ભોગ વચ્ચે ભલે જન્મે, પણ સમાપ્તિ યોગમાં થાય!
જાણ્યું છતાં અજાણ્યું - મુનીન્દ્ર
સિદ્ધિ અને અસિદ્ધિમાં સમાનભાવ રાખીને અને યોગમાં સ્થિર રહીને નિષ્કામ કર્મ કરો. આસક્તિની આસપાસ તૃષ્ણા અને લાલસાની ફેરફુંદરડી ચાલતી હોય છે
કર્મની લીલા કેવી અનેરી છે ! ભારતીય ધર્મશાસ્ત્રોએ કર્મની વિચારધારાને કેટકેટલી ભિન્ન ભિન્ન દ્રષ્ટિએ જોઈ છે. વૈદિક વિચારધારા કર્મને એક દ્રષ્ટિએ જુએ છે, તો શ્રમણ વિચારધારા એટલે કે જૈન અને બૌદ્ધ એ બંને જુદી દ્રષ્ટિએ જુએ છે. વળી જૈનદર્શન જે દ્રષ્ટીિએ કર્મનો વિચાર કરે છે, એ દ્રષ્ટિએ બૌદ્ધદર્શન એનો વિચાર કરતું નથી. જૈન ધર્મમાં અને બૌદ્ધ ધર્મમાં કર્મ અને પુનર્જન્મના સિદ્ધાંતનું સમાનભાવે નિરૂપણ થયું છે, તેમ છતાં બૌદ્ધ ધર્મમાં સંસારરૂપી અગાધ સમુદ્રમાં પરિભ્રમણ કરાવનાર પ્રતીત્યસમુત્પાદને કર્મચક્ર કે ધર્મચક્ર કહેવામાં આવે છે.
આપણે એ સવાલ વિચારવાનો છે કે શું વ્યક્તિ સર્વથા કર્મથી મુક્ત થઇ શકે ખરી ?
એક દ્રષ્ટિએ વિચાર કરીએ તો માનવી એના જીવનમાં સતત કર્મ કરતો રહે છે. કર્મ કર્યા વિના એ એક ક્ષણ પણ જીવી શક્તો નથી. જરા મહાભારત પર દ્રષ્ટિપાત કરીએ તો પણ ખ્યાલ આવશે કે ભગવાન શ્રીકૃષ્ણએ કેટકેટલાં કર્મો કર્યાં છે. એ ગોકુળમાં હોય, મથુરામાં હોય કે પછી દ્વારિકામાં હોય, બધે જ સતત એમણે કર્મ કર્યાં છે.
અહીં પ્રશ્ન એ થાય કે તો પછી નિષ્કામ કર્મ કઇ રીતે કરવું ? 'શ્રીમદ્ ભગવદ્ગીતા'માં નિષ્કામ કર્મની ગહનતાને ખૂબ વિસ્તૃત રીતે પ્રગટ કરવામાં આવી છે. એના દ્વિતીય અધ્યાયમાં એની વાત કરી છે. એને માટે કઇ કઇ પૂર્વતૈયારીઓ કરવી આવશ્યક છે. એ પણ 'શ્રીમદ્ ભગવદ્ગીતા'એ સમજાવ્યું છે. આને માટે સૌપ્રથેમ તો આસક્તિ છોડવી જોઇએ, કારણ કે આસક્તિને કારણે માનવીના મનના ભાવો વ્યક્તિ કે પ્રાપ્તિની આસપાસ લિપ્ત રહે છે. બીજું સંગદોષ ત્યજીને અસંગી બનવું પડે અને એથીય વધારે તો સિદ્ધિ અને અસિદ્ધિમાં સમાન ભાવ રાખવો પડે.
ગીતા તો કહે છે કે સિદ્ધિ અને અસિદ્ધિમાં સમાનભાવ રાખીને અને યોગમાં સ્થિર રહીને નિષ્કામ કર્મ કરો. આસક્તિની આસપાસ તૃષ્ણા અને લાલસાની ફેરફુંદરડી ચાલતી હોય છે. પ્રાપ્તિની પાછળ કશુંક મેળવવાની ઇચ્છાથી થયેલો સભાન પ્રયત્ન હોય છે. પ્રાપ્તિની વાત આવે એટલે જીવનની પર્યાપ્તિ દૂર ચાલી જાય છે.
પ્રાપ્તિની વાત આવે એટલે ફળની ઇચ્છા થાય. કોઈપણ કર્મ કરીએ ત્યારે તેને અંતે શું પ્રાપ્ત થશે એના પર આપણી નજર ઠરે છે. એ પ્રાપ્ત થાય તો આનંદ આવે, એ પ્રાપ્તિમાં કોઈ અવરોધરૂપ બને, તો એના પ્રત્યે ભારે ગુસ્સો ચડે. એ પ્રાપ્તિમાં સફળતા ન મળે તો હતાશા, નિષ્ફળતા કે એથીય આગળ વધીને વ્યક્તિ આત્મહત્યા સુધી પહોંચી જાય છે.
