Get The App

એકલા હોવું એ મનુષ્યની અંતિમ નિયતિ

સ્પાર્ક વત્સલ - વસાણી

Updated: Nov 16th, 2019

GS TEAM

Google News
Google News
એકલા હોવું એ મનુષ્યની અંતિમ નિયતિ 1 - image


મૂળિયા વિનાના ઝાડની જેમ જ આપણે સગપણના જગતમાં જીવીએ છીએ. એ ઝાડ ઉખડી જાય તો ક્યાંય કશો ઉત્પાત કે કોઇનાય મનમાં મોટો કોઈ ઉલ્કાપાત થાય એવું નથી..

ક્યા રેક લાગે છે કે આજના જમાનામાં માણસ સાવ એકલો છે. ક્યાંય, કશું, કોઇની સાથે જોડાણ નથી. બહારના બધા જ સગપણ એક પ્રકારની ઔપચારિકતા જેવા છે. માનવી ચારે બાજુથી સંબંધોના મહાસાગરમાં એક નાનકડા તરતા ટાપુ જેવો બની ગયો છે. ઓળ'ખાણ' ગમે તેટલી ઊંડી હોય તો પણ એ જમીનમાં જ ધરબાયેલી રહે છે.

જમીનથી ઊંચે ઊઠવું હોય, શિખરોની સફર કરવી હોય તો આ બધા ઔપચારિક સંબંધોથી બહાર આવી કંઇક જુદી રીતે જીવવાની કોશિશ કરવી જોઇએ. સંબંધોમાં તમે ક્યારેય સામા પક્ષની અનિવાર્યતા બની શક્તા નથી.

એક બીજી વાત પણ સમજી લેવા જેવી છે. સંબંધો ગમે તેટલા મજબુત હોય તો પણ એ અંદરથી જોડી શક્તા નથી. જ્યાં સુધી તમે તમારી સાથે જોડાતા નથી ત્યાં સુધી બહારના બધા જ જોડાણ ઉપરછલ્લા અને બટકણા હોય છે. 

પોતાની સાથે જોડાવા માટે સંસાર છોડીને ભાગવાની જરૂર નથી. સંસાર પ્રત્યેની જે પકડ છે, સંસાર સાથે જોડાયેલા જે વળગણ છે તેને છોડાવવાની જરૂર છે.  માત્ર મનુષ્ય પાસે સંભાવના છે કે એ બ્રહ્મમય બની શકે. કશાયે જોડાણ કે વળગણ વિના એ વ્યાપક બની શકે છે. આજુ બાજુનું કશુંયે બંધનરૂપ ન બને અને છતાં સમગ્ર સાથે સંલીન થઇને જીવે એનું નામ જ સંત છે.

બંધન વિનાનો સંબંધ બાધક નથી બનતો. લિપ્ત થયા વિના આખા જગત સાથે પણ ઓતપ્રોત થઇને જીવીએ તો એમાં કોઈ હાનિ નથી. બંધન વિનાનો સંબંધ સુવાસ જેવો છે. સુવાસ પાસે કોઈ ચોક્કસ સરનામું કે 'એરો' નથી હોતા. એ બધા માટે નિરપેક્ષ બનીને વહે છે. બંધન વિનાનો પ્રેમ યા ક્યાંય પણ જોડાયા વિના, લિપ્ત થયા વિના, વહેવાનો અનુભવ અદ્ભુત અને આનંદને વધારનારો હોય છે. નિર્બંધ પ્રેમ ક્યારેય પીડા ઉપજાવતો નથી.

બંધનરૂપ બનેલા સંબંધોથી મુક્ત થયેલો માણસ જ પોતાની સાથે સંયુક્ત થઇ શકે છે. સ્વયં સાથે જોડાવું એટલે જે સતત અને અતૂટ છે એની સાથે જોડાવું. પોતાની અંદર, સ્વયંના સાન્નિધ્યમાં સતત સુખનો વરસાદ થયા કરે છે. જે એકલા એકલાય સુખી થઇ શકે છે, અંદરથી જે કોઇનાય વિરોધમાં નથી કે કોઈ સાથે જોડાયેલા યા લિપ્ત નથી એવા લોકો ઓછા હોવા છતાં સૌથી વધારે સુખી અને સર્વાધિક નસીબવાન હોય છે.

એકલા હોવું, એકલા જવું એ મનુષ્ય માત્રની અંતિમ નિયતિ છે. ગમે તેટલા સંબંધો અને સગપણ હોય તો પણ છેલ્લી ઘડીમાં કામ લાગતા નથી. સૌ કોઇની આંગળી છોડીને વ્યક્તિએ એકલા જ અહીંથી વિદાય થવું પડે છે.

