત ઓનલાઈન રહેતો જા. હવે એ આપણી બાજુ છે એમ ગણવાનું. ભલે ને અમેરિકા એને સ્વીકારે ને આપણે કાયમ મલ્ટીનેશનલનો બહિષ્કાર કરવાના જ મૂડમાં હોઈએ, એ બધું ભૂલી જવાનું. બે ઘડી અજીત પવારના કથિત કૌભાંડો નહોતા ભૂલી ગયા ?
અમે બીજા બધા બળાત્કાર યાદ રાખી ઉન્નાવમાં સેંગરને લીધે ખતમ થઇ ગયેલું આખું કુટુંબ કેવી રીતે ભૂલી ગયા ? આપણી બાજુ હોય એ પરફેક્ટ. આપણી સામે બોલે એ વિદ્વાન હોય, ભારતપ્રેમી હોય તો ય ક્રિમીનલ જ. ભલે ને અમને ઉપર કોઈ બોલાવે ય નહિ, અમે જ જાતે માની બેઠાં છીએ કે ભારતનું રક્ષણ અમારા જ હાથમાં છે !
ભોપો ૪: હવે સાબિત શું કરવાનું ? લખી જ નાખવાનું. જે આપણા મત સાથે સહમત ન હોય એના મા-બાપ મુસલમાન જ હોય એમ માનીને. આ મેઘના ગુલઝાર માટે ન લખી નાખ્યું ? ભલેને એના આખા દેશમાં આદરપાત્ર પિતા કવિ ગુલઝારનું મૂળ નામ સંપૂર્ણસિંહ કાલરા હોય ને એ વિભાજનથી પીડાયેલા પંજાબી હોય. પહેલો મેસેજ વાઈરલ થાય એટલો એની ચોખવટ કરતો બીજો ન થાય. એમ માનીને ઝીંકી જ દેવાનો ફટાફટ. દીપિકા જેએનયુ ગઈ એટલે છપાકનો બોયકોટ જ હોય.
બુદ્ધિધન: હાહાહા. પણ એમાં તો ચાટ પડયા બધા. ખાલી ખોટું રાજેશ પાત્ર સાઈટ પર ફિલ્મ રિલીઝ પણ થયા પહેલા વાંચીને હોબાળો કર્યો કે રિયલ લાઈફની લક્ષ્મી પરના મુસ્લિમ એટેકરનું નામ નદીમ હતું એનો ધર્મ બદલી હિંદુ કર્યો છે. ને ફિલ્મમાં તો એ મુસ્લિમ જ છે. બશીર કર્યું છે નામ. એ તો ઘણી આવી ફિલ્મોમાં મૂળ ઘટના ને પાત્રો બદલે નાટયાત્મકતા લાવવા. તાનાજીમાં ય એવું છે. પેડમેનમાં ય હતું. પણ આમાં ધર્મ નથી બદલ્યો એ અત્યાચારીનો.
ભોપો ૫: એ તો હોઠ સાજા તો ઉત્તર ઝાઝા. આપણે એવું ચલાવવાનું કે એ તો આપણે દબાણ ઉભું કર્યું એટલે રાતોરાત ફેરફાર કરી નાખ્યો. બસ, જીત આપણી જ હોય. બોલો જય -
બુદ્ધિધન: હે અક્ક્ક્લના ઓથમીરો, ફિલ્મ એક વાર સેન્સરમાં જાય પછી એમાં એમ જ ડબીંગ ન થાય. ને લિપ સિન્કમાં રાજેશ ને બશીર તરત પરખાઈ જાય. રાજેશ પાત્ર છે જ પ્રેમીનું. સાવ પણ ફેંક્યા જ કરવાનું ?
