ઘરમાં 'વડીલશાહી'નું નહીં, પણ 'વિવેકશાહી'નું ચલણ હોવું જોઇએ
કેમ છે, દોસ્ત - ડૉ.ચન્દ્રકાન્ત મહેતા
વિશુદ્ધિની જિંદગીમાં આકસ્મિક આઘાતજનક પરિવર્તન આવ્યું. જે ઘરમાં એ 'પુત્રવધૂ' બનીને જવાની હતી તે ઘરમાં એણે 'પુત્રી' તરીકે કાયમ માટે રહેવાનું નક્કી કર્યું - એનું રહસ્ય શું ?
''વિહાન, તું હવે પચ્ચીસ વર્ષનો થયો, મને મારા ઘરમાં પુત્રવધૂની પ્રતીક્ષા છે. આવતા અઠવાડિયેથી હું આપણી જ્ઞાાતિની બ્રાહ્મણ કન્યાઓના મા-બાપનો સંપર્ક સાધવાનું શરૂ કરીશ. જ્યાં મારું દિલ ગોઠશે ત્યાં તારો પણ સંપર્ક કરાવવાનું વિચારીશ'' પં. વ્રજલાલે કહ્યું.
''પપ્પાજી, હું પચ્ચીસ વર્ષનો થયો, એમ તમે માનતા હો, તો મારી જિંદગીનો સ્વતંત્ર રીતે નિર્ણય કરવાનો મારો અધિકાર છે, એ વાત પણ તમારે સ્વીકારવી જ જોઇએ. માત્ર જ્ઞાાતિના આધારે જીવનસંગિનીને પસંદ કરવા માટે હું મારા મનને રાજી કરી શકતો નથી.'' વિહાને પંડિતજીને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું.
''તો તું પણ કાન ખોલીને સાંભળી લે વિહાન. હું સનાતની બ્રાહ્મણ છું.. અને બ્રાહ્મણની દીકરી સિવાય કોઇનેય હું મારા ઘરમાં પુત્રવધૂ તરીકે પગ મૂકવા દઇશ નહીં. મારા ઘરમાં મારું જ રાજ્ય ચાલશે. મને વિદ્રોહી સંતાન ગમતું નથી. મારે તને શ્રવણ નથી બનાવવો, પણ પિતૃભક્તિનો છેદ ઉડાડી દે એવો બળવાખોર પુત્ર પણ નથી બનાવવો. કુળદીપકનું કામ કુળને અજવાળવાનું હોય, અંધકાર ફેલાવવાનું નહીં. પુત્ર કુટુંબધર્મી અને સમાજધર્મી હોવો જોઇએ, આત્મકેન્દ્રી નહીં. શાસ્ત્રોનો મત પણ આવો જ છે, અને એ મતને હું વળગી રહેવા ઈચ્છું છું'' - પં. વ્રજલાલે આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું.
''પપ્પાજી, કદાચ હું 'પપ્પાજી' શબ્દનો પ્રયોગ કરું એ પણ તમને નહીં ગમે. પણ 'પિતાશ્રી' જેવો ભારેખમ શબ્દ પણ મને રૂચતો નથી ! સંસ્કારિતા કોઇ એક જ્ઞાાતિના અધિકારની વસ્તુ નથી. નવી પેઢી હોય કે જૂની, બન્નેમાંથી કોઇને જિદ કરવાનો અધિકાર ન જ હોઇ શકે. સત્ય સ્વીકારવા સંવાદનો રસ્તો જ યોગ્ય છે. ઘરમાં 'વડીલશાહી'નું નહીં 'વિવેકશાહી'નું ચલણ હોવું જોઇએ.
એટલે હું આજ્ઞાાંકિત ન રહું તો એને કારણે મને ઉદ્ધત, અવિનયશીલ કે પિતાવિરોધી ન ગણશો એટલી મારી વિનંતી. આઝાદી માણવા ઇચ્છતા સંતાનોને પોતાનાં સપનાનાં સાક્ષી બનવા દેવાં એ પણ પુણ્યકાર્ય છે. મંદિર કે ધર્માલયમાં રૂપીઆ - પૈસાના દાન કરતાં સંતાનને લાગણી, હૂંફ અને પ્રેમનું બિનશરતી દાન કરવું એ પણ પુણ્યકાર્ય જ છે.'' - વિહાને કહ્યું અને તેના પપ્પા વ્રજલાલ રિસાઇને પોતાના પૂજાખંડમાં ચાલ્યા ગયા.