વર્ષો સુધી જેની સાથે રહ્યા હોઈએ, જેની સાથે જીવન કે હૃદય જોડયું હોય એવી વ્યક્તિ પણ મરણ પછીની સફરમાં સાથે આવી શક્તી નથી. શરીરના સંબંધો શરીર સાથે જ સમાપ્ત થઇ જાય છે. અને હૃદયના કે ચેતના સાથેના સંબંધમાં સદા ભરતી જ હોય છે. એમાં કદી ઓટ આવી શક્તી નથી.

કેટલાક સંબંધો એવા હોય છે જે શરીર કે મનથી આગળ જઇ શક્તા નથી. જ્યારે કેટલાક સંબંધો એવા પણ હોય છે જે શરીર, મન, હૃદય અને ચેતના એમ વ્યક્તિની સમગ્રતા સાથે જોડાયેલા હોય છે. આવા સંબંધો સાપેક્ષ હોતા નથી. સામા પાત્રની સ્વતંત્રતાના સ્વીકાર સાથે જ આવા સંબંધો આગળ વધીને વિકસતા હોય છે.

કોણ જાણે કેમ પણ માણસ એકલો પડવાથી ડરે છે. કોઇક સાથે છે એવા ભ્રમને ઉછેરીને એ જીવનભર સંબંધોને સાચવવા મથે છે. સંબંધોની જાળમાં ગૂંથાઈને, જિંદગીભર કોઈ બીજાની સામે જોતો રહીને એ સ્વયંથી વિખૂટો પડતો જાય છે. એની નજર પોતાની તરફ જતી જ નથી. બીજા જ એને દેખાય છે.

બીજા દ્વારા સુખ કે દુખ મળે છે એવા ભ્રમમાં રહીને એ બીજા સાથે બંધાયેલો રહે છે. જ્યારે વાસ્તવમાં તમે જો ઇચ્છો ને સ્વયંના આધાર પર ઊભા રહીને જીવો તો તમારી મરજી વિરુદ્ધ કોઇ તમને દુખી કે સુખી ન કરી શકે. સુખ અને દુખ બન્ને એક જ સિક્કાની બે બાજુ છે. જે બીજાની પાસેથી સુખ મેળવવા ઇચ્છે છે એ અનિવાર્ય રીતે બીજા દ્વારા દુખ પણ મેળવે છે.

એકલા પડવાથી તમને તમારી અદ્વિતીયતાનો ખ્યાલ આવે છે. પરમાત્માએ તમારા જેવું બીજું કોઈ બનાવ્યું જ નથી. પણ મુસીબત એ છે કે એકલા પડવું, બધાથી અલગ થઇને જીવવું અતિશય મુશ્કેલ છે. અને એટલે મનુષ્યે-પરમાત્માને પણ પોતાની હરોળમાં ઉભા કરી પોતાના મગજમાંથી એક કથા ઘડી કાઢી છે કે પરમાત્મા પણ એકલા ન રહી શક્યા. એને એકલા એકલા અણસખ (અસુખ) થવા લાગ્યું. અને એટલે એમણે એકલતા દૂર કરવા આખા જગતનું સર્જન કર્યું ! કથામાં સચ્ચાઈ શોધવાની જરૂર નથી.

આવી કથાઓ માણસને સમજવા અને સમજાવવા માટે રચાતી હોય છે. કહેવાનું તાત્પર્ય એટલું જ હોય છે કે તમે તમારા એકાંતમાં જો સુખી નથી થઇ શક્તા તો તમારી આસપાસ આખો એક સંસાર રચાવાનો શરુ થાય છે. તમે બહાર બહાર ભમો અને ભટકો છો ને જિંદગીભર ભટકવા છતાં પોતાની સાથે સંલગ્ન થઇ શક્તા નથી.

નર્યા એકાંતમાં જ સ્વયં સાથે મુલાકાત થતી હોય છે અને ત્યારે આશ્ચર્યનું આશ્ચર્ય એ થાય છે કે સ્વયંને મળતાં મળતાં, સાગરમાં જેમ મીઠાની પૂતળી ઓગળી જાય એમ વ્યક્તિ ઓગળી જાય છે. પોતાનો 'અહં' લઇને જીવતી વ્યક્તિ ક્યારેય પોતાની મુલાકાત કરી શક્તી નથી અને અહં છોડીને જો સ્વયંને મળવા જાવ તો મળનારની સાથે સાથે જેને મળવા ગયેલા એ પણ વિલીન થઇ જાય છે.

બેમાંથી એક પણ જ્યાં નથી હોતું ત્યાં અદ્વૈત હોય છે. બેમાંથી કોઈ નથી હોતું એમ કહેવા માટેનો ધર્મના જગતમાં જે વિધાયક શબ્દ છે તે 'અદ્વૈત' છે. જ્યાં બીજું નથી ત્યાં પહેલું પણ શી રીતે હોઈ શકે? નરી શૂન્યતા જ આપણા આ જીવનની અને જગતની અંતિમ વાસ્તવિક્તા છે.

Tags :