સ્પેસ પોર્ટ: દરિયામાં તરતું પ્રક્ષેપણ કેન્દ્ર
ફયુચર સાયન્સ - કે.આર.ચૌધરી
અંતરીક્ષ વિજ્ઞાાનનાં અવનવા કોન્સેપ્ટ... આર્ટેમિસ અને ઓરાયનની નવાજૂની....
અંતરીક્ષ યાત્રા હવે મનુષ્યને માટે સરળ અને સુલભ થઈ જશે. વેકેશન ગાળવા માટે અંતરીક્ષ યાત્રા અને સ્પેસ હોટેલનું બુકીંગ થવા લાગશે. ખાનગી કંપની મસમોટી ટીકીટ આપી સામાન્ય માનવીને અંતરીક્ષ યાત્રા કરાવશે. અહીં સામાન્યનો અર્થ માત્ર એટલો કરવાનો જેણે અંતરીક્ષયાત્રા કરવા માટે કોઈ વિદ્યીવત ટ્રેઈનીંગ લીધી નથી અથવા વ્યવસાયે તેઓ પ્લેન ઉડાડનાર પાયલોટ નથી. બાકી સામાન્ય માનવી કરતાં તેમની પાસે નાણા ભંડોળ વધારે હોવું જોઈશે તો જ 'સ્પેસ ટ્રાવેલ' થઈ શકશે. એક વાર સ્પેસ ટ્રાવેલીંગ સુલભ બનશે તો, તેમનાં માટે અંતરીક્ષયાત્રા એક એડવેન્ચર સ્ટોરી અને સ્ટેટ્સ સિમ્બોલ બની જશે.
વર્જાન ગેલેક્ટીક રિચાર્ડ બ્રાનસન અને સ્પેસ એક્સના એલન મસ્ક એક નવતર શૈલીનાં ''સ્પેસ પોર્ટ'', જ્યાંથી અંતરીક્ષયાત્રા માટેનું રોકેટ અથવા વિમાન ઉડાન ભરી શકે તેની તૈયારી અને ડિઝાઈન તૈયાર કરી ચુક્યાં છે. અંતરીક્ષ ક્ષેત્રે બીજી અનેક તૈયારી પણ ખાનગી કંપનીઓ કરી રહી છે ત્યારે, આવનારો સમય સ્પેસ ટ્રાવેલ માટે ગોલ્ડન પીરીયડ સાબીત થાય તેમ લાગે છે. સોનેરી અંતરીક્ષ સવારી સુલભ બનશે ત્યારે તેના 'સાયન્સ'ના લાભ આમ આદમીને મળશે જ ! તેની કોઈ નવાઈ નહીં રહે !
ફલોટીંગ સ્પેસ પોર્ટ...
એલન મસ્ક અવારનવાર અંતરીક્ષ સંબંધી સમાચારોને લઈને મીડીયામાં ચમકતા રહે છે. તેમણે વિશ્વને વારંવાર વાપરી શકાય તેવો રીન્યુઝેબલ રોકેટની ભેટ આપી છે. આ ઉપરાંત નાસાને અંતરીક્ષયાત્રી અને માનસામાનને આંતરરાષ્ટ્રીય અંતરીક્ષ મથક એટલે કે ISS ઉપર પહોંચાડવા માટે વ્યાપારી સેવાઓ પુરી પાડવાનાં કરાર પણ કર્યા છે.
એલન મસ્કનાં અંતરીક્ષને લગતા ત્રણ ટારગેટ છે. એક ચંદ્ર, બીજુ મંગળ અને ત્રીજુ 'સ્પેસ ટ્રાવેલ' સામાન્ય માનવી માટે પણ પુરી પાડવી. આ ત્રીજા ટાર્ગેટને અનુરૂપ તાજેતરમાં તેમણે નવી જાહેરાત કરી છે. રોકેટને અંતરીક્ષમાં ધકેલવા માટે તેમણે દરીયામાં તરતા ''સ્પેસ પોર્ટ''ને વિકસાવવાની જાહેરાત પણ કરી છે.
