Get The App

એજેન્ડા ,આંદોલન અને અધિકાર

હોરાઈઝન - ભવેન કચ્છી

Updated: Jan 19th, 2020

GS TEAM

Google News
Google News
એજેન્ડા ,આંદોલન અને અધિકાર 1 - image


તમામ દેશોને તેમની રાષ્ટ્રીય સુરક્ષા નીતિ હોય છે: અમેરિકાએ પાંચ દેશોના નાગરીકોનાં  પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવી દીધો... ત્યાં કોઈ આંદોલનો નથી થતા

CAA અને NRCની આંટીઘૂંટી અંગે કઈ જાણતો જ નથી તેથી ''નો કોમેન્ટ'': કોહલી જેવી નિખાલસતાની પણ યુવાપેઢીને જરૂર છે 

ભારતમાં CAA અને NRCના અમલની સામે જે રીતે હોબાળો મચ્યો છે તેની યથાર્થતા અંગે પછી વિચારીશું પણ એક પ્રશ્ન જરૂર થાય કે ખરેખર જે યુવા પેઢીએ સોશિયલ મીડિયા અને યુનિવર્સિટી કેમ્પસમાં રાષ્ટ્રદ્રોહી બનવાની હદે ખુલ્લેઆમ જાણે શ્રીનગરની જગાએ પાકિસ્તાન તરફી પ્રવૃત્તિ કરવાનું એપીસેન્ટર દિલ્હી અને અલીગઢ યુનીવર્સીટીમાં ફેરવી દીધું હોય તેવા  નારાબાજી -બેનર લઈને વિરોધ કર્યો ત્યારે એવું લાગે કે આ તત્ત્વોને દેશના નાગરીકો કે લઘુમતીની ચિંતા સાથે કોઈ લેવાદેવા નથી તેઓ કાં તો કોઈ ગ્રંથીથી પીડાય છે  કે પછી ભાજપ જે રીતે ૩૭૦મી કલમ નાબુદી, ટ્રીપલ તલ્લાકને તિલાંજલી અને અયોધ્યામાં જ રામ મંદિર બનશે તેવા મુકામ પર દેશને લાવ્યો છે તેથી તેઓની અંદરનો એકટિવિસ્ટ આત્મા હુતાશનીની જેમ ભડભડ બળી રહ્યો છે. 

નાગરિક સુધારા બિલ અને નાગરિકોની નોંધણીનું બિલ અમલ મુકાશે તો આગળ જતા ભાજપ દેશના મુસ્લિમોને પણ હાંસિયામાં ધકેલી સરહદ પાર મોકલી દેશે કે પછી બાંગ્લા દેશના ૧૯૭૧ વખતના તમામ લાખોને એકસાથે  ઘરભેગા કરશે  તેવો કાલ્પનિક ભય ઉભો કરીને આંદોલન છેડાય તેવું વિશ્વનો કોઈ દેશ ચલાવી ન લે. એ કબુલ કે દેશનાં નાગરિકને  તંત્રની સામે વિરોધ નોંધાવવાનો, પ્રચંડ આંદોલન કે દેખાવો કરવાનો અને અભિવ્યક્તિનો અધિકાર છે પણ પહેલા તો આંદોલનકારોએ સરકાર તેઓને જે કાલ્પનિક ભય છે તે રીતે તેનો અમલ કરે છે કે નહીં તે માટેની રાહ તો  જોવી જ જોઈએ.

આશ્ચર્યની વાત એ છે દેશનાં બહુમતી  મુસ્લિમ નાગરિકોએ ટ્રીપલ તલ્લાક ,૩૭૦મી કલમ નાબુદી અને અયોધ્યા ચુકાદા બાદ ભારે ખેલદિલી,  સૌજન્ય અને સૌહાર્દ વ્યક્ત કરતા આ ઘટનાક્રમને માથે ચઢાવ્યો છે. ૩૭૦મી કલમ નાબૂદીથી કાશ્મીરમાં વસતા જુજ ટકાવારી નાગરિકો કે જેઓ અલગાવવાદી અને પાકિસ્તાનની જાળમાં ફ્સાયા છે તેને બાદ કરતા કોઈને વાંધો નથી. 