આમ ફળની ઇચ્છા નિષ્કામની કર્મની સાત્ત્વિકતાને નષ્ટ કરી દે છે. આવું નિષ્કામ કર્મ કરવું કઇ રીતે ? એની ગહનતાને પામવી કઇ રીતે ? એને માટે આપણાં શાસ્ત્રોએ યોગ્ય નિયમો બતાવ્યા છે. સાચું નિષ્કામ કર્મ ભીતરની પ્રસન્નતા આપે છે. હૃદયને સંવેદનશીલ રાખે છે અને એથીય વિશેષ તો પ્રાપ્તિ અને અપ્રાપ્તિનો વિષય ચાલ્યો જતા એટલે કે સ્થાન કે સફળતા મળશે કે નહીં મળે, એની ચિંતા સમૂળગી જતી રહે. એ પછી વ્યક્તિ યોગમાં સ્થિર રહીને કર્મ કરતો હોય છે.
અહીં યોગ એટલે શું ? અને શાને માટે કર્મ સાથે યોગનું આવું જોડાણ કરવામાં આવ્યું છે ? એનું કારણ એ કે યોગથી વ્યક્તિનું ચિત્ત ચલાયમાન થતું નથી. એનો અર્થ એ કે કર્મ કર્યા બાદ કવચિત, અથવા વારંવાર વ્યક્તિના ચિત્તમાં ફળની ઇચ્છા જાગે છે. જો યોગની પરાકાષ્ઠા પર એટલે કે યોગના લક્ષ્યબિંદુ પર એની દ્રષ્ટિ હોય તો એમાં દ્રઢતા રહે છે. સામાન્ય રીતે કર્મ કરીએ ત્યારે ચિત્ત ડોલાયમાન થતું રહે છે અને પહેલાં તો એ જ વિચાર જાગે કે ફળ વિનાનું કોઈ કર્મ હોઈ શકે ખરું ? એવું કર્મ કરવાનો અર્થ પણ શો ? કર્મ કરીએ તો પ્રાપ્તિનો અમારો અધિકાર છે. હકીકતમાં એને જ માટે કર્મ કરીએ છીએ.
જો કશી પ્રાપ્તિ ન થવાની હોય, તો આ કર્મની ભાંજગડમાં પડવું શા માટે ? અને તો પછી દિવસરાત આટલી બધી મહેનત શા માટે ? આમ બે પ્રકારે કર્મને જોવામાં આવે છે. એક પ્રકાર તે કર્મ કરવું અને એના દ્વારા પ્રાપ્તિ મેળવવી સામે છેડે વિચારે છે કે શા માટે કર્મ કરવું ? જો ફળ મળવાનું ન હોય, તો આ બધી મહેનતનો અર્થ શો ? આસક્તિઓનો ત્યાગ કરવો, રાગદોષ છોડી દેવા અને એથીય વિશેષ તો આ કામનાઓના વળગણમાંથી મુક્ત થવું ઘણું અઘરું છે. ત્યાં વળી શ્રીમદ્ ભગવદ્ગીતા નિષ્કામ કર્મની વાત કરે છે.
આ સમગ્ર કર્મવિચારને એ દ્રષ્ટિએ પણ જોવો પડે છે કે શાસ્ત્રમાં પુરુષાર્થના ચાર પ્રકાર બતાવ્યા છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તો પછી શું એ પુરુષાર્થ ન કરવો ? કર્મ વિશેની એક માર્મિક વિચારધારા 'સર્વમંગલમ્ આશ્રમ' સાગોડિયાના મુનિશ્રી ભાનુવિજયજીએ દર્શાવી છે. સર્વનું મંગલ કરવાનું ધ્યેય ધરાવતા તેઓએ શાળા, છાત્રાલય, ગૌશાળાની સાથોસાથ ધ્યાનકેન્દ્ર અને ધ્યાનશિબિરોનું પણ આયોજન કર્યું. પરોપકારની અનેક પ્રવૃત્તિઓ 'ગુરુજી' તરીકે જાણીતા એવા મુનિશ્રી ભાનુવિજયજી મહારાજે કરી હતી.
જેમણે વર્તમાન જીવન જોયું છે અને એથીય વિશેષ તો જૈન અને હિંદુશાસ્ત્રોનો ઊંડો અભ્યાસ કર્યો છે. એમણે નિષ્કામ કર્મ વિશે આગવી વિચારધારા આપી છે. એને તર્કબદ્ધ અને વૈજ્ઞાાનિક રીતે સમજાવતાં તેઓ નિષ્કામ કર્મના આ પ્રમાણે છ પ્રકાર દર્શાવે છે. (૧) સ્વકર્મ (૨) સ્વધર્મ (૩) કર્તવ્ય કર્મ (૪) પ્રાપ્ય કર્મ (૫) સદ્ અનુષ્ઠાન (૬) સહજ ધર્મ.
