કિયા ભાઈને આંગણે આંબો મોરિયો રે
સોના વાટકડી રે - નીલેશ પંડયા
કિયા ભાઈને આંગણે આંબો મોરિયો રે,
કિયા ભાઈને લળી લળી આવે છાંય;
આંબો મોર્યો ને આંબે ફળ ઘણાં રે!
કિયા ભાઈને આંગણે રૂડા ઘોડલા રે,
કિયા ભાઈને આંગણે હાથીડાની જોડ;
આંબો મોર્યો ને આંબે ફળ ઘણાં રે !
કિયા ભાઈને ઘેર વલોણાં ઘૂમતાં રે,
કિયા ભાઈને ઘેર ભેંસુની જોડ;
આંબો મોર્યો ને આંબે ફળ ઘણાં રે!
કિયા ભાઈની મેડીએ દીવા શગ બળે રે,
કિયા ભાઈની મેડીએ અંજવાસ;
આંબો મોર્યો ને આંબે ફળ ઘણાં રે!
કિયા ભાઈના કૂવા કરે કીચૂડિયા રે,
કિયા ભાઈની વાડિયું લેરે જાય;
આંબો મોર્યો ને આંબે ફળ ઘણાં રે!
કિયા ભાઈને ધોળીડા બળદિયા રે,
કિયા ભાઈને ફૂમકિયાળી રાશ;
આંબો મોર્યો ને આંબે ફળ ઘણાં રે!
કિયા ભાઈના કુંવર પોઢયા પારણે રે,
કિયા ભાઈની કુંવરી હાલાં ગાય;
આંબો મોર્યો ને આંબે ફળ ઘણાં રે!
કિયા ભાઈની કુંવરી હાલ્યાં સાસરે રે,
કિયા ભાઈનો કુંવર વોળાવા જાય;
આંબો મોર્યો ને આંબે ફળ ઘણાં રે!
આપણી પાસે શું હોય તો આપણી જાતને સુખી માનીએ? અથવા તો સુખી થવા માટે આપણી પાસે શું શું હોવું જોઈએ? આજના કોઈ સદગૃહસ્થ કે સદગૃહિણીને આ સવાલ પૂછીએ તો એ કહે, નાનું કુટુંબ, મોટું બેંક બેલેન્સ, બંગલો, ગાડી, ઓછું કામ કરીને વધુ નાણાં મળે એવો વ્યવસાય...બસ, આટલું હોય એટલે ભયો ભયો!
આ સોચ આધુનિક યુગના માનવીની છે પણ અડધી-પોણી સદી કે એ પહેલા સુખની વ્યાખ્યા માત્ર સુવિધા-સંપન્નતા ન્હોતી. એક એવું મહાનગર જ્યાં બહુધા લોકો પાસે કરોડો-અબજો રૂપિયા છે પણ પ્રદૂષિત હવા શ્વાસમાં લેવી પડે છે-તેઓ શું કરશે? નાણાંથી વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ વધારી શકાશે? એક એવું શહેર જ્યાં ધનના ઢગલા છે પણ પાણી, દૂધ, ઘી, શાકભાજી, ફળફળાદિ ભેળસેળિયાં-ઝેરી મળે છે, લોકો શું કરશે? ઘરના દરેક સભ્ય પાસે પોતાની કાર હોય એ સુખ છે? ના, એ તો પર્યાવરણનો ખાત્મો બોલાવવાની દિશાની દોડ છે. તો પછી પરમ સુખની વાંછના આપણા દાદા-દાદી કે નાના-નાનીના સમયમાં કેવી હશે?
'કિયા ભાઈને આંગણે આંબો...' લોકગીતમાં સાચું સુખ શેમાં છે? એની કેટલીક ટિપ્સ આપી છે. ઘરના આંગણામાં ફળાઉ આંબો હોય એટલે 'એક ઘર એક વૃક્ષ'ના નિયમનું વણલખ્યું પાલન થયું. ફળિયામાં જ આંબો એટલે બારમાસી છાંયો ઉપરાંત દવા વગરનાં આમ્રફળ મળે. ઘોડાં-હાથી હોવા એટલે પ્રાકૃતિક પરિવહન ને પર્યાવરણનું રક્ષણ.
ભેંસોની જોડ હોય તો દૂધ, દહીં, છાશ, ઘી-બધું જ નેચરલ. મેડીવાળું ઘર એટલે રહેવાની ઉત્તમ સુવિધા, મહેમાન ગમે ત્યારે આવે કોઈ ચિંતા નહીં. વાડીનો કૂવો કિચૂડ-કૂચડ કરે અર્થાત્ પાણીવાળી ઉપજાઉ જમીન જેના થકી પરિવારનું સુંદરરીતે ગુજરાન ચાલે. ખેતી માટે ઉપયોગી એવા બળદ, ઘોડિયામાં પોઢતો પુત્ર, હાલરડાં ગાતી એની બેનડી ને કેટલાંક વર્યો પછી પરણીને સાસરે જતી બેનને વળાવતો એ વીરો!
ગામઠી માણસનું સાચું સુખ આ બધી બાબતોમાં સમાવિષ્ટ છે. એ શુદ્ધ હવા, પાણી,ખોરાકનો આગ્રહી છે કેમકે સ્વાસ્થ્ય વિના સમૃદ્ધિ શા કામની? એ પેટ્રોલ-ડીઝલના ધુમાડા કરવામાં માનતો નથી એટલે જ ઘોડા, બળદ વગેરે પાળે છે.એ ષિ-કૃષિ સંસ્કૃતિને વરેલો છે. એનો પરિવાર શ્રમ કરે છે, તેણે ખેતરમાં કામ કરવું પડે, વલોણાં ઘૂમાવવાં પડે એટલે વોકિંગની કે જિમમાં જવાની જરૂર નથી રહેતી. એટલે જ આવું પ્રકૃતિનું દોહન કરીને જીવનારા લોકો શતાયુ થતા હતા.