શકરાભાઈનો શિયાળો ! (2)
હું, શાણી અને શકરાભાઈ - પ્રિયદર્શી
(ગતાંકથી પુરુ)
આપણી ત્રણ મોસમ વિશે ભાષ્ય કરીએ તો - શિયાળો ટૂંકી ફલંગનો. પણ એની ફલંગ ઘટ્ટ અને જોરદાર. હાડકાં થીજવી નાખે.
ઉનાળાની ફલંગ લાંબી. એની લાંબી ફલંગથી અવકાશ પૂરી દે અને જોતજોતામાં હું જ સત્તાધીશ છું - જ્યાં ફરું ત્યાં મારું રાજ્ય. I am the monarch of all I survey. આઈ એમ ધ મોનાર્ક ઓફ ઓલ આઇ સર્વે.
શિયાળો ભાગમભાગ કરતો, જાણે કોઈ એની પૂંઠે પડયું હોય તેમ વહેલો વહેલો પશ્ચિમની દિશામાં સંતાઇ જાય છે.
ઉનાળાને કશી ઉતાવળ હોતી નથી. એ નિરાંતે લાંબી ફલંગે સહુને ડારો દેતો એનો પ્રતાપ પ્રગટ કરતો ધીરે ધીરે રજવાડી રાહે ગતિ કરે છે. એને ઘેર જવાની જરાય ઉતાવળ હોતી નથી. રાત ડોકિયાં કરતી હોય છતાં એ તો નિરાંતે છેલ્લે કોઇ વાદળની પાછળ વિરામ લે છે અને ચોમાસુ ? એને તો કંઈ કહેવાય જ નહિ. સાવ મનમોજી સ્વભાવનો. પાકો વાયદાબાજ - ભલભલાને છેતરી મૂકે અને એમના પ્લાન, એમની યોજનાને ખોરંભે ચડાવી દે.
સ્વભાવે અડિયલ લોકો એની ખૂબ ઝંખના કરે ત્યારે એનો ઓછાયો ય દેખાય જ નહિ. જાણે એનું આગમન થવાનું જ ના હોય.
અને જ્યારે એમ લાગે કે આજે ના આવે તો સારુ ત્યારે મુશળધાર વરસી પડે.
આ ત્રણે મોસમમાં શકરાભાઈને શિયાળાની એલર્જી ટાઢ તો એમનાથી ખમાય જ નહિ. શિયાળાનો પવન સહેજ સાજ ફરકતો આવે અને એમને સ્પર્શે તો એ એવા સંકોચાઈ જાય.
એમની આ માનસિક નબળાઇની વાત, જ્યારે શાણીબહેને ગરમ કપડાં માટેના સ્પેશિયલ કબાટમાંથી શિયાળાનો સામનો કરવા માટેના અંગ રક્ષકોનો ગંજ કર્યો ત્યારે પ્રોફેસર પ્યારેલાલે ગમ્મત કરી: 'ગરમ કપડાંનો આ બધો ગંજ... જાણે હાટ માંડયું હોય...!'
પ્રોફેસર પ્યારેલાલની એ સહેજ મર્માળી ટીકા અંતે શકરાભાઈ પર ચોંટી.
'એમને ટાઢ ખૂબ જ વાય..' ત્યાંથી શાણીબહેનનું પુરાણ શરૂ થયું. શકરાભાઈ શાણીબહેનની વક્રવાણી ના છૂટકે સાંભળતા જ રહ્યાં.
પ્રોફેસર પ્યારેલાલે એમને એમના સ્વભાવને પડકાર આપતાં કહ્યું.. 'તમે ટાઢ ટાઢ કર્યા કરશો તો ટાઢ તમને વળગશે. જેમ કોઇ ભૂતથી ડરીને ભૂત- ભૂત કર્યા કરે તો ભૂત એને વળગે... એવું જ ટાઢનું છે.'
તમે હિંમત કરીને સવારે યા હોમ કરીને ફરવા નીકળી પડો.
મનમાં બોલતા રહો કે ટાઢ છે જ નહિ. ટાઢ મને વાતી જ નથી. એવું રટણ કર્યા કરો. ટાઢથી જાણે તમે ડરતા જ નથી એવું મન દ્રઢ રાખો.'
શકરાભાઈ સાંભળી રહ્યા. શાણીબહેને એમને પ્રોત્સાહન આપતાં કહ્યું: 'એવું હશે તો હુંય સાથે આવીશ.'
પ્રોફેસર પ્યારેલાલ હસતાં હસતાં કહે, 'જરૂર જરૂર. એથી એમને હૂંફ રહેશે.'
શકરાભાઈથી જરા કહેવાઇ ગયું: 'તમે પ્રિયાબહેનની જોડે ફરવા જાવ છો ?'
પ્રોફેસર પ્યારેલાલનો આ હળવો ટોણો સાંભળી નવાઇ પામ્યા. શકરાભાઈ વળી ટોણો મારી શકે એમની જીભમાં ધાર જ ક્યાં છે ?
પ્રોફેસરે કહ્યું: 'પ્રિયા મને એકલો મેલતી જ નથી. આ ઉંમરે પણ મને એ એકલો મૂકતાં અવિશ્વાસ કરે છે. પુરુષ માત્રનો ભરોસો નહિ ગમે તે ઉંમરે પણ પુરુષ ઘરડો હોતો નથી. એનું મન જ ચંચળ હોય છે.'
એવી કોમેન્ટ કરીને કહે: 'અમે બંને સાથે જ ફરવા જઇએ છીએ.'
શાણીબહેને હસીને જરા મજાક કરી: 'ના, ના પ્રોફેસર સાહેબ, 'તમારા મિત્ર તો આવી બાબતમાં બહુ ડરપોક છે. સ્ત્રી માત્રથી એ 'છેટા' જ રહે છે પણ એ ભુલકણા છે. એકલા ફરવા જાય અને કોઈ મિત્ર મળી જાય તો નવ વાગી જાય તોય એમને ઘર સાંભરે નહિ. મને એમની ચિંતા રહ્યા કરે... પછી હસીને કહે - 'સત્સંગ' અંગે નહિ. પણ સમયનું એમને ભાન રહે નહિ.
પ્રોફેસર પ્યારેલાલ સાથે આમ ગોષ્ઠિ ચાલતી હતી. પ્રોફેસર પ્યારેલાલે પ્રસ્તાવ મૂક્યો.. 'તમે હિંમત કરો. હું રોજ તમને બોલાવા આવીશ.'
શાણીબહેનને ય સધિયારો આપ્યો કે, 'તમારા 'સાહેબ'ને હું સમયસર ઘેર પહોંચાડીશ' કાલે છ વાગે આવીશ.. ફાવશેને.'
શકરાભાઈ વગર ટાઢે ફફડી ગયા: 'છ વાગે ? સવારે છ વાગે ?'
શાણીબહેન કહે: તમારા મિત્ર છ વાગે તો ગોદડાની માયામાં એવા લપટાયેલા કે લપેટાયલ હોય છે કે મારે સાડા સાતે એમનું ગોદડું ખેંચી લેવું પડે. અમારી વચ્ચે કશ્મકશ થયા પછી માંડ તે માત્ર ડોકું બહાર કાઢે...'
પ્રોફેસર પ્યારેલાલ સમજી ગયા કે મિત્રને સલાહ આપવી કે આગ્રહ કરવો - બધુ બેકાર છે.
એમણે પ્રસ્તાવ પાછો ખેંચી લીધો. ભલે એમના શકરાભાઈ મિત્ર સવારે આંઠ વાગ્યા સુધી લંબી તાણે...!