વિહાનનું આગવું વ્યક્તિત્વ હતું, આગવી વાક્છટા હતી. પોતાની કોલેજમાં વક્તૃત્વ સ્પર્ધા હોય ત્યારે વિહાન કેવી દલીલો કરશે, તે સાંભળવા તેના પ્રોફેસર્સ પણ ઉત્સુકતાથી હાજર રહેતા. એની દલીલો ધારદાર, તર્કયુક્ત અને અકાટય હતી. પરિણામે પ્રતિસ્પર્ધીઓ સ્વયંસ્વીકૃત હાર માની લેતા.
પારિતોષિક પ્રદાન સમારંભમાં વિજેતા વિહાનને બિરદાવતાં એના પ્રિન્સિપાલે કહ્યું હતું: ''એલએલ.બી.નો અભ્યાસ પૂરો કરી વિહાન કારકિર્દી તરીકે વકીલાતનો વ્યવસાય અપનાવે તો વિરોધી વકીલનાં હાંજા ગગડાવી દેવાની એનામાં તાકાત છે. વિહાનમાં ખોટાને સાચું અને સાચાને ખોટું ઠેરવવાનું અદ્ભુત કૌશલ્ય છે. વકીલાત એને માટે રૂપીઆનો ધોધમાર વરસાદ વરસાવી શકે.''
એ પછી ઉદ્ઘોષકે ઉદ્ઘોષણા કરી કે 'હવે મિ. વિહાન પોતાનો પ્રતિભાવ આપશે.'
વિહાન આત્મવિશ્વાસપૂર્વક માઇક સામે ઊભો રહ્યો. એણે કહ્યું: ''શિક્ષણસંસ્થાઓ વિદ્યાર્થીઓની રાહબર હોય છે, ગેરમાર્ગે દોરનારી નહીં. વિદ્યાપ્રાપ્તિ કરી સંસ્થામાંથી બહાર પડનાર વિદ્યાર્થી 'સત્યં વદ', 'ધર્મં ચર'નો સંદેશ લઇને નીકળે છે, ધનિક બનવાનો નહીં. પ્રિન્સિપાલ સાહેબના મંતવ્યનો હું નમ્રતાપૂર્વક અસ્વીકાર કરું છું કે એક એડવોકેટ તરીકે હું સાચાને ખોટું અને ખોટાને સાચું ઠેરવવામાં સફળ થઇશ, જેને કારણે મને ઢગલાબંધ રૂપીઆ મળશે. આવું માનવું એ વકીલાતના પવિત્ર વ્યવસાયનું અપમાન છે.
કોર્ટો સત્યની જીત માટે ચાલે છે અને કોર્ટના એ કર્તવ્યમાં વકીલ સત્યનો સંત્રી બની ધન ખાતર ધર્મ (કર્તવ્ય) ભ્રષ્ટ થાય એ મને મંજૂર નથી ! કોર્ટ એ સત્યને હરાવવાની જગા નથી, પણ સત્યને જિતાડવા માટે એકઠા થએલા લોકોનું પવિત્ર મંદિર છે. આપ સહુ મને આશીર્વાદ આપો કે હું એક એડવોકેટ તરીકે સત્યનો સંત્રી બનું, મારે ધનિક નથી બનવું પણ શુદ્ધ અંતઃકરણના અમીર બનવું છે'' - કહી વિહાને પોતાની વાણીને વિરામ આપ્યો. તાલીઓના ગડગડાટ સાથે સહુએ તેને વધાવી લીધો અને તેના સન્માનમાં ઉપસ્થિત લોકોએ તેનું ઊભા થઇને અભિવાદન કર્યું.
