એકલે હાથે અપ્રતિમ વિદ્યાપુરુષાર્થ 'ભારતીય કથાવિશ્વ'
પારિજાતનો પરિસંવાદ- ડૉ. કુમારપાળ દેસાઈ
'મહાભારત'માંથી કવિ કાલિદાસે 'અભિજ્ઞાાન શાકુંતલ'નું કથાવસ્તુ લીધું છે. શ્રી ઉમાશંકર જોશીએ 'શાકુંતલ'ના અનુવાદની પ્રસ્તાવનામાં કટ્ઠહારિ જાતકનો નિર્દેશ કર્યો છે
'ભારતીય કથાવિશ્વ'ના એવા પાંચ ગ્રંથો આપ્યા છે કે જે વાંચતા સાહિત્યરસિકને તો ઠીક, કિંતુ વિદ્વાનોને પણ આ ગ્રંથો લઈને માથે મૂકીને નાચવાનું મન થાય. ભારતીય કથાસાહિત્યની વિપુલ સમૃદ્ધિ તો ભારતના જનસમુદાયને વર્ષોથી આકર્ષતી રહી છે
કથાસાહિત્યના વિશાળ મહાસાગરમાં ઝંપલાવીને કોઈ એકલવાયો મરજીવો એક એકથી અદકેરાં મોતીઓની ઓળખ આપે, એવો અનુભવ 'ભારતીય કથાવિશ્વ' ગ્રંથના પાંચ ભાગમાંથી પસાર થતાં સહુને થશે. ગુજરાતી સાહિત્યના અનેકવિધ સ્વરૂપોમાં વિશિષ્ટ પ્રદાન કરનાર ડૉ. શિરીષ પંચાલે વર્ષોના અભ્યાસ પછી 'ભારતીય કથાવિશ્વ'ના એવા પાંચ ગ્રંથો આપ્યા છે કે જે વાંચતા સાહિત્યરસિકને તો ઠીક, કિંતુ વિદ્વાનોને પણ આ ગ્રંથો લઈને માથે મૂકીને નાચવાનું મન થાય.
ભારતીય કથાસાહિત્યની વિપુલ સમૃદ્ધિ તો ભારતના જનસમુદાયને વર્ષોથી આકર્ષતી રહી છે. આપણું કથાસાહિત્ય દેશના સીમાડા વટાવીને વિદેશી સાહિત્ય પર પણ પ્રભાવ પાડનારું બની રહ્યું છે, ત્યારે આખોય જન્મારો ઓછો પડે એવી ભારતીય કથાસાહિત્યની સમૃદ્ધિ વિશેની સામગ્રી આ ગ્રંથોમાં પ્રાપ્ત થાય છે.
અગાઉ આપણા કથાસાહિત્યની સમૃદ્ધિ વિશે બહુ ઓછી સામગ્રી વડે રોબર્ટ શોલ્ઝ અને રોબર્ટ કેલોગ જો 'ધ નેચર ઑવ્ નેરેટિવ' જેવો મહત્ત્વપૂર્ણ ગ્રંથ આપી શક્યા હતા, તો આજે એથી ઘણી વિશેષ સામગ્રી ઉપલબ્ધ છે. પરિણામે ગુજરાતી ભાષામાં આવો ગ્રંથ આપવાનો ભગિરથ પ્રયાસ ડૉ. શિરીષ પંચાલે કર્યો છે. ભારતીય કથાઓની સાથોસાથ ભારતની પરંપરા ગાઢ રીતે જોડાયેલી છે.
વળી એક પરંપરાએ પૂર્વની અન્ય કોઈ પરંપરા પાસેથી કેટલું ગ્રહણ કર્યું છે એ તારવવું ક્યારેક મુશ્કેલ બને છે. વળી આ બધી બાબતો અંગે શોધ-સંશોધન કરવું અને એથીય વિશેષ જુદી જુદી કથાઓના થયેલા વિસ્તાર અથવા તો એના બદલાયેલા સ્વરૂપે થયેલો એનો વિસ્તાર જાણવો, તે પણ એક મોટું પડકારભર્યું કામ છે. આપણે ત્યાં ઐતિહાસિક તથ્યો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થતાં નથી, તેથી આને માટે સંશોધકે અથાગ પુરુષાર્થ કરવો પડે. સંપાદકે આ ગ્રંથમાં આવો વિદ્યા-પુરુષાર્થ કર્યો છે.
