Get The App

ચોથી ઔદ્યોગિક ક્રાંતિ માટે કંપનીઓએ કેવી રીતે સજ્જ થવું?

મેનેજમેન્ટ - ધવલ મહેતા

Updated: Nov 16th, 2019

GS TEAM

Google News
Google News
ચોથી ઔદ્યોગિક ક્રાંતિ માટે કંપનીઓએ કેવી રીતે સજ્જ થવું? 1 - image


ચોથી ઔદ્યોગિક ક્રાંતિમાં થ્રી-ડી પ્રિન્ટિંગ, ક્લાઉડ ટેક્નોલોજી, આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ક્વોન્ટમ કોમ્પ્યુટર્સ, બાયો ટેકનોલોજી, નેનો ટેકનોલોજી, ડ્રાયવરલેસ કાર લાવી રહી છે

ચોથી ઔદ્યોગિક ક્રાંતિ થ્રી-ડી પ્રિન્ટિંગ, ક્લાઉડ ટેક્નોલોજી, આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ક્વોન્ટમ કોમ્પ્યુટર્સ, બાયો ટેકનોલોજી, નેનો ટેકનોલોજી, ડ્રાયવરલેસ કાર લાવી રહી છે અને ભવિષ્યમાં માનવ ચેતના (હ્યુમન કોન્સીઅસનેસ) ધરાવતા રોબોટ્સ પર આધારિત હશે. 

ડબલ જીડીપી: જો ભારત તેની જીડીપી સતત છ વર્ષ માટે ૧૨ ટકા લઈ જાય તો તેની જીડીપી ડબલ થઈ જાય અને તે પછીના ૬ વર્ષમાં ફરીથી ડબલ થઈ જાય. પરંતુ અર્થકારણમાં સ્લોડાઉન, રીસેશન, ડીપ્રેશન, રીકવરી, ગ્રોથ અને ફરી પાછું સ્લોડાઉન એવું ચક્ર ઘણી સદીઓથી ચાલે છે. પ્રાચીન ભારતમાં પણ રાજાઓ યુદ્ધોને કારણે વારંવારે પડતા દુકાળોને કારણે અર્થકારણનું ચક્ર ચાલતું રહ્યું છે જેને કારણે ભારતમાં આ સંસારને દુઃખપ્રધાન અને પરલોકકેન્દ્રી માનવાની ફિલોસોફી ખીલી હતી.

કનેક્ટીવીટી: એક અંદાજ મુજબ ભારતમાં ૯૦ કરોડથી વધુ લોકો સ્માર્ટ ફોન, ઇ-મેઇલ કે અન્ય પ્રકારના મોબાઇલ ફોનથી જોડાયેલા છે. તે ઉપરાંત જગતમાં ૩૦ ટકા લોકો સોશીયલ મીડીયાથી જોડાયેલા છે. આ જોડાણ સંઘર્ષના અને સહકારના બન્ને છે ભારતમાં ડીજીટલ પ્લેટફોર્મ પર વેચાતા અને ખરીદાતા માલથી ભારતની બહુરાષ્ટ્રીય કંપનીઓ પણ ચોંકી ઉઠી છે. ચોથી ઔદ્યોગિક ક્રાંતિને લીધે એકંદરે રોજગારી વધશે કે ઘટશે તેની અત્યારે આપણને ખબર નથી. અમેરિકામાં અત્યારે નવા નવા ઇલેક્ટ્રોનિકસ સાધનોનો ઉપયોગ છતાં રોજગારી વધી છે તેથી અમેરિકા ખુશ છે. ગરીબ દેશોને કદાચ આ લાભ નહી મળે જે આર્થિક ક્રાંતિ વખતે બન્યું છે.

ચોથી ઔદ્યોગિક ક્રાંતિ - ઉદ્યોગો: ઘણા કંપની મેનેજરો એવું માને છે કે, ચોથી ઔદ્યોગિક ક્રાંતિ ઉદ્યોગોમાં બહુ ઉથલપાથલ લાવશે નહીં. ભલે લોકો તેને ચોથી ઔદ્યોગિક ક્રાંતિ ગણતા હોય પરંતુ અત્યારે જે કાંઈ થઈ રહ્યું છે તે ત્રીજી ઔદ્યોગિક ક્રાન્તિ જેના હાર્દમાં ડીજીટલાઇઝેશન છે તેનું જ વિસ્તરણ છે. તે માહિતી ક્રાંતિનું જ એક સ્વરૂપ છે. આ વિદ્યાનો નવી ઉભરતી ક્રાંતિના 'ડીનાયલ મોડ'માં છે. ચોથું ઔદ્યોગિક મોજું નવી બાબત છે કારણ કે તે દુનિયાની દરેકે દરેક ઉત્પાદન પ્રવૃત્તિઓને અસર કરી રહ્યું છે.