સાગર કિનારેથી ૩૦થી ૩૫ કી.મી. દૂર તરતું સ્પેસ પોર્ટ 'સ્પેસ એક્સ'નાં સીઈઓ એલન મસ્ક બનાવશે. આ સ્પેસપોર્ટ સ્પેસ એક્સનું મહાત્વાકાંક્ષી વિશાળકાય રોકેટને લોંચ કરવા માટે વપરાશે. BFR ના નામે ઓળખાતું આ રોકેટને હવે નવું નામ આપવામાં આવ્યું છે. જેને લોકો હવે 'સ્ટારશીપ' તરીકે ઓળખશે. 'સ્ટારશીપ'ને લોંચ કરવા માટે ખાસ તરતુ એટલે કે ફલોટીંગ સ્પેસપોર્ટની ડિઝાઈન એલન મસ્કે મીડીયા સમક્ષ રજુ કરી છે.
સીલ્વર રંગનું ચમકતું રોકેટ ૧૦૦ જેટલાં પેસેન્જરને અંતરીક્ષયાત્રા કરાવી શકે તેમ મોડીફાઈડ કરવામાં આવશે. ત્રણસો સીત્યાસી ફુટ લાંબુ ''સ્પેસ પ્રોબ'' ૧૦૦ માનવીને સમાવી શકશે. તેને સુપર હેવી રોકેટનાં મથાળે ફીટ કરવામાં આવશે. પૃથ્વી પરનાં બે નક્કી કરેલાં બિંદુ વચ્ચે માનવીને અંતરીક્ષયાત્રા કરાવવામાં આવશે. સરખામણી કરવી હોય તો યુનાઈટેડ અમેરીકાથી આરબ અમિરાત વચ્ચેનું અંતર તે માત્ર ૯૦ મીનીટમાં કાપી બતાવશે.
મંગળ ગ્રહ અને ચંદ્ર ઉપર મોકલવામાં આવનાર રોકેટોને પણ એલન મસ્કનાં ફલોટીંગ સ્પેસ પોર્ટ પરથી છોડવામાં આવશે. ટ્વીટર ઉપર એલન મસ્ક જણાવે છે કે ભવિષ્યમાં પૃથ્વી પરના બે કેન્દ્રો પર મુસાફરી કરવા માટે ડેઈલી ફલાઈટ પણ ઉડાડવામાં આવશે. ટુંકમાં લોકો પૃથ્વી પરનાં બે બીદું પર ઝડપથી વાયા સ્પેસ ટ્રાવેલ કરી જલ્દીથી પહોંચી શકશે.
બોઈંગનું ''મુન લેન્ડર''....
અમેરિકા તેનાં ચંદ્ર યાત્રાના ૫૦ વર્ષની ઉજવણી અનોખી રીતે કરવા માંગે છે. ૧૯૬૯માં જુલાઈ મહીનામાં નિલ આર્મસ્ટ્રોગે ચંદ્ર ઉપર પગ મુકીને માનવ ઈતિહાસ રચ્યો હતો. તેની આ સફળતા માટે ૧૦૦ ટકા સરકારી ભંડોળ વાપરવામાં આવ્યું હતું. ઉપરાંત જરૂરી રોકેટ એપોલો, ચંદ્ર પર ઉતરાણ કરનાર મુન લેન્ડર વગેરેની ડિઝાઈન અને બાંધકામ વૈજ્ઞાાનિકોની દેખરેખ નીચે થયું હતું.