એનું એક જ ઉદાહરણ જોઈએ તો અત્યાર સુધી એમ માનવામાં આવે છે કે 'મહાભારત'માંથી કવિ કાલિદાસે 'અભિજ્ઞાાન શાકુંતલ'નું કથાવસ્તુ લીધું છે. શ્રી ઉમાશંકર જોશીએ 'શાકુંતલ'ના અનુવાદની પ્રસ્તાવનામાં કટ્ઠહારિ જાતકનો નિર્દેશ કર્યો છે. આ જાતકમાં એવી કથા મળે છે કે એક રાજા લાકડા વીણનારી કન્યાના પ્રેમમાં પડે છે અને તે સગર્ભા થઈ છે. તે જાણ્યા પછી એને પોતાની વીંટી આપે છે. મા-બાળકને લઈને રાજા પાસે જાય છે, ત્યારે રાજા એને ઓળખવાની ના પાડે છે અને આકાશવાણી સાંભળ્યા પછી જ તેનો સ્વીકાર કરે છે.
કાલિદાસ પાસે આ બંને પરંપરાઓ હોઈ શકે, તો મહાભારતના શકુંતલા આખ્યાન પાછળ પણ લોકકથામાં આવતી સામગ્રી સંભવી શકે. આ રીતે જાતકમાંથી મુખ્યધારાની કથાઓ આવી કે મુખ્યધારાના સાહિત્યમાંથી આ બધું જાતકમાં ગયું, એ વિશે ચોક્કસ પ્રમાણો મેળવવા મુશ્કેલ બને છે. તેની સંપાદક વિગતે છણાવટ કરે છે.
વળી આ કથાઓનો પછીનો સર્જકને હાથે વિકાસ થતો હોય છે. એમાં સ્થિત્યંતરો અને સ્વરૂપાંતરો પણ થતાં હોય છે, તો ભારતીય ઇતિહાસ અને એના સમાજ-સંસ્કૃતિમાં આવતાં પરિવર્તનોનો પણ આ ગ્રંથોના સંદર્ભે તુલનાત્મક અભ્યાસ જરૂરી બને છે. સંપાદકે આનું ઉદાહરણ આપતાં કહ્યું છે તેમ - 'ભારતીય મહાકાવ્યોમાં આજે ખૂબ જ જાણીતા પ્રસંગો પ્રક્ષેપો પુરવાર થાય છે.
સહદેવનું અતિજ્ઞાાન, દ્રૌપદીના વસ્ત્રહરણ પ્રસંગે કૃષ્ણ દ્વારા દ્રૌેપદીને પુરાતાં વસ્ત્ર, લક્ષ્મણ રેખા વગેરે... આ અને આવા બીજાં પ્રક્ષેપો ભારતીય સંસ્કૃતિની ગતિવિધિ સૂચવે છે. ક્યારેક સંસ્કૃતિમાંથી પ્રાદેશિક ભાષાઓમાં થયેલા અનુવાદ એક કે બીજા કારણસર મૂળને વફાદાર નથી હોતા. 'દશકુમાર ચરિત્ર'નો ગુજરાતી અનુવાદ વર્ષો પહેલાં પ્રગટ થયો હતો.