ભારતના અન્ય રાજ્યોનાં મુસ્લિમો પણ કાશ્મીરીઓની તરફેણમાં આંદોલન છેડતા   રસ્તા પર કે યુનિવર્સિટીમાં નથી ઉતરી આવ્યા. તે જ રીતે CAA અને  NRCમાં બહુમતી મુસ્લિમોએ પણ  અત્યારે હજુ અમલ જ નથી થયો અને પ્રક્રિયા પણ પ્રારંભાઈ નથી ત્યારે પાકટ અભિગમ બતાવતા આંદોલનમાં સામેલગીરી એ હદે નથી બતાવી.

આપણા દેશની કમનસીબી છે કે મુસ્લિમ નાગરીકોને ભય બતાવી તેઓના નામે,  તેઓ માટે છીએ તેવો ડોળ કરીને  રાષ્ટ્રદ્રોહી બનવાની હદે બહુમતી નાગરીકો  પોતે જાણે માનવ જગતના ઉદ્ધારક હોય તેમ વિષ ફેલાવે છે. અરુંધતી રોય જેવી એકટિવીસ્ટ જાહેરમાં એ હદે નાગરિકોને ઉશ્કેરતા સલાહ આપે કે નાગરિક નોંઘણી વખતે તમને તમારું નામ, સરનામું  કે અન્ય અંગત વિગતો ડેટા માટે પૂછવામાં આવે તો ખોટી માહિતી આપી દેવી, મોદીના નિવાસ સ્થાનને તમારા સરનામા તરીકે કહી દેવાનું. 

લોકશાહી દેશના નાગરિકોને આંદોલનનો, અભિપ્રાયનો અને અસહકારનો  અધિકાર છે પણ દેશના ગદ્દાર છો તેવી બુ આવે કે અંદરથી દેશ કે કોઈ પક્ષ, નેતાથી પીડાતા હો તો તે અંગત માનસિક બીમારી  અને વિકૃતિ જનમાનસ પર ઓકવાની વૃત્તિ છતી ન થવી જોઈએ. કોઈપણ વિરોધ ઇસ્યુ બેઝ્ડ જ હોવો જોઈએ. 

આંદોલન કે વિરોધ કરનારામાંથી મોટાભાગનાને સીધું જ પૂછો કે અમને સમજાવો કે CAA, NRC શું છે અને તમને  તે  પેટમાં ક્યા ખૂણે  દુખે છે તેનું વિગતે વિશ્લેષણ કરો .. ભવિષ્યમાં ભાજપ આવું કરશે તે કલ્પનાથી નહીં પણ  માનવીય અભિગમથી તે કઈ રીતે તમારી નજરે દેશ માટે યોગ્ય છે કે નહીં તેમ  પુછો તો આંદોલનકારીની  નવી પેઢી આઘાતજનક રીતે અજ્ઞાાની પુરવાર થશે. પ્રત્યેક દેશને તેની આંતરિક સુરક્ષા માટે બદલાતા જમાના પ્રમાણે વ્યહવારુ અસાધારણ નિર્ણયો લેવા પડતા હોય છે .  

અમેરિકા મેક્સિકનોની ઘુસણખોરી અટકાવવા હજારો કિલોમીટરની દીવાલ બનાવે છે.  હજારોની સંખ્યામાં ઘુસણખોરોને પકડી તેઓને  સ્વદેશ ભેગા કરે છે. અમેરિકા ભારત સહિતના દેશોના ત્યાં વસતા નાગરિકોને માટે  કડક નિયમો બહાર પાડતું જાય છે.  અમેરિકામાં તો યુનિવર્સિટીમાં કોઈ દેશના છાત્રો આ હદે અને આ રીતે આંદોલન નથી કરતા. 

