'ગ' ગણપતિનો ગ .
થોડામાં-ઘણું - દિલીપ શાહ
મૂળાક્ષરોનાં મૂળમાં જવાની જો ચળ ઉપડે તો વિચારોની ચળવળ શરૂ થઈ જાય. આજે ટાર્ટેગમાં છે 'ગ.' બાળપણમાં આ 'ગ' કાં તો ગ ગણપતિવાળા હોઈ શકે, યા ગ ગધેડાના ગ વાળા ય કદાચ ના કરે અને બહુમતીમાં નીકળે ય ખરા પણ..હવે પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે ત્યારે આ 'ગ' સામે ઘણાબધાં વિકલ્પ હાજર સ્ટોકમાં છે.
રાજકારણમાં સહેજ રડાર ઘૂમાવો તો ગ ગરબડ-ગોટાળા માટે ઇનસ્ટન્ટ લાગે, વેપાર ધંધામાં ગ ગબન્ (છેતરપિંડી)નો ઉમેદવારીમાં છે, પ્રદૂષણ બ્રાન્ડ ગ્લોબલ-વોર્મીંગનો ગ ડોરબેલ વગાડે છે છતાંય લાં..બા સમયથી હાંસિયામાં ઢંકાયેલો 'ગ' ગણપતિનો સૌથી પ્રબળ ઉમેદવાર લાગે છે.
જિંદગીનાં દરેક પડાવમાં 'ગણિત' એવરરેડી છે. આપણી જેવી જ એન્ટ્રી થાય એટલે કુટુંબની સભ્ય સંખ્યામાં (+) સરવાળો તિલક કરવા આવી જાય, ઘરમાં જૈફ વૃદ્ધની ચિરવિદાય વખતે પાછી (-) બાદબાકી અરે પુત્રવધૂ ટ્વીન્સને જન્મ આપે તો (ટ) ગુણાકારના પેંડા-પતાસા જ્યારે ઘરછોડીને દૂ..ર સેટલ થતા સંતાનો (ભાગાકાર) ઘૂંટતા કરી દે છે.
મુસાફરીમાં જ્યારે ટ્રેનમાં ઉપર-નીચેથી બર્થ-બેઠક આવે ત્યારે ફરી પેલા અપૂર્ણાંકની જેમ ઉપર સૂતેલો અંશ જેવો લાગે જ્યારે નીચે બારી પકડીને (ધમાચકડી કરીને) હક્ક જમાવતો ટેણિયો છેદ જેવો લાગે. સંપત્તિનાં માપદંડથી નોકરી-ધંધામાં ચડતો..ઉતરતો ક્રમ ફિલ્ડીંગમાં આવી જાય છે. કારકીર્દિની ત્રિજ્યાને ડબલ થવા વ્યાસના સ્વપ્ન આવે છે...ને પછી પ્રગતિનાં પરિઘ પર ભ્રમણ શરૂ થઈ જાય છે. જીવનમાં સામસામી છેલ્લી રેખાની જેમ વિરોધપક્ષ છેદનબિંદુ પાસે મળતો રહે છે.
ભૂલો, છેકછાક, ફરી પદ મૂકો, તાળો મેળવો એ સૌ કોઈનાં જીવનનો આ ગુ.સા.અ. જ લાગશે. (કહો હા !). ધન પ્રાપ્તિની બાબતમાં ૧ (એકડે એક) તો લગભગ બધાનાં હાથમાં આવી જાય છે પણ ૧ની પાછળ મીંડાની ફોજ ઉભી કરતા કરતાં આદર્શોની ઓળખ-પરેડ બદલાઈ જાય છે. આવક અને ખર્ચ સમ અને વ્યસ્ત પ્રમાણમાં સંતાકૂકડી રમતાં થઈ જાય છે. જીવનનાં પ્રમેયનાં પક્ષ, રચના તો થતાં રહે છે. સાબિત કરતાં લાગે એક ભવ પણ ઓછો પડે.
ડૉક્ટરોના બીલ, મોંઘુદાટ શિક્ષણ અને વસવાટ માટેનાં ઘરનાં ત્રિભેટે જ આવકનું ગણિત બેઠો મૂઢ માર મારતું રહે છે. લગ્ન પ્રસંગે ખરચાનાં ગણિત પર ચાંલ્લાનો મલમ જલ્દી રૂઝ નથી લાવી શકતો. આંગળીનાં વેઢે ઘૂંટાયેલું ગણિત આજકાલ કેલક્યુલેટરનાં બટનથી ટેરવાનાં સ્પર્શને લાગણી શૂન્ય બનાવી રહ્યું છે. આર્યભટ્ટજીની શૂન્યની શોધ આપણને આજકાલ ફળી છે. પૂછશો નહિ ક્યાં ? લો, કાનમાં કહી દઉં છું 'સંબંધોમાં'
મરી મસાલા: ગણિતનાં અંકોમાં ઘરઘર રમતાં ૪ (ચતુર્થી)વાળા ગણપતિદાદા, ૮ (અષ્ટમી) વાળા કૃષ્ણ-કનૈયા અને ૯ (નોમ-નવમી) વાળા પ્રભુ શ્રી રામ આપણને જિંદગીનું ગણિત સહેજ યાદ કરાવી...પછી ? 'અવતાર' લેવાનો ખો આપી છૂ નથી થઈ ગયા ?
ના કોઈ નાનો, ના કોઈ મોટો, પદ મૂક્યું ખોટું, તો ગણિતમાં દાખલો ખોટો.