એકનું એક સંતાન જાડુંપાડું કેમ હોય છે?
અર્વાચિંતનમ્ - પરેશ વ્યાસ
ગોરી છોકરી ગમે.. ટાલિયો છોકરો ન જ ગમે. શારીરિક ઊંચાઈ નીચી હોય કે શરીરનો ઘેરાવો ઘેઘૂર હોય તો આપણે નાકનું ટીચકું ચઢાવીએ છીએ. અમને 'બાલા' ફિલ્મ એટલે ગમી કારણ કે શરીરની આ કહેવાતી ઉણપો વિષેનો બળાપો અસ્થાને છે- એવી વાત શટલ હ્યુમર સાથે કહેવાઈ છે. ફિલ્મ જોઈ ત્યારે ખડખડાટ હસવું ન આવ્યું પણ મનોમન મરક મરક મુસ્કાન અનેક વખત સહજ રીતે આવી ગઈ હતી. અને ફિલ્મમાં કહેલી વાત એક સામાન્ય માણસનાં રોજબરોજનાં જીવન માટે એકદમ સાચી છે.
આ બધી કાળાશ, ટાલાશ, બટકાશ કે જાડાશ ખામી નથી. મોટે ભાગે આ વારસો અનુવાંશિક છે. એમાં કોઈ શું કરે? પણ એક વાત છે જે આપણે ચોક્કસ કરી શકીએ. શરીરને તેમ છતાં ચુસ્ત અને સ્ફૂર્ત રાખી શકીએ. આપણી શારીરિક જાડાઈને કાબૂમાં રાખી શકીએ. કારણ કે ચામડી કાળી હોય કે માથે વાળ ન હોય કે શરીર ઠીંગણુ હોય એ રોગ નથી પણ શરીર જાડું હોવું, મેદસ્વી હોવું- એ પોતે એક રોગ છે.
જો આપણે ખોરાક સમજીને ખાઈએ અને કસરત નિયમિત કરીએ તો શરીરની આ અમર્યાદ હોરિઝોન્ટલ વૃદ્ધિ રોકી શકાય. તાજેતરમાં જ એક વિદેશી રીસર્ચ વિશે અનેક અખબારો/સામયિકોમાં સમાચાર છપાયાં કે જો ઘરમાં એક જ બાળક હોય તો એ જાડો અથવા જાડી હોવાની શકયતા વધારે છે. એ તો એવું ય તારણ કાઢે છે કે મા જાડી હોય એનું એકનું એક બાળક જાડું હોવાની શક્યતા અનેક ગણી વધી જાય છે. લો બોલો!
એકનું એક બાળક. દેવનો દીધેલ કે દેવની દીધેલ. એને ન કોઈ ભાઈ, ન કોઈ બહેન. માબાપે લાડકોડથી ઉછેર્યો કે ઉછેરી હોય. પછી પુખ્ત વયે પહોંચે એટલે એનાં કે એની લૂક્સનાં અનેક નુક્સ નીકળે. દેખાવની અનેક ખામીઓ, દેખાવનાં અનેક દોષો. એટલું જ નહીં પણ અનેક આંતરિક રોગ વધતા જાય. બાળક મેદસ્વી હોવાના કારણો શું? આધુનિક યુગમાં માતા બાળકને સ્તનપાન ઓછું કરાવે. શું ખવડાવે? માતાનાં દૂધની અવેજીમાં ખવડાવાતા બેબીફૂડની અસર મેદસ્વી હોય છે. આ ઉપરાંત એક બીજું કારણ પણ છે.
ઘરમાં ઘણાં બાળકો હોય તો ધીંગામસ્તી ધનાધન થતી રહે પણ એકલું બાળક આસાનીથી ટેકનોલોજીનાં રવાડે ચઢે. માબાપ પાછાં ગર્વથી કહે કે એને મોબાઈલમાં બધી જ ખબર પડે. અરે ભાઈ! ફક્ત મોબાઈલમાં જ સમજણ છે. એનું શરીર મોબાઈલ રહ્યું નથી, એની સમજણ એને નથી. અને પછી આ બેઠાડું શરીર ફૂલેફાલે નહીં તો થાય પણ શું? અને એ પણ એટલું જ સાચું કે ઘરમાં બાળક એક હોય એટલે એ જિદ્દી તો હોય.
માબાપનો જીવ વધારે ખાય. માબાપ પાસે ધાર્યું કરાવે. પછી આચરકૂચર ફાફૂ (ફાસ્ટ ફૂડ)નાં ફાકા મારતો જાય. માબાપ પાછાં એવો ફાંકો રાખે કે મારો છોકરો દુનિયાની શ્રેષ્ઠ ચીજ ખાઈ રહ્યો છે. ફાકા અને ફાંકા શબ્દો વચ્ચે માત્ર એક અનુસ્વારનું જ અંતર છે. પણ 'ફાકા' એટલે એક વખત ફાફી શકાય એટલું મોમાં લેવું અને 'ફાંકા' એટલે અભિમાન, તોર, આડંબર. અરે સાહેબ, ઘરની ભાખરી શું ખોટી છે? એ પણ છે કે સાથે બેસીને ભોજન લેવાનો શિરસ્તો હવે રહ્યો નથી.
પછી સૌ કોઈ એકલાં એકલાં મન ફાવે તે આરોગે અને આરોગ્યની ઘાણી કરે. રીસર્ચથી એવું પણ પુરવાર છે કે પૈસાદારનાં બાળકો વધારે મેદસ્વી હોય છે. પણ મધ્યમ વર્ગનાં ઘરમાં પણ હવે મોબાઈલ સુલભ છે. સ્માર્ટફોનનો ૨૪ટ૭ સહેવાસ સ્માર્ટ આઈડિયા નથી. અને જાહેરાતો વિશે તો શું કહેવું? જાહેરાતો એવી જ કે જે જોઇને ખાવાનું મન થાય અને ખાઈને જાડાપાડા થઇ જવાય.
ઓબામા પ્રેસિડન્સીમાં આઠ વર્ષો સુધી કૃષિ મંત્રી રહેલા ટોમ વિલ્સેક કહે છે કે બાળકોમાં વધતી જતી મેદસ્વિતા આખી ભાવિ પેઢીનાં સ્વાસ્થ્ય માટે જોખમી છે. આપણો ભારત દેશ તો ભાતીગળ છે. એક તરફ ગરીબ બાળકો કુપોષિત રહી જાય છે અને અમીર બાળક અતિપોષિત થઇ જાય છે. કોઈકે કહ્યું છે કે હું ચમચીથી મારી કબર ખોદી રહ્યો છું. બાળક હૃષ્ટ (હર્ષ પામેલું) હોય એ સારું પણ વધારે પડતું પુષ્ટ (જાડું) ન હોય તો સારું. ઇતિ.