નાસા હવે ૨૦૨૪ની અંતરીક્ષયાત્રા માત્ર ખર્ચો કરી ખાનગી સેવાઓ વાપરી મિશન મુન પૂરું કરવા માંગે છે. જેનું નામ 'આર્ટેમીસ' રાખવામાં આવ્યું છે. નાસાનાં ૨૦૨૪નાં મિશનમુન 'આર્ટેમિસ' માટે ચંદ્ર પર ઉતરનાર 'મુન લેન્ડર' તૈયાર કરવા માટે નાસા ટેન્ડર બહાર પાડશે. જે માટે એલન મસ્કની 'સ્પેસ એક્સ' જેફ બિઝોસની 'બલ્યુ ઓરીજીન' અને સંભવત: એરોપ્લેન બનાવનારી કંપની 'બોઈંગ' પણ બીડીંગ ભરવાની તૈયારી કરી ચુકી છે. તેણે ચંદ્ર પર ઉતરનારા 'મુનલેન્ડર'ની ડિઝાઈન રજુ કરી છે.
નાસાના મુન લેન્ડર માટે ૧૧ કંપનીને શોર્ટ લીસ્ટ કરવામાં આવી છે. જેમાં 'એરોસ્પેસ જાયન્ટ' બોઈંગનો પણ સમાવેશ થઈ ચુક્યો છે. સૌ પ્રથમ હયુમન લેન્ડર સીસ્ટમને અંતરીક્ષમાં મોકલવામાં આવશે. અહીં નાસાનાં 'ઓરાયન' સ્પેસશીપ સાથે તેનું જોડાણ કરવામાં આવશે. ત્યારબાદ લેન્ડર અંતરીક્ષયાત્રીઓને લઈને ચંદ્ર ઉપર ઉતરશે. જેમાં મહીલા અંતરીક્ષયાત્રીનો પણ સમાવેશ થયેલો હશે. એકવાર ચંદ્ર ઉપર ઉતર્યા બાદ, ટોચનાં ભાગેથી મુન એસેન્ટ એલીમેન્ટ નામે ઓળખાતું મોડયુલ છૂટું પડીને ફરીવાર ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચશે અહીં ફરીવાર તે સ્પેસશીપ 'ઓરાયન' સાથે જોડાણ કરશે. ડિસેન્ટ એલીમેન્ટ ૧ મોડયુલ ચંદ્ર ઉપર જ પડયું રહેશે.
બોઈંગનાં જીમ મીલ્ટન કહે છે કે મુન લેન્ડરની દિશામાં અમે કેટલાંક ડગલા આગળની દીશામાં ભર્યા છે. નાસાનાં 'આર્ટેમિસ' મિશન દ્વારાં મહીલા સહિતનાં અંતરીક્ષયાત્રી ચંદ્ર ઉપર ઉતરશે. એટલું જ નહીં ૨૦૨૮ સુધી વારંવાર અંતરીક્ષયાત્રીઓને ચંદ્ર પર ઉતારવામાં આવશે. આ વખતે અંતરીક્ષયાત્રી ૧૫ દિવસ જેટલો સમય ચંદ્ર પર વિતાવવા માંગે છે. ૨૦૨૪નાં છેલ્લાં મહીનાઓમાં અંતરીક્ષ યાત્રીને ચંદ્રનાં દક્ષીણધુ્રવ પર ઉતારવાનું આયોજન કરવામાં આવ્યું છે.
સ્પેસ પોર્ટ અમેરિકા કપ...
આગામી જુન ૨૦૨૦માં એક અનોખી સ્પર્ધા થવાની છે. જેનાં વિજેતાને મળશે ''સ્પેસપોર્ટ અમેરિકા કપ'' અમેરીકન યુનિવર્સિટી ઉપરાંત વિશ્વભરની આંતરરાષ્ટ્રીય કોલેજનાં રોકેટ એન્જીન્યરીંગ કોર્ષનાં વિદ્યાર્થીઓ ઉપરાંત વૈજ્ઞાાનિકો અને ડિઝાઈનર આ સ્પર્ધામાં ભાગ લેશે.