મૂળ સંસ્કૃત કથામાં દુષ્કાળ પડે છે, ત્યારે ભાઈઓ પોતાની સ્ત્રીઓને મારીને ખાઈ જાય છે એવી ભીષણ, ભયાનક વિગત છે. પણ અનુવાદમાં આ ભયાનકતા ઓછી થઈ ગઈ. ભાઈઓ પોતાની પત્નીઓને વેચી મારે છે. હવે અનુવાદકે શું કર્યું? આચાર્ય હેમચંદ્ર અને કુમારપાળની જૈનધર્મપ્રીતિ અને જૈન આચારમાં જોવા મળતી અહિંસાવૃત્તિની દીર્ઘ પરમ્પરાને ગુજરાતી અનુવાદ રૂપાન્તરિત કર્યો?'
સંપાદકે અનેક સંદર્ભો સાથે આ વિશે ચર્ચાઓ કરી છે. ભારતીય ઇતિહાસ અને પ્રાચીન કાવ્યોનો સંબંધ, ભારતીય કથાસાહિત્ય અને એની શૈલી અને ભારતીય કથાસાહિત્યના પ્રશ્નો, ભારતીય પ્રાચીન સાહિત્ય અને અંગ્રેજો તથા ભારતીય કથાસાહિત્યની જાતકકથાઓ જેવાં વિષયની પ્રથમ ભાગમાં કરેલી છણાવટ સંપાદકે કરેલા વિદ્યાપુરુષાર્થનો ખ્યાલ આપે છે.
ભારતીય કથાવિશ્વના પાંચ ખંડોનું આયોજન અને વિશેષે તો એ પાંચે ખંડોની પ્રસ્તાવના ડૉ. શિરીષ પંચાલના આ સંપાદન-અનુવાદના કાર્યની ઓળખ આપે છે. એક વિદ્વાન જ નહીં, કિંતુ અનેક વિદ્વાનો એકસાથે સહિયારો પુરુષાર્થ કરે ત્યારે આવા ગ્રંથોની રચના થઈ શકે, તે કાર્ય વર્ષોની જ્ઞાાનસાધનાથી શ્રી શિરીષ પંચાલે કહ્યું છે. એના પાંચે ખંડનું આયોજન પણ સંપાદકની ઊંડી સૂઝનો ખ્યાલ આપે છે, તે જોઈએ.
પ્રથમ ગ્રંથમાં વેદ, ઉપનિષદ, બ્રાહ્મણગ્રંથોમાં જોવા મળતી કથાઓ કે કથાનાં સૂચનો સ્થાન પામ્યા છે. બીજા ખંડમાં 'રામાયણ', 'મહાભારત'માં જોવા મળતી મુખ્ય કથાઓથી ઘણા લોકો પરિચિત છે, પણ અહીં શિરીષ પંચાલે બંને મહાકાવ્યોમાં આવતી આડકથાઓ આપણી નજરમાં ઠરે એવો સ્તુત્ય અભિગમ રાખ્યો છે.
ત્રીજા ખંડમાં 'જાતકકથાઓ', 'વસુદેવહિંડી', 'કથાસરિત્સાગર', 'તરંગલોલા' જેવી પ્રાકૃત કથાઓ ક્યાંથી ક્યાં, કેવી રીતે અન્ય કથાઓ સાથે નવા રૂપે પ્રગટે છે તેનો સૂક્ષ્મતાથી અભ્યાસ પ્રાપ્ત થાય છે.
ચોથા ખંડમાં 'પંચતંત્ર', 'હિતોપદેશ', 'કાદંબરી', 'શ્રીમદ્ ભાગવત્', 'સ્કંદ પુરાણ' આદિની સમૃદ્ધિ આસપાસના સમયની કથાઓને કેવી રીતે પ્રભાવિત કરે છે તેમ, આ કથાઓ કેવી રીતે પ્રભાવિત થઈ તેની વાત શિરીષભાઈ ઝીણવટથી કરે છે.
છેલ્લા એટલે કે પાંચમા ખંડમાં લોકકથાઓનાં સ્વરૂપો તથા તેના સત્ત્વની વાત આપણને આશ્ચર્ય પમાડે છે.