વિહાનના પપ્પા પં. વ્રજલાલ પણ પારિતોષિક પ્રદાન સમારંભમાં હાજર હતા. એમણે ઘેર ગયા બાદ વિહાનનો ઉધડો લેતાં કહયું: ''જરા પ્રેક્ટીકલ થા, આદર્શોના રવાડે ચઢીશ તો ભૂખે મરીશ. વકીલનું કામ અસીલને જીતાડવાનું છે, સત્યને જીતાડવાનું નહીં. પ્રિન્સિપાલ સાહેબની ટીકા કરીને તારા હાથમાં શું આવ્યું ? તાલીઓના ગડગડાટ જ ને ! તાળીઓથી પેટ નથી ભરાતું.
તું સત્યને વળગી રહીશ તો તારી ઑફિસમાં કાગડા ઉડશે. દરેક વસ્તુને તું ઉલટાં ચશ્માંથી કેમ નિહારે છે. તારે આત્મદર્શન કરવું જોઇએ. હું કથાકાર છું અને લોકોને રુચે એવી વાતો જ કથામાં કહું છું. સત્યનો ઉપદેશ આપવા જાઉં તો મારા ઘરમાં હાંલ્લા કુસ્તી કરે ! મને આશા હતી કે તું ઢગલો રૂપીઆ રળીને મારું ઘડપણ સુધારીશ, પણ મને લાગે છે કે હું જીવીશ ત્યાં સુધી કથાઓ કરવા ગળું ફાડતો રહીશ.''
વિહાન થોડી વાર ચૂપ રહ્યો. ત્યારબાદ એણે કહ્યું: ''આપ જેવા સનાતની બ્રાહ્મણો સત્યની રક્ષા નહીં કરે તો કોણ કરશે ? ઋષિ વશિષ્ઠને ધનનો કે સત્તાનો મોહ ક્યાં હતો ? સાંદીપનિએ એમના શિષ્ય કૃષ્ણ પાસે ઢગલાબંધ ધન માગ્યું હતું ? આપે મને એવો જીવનમંત્ર આપવો જોઇએ કે હું સત્યથી ડગું નહીં અને ધનના કીચડથી મારા પગ મલીન ન થાય. ભલે હું આપની નજરમાં 'સુપુત્ર' ન ઠરું, પણ ભગવાનની નજરમાં મારે કુપુત્ર નથી ઠરવું.. આપના સિદ્ધાંતોના અંધભક્ત ન બનવા બદલ મને ક્ષમા કરશો.'' - કહી વિહાન આરામ માટે પોતાના શયનખંડમાં ચાલ્યો ગયો.
થર્ડ એલએલ.બી.ની યુનિવર્સિટી પરીક્ષા પાસ કર્યા બાદ બાર કાઉન્સિલ દ્વારા સનદ મળતાં વિહાને એડવોકેટ તરીકે પોતાની પ્રેકટીસ શરૂ કરી.
નાનકડી સાદી ઓફિસ અને એક ડી.ટી.પી. ઓપરેટર. એક તેજસ્વી વિદ્યાર્થી તરીકે વિહાનની પ્રતિષ્ઠા હતી. એટલે તેના શુભચિંતકો અસીલોને તેની પાસે હરખભેર મોકલતા. વકીલાત માટે મળેલા કેસનો વિહાન ઊંડાણપૂર્વક અભ્યાસ કરતો અને સાચી સલાહ આપતો. એની સલાહ ગળે ન ઉતરતાં અસીલો ચાલ્યા જતા, પણ જે કેસ સત્યની દ્રષ્ટિએ મજબૂત જણાય તેને જિતાડવા માટે વિહાન તનતોડ મહેનત કરતો - રાત્રિના ઉજાગરા વેઠીને પણ.
કોર્ટમાં વિહાન દલીલો કરે ત્યારે જજ સાહેબ પણ તેની વાત ઉત્સુકતાપૂર્વક સાંભળતાં. વકીલો પણ તેની વાક્છટાનાં વખાણ કરતાં.