પ્રવાહી, ધન અથવા હાઈબ્રીડ રોકેટ એન્જીન વાપરી શકશે તેમનું રોકેટ ૧૦થી ૩૦ હજાર ફુટની ઉંચાઈ સુધી પહોંચવું જોઈએ. અત્યાર સુધી આ સ્પર્ધા માટે ૧૨૪ ટીમોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. સમાચાર આનંદના છે પરંતુ મુળ વાત અહીં સ્પર્ધાના સ્પેસપોર્ટ અમેરિકા કપની નહીં, પરંતુ સ્પેસપોર્ટ અમેરિકા તરીકે ઓળખાતા અનોખો ''ગેટવે ઓફ સ્પેસ'' સ્પેસપોર્ટની કરવાની છે.
ન્યુ મેકસીકોની સરકારે વર્જીન ગેલેકટીજનો રિચાર્ડ બ્રાનસેનને અપીલ કરી હતી કે તેમનાં અંતરીક્ષ કાર્યક્રમોનાં હેડ ક્વાટર તરીકે મેક્સીકોનાં રણપ્રદેશનો ઉપયોગ કરે. બધી જ સુવિધા મેક્સીકોની સરકાર આપશે. ખ્યાતનામ સ્પેસ એક્સનાં 'એક્સ પ્રાઈઝ' કપ સ્પર્ધાને લગતા ઉડયનો પણ અહીંથી તેઓ શરૂ કરે.
અમેરિકન એરફોર્સની વ્હાઈટ એન્ડ મિસાઇલ રેન્જની નજીક, રિચાર્ડ બ્રાનસેને એક અનોખુ આર્કીટેકચરલ માર્વેલ જેવું બાંધકામ ઉભુ કર્યું છે. જેને ''સ્પેસ પોર્ટ અમેરિકા'' નામ આપવામાં આવ્યું છે. વ્યાપારી હેતુસર બાંધવામાં આવેલ, વિશ્વનું આ પ્રથમ કોમર્સીયલ 'સ્પેસપોર્ટ' છે.
વર્જીન ગેલેક્ટીક તેમના આયોજન કરતાં પાછળ ચાલી રહી છે. ૨૦૧૪માં તેમનાં સ્પેસશીપ ટું વેહીકલ ''VSS એન્ટરપ્રાઇઝ'' ઉડયન દરમ્યાન તુટી પડયું હતું. ત્યારથી 'સ્પેસપોર્ટ અમેરિકા' પર પ્રશ્નાર્થ ચિન્હ લાગી ગયું છે. જોકે મે ૨૦૧૯માં વર્જીન ગેલેક્ટીક જાહેરાત કરી હતી કે હવે કંપની તેની સ્પેસફલાઈટને લગતી બધી જ એક્ટીવીટી સ્પેસપોર્ટ અમેરીકા પરથી શરૂ કરશે.
એટલું જ નહીં જુન ૨૦૨૦માં યોજાનારી કોમ્પીટીશન સ્પેસપોર્ટ અમેરિકા કપનાં બધાં જ ઉડ્ડયન પણ અહીંથી જ કરવામાં આવશે. હાલમાં ચાર સ્પેસ એજન્સીએ સ્પેસપોર્ટ અમેરીકા વાપરવાનાં કરાર કર્યા છે. જેમાં ગુગલ તેના સ્કાયબેન્ડર પ્રોજેક્ટ હેઠળ સોલાર પાવર ડ્રોનનું ઉડ્ડયન કરાવશે. યુપી એરોસ્પેસ વર્ટીકલ ટેકઓફ કરાવશે. આ ઉપરાંત વર્જીન ગેલેક્ટીક અને આર્માડિલો એરોસ્પેસ તેમનાં સંશોધન માટે સ્પેસપોર્ટ અમેરિકાની સુવિધા વાપરશે.
ઓરાયન અને...
