ઉત્તમ સંબંધી બનવાના સાત માર્ગો ક્યા ?
જે સંબંધો પરિપકવ છે, તેની ઈજ્જત અને લિજ્જત કાંઈક ઓર જ હોય છે ! જૂના સંબંધો મંદમંદ વહેતી સરિતા જેવા હોય છે, જ્યારે નવા સંબંધો ખડક પરથી પડતું મૂકતા ઝરણા જેવા હોય છે
એ ક માણસે પોતાની ડાયરીમાં લખ્યું: ''જૂના સંબંધો ઉવેખવા નહીં, નવા સંબંધોને ઉતાવળે પોંખવા નહીં.'' સંબંધ વિશેનું એ માણસનું જીવનદર્શન નોંધપાત્ર છે.
'જૂના સંબંધમાં તો બધું ય ચાલે, નવા સંબંધને જાળવવો જોઈએ' એવી ટૂંકી ગણતરી રાખનાર વ્યક્તિ બન્ને બાજુના સંબંધોની ઉષ્મા ગુમાવે છે. જે સંબંધો પરિપકવ છે એની ઈજ્જત અને લિજ્જત કાંઈ ઓર જ હોય છે ! જૂના સંબંધો મંદ મંદ વહેતી સરિતા જેવા હોય છે, જ્યારે નવા સંબંધો ખડક પરથી પડતું મૂકતા ઝરણા જેવા છે, જેમાંથી હજી સરિતા બનતાં સમય જવાનો છે.
સંબંધમાં માણસ પોતાને ગમતી વાતો શોધવાનો પ્રયત્ન કરતો હોય છે. જેનામાં જેટલું પોતાને ગમતું મળવાની શક્યતા હોય તેની તરફ વ્યક્તિ વળે છે, ઢળે છે. જૂના સંબંધો સ્થિર ગતિએ વહે છે. એમાં સંબંધની આન અને શાન સાચવવાની વણલખી પ્રતિજ્ઞાા હોય છે. ઘસાઈ છૂટવું એ જૂના સંબંધોએ સ્વીકારેલું વ્રત છે. સહિષ્ણુતા એનું વીટામીન છે, અને ક્ષમા ભાવના એનું પરિપોષક બળ. જૂના સંબંધોમાં પ્રવંચના અને છળનું પ્રમાણ નહીંવત્ હોય છે કારણ કે એમાં સંબંધની ગરિમાનો સ્વીકાર હોય છે.
નવા સંબંધો મોટા ભાગે કોઈ ખાસ 'હેતુ' સર બંધાતા હોય છે એટલે એમાં ગણતરીનું શાસન હોય છે. એ ગણતરી ન સંતોષાય તો સબંધ-વિચ્છેદ એની નિયતિ હોય છે, જે કદાચ વેરવૃત્તિમાં પણ પરિણમી શકે. એટલે નવા સંબંધને પણ નિસ્વાર્થ ભાવે પરિપકવ થવા દેવો એ જ ઉત્તમ માર્ગ છે. સ્વાર્થ સંબંધનો શત્રુ છે, જે સંબંધને અલ્પજીવી બનાવે છે. નવા સંબંધને પણ માત્ર શંકાથી નહીં શ્રધ્ધાથી જૂઓ અને એને સમયની કસોટી પર કસાવાની તક આપો.
એક વાત આપણે ગંભીરતાપૂર્વક વિચારવી જોઈએ કે આપણી નફરત જ મહોબ્બતનો શત્રુ બની પ્રગટતી હોય છે. એટલે સંબંધમાં નકારાત્કતા અને દોષદર્શનની વૃત્તિ-પ્રવૃત્તિથી અળગા રહેવું જોઈએ.
સંબંધમાં બીજો આપણને અનુકૂળ થાય એવી અપેક્ષા રાખવાને બદલે આપણે બીજાને અનુકૂળ થવાની તૈયારી કેમ ન દાખવીએ, એવી મનોવૃત્તિ સેવવાથી સંબંધ શુદ્ધ બને છે.
સંબંધીઓ જ્યારે ઝઘડાને સર્વસ્વ ગણે ત્યારે તેઓ શત્રુત્વની ચરમ સીમા લાંધી જાય છે. સંબંધીઓની તકરાર હકીકતમાં એટલી બધી ભયાનક હોય છે કે તેમાં સમાધાન કે મેળ કરાવવાનું અત્યંત મુશ્કેલ બની જાય છે. સંબંધમાં વિશ્વાસનો અભાવ પણ હાનિકારક અને આંધળો વિશ્વાસ પણ હાનિકારક. માણસ સંબંધ ન સુધારી શકે, તેમાં તેનાં મનોવલણો જ કામ કરતાં હોય છે ઃ જેમકે -
* અમારો સંબંધ એટલો બધો વણસી ગયો છે કે એમાં સુધારાને કોઈ અવકાશ નથી.
હું સંબંધ સુધારવા ખાતર લેશમાત્ર નમવા તૈયાર નથી.
હવે આ સંબંધનો અંત લાવ્યે જ છૂટકો.
હું સંબંધીને દેખાડી દેવા માગું છું કે મને નારાજ કરવાના કેવા માઠાં પરિણામ આવી શકે છે.
હું બદલો લઈશ તો જ સંબંધીની શાન ઠેકાણે આવશે.
એ વાત સાચી છે કે મનુષ્યનું અર્ધજાગ્રત મન માણસના માનસિક દબાણને સહયોગ આપતું નથી.