એના શ્રેષ્ઠ શ્રોતાઓમાં મોખરે હતી એડવોકેટ કુ. વિશુદ્ધિ. દેખાવમાં રૂપાળી, પણ સાદગીપ્રીય. ક્યારેય આડંબર કરવાની કોશિશ ન કરે અને વિહાનને સદાય બિરદાવે. રિસેસમાં આગ્રહ કરી કેન્ટીનમાં કૉફી પીવા પોતાની સાથે જોડાવાનું નિમંત્રણ આપે. બન્ને સાથે બેસીને કૉફીનો આનંદ માણે. પણ વિહાન વિશુદ્ધિની નિકટતા કેળવવાની લેશમાત્ર કોશિશ ન કરે. વિહાનના વર્તનમાં વ્યક્ત થતી શાલીનતા વિશુદ્ધિને સ્પર્શી ગઇ.
અને એક સાંજે રૂબરૂ મુલાકાત નક્કી કર્યા સિવાય વિહાનની ઓફિસ પહોંચી ગઇ. વિહાનને આશ્ચર્ય થયું. થોડી વાર પછી વિશુદ્ધિએ મરક-મરક હસતાં કહ્યું: ''એડવોકેટ સાહેબ, એક અંગત કેસ લઇને તમારી મદદ લેવા આવી છું.. કેસ હમણાં 'ફ્રી'માં લડવાનો છે, પણ ભવિષ્યમાં તેની મોટી ફી ચૂકવવામાં પાછી નહીં પડું.''
''હું કાંઇ સમજ્યો નહીં. તમારા કોઇ સગા-વહાલાં સામેનો કેસ છે ? જો એ કેસ તમે જ લડવાનાં હો તો હું મારાથી બનતી તમામ મદદ કરીશ. આપના પ્રત્યે મને ખરેખર ખૂબ જ માન છે.'' - વિહાને કહ્યું.
''કેસ 'વહાલા'ને સગો બનાવવાનો છે અને એ કેસ હું હારવા માગતી નથી. મિલાવો હાથ'' - કહી વિશુદ્ધિએ સામેથી જ વિહાનનો હાથ પકડી લીધો. વિહાનને વિશુદ્ધિના હાથની ઉષ્મા સ્પર્શી ગઇ. એ થોડો રોમાંચિત પણ થઇ ગયો. કશું બોલે એ પહેલાં જ વિશુદ્ધિએ કહ્યું: ''મેં પકડેલો હાથ હું છોડવા માગતી નથી, એને કાયદેસરનો બનાવવા ઇચ્છું છું. વિહાન, વકીલાતના વ્યવસાય દરમ્યાન અનેક લોકોના પરિચયમાં આવી છું પણ એમની આંખમાં દેખાતી વાસનાને કારણે મેં કોઇ સાથે કશી નિકટતા કેળવી નથી.
તારામાં જે નિર્દોષતા અને સ્વયંસ્વીકૃત સંયમ છે, એના પર હું આફરીન છું. તારી સાથેના વિવાહ માટે મારા ઘરનાં કોઇ વડીલ 'માગું' નાખે તે મને પસંદ નથી, એટલે હું જ તારી મંગેતર બનવા 'માગું' નાખી રહી છું. સ્વીકાર કે ઈન્કારનો અધિકાર તારો. તારો ઈન્કાર હશે તો પણ હું જીવનભર તારી દોસ્તી નિભાવીશ. કળિયુગમાં સાચો અને સારો પુરુષ મિત્ર મળે એ મારે મન 'લૉટરી' લાગ્યા સમાન છે.'' - વિશુદ્ધિએ પોતાની વાત પૂરી કરી.
વિશુદ્ધિને ભાવભીની વિદાય આપતાં કહ્યું: ''તક વરદાન બની શકે વિશુદ્ધિ, તારા નામ પ્રમાણે જ તારામાં ગુણ છે. આપણા મિલનની તકને હું વરદાન માનું છું'' અને વિશુદ્ધિએ પ્રસન્નચિત્તે વિહાનની વિદાય લીધી હતી.
વિહાન ઘેર પહોંચ્યા પછી ભોજન બાદ ન્યૂઝચેનલના સમાચાર જોઇ રહ્યો હતો, એટલામાં તેના પપ્પા પં. વ્રજલાલજી તેની પાસે આવ્યા. એમના હાથમાં ફોટા અને જન્મકુંડળીઓ હતી.