હા, ટ્રમ્પના નિર્ણયો તદ્દન તુમાખીભર્યા કે આગળ જતા દેશ માટે નુકસાનકારક પણ પુરવાર થાય. તેની ટીકા પણ થાય જ છે . તે વટ કે સાથ  'અમેરિકન ફર્સ્ટ ' કહી શકે છે. ભવિષ્યમાં બીજો રાષ્ટ્રપતિ આવશે ત્યારે તે ટ્રમ્પના કાયદાને બદલી પણ શકે .. અત્યારે તો ટ્રમ્પ બહુમતીના જોરે જે ઈચ્છે તે અમલા મુકવાનો હકદાર છે . અમેરિકામાં તો  ઈરાન, સીરિયા ,  સોમાલિયા, યમન, લીબિયા અને નોર્થ કોરિયાના નાગરિકોને તો પ્રવેશ માટે જ સખ્ત નિયંત્રણ છે.

અમેરિકાના પ્રમુખ ટ્રમ્પના આવા નિર્ણયને પડકારવામાં આવ્યો તો સુપ્રીમ કોર્ટે પણ મંજુરીની મ્હોર લગાવી. અમેરિકામાં પણ મુસ્લિમોએ વિવેક બતાવતા તેઓ  જે દેશમાં રહે છે તે સરકારના આદેશને શિરમોર ગણાવી વિરોધનો એક સુર સુદ્ધા નહોતો છેડયો. રોહીન્ગ્યા મુસ્લીમોના હિજરતીઓને કેટલાયે ઇસ્લામધર્મી દેશોએ જ સરહદ પરથી જ જાકારો આપ્યો હતો.

તેવું જ આઇએસ આઇએસના પાશવી હુમલાથી ફફડીને ભાગતા શિયા મુસ્લિમોને ઘણા રાષ્ટ્રોએ આશ્રય નહોતો જ આપ્યો. આમાં હંમેશા અમાનવીયતા નથી હોતી પણ તેમના દેશના નાગરીકોને જે તે સરકાર આથક રીતે સાચવી શકે અન્યનો બોજ પરવડે જ નહીં. આંતરિક સુરક્ષા જોખમાય તે જુદું . આવા તમામ સમયે કોઈ અસરગ્રસ્ત દેશ કે ધર્મના નાગરિકોએ આંદોલન નથી છેડયું .

૨૦૧૪ પછી  પાકિસ્તાન , બાંગ્લા દેશ,  અફઘાનિસ્તાન અને શ્રીલંકાથી ભારત પરત આવી ચુક્યા હોય તેવા ત્યાંનાં ત્રસ્ત નાગરિકોને (મુસ્લિમ સિવાય) નાગરિકત્વ આપવા   તૈયાર છે  તેવી હજુ તો જાહેરાત થઇ ત્યાં જ આંદોલને જોર પકડયું છે. સરકાર આવા નાગરિકોના આંકડા જાહેર કરે તો તે અમુક હજારથી વધુ નહીં હોય.

આ  દેશોના ત્રસ્ત  મુસ્લિમોને અન્ય મુસ્લિમ દેશોમાં આશ્રય લેવાનો વિકલ્પ છે તેવી સરકારની વાતમાં શંકા કરીને તેઓને મુસ્લિમો પ્રત્યે અભાવ જ  છે તેમ શા માટે માની લેવું? અમેરિકા, રશિયા, ચીન બ્રિટન,  ફ્રાંસ તમામ દેશોને તેમના ઘુસણખોરો અને આશ્રિતો માટેની નીતિ છે. કોને વિઝા કે દેશમાં પ્રવેશ આપવો કે ન અપાવો તેના આંતરરાષ્ટ્રીય ધારાધોરણ છે.

ભારતની પણ કોઈ આવી નીતિ હોઈ શકે. જેઓ માટે ભારતમાં આંદોલન થાય છે તેઓ જ મહદઅંશે તેનાથી દુર છે કેમ કે  તેઓ તો  ખુદને સુરક્ષિત મહેસુસ કરે છે અને તેઓ તે તેમાં જોડાયા નથી. વિરોધ પણ વોટ બેન્કને ફાયદો થશે કે નુકસાન તે ગણતરીથી થાય છે અને જે બિલ મંજુર થાય છે તે પણ શાસક પક્ષ હંમેશા વોટ બેન્કને નજરમાં રાખીને જ કરતા હોય છે.અમેરીકામાં રિપબ્લિક અને ડેમોક્રેટ તે રીતે વિરોધાભાસી વિચારધારાની વોટ બેંક ધરાવે છે.