અહીં પોતાની વિરુદ્ધના માણસોમાં અપેક્ષિત સુધારો લાવવાની એક રીત લુઈસ એલ.હે એ સૂચવી છે, જે ધ્યાનમાં લેવા જેવી છે. તેમણે નોંધ્યું છે ઃ ''તમારા જીવનમાં પીડા ઉત્પન્ન કરતી વ્યક્તિ વિશે ક્ષણભર વિચાર કરો. એ વ્યક્તિમાં તમને ન ગમતી ત્રણ વાતોનું વર્ણન કરો, એવી વાતો જે તમે ઈચ્છો છો કે તે અથવા તેણી બદલી નાખે.''
''હવે તમારા માંહ્યલામાં ઊંડે સુધી ઝંખો અને તમારી જાતને પ્રશ્ન પૂછો કે 'શું હું તેમના જેવો લાગું છું અને તેમના જેવી હરકતો મેં ક્યારેય કરી હતી ?' આંખો બંધ કરીને આ આખી પ્રક્રિયા કરવા તમારી જાતને સમય આપો.''
''પછી તમારી જાતને પૂછો કે શું હું ફેરફાર કરવા રાજી છું ? જ્યારે એ બધાં વલણો, ટેવો અને માન્યતાઓ તમારા વિચાર અને વર્તનમાંથી દૂર કરી દેશો, તો એ બીજી વ્યક્તિમાં બદલાવ આવી ગયો હશે. અથવા તો તેણીએ તમારા જીવનમાંથી વિદાય લીધી હશે.''
લુઈસે કેટલાંક ઉદાહરણો આપીને આ વાત સમજાવવાની કોશિશ કરી છે -
* તમારો એવો બોસ હોય જે વારંવાર ટીકાઓ જ કર્યા કરતો હોય અને કોઈ રીતે રાજી ન રહેતો હોય તો તમારી અંદર માંહ્યલામાં ઝાંખી કરજો. તમને માલૂમ પડશે કે તમે પોતે કોઈક રીતે એમ જ વર્તતા હશો કે પચી માનતા હશો કે ''બધા બોસ ટીકાખોરો જ હોય છે અને તેમને રાજી રાખવા અશક્ય વાત છે.''
* જો તમારે કોઈ કામદાર કે નોકર હોય જે તમારી વાત માનતો ન હોય અથવા તમારી સૂચના પ્રમાણે વર્તતો ન હોય તો સહેજ અંદર ઝાંખીને જુઓ કે શું તમે પણ આવું કરતા હતા - તો તે વાતને સુધારી દો. કોઈને પાણીચું પકડાવી દેવું એ વાત સહેલી છે, પણ એનાથી તમારી પડેલી છાપ સાફ થઈ જતી નથી. જો તમારે પ્રેમી હોય અને સાવ ઠંડોગાર હોય અને તેની ચાહતમાં કોઈ દમ ન હોય તો તમારી અંદર શું કોઈ માન્યતા તમારાં મા-બાપને જોઈને પેદા થઈ હતી કે 'પ્રેમ તો ઠંડો ગાર છે અને વ્યક્ત ન કરવાની ચીજ છે !'
જો તમારે પત્ની હોય જે બેદરકાર અને અસહયોગી વર્તન કરતી હોય, તો ફરીથી ભીતરમાં ડોકિયું કરજો. શું તમારા મા-બાપમાંથી કોઈ બેદરકાર અને અસહયોગી વર્તન ધરાવતું હતું. તેથી જ શું તમે તેવા બન્યા છો ? (સોન્ડ્રા નામની ચિંતક માનતી હતી કે આપણો દરેક મહત્વનો સંબંધ એ આપણા મા કે બાપ
સાથેના સંબંધનું પ્રતિબિંબ છે. તેઓ ભારપૂર્વક માને છે કે જ્યાં સુધી આ પ્રતિબિંબને દૂર નહીં કરીએ ત્યાં સુધી આપણે શું જોઈએ છે, તેનું ચિત્ર પેદા કરી શકીશું નહીં.
બાળકના સંદર્ભે આ વાત સ્પષ્ટ કરતાં લુઈસ કહે છે કે જો તમારે એવું બાળક હશે
જેની ટેવોથી તમને ચીડ ચડતી હશે તો મને ખાતરી છે કે તે બધી જ તમારી ટેવો છે બાળકો તેમની આસપાસના મોટેરાંઓને જોઈને જ શીખતાં હોય છે. તમારી અંદરના આ ભાવને દૂર કરી દો અને બધો બદલાવ આપોઆપ આવી જશે.
સારાંશ એ જ કે બીજાંઓને બદલી નાંખવાનો આજ એક માત્ર રસ્તો છે ઃ અને એ છે પહેલાં તમારી જાતને બદલી નાખો, તમારાં વલણોને બદલી નાખો. ઉત્તમ સંબંધી બનવાના સાત માર્ગો ક્યા ?
૧. સંબંધમાં વાંકદેખા નહીં, પણ ગુણદ્રષ્ટા બનો. સહિષ્ણુતા કેળવો.
૨. સંબંધમાંથી અધિકારપ્રિયતાને દૂર કરી દો.
૩. સંબંધ એ દર્પણ છે. તમે તેમાં પ્રતિબિમ્બ જોઈ સંબંધની શાનને આડે આવતી ઝાંખપ દૂર કરો.
૪. સંબંધ ક્યારેય નહીં સુધરે, એવું નિરાશાવાદી વલણ સ્વીકારશો નહીં.
૫. કોઈ પણ વ્યક્તિના ગુણોનું સતત સ્મરણ કરો. એનાથી તે વ્યક્તિની તમારી તરફ આકર્ષાવાની શક્યતા વધશે.
૬. સદ્ભાવના ઉપાસક બનો, દુર્ભાવના નહીં.
૭. સંબંધની માવજત કરો. મિઠાશ એ સંબંધની સંજીવની છે.