ભોપો ૬: એ ય દીપિકા જેવી સિનેમાની નટીનો બચાવ કરવા તું શું નીકળ્યો છો ? આ ફિલ્મવાળાઓ જ આખી પેઢી બગાડી નાખે છે. તારા જેવા ચમચાઓ જ સિનેમાના નામે એના ભાંડ ભારતની સંસ્કૃતિવિરોધી નટનટીઓના બચાવ કરવા લાગે છે. તું જ ખરો શત્રુ છો. તારો જ બોયકોટ કરવો કરવો પડશે. હમણા મેસેજ ફેરવી દઉં. શું નામ છે તારું ?
બુદ્ધિધન: બુદ્ધિધન.
ભોપો ૧: ક્યાંથી આવા નામો લઇ આવે છે, સરખું ટાઈપ પણ નથી થતું વાઈરલ કરવો હોય એ મેસેજમાં.
બુદ્ધિધન: સંસ્કૃતમાંથી. એ માત્ર ધામક શ્લોકો ગોખવાની ભાષા નથી. એમાં કેવા નવરસ પડેલા છે અને કેવું ડહાપણ છે એ ખજાનો તો માણો. આ નામ પણ એનું છે. પણ તમારે તો ક્રિસ્મસ પર તુલસીના છોડનું ખોટું સ્યુડો સાયન્સ યાદ કરવું છે પણ તિથી લખીને જન્મદિન ઉજવવાને બદલે કેલેન્ડર અંગ્રેજી વાપરવંુ છે. ભલે ને ભારતીય લશ્કરના જવાનો બરફમાં કાશ્મીર બોર્ડર પર સાન્તાક્લોઝ બનતા હોય. એ ઘડી પુરતું લશ્કરનું માન ભૂલી જવાનું.
આપણને માફક આવે એટલું જ લેવાનું. એ ય પોણું ખોટું. દીપિકાનો બાપ પ્રકાશ પાદૂકોણ નેશનલ બેડમિન્ટન ચેમ્પિયન રહી ચૂક્યો છે. સરકારી નાક એજન્સીના નંબરમાં ટોચ પર રહેલી જેએનયુમાં જે કોઈ ભાંગફોડિયા હોય એને કાનૂની રીતે વીણીવીણીને કાઢો. પણ ગપ્પાના ગેરકાનૂની ખેલ ન કરો. દીપિકાને જ્યાં જવું હોય ત્યાં જવાનો હક છે. ભારત લોકશાહી દેશ છે. એમાં એની સાથે અભિપ્રાયભેદ હોય એટલે સાવ હલકી ભાષામાં ઉતારી પાડવાની કોઈ સ્ત્રીને ?
ભોપો ૨: એ ય તને આવી ઉઘાડી નટીઓ ગમતી હોય એટલે અમારા સંસ્કાર ન બગાડ એન્ટીનેશનલ.
બુદ્ધિધન : પણ મેં જે છેલ્લે વાત કરી એ તો આપણા સુચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરનું સ્ટેટમેન્ટ છે. એમણે જ આ સાચી શાણપણભરી સાચી વાત કરી છે. લોકશાહીમાં પ્રજા કોઈ રૈયત થોડી છે જૂના જમાનાની જેમ કે ભિન્ન મત રાખે એટલે સીધા પર્સનલ આક્ષેપો જ શરુ થઇ જાય ? આવું તો ઇસ્લામિક રાજાશાહીમાં કે આફ્રિકન તાનાશાહીમાં હોય. આપણા ભારતમાં તો બહુ બધા રંગો હોય. એની વાત સાચી ન લાગે તો દલીલ કરવાની. ન ગમે તો દૂર રહેવાનું.
આમ નશો કર્યો હોય એમ અનુરાગ કશ્યપ જેવી રીતે અંગત ઠેકડી ઉડાડી બેફામ લખવા લાગે છે, એવા આપણે નહી થવાનું. લેફ્ટ લિબરલ લોકોનો દંભ તો એમના પાપે ઉઘાડો થશે. આમ પાછળ પડી જવાથી મૂળ મુદ્દો ફંટાઈ જશે ને આપણામાં મીઠું ઓછું છે એ વાત પ્રજા ધીરે ધીરે જાણી જશે. ખોટું લાગે તો એનો મુકાબલો સત્યથી કરો.