બ્રિટનમાં લેબર અને કન્ઝર્વેટીવ આ રીતે છે ,ફ્રાંસ અને જર્મનીમાં પક્ષો વચ્ચે આ જ રીતે ધર્મના ફાંટા,  પાડોશી દેશો સાથેના સંબંધો કે પેન્શન કાયદા બાબતની સામસામી વોટબેંક છે. આ દેશોમાં પણ વિરોધ વ્યક્ત કરતી જનમેદની રસ્તા પર ઉમટી પડે છે પણ તેઓ દેશદ્રોહી જેમ કે દુશ્મન દેશ મજબુત બની જાય તે રીતે આંદોલન નથી કરતા. દેશનાં ફેબ્રીક્સને તોડી પાડવાનો મલીન ઈરાદો ધરાવતા તત્વોના હાથા નથી બની જતા.ભારતમાં ભાજપ વિચારધારા અને  વિરોધી વિચારધારાના પક્ષોની રાજનીતિ છે. જેનું શાસન હોય તે તેનો એજેન્ડા ચલાવે તેવું દાયકાઓથી ચાલતું રહ્યું છે.વિશ્વને આમાં કંઈ અજુગતું નથી લાગતું. 

કોઈપણ દેશને તેની વસ્તી ગણતરી અને સુરક્ષા સંદર્ભમાં વ્યક્તિગત ડેટા મેળવવા અત્યંત જરૂરી અને સંવેદનશીલ બાબત છે. જે નાગરીકો  ગેરકાયદેસર હોય તેને ચિંતા હોય. તેના માટે વકીલાત ન કરાય. જે પણ ગૂંચવાડો, દસ્તાવેજો મેળવવાની ત્રૂટિ હોય તો તેનું નિરાકરણ અને નાગરિકોને આ પ્રક્રિયામાં તકલીફ  પડે તો તેની ફરિયાદનું  સમાધાન થવું જ જોઈએ પણ અમે નોંધણીમાં સહકાર જ નહીં આપીએ તેવું સ્ટેન્ડ લેવું કે  ભોળા નાગરિકોને ઉશ્કેરવા તે શરમજનક કહેવાય. નોકરીના સ્થળે કે કંપનીમાં પણ કર્મચારીએ તમામ વિગત આપવી જ પડે છે. બેંક લોન આપતા આથક કુંડળી માંગે છે.

પોલીસે આંદોલનકારીઓ પર   જે રીતે પાશવી હુમલો કર્યો તે પણ નિંદનીય છે. દીપિકા પદુકોને અને બીજા ઘણા આવા હુમલાની વિરોધમાં છે. કોહલી જેવી ઘણી સેલીબ્રીટીએ પ્રસંશીય અને ખેલદિલ વલણ અપનાવતા કહ્યું છે કે અમે બિલ કે કાયદાને હજુ સમજતા નહીં હોઈ આ અંગે કોઈ ચંચૂપાત કરવા નથી માંગતા.

હા, ટ્રીપલ તલ્લાક, ૩૭૦મી કલમ નાબુદી અને અયોધ્યા મંદિર તરફી ચુકાદા પછી તરત જ શઇભ અને ભછછના પાસા ફેંકવાની જરૂર નહોતી. સરકાર જાણે કોઈ એજેન્ડા હોય તેમ એક પછી એક ભરડા લેતી હોય  તેવી શંકા અને ભય જન્મે. અર્થતંત્ર પર લક્ષ્ય સેવી થોડા અંતરાલ બાદ આગેકૂચ કરી શકાઈ હોત.

લાગણીનો એક સમય હતો જ્યારે સ્ટેશને મુકવા જતાંય આંખો ભીની થઇ જતી .. અને હવે સ્મશાનમાં પણ આંખો કોરી જ રહે છે.

Tags :