તેની ઝડપ બહુ વધારે છે તેની મેનેજમેન્ટ પર પણ ગંભીર અસર પડી રહી છે. અત્યારે જે ઝડપે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનો વ્યાપ વધી રહ્યો છે તેમાં મોટો મુદ્દો એ છે કે રોબોટ્સમાં 'માનવ ઇન્ટીમસી'નો અભાવ છે. ઇન્ટીમસીના સંબંધોના પાયામાં માનવની લાગણીઓનું આદાનપ્રદાન મુખ્ય છે તેથી માનવ રોબોટ્સના આંતરસંબંધો આવતા વર્ષોમાં કોયડારૂપ બનશે.

યાદ રહે કે માનવ સંબંધો ઇમોશનલ ઇન્ટેલીજન્સ પર રચાયેલા હોય છે. જેના પરસ્પર વિશ્વાસ, પ્રેમ અને કરૂણા  મુખ્ય તત્વો છે. માનવ સમાજની આર્થિક ઉત્પાદકતા સાથે તેનો બહુ મોટો સંબંધ નથી. અહીં આપણે ચોથી ઔદ્યોગિક ક્રાંતિ મેનેજમેન્ટના વર્તન અને વ્યવહાર પર કઈ અસર કરશે તેની ટૂંકમાં ચર્ચા કરીશું.

(૧) કર્મચારીને મુખ્ય 'એસેટ' ગણીને તેને ડેવલપ કરવો પડશે. કંપનીના કેન્દ્રમાં યંત્રો નહિ પરંતુ માનવી હશે. યંત્રોને પોતાની કોઈ મહેચ્છા હોતી નથી, લાગણીઓ હોતી નથી કે તેમનામાં 'હું'ની ઓળખ હોતી નથી. માનવીમાં આ બધું હોય છે. કામ કરતા માનવીય મૂલ્યોનું જતન આ ચોથી ઔદ્યોગિક ક્રાંતિનું મુખ્ય લક્ષણ હશે, તે માનવ કેન્દ્રી હશે. કંપનીની ટોપ મેનેજમેન્ટે માનવીય મૂલ્યોને કેન્દ્રમાં રાખીને કંપનીનું મેનેજમેન્ટ કરવું પડશે. માનવીની મહત્ત્વકાંક્ષા, હતાશાઓ, ઇચ્છાઓ અને મૂલ્યોને 'ડાઉનલોડ' કરી શકાતા નથી માત્ર ડેટા અને હકીકતોને જ ડાઉનલોડ કરી શકાય છે.

(૨) મોટા ઉદ્યોગોએ નાના કે સૂક્ષ્મ ઉદ્યોગો તેમજ કામદાર યુનિયનો અને એકેડમીઓ (યુનિવર્સિટી સિસ્ટમ) સાથે અત્યારે છે તેનાથી વધુ ગાઢ સંબંધો કેળવવા પડશે.

(૩) કંપનીઓને તેમજ તમામ નાના મોટા ઉત્પાદન કરતા એકમોએ ઇકોસીસ્ટમને અગત્યના પરિબળ તરીકે ધ્યાનમાં રાખવું પડશે. કંપનીઓએ એકેડમીઆ સાથે વધુ સંકલન કરીને ઇનોવેટીવ એકેડમી સાથે વધુ સંકલન કરીને ઇનોવેટીવ સિસ્ટમની રચના કરવી પડશે સીલીકોન વેલી અને અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટી વચ્ચેના પરસ્પર સહાયક સંબંધોએ એક નવું જ ઇનોવેટીવ કલ્ચર સીલીકોન વેલીમાં ઉભું કર્યું હતું. તેવું ભારતની યુનિવર્સિટીઓ અને આઇઆઇએમ- આઇઆઇટી સીસ્ટમે કરીને અનેક 'સીલીકોન વેલીઝ' ઉભી કરવી પડશે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટી ના હોત તો 'સીલીકોન વેલી' ન હોત.