આમ આ ગ્રંથોમાંથી 'ઋગ્વેદ'ની કથાઓથી આરંભીને ઉપનિષદો, બ્રાહ્મણ ગ્રંથો, રામાયણ, મહાભારત વગેરેની કથાઓ અને આડકથાઓને યોગ્ય સંદર્ભમાં સમજવાની અને પ્રમાણવાની બારીઓ ખૂલે છે. આ આડ કથાઓ મૂળકથાઓ અને અનુગામી સર્જકોએ પોતાની સર્જકતાથી બદલેલી કથાઓની લોકસ્વીકૃતિ દર્શાવે છે. પંચતંત્ર, હિતોપદેશ, કાદંબરી, દશકુમાર ચરિતર ઉપરાંત શ્રીમદ્ ભાગવત્, સ્કંધપુરાણ વગેરેની કથાઓ તેમજ લોકકથાઓ એક નવા જગતનો અનુભવ કરાવે છે.
ક્ષણનો સાક્ષાત્કાર
આખો દિવસ વાદળછાયું આકાશ હોય અને સૂર્યનું નાનું શું કિરણ પણ આકાશમાં જોવા ન મળે, ત્યારે એને પામવા માટે મન અને તન બંને કેટલાં બધાં તડપતાં હોય છે! પ્રકાશ વિનાનું એ વાતાવરણ ગમગીન અને ઉદાસ લાગે છે અને ચિત્ત પર વિષાદના ભારે બોજનો અનુભવ કરાવે છે. એવાં વાદળછાયા આકાશમાંથી કિરણ ફૂટે, ધીરે ધીરે સૂર્યનો પ્રકાશ ફેલાય, ત્યારે શરીર સ્ફુર્તિ અનુભવે છે અને મન પણ નાચી ઊઠે છે. પ્રકાશની સાથે ચિત્તને ગાઢ સંબંધ છે.
એ જ મનને તાજગી, સ્ફૂર્તિ અને ઉત્સાહ આપે છે. ચિત્તની તાજગી સાથે ચૈતન્યની સ્ફુર્તિનો વિચાર કર્યો ખરો? સૂર્યના પ્રકાશની સાથે ભીતરના પ્રકાશની ફિકર કરી ખરી? યોગ, વ્યાયામ અને દોડની સાથે આત્માનું કોઈ જોડાણ સાધ્યું ખરું? જ્યારે આત્મામાં પ્રકાશનો અનુભવ થાય છે, ત્યારે એમ લાગે છે કે બહારનું અંધારું કે પ્રકાશ-એ સઘળું જ અંધકારમય હતું.
જેને ઉત્સાહપ્રેરક તાજગીદાયક પ્રકાશ માનતા હતા, એ પણ ક્યાં પ્રકાશ છે? ભીતરનો પ્રકાશ મળતાં બહારનો પ્રકાશ અંધકારમાં પરિવર્તન પામે છે. ધીરે ધીરે બહારનો પ્રકાશ કે અંધકાર બધું જ ઓગળી જાય છે અને ભીતરમાં પ્રકાશનું અજવાળું સતત ફેલાયેલું રહે છે. આ ભીતરનો પ્રકાશ કોઈ આકાર ધરાવતો નથી, કોઈ વસ્તુ કે વ્યક્તિની સાથે સબંધિત નથી. માત્ર એનો અનુભવ અણુએ અણુમાં વ્યાપી રહે છે. એ પ્રકાશમાંથી જાગતી દ્રષ્ટિ જગતને બદલી નાખે છે.
પહેલાં બહાર જે દેખાતું હતું અને જેની ચાહના હતી, એ સઘળું શૂન્યવત બની જાય છે. બહારની ગમગીની કે ઉત્સાહ ઓસરી જાય છે. ભીતરના પ્રકાશનો કઈ રીતે ઉદ્ગમ થયો, એનો સહેજે અણસાર નહોતો, પણ એ પ્રકાશ વ્યક્તિનું અસ્તિત્વ પલટી નાખે છે. એની ઊર્જા એક દર્શન આપે છે, જે વ્યક્તિત્વના કણેકણમાં વ્યાપી વળે છે.