એમણે કહ્યું: ''છેલ્લા છ મહિનાથી વિહાન, તારે માટે હું કન્યાઓ જોતો આવ્યો છું. રૂપ-ગુણ ઉપરાંત તારી કુંડળી સાથે જેનો મેળ પડતો હોય એવી કન્યાઓના બે ફોટા મેં અલગ તારવ્યા છે. બેમાંથી એકની પસંદગી કરવાની તને છૂટ પણ ધરાર ના પાડવાની છૂટ નહીં.''
પંડિતજીએ આપેલા બે ફોટા જોયા વગર જ બાજુએ મૂકીને વિહાને કહ્યું: ''આપે મારા માટે કષ્ટ લીધું એ બદલ આભાર, પણ જેને આપણે પસંદ કરવા ન ઈચ્છતા હોઇએ એનો ફોટો જોવાનો પણ શો અર્થ ? મેં આપને અગાઉ કહ્યું હતું કે મારી જિંદગીના મહત્વના નિર્ણયો હું જ લઇશ. આપને એ જવાબદારીમાંથી હું મુક્ત રાખવા માગું છું.''
''એટલે તું તારી મરજીથી પાત્ર શોધીને લગ્ન કરવા માગે છે, એમ જ ને ! તો સાંભળી લે, એમાં મારી સમ્મતિ નહીં હોય અને એવું માગું હું સ્વીકારીશ પણ નહીં'' - પં. વ્રજલાલે પોતાની નીતિ જાહેર કરી.
'ભલે, આપની મરજી વિશે હું કશું કહેવા માગતો નથી. હા, એટલી ચોખવટ અવશ્ય કરીશ કે મારી જીવનસંગિની સંસ્કારમાં ઉચ્ચકોટિની હશે અને પોતાનાં કર્તવ્યોની એનામાં ઊંડી સમજ હશે'' વિહાને કહ્યું.
અને પંડિતજી સમસમી ઊઠયા.
વિશુદ્ધિએ પણ પોતાના પરિવારમાં વિહાનને પોતાનો જીવનસાથી બનાવવાની વાત કરી અને કોઇ પણ પ્રકારનો વિવાહોત્સવ કે લગ્નોત્સવ ઉજવવાને બદલે કોર્ટની રાહે વિહાન સાથે લગ્ન કરી લેવાની પોતાની ઈચ્છા પ્રદર્શિત કરી. વિશુદ્ધિનું કુટુમ્બ પ્રગતિશીલ વિચાર ધરાવતું હતું. એમણે દીકરીના નિર્ણયને વધાવી લીધો.
વિશુદ્ધિ વિહાનને પોતાના પરિવારની મુલાકાત કરાવે એ પહેલાં જ વિહાન જાતે જ વિશુદ્ધિને બંગલે પહોંચી ગયો. વિશુદ્ધિના પપ્પાએ તેને હૃદયપૂર્વક આવકાર્યો. વિહાને કહ્યું: ''મુરબ્બી, આપની પુત્રી વિશુદ્ધિ મને ગમે છે તેની ઈચ્છા પણ મને જીવનસાથી બનાવવાની છે પણ હું આપની ઈચ્છા અને અનુમતિને સર્વોપરિ ગણું છું.. આપની આશીર્વાદની મને અપેક્ષા છે.''
વિશુદ્ધિના પપ્પાએ કંકુ મંગાવ્યું. વિશુદ્ધિની મમ્મીએ બન્નેને આશીર્વાદ આપ્યા અને તેના પપ્પાએ એ બન્નેને કંકુ તથા અક્ષતથી વધાવ્યા અને સુખી થવાના આશીર્વાદ આપ્યા.
વિશુદ્ધિની ઈચ્છા હતી કે વિહાનના પરિવારજનો પણ આ સંબંધને સ્વીકૃતિના આશીર્વાદ આપે. પણ વિહાને એ માટે થોડી પ્રતીક્ષા કરવાનું કહ્યું.
વિહાન અને વિશુદ્ધિ કોર્ટની રાહે લગ્ન કરે એ પહેલાં પં. વ્રજલાલ લકવાનો ભોગ બન્યા. વિહાને તેમની સારવાર અને સેવામાં કશી કચાશ ન રાખી.