ઓર્ટેમિસ ગ્રીક માયનોલોજીનું પાત્ર છે. તે ઝેયસ અને લેટોની પુત્રી છે. જ્યારે એપોલોની જુડવા બહેન છે. ઓરાયન પણ ગ્રીક દંતકથાનું એક પાત્ર છે. જેનો જન્મ અને મૃત્યુ વિશે અલગ અલગ 'સ્ટોરી' વાંચવા મળે છે. જોકે નાસાએ આ બે નામ તેમનાં આગામી મિશન મુન માટે પસંદ કર્યા છે. ૨૦૨૪માં ફરીવાર અમેરિકન નાગરીકને ચંદ્ર ઉપર ઉતારવાનાં પ્રોજેક્ટનું નામ છે. આર્ટેમીસ અને તે માટે વાપરવામાં આવનાર કેપ્સ્યુલનું નામ છે ''ઓરાયન.''
નાસાએ ઓરાયનને મલ્ટીપર્પઝ વેહીકલ તરીકે વિકસાવવાનું ચાલું કર્યું છે. જેમાં યુરોપીઅન સંસ્થા ESA પણ સહયોગ કરવાની છે. ઓર્ટમિસ પ્રોજેક્ટ હેઠળ ટોટલ ત્રણ મિશન ચંદ્ર પર ઉતારવાનું અમેરિકાનું આયોજન છે. ઓરાયનનો બેઝીક કોન્સેપ્ટ ભુતકાળમાં એપોલો પ્રોગ્રામ માટે વપરાયેલ કમાંડ અને સર્વિસ મોડયુલમાંથી ઉઠાંતરી કરવામાં આવી છે.
માત્ર માપનાં સ્પેસીફીકેશન અને ટેકનોલોજી બદલાઈ ગઈ છે. ઓરાયન સ્પેસ કેપ્સ્યુલ ૨૧ દિવસ જેટલો સમય અંતરીક્ષયાત્રીને સ્પેસ મિશન માટે સપોર્ટ કરી શકે તેટલી સુવિધા અને સામગ્રી સાચવી શકે તેમ છે. જેમાં ક્રુ મોડયુલનો પણ સમાવેશ થાય છે. ચંદ્ર ઉપર ઉતરવા માટેનાં આધુનિક લેન્ડરની ડિઝાઈન અને બાંધકામ નાસા ખાનગી કંપની પાસેથી કરાવશે. જે માટે ૧૧ જેટલી કંપનીની પસંદગી નાસાએ કરી નાખી છે.
નાસાનાં લેન્ડરનું જોડાણ, ઓરાયન સાથે થઈ શકે તેવી ડોકમાં સીસ્ટમ પણ ઓરાયન માટે વિકસાવવામાં આવી છે. શરૂઆતમાં નાસાએ પોતાનાં 'કોન્સીલેશન' પ્રોગામ માટે 'ઓરાયન' વેર્ટીકલની ડિઝાઈન તૈયાર કરાવી હતી. જેનું બાંધકામ ખ્યાતનામ કંપની 'લોકટીડ માર્ટીન' કરવાની હતી. જે ઓરાયનનું સર્વેીસ મોડયુલ એરબસ ડિફેન્સ અને સ્પેસ દ્વારા કરવામાં આવશે. ૨૦૧૪માં ક્રુ એટલે કે માનવ રહીત ટેસ્ટ ફલાઈટ કરવામાં આવી હતી. ડેલ્ટા-૪ રોકેટ વડે તેનું લોંચીંગ થયું હતું.
નાસાના મુળ મિશન આર્ટેમિસ માટે 'ઓરાયન' ખૂબ જ અગત્યનું પૂરવાર થશે. જોકે ગ્રીક માયથોલોજીમાં ઓરાયનનો શિકાર આર્ટેમિસે કર્યો હતો. અહીં વિજ્ઞાાન વાસ્તવિકતા કંઈક અલગ ઈતિહાસ રચશે.