સર્જિકલ સ્ટ્રાઇક - કર્નલ આનંદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલી ટર્મનાં પાંચ વર્ષમાં ત્રેંસઠ વિદેશોની મુલાકાત લીધી હતી. એટલે દર વર્ષે બારથી તેર વિદેશપ્રવાસ થાય. આ બીજી ટર્મમાં છ મહિનાના ગાળામાં તેર વિદેશોની મુલાકાત લીધી. તો દેશની સમસ્યા પર કેટલું ધ્યાન આપી શકતા હશે ?
- અશોક સી. શાહ (અમદાવાદ)
- દેશની સમસ્યાનો ઉકેલ એમને વિદેશોમાંથી જડતો હશે. અને આપણે તો ગર્વ કરવો જોઇએ કે અત્યાર સુધી ભારતને રાષ્ટ્રીય વડાપ્રધાન મળ્યા છે ! આ પહેલીવાર ભારતને આંતરરાષ્ટ્રીય વડાપ્રધાન મળ્યા છે, એનો આનંદ માણવાને બદલે શિકાયતો કરો છો ?
કેટલાય સમયથી 'મહા' નામના વાવાઝોડાની ધાક છવાયેલી રહી ને છેવટે એ ઠુસ થઇ ગયું. એવું કેમ બન્યું ? એને ગુજરાતની દયા આવી કે ગુજરાતથી ડરી ગયું ?
- રોહિત અંબાલાલ પટેલ (આણંદ)
- એ જે માનો તે ખરું, પણ આમાંથી એક વાત જાણવા મળી કે હવાની પણ હવા નીકળી જાતી હોય છે !
ગણપતિ ગયા, નવરાત્રી ગઇ, અને દિવાળી પણ ગઇ, છતાં હજી ચોમાસું જવાનું નામ નથી લેતું ! એનું કારણ શું ?
- રાજેશ આશારામ ત્રિવેદી (રાજકોટ)
- શિયાળાને મેકઅપ કરાવવામાં વાર લાગી એટલે ચોમાસાને રડવું પડયું! સ્ટેજ ખાલી તો ન રખાયને ?
કર્નલ સાહેબ ! તમારા દિલ પર ક્યારેય ચોટ લાગી છે ખરી ?
- શિલ્પા મહેશ બારોટ (મહેસાણા)
- મારું તો રોમરોમ ઘાયલ છે ! આ તમે યાદ દેવડાવ્યું, એ પણ એક ચોટ જ છે ને ?
કર્નલ સાહેબ ! મારું નામ પણ આનંદ છે ! એ વિશે તમે શું કહેશો ?
- આનંદ એચ. પટેલ (નડિયાદ)
- નસીબદાર છો તમે ! મારી જેમ વાચકોના પ્રશ્નોનો સામનો કરવો પડતો નથી એટલે તમારે તો યાર આનંદ જ આનંદ છે !
રાત ન પડતી હોત તો ?
- રસિક ઝવેરચંદ બ્રહ્મભટ્ટ (કડી)
- તો સૂરજ ઊગ્યો ન હોત ! ને ચોવીસે કલાક રાત જ રહી હોત !
ઉત્તર પ્રદેશમાં દસદસ વ્યક્તિઓની હત્યા થાય છે અને દસ મહિલાઓ વિધવા થાય છે, અને સરકાર મહિલાઓના વિકાસની વાતો કરે છે ? તો આવું કેમ ?
- દિવાન જેતુનબેન (કરજણ)
- સરકારે મહિલાના વિકાસની વાત કરી છે. એને અખંડ સૌભાગ્યવતી નથી કહ્યું.
જેના ભાગ્યમાં જે સમયે જે લખ્યું હશે એજ એને મળશે, તો પુરુષાર્થનું શું ? અને ઈશ્વરની ભૂમિકા શી ?
- સંધ્યા ડી. પુરોહિત (અમદાવાદ)
- ભાગ્યની વાત પુરુષાર્થીઓ માટે જ કહેવામાં આવી છે. ઈશ્વર નિરીક્ષકની ભૂમિકામાં હોય છે !
સમયની કિંમત કોણ સમજે છે ?
- દિલીપ આર. વોરા (અમદાવાદ)
- જેની પાસે હોય છે એને સમયની કિંમત નથી હોતી. જ્યાં સમયની અછત છે ત્યાં જ સમયની કિંમત થાય છે !
વરસાદ લાવવા મલહાર રાગ ગવાય છે, તો વરસાદ બંધ કરવા કયો રાગ ગાવો ?
- ડૉ. રાજેન્દ્ર કે. હાથી (વડોદરા)
- ફાગણના ગીતો ગાવા જોઇએ !
ભારત સરકાર ક્યારે એક બાળકનો કાયદો લાવશે ? ચીનમાં એક બાળકનો કાયદો હોવાથી વસ્તી ઘટી છે ! તમારો શો અભિપ્રાય છે ?
- દિવાન ઈબ્રાહિમ શા. ઉસમાનશા (કરજણ)
- ગરીબી, બેકારી, મોંઘવારી અને વસ્તી ઘટાડવાની વાત હવે હાથમાં રહી નથી !