સામું જૂઠ ફેલાવીને નહીં ! આપણા ષિઓએ વારંવાર આ શીખવાડયું છે. જરાક હિંદુ તત્વદર્શન તો વાંચો. એટલો તો વિચાર કરો કે આમ વગર વિચાર્યે બહિષ્કાર જાહેર કરી દો છો કોઈ પણ બાબતનો - એમાં તમે જે-તે બિઝનેસમાં જેમનો વિરોધ કરો છો એ હરીફ કંપનીઓના હાથમાં મફતિયું રમકડું બની જાવ છો. કોઈ પગાર વિના એમના સેલ્સમેન બની એમનો બિઝનેસ વધારી દો છો.
ભોપો ૩: એ ય, દોઢ ન થા બહુ. સાલા ફિલ્મવાળાઓના દલાલ.
બુદ્ધિધન: અરે પણ ફિલ્મ તો ભારતમાં પ્રિય એવી એક કળા છે, આપણા વડાપ્રધાન મોદીસાહેબ પણ એ સમજે છે એટલે તો પ્રિયંકા-નિકના રિસેપ્શનમાં જાય છે. અમેરિકામાં હ્યુ જેકમેન એમના સ્ટેજ પર હોય છે. હમણાં જ બધાને ઘેર બોલાવીને આમીર-શાહરૂખ સાથે ય સેલ્ફી ઉત્સવ ઉજવેલો. એ લોકોના ય પાકિસ્તાન દાનના ય સાવ ખોટા નંબર ને ભળતી જ કોઈ વેબસાઈટની લિંક હોય એવા મેસેજો ફરતા રહેતા હતા.
આ એ બતાવે છે કે જેણે સાચી રીતે પહોંચી વળો એમ ન હો, એનો આવા અસત્યથી તેજોવધ કરો. જેમ નિર્દોષ પંખી મરે તો સામાન્ય સંવેદનશીલ માણસને અરેરાટી થઇ જાય પણ માનવભક્ષી બનેલું કોઈ રાની પશુ મરે તો લોકો ઉજવણી કરે કરણ કે ત્યારે ગુનેગારને સજાનો ભાવ હોય છે. આમ ફોરવર્ડેડ મેસેજીઝ્થી કોઈ નક્કર સાબિતી વિના જે ખૂંચે એને ગુનેગાર હોવાનું પબ્લિકમાં ઠસાવી એની કારકિર્દી પતાવી દેવાના કાવતરાં કરવાથી છેવટે દેશને નુકસાન જશે ને ટેલેન્ટેડ માણસો કાં જાત સંકોરી બેસી જશે અથવા નવી પેઢી વધુ ને વધુ વિદેશ ભાગતી જશે, ને ઈકોનોમી તૂટતી જશે એ સમજાય છે.
શા માટે આવો ઝેરી માહોલ બનાવો છો ? એ ય ગપ્પા સાથે ? પારસી ફિરોઝ ગાંધીને મુસ્લિમ બનાવી દેવાના. હમણાં નેહરુ ખાનદાન મુસ્લિમ હોવાની સાવ ખોટી વાતોમાં પેલા પાયલબહેન જેલ સુધી પહોંચી ગયેલા ખબર છે ને ? ભારત સરકાર ગાંધીજીની પૂજા કરે ને તમારા જેવા ગોડસેની ? થોડી તો શરમ કરો.
ભોપો ૨: એ તો મજબૂરી છે એમની.
બુદ્ધિધન: શું મજબૂરી ? જો ગાંધી ખોટો ને ખતમ થઇ ગયેલો જ છે , તો પછી ક્યાં એનું નામ લેવાની મજબૂરી હોય. આવું એ ડફોળ કહે જેને ગાંધી સમજાયો નથી સરખો. એમને આદર ભારતની ભાજપ સરકાર પણ આપે છે. એનો કોઈ સગો સરકારમાં બેઠો નથી. અને બધી વાતમાં મુસલમાન હોવું એટલે ગુનેગાર હોવું જ, એવું જાડું કોમવાદી ગણિત રાખીને પાકિસ્તાની મુલ્લાઓની વાનરનકલ ન કરો.