(૪) દરેક નાની- મધ્યમ કે મોટી કંપનીએ પોતાનું 'વિઝન' નક્કી કરવું પડશે અને તેને છેક છેલ્લા કર્મચારી સુધી લઈ જવું પડશે. કર્મચારીને લાગવું જોઈએ કે તે આરસપહાણનો પથ્થર તોડવાની મહેનત કરતો નથી પરંતુ મૂર્તિ બનાવે છે.

(૫) દરેક મોટી કંપની પોતાની યુનિવર્સિટીની સ્થાપના કરશે જે પોતાના કર્મચારીઓ માટેનું ટ્રેનિંગ સેન્ટર નહી હોય પરંતુ બહારના લોકોને પણ અનેક ક્ષેત્રોમાં ટ્રેનિંગ આપશે. આનું કારણ એ છે કે અતિ સ્પેશ્યલાઇઝેશનનો જમાનો હવે આથમી રહ્યો છે અને કર્મચારીઓ અને મેનેજરો માટે 'મલ્ટી ટાસ્કિંગ'નો જમાનો શરૂ થયો છે.

વધારાના કામદારોને કંપની રૂખસદ નહી આપે પરંતુ તેમાં યુનિવર્સિટીમાં મલ્ટીટાસ્કિંગ માટે તૈયાર કરશે. જે કામદાર નવું કામ શીખવા આતુર હશે તેને 'સરપ્લસ' ગણીને નોકરીમાંથી દૂર નહી કરવામાં આવે આ કારણે મશીન લર્નિંગ ઘણું ઉપયોગી થઈ પડશે. કામદારનું કંપનીના અન્ય કામમાં ટ્રાન્ઝીશન થાય તેની કાળજી લેવાશે.

(૬) ટોપ મેનેજમેન્ટ અને મીડલ મેનેજમેન્ટમાં માત્ર ટેકનિકલ કુશળતા જ નહિ પરંતુ હ્યુમન સ્કીલ્સનું મહત્ત્વ વધશે.

(૭) જૂના કામોને અને કામદારોને તદ્દન રદ કરવાને બદલે કામનું કોન્ફીગરેશન કરીને કામદારને નવા કામો સોંપાશે.

(૮) નવા ઔદ્યોગિક યુગમાં મેનેજમેન્ટની કમાન્ડ એન્ડ કંટ્રોલની પદ્ધતિ બિનઉપયોગી પુરવાર થશે. ઘણાં પ્રકારના કામો ટીમવર્ક દ્વારા થશે. ટીમવર્કનું સંચાલન કરવાની કુશળતા પરથી ટોપમેનેજમેન્ટની કુશળતા નક્કી થશે.

(૯) જગતમાં અત્યાર સુધી સરકાર દ્વારા પબ્લીક સેક્ટરનું સંચાલન અને ખાનગી મેનેજમેન્ટ દ્વારા કંપનીઓનું સંચાલન એવા બે મહત્ત્વના વર્ગીકરણ હતા. તેમાં થોડોક ઉલ્લેખ સહકારી મંડળીઓના સંચાલનનો પણ હતો. હવેના જમાનામાં પબ્લિક- પ્રાઇવેટની ભાગીદારીવાળી કંપનીઓ ઉભી થાય તેવી સંભાવના છે.

અત્યારે આવી કંપનીઓ બહુ જ ઓછી છે અને તેમની સફળતા વિષે પણ શંકા ઉભી થઈ છે. સરકારે ઓલીગોપોલી કે મોનોપોલી માર્કેટ ના હોય તો કંપનીઓ ચલાવતા આવડતું નથી. તેથી સરકાર- ખાનગી સાહસોનું મિશ્ર વ્યવસ્થા તંત્ર કદાચ ઉભું થાય તેવી શક્યતા છે. છેલ્લે મૂડીવાદના વિકલ્પે જગતમાં કોઈ નવી આઇડીયોલોજી જન્મી નથી તેથી જગત જમણેરી થતું જાય છે.

(૧૦) છેલ્લે એક હતાશાજનક વાત એ છે કે ચોથી ઔદ્યોગિક ક્રાંતિની કામગીરીના યુગમાં આર્થિક અસમાનતા કે સામાજિક અસમાનતાનો પ્રશ્ન ઉભો જ રહેશે કે વધુ વકરશે તેમ લાગે છે. કારણ કે મૂડીવાદ નવા વાઘા પહેરીને ચાલુ રહેશે.

Tags :