સ્વધર્મ એટલે વ્યવહાર ધર્મ, જીવનધર્મ. માણસ બ્રહ્મચારી હોય કે ગૃહસ્થ, તે વાનપ્રસ્થી હોય કે સંન્યાસી, ચારે આશ્રમના કર્મને સ્વધર્મ કહે છે. જીવ તેનો આ ધર્મ બરાબર જાળવે. બ્રહ્મચારી ગણવામાં, ધંધો શીખવામાં કે ઘરમાં ગુરુની અને માતાપિતાની આજ્ઞાા પ્રમાણે શાસ્ત્રને આધીન રહીને કર્મ કરે. ગૃહસ્થ સમજે કે તેની પાસે જે એક રૂપિયો છે તેમાં પચીસ પૈસા બ્રહ્મચારીના, પચીસ પૈસા વાનપ્રસ્થીના એટલે તેનાં માતા-પિતા કે વાલીના અને સમાજના અને પચીસ પૈસા સંન્યાસીનાં છે. બાકીના પચીસ પૈસાનો ઉપયોગ તે પોતાના માટે કરે.
વાનપ્રસ્થી એટલે નિવૃત્ત થયેલો વૃદ્ધ પુરુષ. તે સમાજ ઉપર બોજો રૂપ ન બને, સમાજની શક્ય પ્રયત્ને સેવા કરે, કુટુંબને હૂંફ આપે, બાળકોમાં સુશિક્ષણ, અને સુસંસ્કારનાં બીજ રોપે. પોતાના અનુભવનો કુટુંબને અને સમાજને લાભ આપે. મોક્ષ માટે પુરુષાર્થ કરે. સંન્યાસી માનવજાતના કલ્યાણ માટે સતત નિષ્કામ કર્મ કરતો રહે. ખાસ વાત એ છે કે પ્રત્યેક આશ્રમનો જીવ ભલે ઘરમાં જન્મે, પણ તેનું મૃત્યુ ધર્મસ્થળે થાય એવું ગોઠવે. ઘરમાંથી આડા લાકડામાં બંધાઈને નહીં નીકળવાનું પણ સ્વેચ્છાએ છોડીને ચાલી નીકળવાનું. ભલે ભોગો વચ્ચે જન્મ્યો પણ તેની સમાપ્તિ યોગમાં થાય.
કર્તવ્ય ધર્મ એટલે ઘર શેરી કે ગામમાં કોઈ બિમાર હોય, ભૂખ્યું હોય, વસ્ત્રવિહીન હોય તો તેની જરૂરિયાત શક્ય પ્રયત્ને પૂરી કરો. ગામ સમસ્તનું, રાજ્ય કે દેશ સમસ્તનું કામ હોય, તેમાં શક્તિ મુજબ સેવા આપે. દેશનો સીમાડો જોખમમાં હોય ત્યારે જાનની પરવા ન રાખે. દેશના ઉત્કર્ષ માટે કંઇક કરી છૂટવાની માનવીની ફરજ છે. તે નિભાવવી અત્યંત આવશ્યક છે. તે તેનું કર્તવ્ય કર્મ છે, ધર્મ છે.
પ્રાપ્ય કર્મ એટલે સામે આવી પડેલું શાસ્ત્રવિહિત કર્મ. કોઈ ગુંડો છોકરીની છેડતી કરતો હોય તેને છોડાવવી પડે. તે કરતાં કદાચ તેની સાથે યુદ્ધ પણ કરવું પડે તો તે ધર્મ છે. તમે ત્યાંથી ભાગી છૂટી ન શકો. ભાગી છૂટો તે કાયરતા છે, અહિંસા નથી. ન્યાયની રક્ષા અને અન્યાયનો પ્રતિકાર કરવો તે 'પ્રાપ્ય કર્મ' છે, ધર્મ છે પણ વગર કામે લડશો નહિ. તમે ધ્યાનમાં બેઠા હો અને કોઈ વ્યક્તિનો પીડાયુક્ત અવાજ સાંભળો, તો શું કરશો ? જો તમે સમાધિમાં ગયા હો, પરમાત્મામાં લીન હો, તો કોઈ બહારનું સંભળાશે નહિ, પણ ધ્યાન સંભળાશે. તે વખતે ઉઠીને પીડાતી વ્યક્તિને મદદ કરવી તે ધર્મ છે. તેને પ્રાપ્ય કર્મ કહે છે. (ક્રમશઃ)