નિર્ધારિત તારીખે કોર્ટની રાહે વિશુદ્ધિ સાથે વિહાને લગ્ન કરી લીધાં.
દેવદર્શન પછી વિહાને વિશુદ્ધિને પોતાનાં મમ્મી-પપ્પાના આશીર્વાદ માટે વિચાર્યું. કાશ્મિર અને વૈષ્ણોદેવીનો પ્રવાસ ગોઠવાયો. વિશુદ્ધિ વિહાનની સંસ્કારપ્રિયતાથી અનહદ ખુશ હતી.
દેવીમાતાનાં દર્શન કરી જમ્મુ પાછાં ફરતાં વિહાનને છાતીમાં અસહ્ય દર્દ ઉપજ્યું. વિશુદ્ધિએ લોકોની મદદથી તેને હોસ્પિટલ પહોંચાડયો. તીવ્ર હાર્ટ એટેકને કારણે વિહાન બેહોશ થઇ ગયો હતો.
વિશુદ્ધિએ વિહાનના પપ્પા પં. વ્રજલાલજીને ખબર આપવા ફોન કર્યો પણ ફોન ન જોડાયો. અને અંતે ચોવીસ કલાક પછી વિહાને અંતિમ શ્વાસ લીધો. વિશુદ્ધિ પર આભ તૂટી પડયું.
તેનાં પપ્પા અને પિયરિયાં દોડી આવ્યા. જમ્મુમાં જ વિહાનનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો અને વિશુદ્ધિને તેના પપ્પા પિયર તેડી ગયા. વિહાનના પપ્પા લકવાગ્રસ્ત હતા અને તેની મમ્મીને મોતીઆનું ઓપરેશન કરાવેલું હતું એટલે વિશુદ્ધિના પપ્પાએ તેમને આઘાતજનક સમાચાર આપવાનું મુલતવી રાખ્યું હતું.
ઉત્તરક્રિયા બાદ વિશુદ્ધિ અને તેના પપ્પા વિહાનના અસ્થિકુંભ સાથે વિહાનના પપ્પા પં. વ્રજલાલને મળવા ગયા. વિહાનના અવસાન સમાચારથી તેઓ નાના બાળકની જેમ છુટ્ટે મોંઢે રડી પડયા. વિહાનની મમ્મીની આંખમાં આંસુ પણ સૂકાતાં નહોતાં.
આડોશ-પડોશનાં લોકો પણ દોડી આવ્યાં અને પંડિતજીને આશ્વાસન આપ્યું.
ચારેક કલાક રોકાયા બાદ વિશુદ્ધિના પપ્પાએ કહ્યું: ''પંડિતજી, હિંમત રાખજો. અમારાથી બનતી સેવા અમે કરતાં રહીશું. વિશુદ્ધિ પણ અવાર-નવાર આવતી રહેશે.''
''ના, પપ્પા, અવારનવાર નહીં, આજથી જ વિહાનનું ઘર એ મારું ઘર. મારા અને વિહાનના સંબંધો ભવભવના હતા. એનાં અધૂરાં કાર્યો પતાવવાની જવાબદારી મારી છે. મારાં સાસુ સસરાં વૃદ્ધ છે. લાચાર છે એમને ભાગ્યનો ભરોસો છોડીને આવું તો મારા વિહાનનો આત્મા કકળી ઊઠે.
હું પં. વ્રજલાલજીના ઘરમાં પુત્રવધૂ તરીકે આવવાની હતી, હવે પુત્રી બનીને અહીં જ રહીશ. પપ્પા, મને આશીર્વાદ આપો કે આપની દીકરી પોતાની ફરજ બજાવવામાં ક્યારેય વિચલિત નહીં થાય. હું વિધવા નથી, અમર સોહાગણ છું. પ્રેમપુજારણ બનીને જીવીશ.'' - અને પોતાની દીકરીની મહાનતા જોઇ તેના પપ્પા રડી પડયા અને ભીની આંખે તેને આશીર્વાદ આપી વિદાય થયા.