મારો એક મિત્ર કારણ વગર ટેન્શનમાં રહે છે તો શું કરવું ?
- ધવલ જે. સોની (ગોધરા)
- એમાં તમે ના ટેન્શનમાં આવી જતા !
અમુક લોકો આખો દિવસ બોલ્યા જ કરતા હોય છે. બકવાસ અને લવારા કરતા રહે છે. બોલવા પર જ ટેક્ષ નાખ્યો હોય તો ?
- મણિબેન પટેલ (ઊંટડી, તા. વલસાડ)
- ટેક્ષના કારણે જ બકવાસ વધી ગયો હોય ેવું નથી લાગતુ ?
માલિશ... તેલમાલિશ, સર જો તેરા ચકરાયે... એવી સદીના મહાનાયકને જોની વોકરની કોપી કરી એવી જાહેરાત કરવાની જરૂર હતી ખરી ?
- અમૃત કે. સોલંકી (બોટાદ)
- લોભે લક્ષણ જાય એ કહેવત આ મહાનાયકને લાગુ પડે છે !
ડૉકટરો, વકીલો, ઓફિસરો કેમ મંદિરમાં દર્શન કરવા રોજ જતા નથી ?
- ભાવસાર કનૈયાલાલ હરિભાઇ (વડનગર)
- એ અંગે પૂજારીને ચિંતા હોય, તમને શું વાંધો પડે છે ?
પ્રેમની પરીક્ષામાં કેટલા વિષય રાખી શકાય.
- રક્ષિત વોરા ''ક્ષિતિજ'' (ગાંધીનગર)
- ત્રણ, સત્ય, સંવેદના અને વફાદારી !
લગ્ન પહેલાં મહેંદીની રસમ હોય તો છૂટાછેડા પહેલાં કઇ રસમ હોય ?
- હંસાબેન ભરૂચા (મુંબઇ)
- પહેલાં વાતાઘાટો, પછી કજિયો અને છેવટ પિયરવટુ !
તમે દર રવિવારે છવ્વીસ પ્રશ્નોના જવાબ આપો છો તો કોન બનેગા કરોડપતિના શોમાં પંદર પ્રશ્નના જવાબ આપવા કેમ નથી જતા ?
- વંદિતા નાણાવટી (રાજકોટ)
- છવ્વીસ જવાબો છવ્વીસ માણસોને આપીએ છીએ. ત્યાં એક ને એક માણસને પંદર જવાબ આપવાનો કંટાળો ના આવે ?
કઇ પ્રક્રિયા પહેલાં થાય છે ? છણકો કે સણકો ?
- ભર્ગા માંકડ (અમદાવાદ)
- દરેક છણકા પછી સણકા ઊઠે એવું કોણે કહ્યું ?
આજની યુવાપેઢી વડીલોને પગે લાગતા કેમ શરમાય છે ?
- ડી.કે. માંડવીયા (પોરબંદર)
- વડીલોએ નાનપણથી પગે લાગવાનું શીખવાડયું હોય તો શરમ ના આવે ?
જરૂર કરતાં વધારે વરસાદ થવાથી ખેતરોમાં નુકશાન થયું. એમની ઘરવખરી પણ પલળી ગઇ, એ સામે ગુજરાત સરકાર કેટલા રૂપિયા આપશે ને ક્યારે આપશે ? એ તમે કહી શકો ખરા ?
- કાંતિલાલ જેઠાલાલ ખખ્ખર (રાજકોટ)
- ના ભઇ ! ચોરના જામીન થવાય. સરકારના જામીન થવાની અમારી હિંમત નથી !
સમય કોની રાહ નથી જોતો ?
- ગુલાબ બી. હિન્ડોચા (રાણા વડવાળા)
- સમય કોઇની પણ રાહ જોતો નથી.
મન, મોતી ને કાચ, તૂટી ગયા પછી કેમ સાંધી શકાતા નથી ?
- નૈષધ દેરાશ્રી (જામનગર)
- એટલે જ એ ત્રણે પ્રત્યે નાજુકાઇથી વર્તવાનું કહેવામાં આવે છે. સાચવો !
જાના થા જાપાન, પહોંચ ગયે ચીન ! એનોે શું મતલબ ?
- જ્યોત્સના િેંહડોચા (રાણાવડવાળા)
- ખોટી બસ કે ખોટી ગાડીમાં બેસી જવાય એવું જ થાય ? એવું કોઇની વાતોમાં આવીને અને કોઇની વાદે ચડીને પણ થાય.
સર્જિકલ સ્ટ્રાઇક
વાચકો (માત્ર) સાદા પોસ્ટકાર્ડ પર સવાલ મોકલાવી શકશે. એમાં પોતાનું નામ, સરનામું અને મોબાઇલ નંબર લખવાનો રહેશે.
સવાલ પૂછવા માટેનું સરનામું :
'સર્જિકલ સ્ટ્રાઇક વિભાગ', ગુજરાત સમાચાર, ખાનપુર, અમદાવાદ- ૩૮૦૦૦૧.