અબ્દુલ કલામથી અબ્દુલ હમીદ સુધીના સેંકડો વતનપરસ્ત અને સાચે જ સૌમ્યશાંત મુસલમાનોને અન્યાય છે એમાં. આવા વાઈરલ મેસેજીઝમાંપૂર્વગ્રહ હોય છે, ને જાણકાર તરત પકડે એવો તર્કદોષ હોય છે. ઇતિહાસના અત્યાચારોના મેસેજમાં ફોટા સહિત કેટલું ય તો સાવ ધુપ્પલ જ હોય છે. ભોળા અબૂધોનું બ્રેઈનવોશ થાય. પણ જવા દો, તમારે તથ્ય સાથે કશું લાગતુંવળગતું નથી. ચર્ચા નથી કરવી હોતી, ખુલ્લા મનથી. સીધા પર્સનલ આક્ષેપો કરવા હોય છે. એ ય ખોટા, બેતૂકા, આધારહીન.
ભોપો ૫: મારો આને. આને પતાવી જ દેવાનો હોય. હિંદુદ્રોહી, દેશદ્રોહી સેક્યુલર વામપંથીને.
બુદ્ધિધન: ફોર્મ્યુલા છે નહિ, તમારી ? અનુભવે ખબર છે. જરાક વાંધો પડે એટલે છપાકણા પત્રના એક નામની જેમ દસ ટકા સાચી વિગતો ઉપાડીને એમાં નેવું ટકા ગપ્પા ભેળવીને, આખી તરકટી બનાવટી વાર્તા ઘડીને કોઈની પાછળ પડી જવાનું, બ્લેકમેઈલિંગ ને ચારિત્ર્યહનન કરવાનું,એડિટેડ વિડિયોઝ, ટેપ્સ કે વાઈરલ મેસેજીઝ કરી પાડી દેવા ઓનલાઈન બેકારોની ટોળી જમાવવી. સાચા શુભચિંતકોને આમ અંગત એલર્જી હોય, એટલે પરેશાન કરવાના પ્રયાસ કરવાના.એમને તો ફરક નહિ પડે પણ પણ જરાક રાજ્યો કેમ સરકતા જાય છે એની ચિંતા કરો. ઘણી વાર લોકો ઓવરડોઝથી થાકી જતા હોય પછી એરોગન્સના.
ભોપો ૬: એ ય મરી ગયા બાપલિયા, મૂકો આ માથાકૂટ ને કામે વળગો મોબાઈલ ખોલીને. વળી ઓલા શશી થરૂરે અઘરા અઘરા અંગ્રેજીમાં કશુંક લખ્યું છે. આનું સમજાતું ય નથી તો વિરોધ પણ કેમ કરવો. પાછો ફોટો ય કેવી સુંદરીઓ સાથે પડાવે છે... આને તો કોઈ શરમ જ નથી. એ લહેર કરે ને આપણને ઝેર ચડે છે.
બધા હાર્દિક પંડયાની વાગ્દત્તાનો ફોટો સર્ચ કરવાનું પડતો મૂકીને એ નવા ફૂટડા ફોટા જોવામાં ફંટાઈ જાય છે.
ફાસ્ટ ફોરવર્ડ
सरकार कहती है कि हमने चूहे पकडने के लिए चूहेदानिया रखी है|एकाध चूहेदानी की हमने भी जांच की है उससे धुसने के छेद से बडा छेद पीछे से निकलने के लिए है| वे इधर हमे पिंजरा दिखाते है और चूहे को छेद दिखा देते है गमारे माथे पर सिर्फ चूहेदानी का खर्च चढ रहा है|