શેષાન સાહેબ એ મેસેજ આપી ગયા કે એક નાગરિક, એક અધિકારી ધારે તો શું ન કરી શકે
અયોધ્યાની વિવાદિત ભૂમિ પર રામ મંદિર બનશે તેવા ઐતિહાસિક ચુકાદાની ઉજવણી અને તે પછી મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસનના પડદા પાછળ ભજવાતા ત્રિઅંકી નાટકનો ખેલ જોવામાં દેશના નાગરિકો એવા ગળાડૂબ થઇ ગયા કે આઝાદ ભારતના નહોર ધરાવતા કદાચ એકમાત્ર વાઘ કહો કે જાગતો સિંહ તેવા ભૂતપૂર્વ મુખ્ય ચુંટણી કમિશનર ટી.એન.શેષાનનું નિધન થયું તે પછી તેના અસાધારણ પ્રદાનને સલામ કરતી અંજલી આપવાનું આપણે ચુકી ગયા હોય તેવું લાગ્યું.
દેશના અમલદારો પાસે એટલી તો સત્તા હોય જ છે કે તેઓ ધારે તો શહેર, રાજ્ય અને દેશની કાયાપલટ કરી શકે છે પણ મોટાભાગના અધિકારી પોતે જ નૈતિક રીતે ઘસાયેલા હોઈ નેતાઓના સોફિસ્ટીકેટેડ ક્લાસ વન કે ટુ ચપરાશી જેવા બની પ્લમ પોસ્ટ કે પ્લેસની આશમાં આયખું પૂરું કરે છે. શેષાન સાહેબને બે મિનીટ મૌન પાળીને એ રીતે યાદ કરવા જેવા છે કે આજે આપણે મતદાન આપતી વખતે જે ફોટો ઓળખપત્ર ધરાવીએ છીએ તેનો વિચાર અને અમલ તમામ પક્ષોના નેતાઓના (હા,ત્યારે બધા ભેગા થઇ ગયેલા) વિરોધ છતા તેમણે કરવામાં સફળતા મેળવી હતી.
આ ફોટો આઈડી જ આગળ જતા પાન કાર્ડ અને આધાર કાર્ડ સુધી આપણને લઇ આવ્યા.૧૯૯૯૦માં વડાપ્રધાન ચંદ્રશેખરની અલ્પજીવી સરકાર વખતે સુબ્રમણ્યમ સ્વામી કેન્દ્રમાં કાયદા મંત્રી હતા. સ્વામી અને શેષાન હાર્વર્ડમાં સાથે હોઈ મિત્રો હતા . સુબ્રમણ્યમ સ્વામીએ ચંદ્રશેખરને ચીફ ઈલેક્શન કમિશનર તરીકે શેષાનનું નામ સૂચવ્યું અને તે પછીના છ વર્ષ માટે શેષાને તે પદ એ રીતે યાદગાર બનાવ્યું કે એક અમલદાર ધારે તો કેવી ક્રાંતિ સર્જી શકે છે.
શેષાનની આ બાજુ નિમણુક થઈ અને થોડા અઠવાડિયાઓમાં કોંગ્રેસે ટેકો પાછો ખેંચી લેતા ચન્દ્રશેખરની સરકાર તૂટી પડી. તે પછી રાજીવ ગાંધી સુબ્રમણ્યમ સ્વામીને મળ્યા ત્યારે તેમણે મજાકમાં કહ્યું કે શેષાનને બેસાડી તે શું કર્યું છે તેની તને ખબર તો છે ને. એ વખતે પણ ૧૯૫૫ની બેચના આઈ.એ.એસ .શેષાનની જ્યાં જ્યાં પોસ્ટિંગ થતી ત્યાં તેમની કાર્યકુશળતા અને જોરદાર ધાકના પ્રસંગોની અમલદારો અને નેતાઓ ક્લબ કે કેન્ટીનમાં મળે ત્યારે ખાસ્સી ચર્ચા કરતા હતા.
૧૯૯૦નાં એ સમયગાળામાં રાજકારણીઓએ અમલદારો પાસે જાહેરમાં બુટ પોલીશ કરાવવાનું જ બાકી રાખ્યું હતું. ચુંટણી દરમ્યાન ઉમેદવારો મતદારોને રોકડ, દારૂની રેલમછેલ કરાવતા હતા. ઉમેદવારને લાગે કે અમુક વિસ્તારોમાં તેને મત નહિ મળે કે તે હારશે તો ગુંડાઓ દ્વારા બુથ કેપ્ચરીંગ તો સહજ ઘટનાઓ મનાતી. બોગસ વોટિંગ તેની ચરમસીમાએ રહેતું . આવા અરસામાં 'એન્ટર ધ શેષાન' એન્ડ 'રેસ્ટ ઈઝ ધ હિસ્ટરી'. શેષાને આવતા સાથે જ ઉમેદવારો અને ચુંટણી પ્રક્રિયાના કડક કાયદા જાહેર કર્યા જે આઝાદ ભારતનું એક નવું પ્રકરણ હતું. ઉમેદવારોએ તેની આવકની તેમજ પોલીસ રેકોર્ડની જાહેરાત કરવાની રહેશે.
તેણે નિયત રકમથી વધુ પ્રચાર ખર્ચ નહિ કરવાનો અને તેનો હિસાબ પણ ફરજીયાત કરવો પડશે . પ્રત્યેક મતદાર પાસે ચુંટણી કમિશન માન્ય ફોટો ઓળખપત્ર હોવું અનિવાર્ય રહેશે. જેવા એક પછી એક નિયમોની યાદી તેમને જાહેર કરવા માંડી. ભારતના ૭૦ કરોડથી વધુ મતદારોને આવા ફોટો આઈડી કરાવી આપવા અવ્યહવારુ છે તેમ નેતાઓથી માંડી તળિયાના લેવલના કર્મચારીઓ નકારાત્મક વલણ બતાવવા માંડયા તો શેષાને ભારતભરમાં ગામેગામ ખાનગી એજન્સીઓને કામ સોંપીને પ્રોજેક્ટ પાર પાડી શકાય તેવી બ્લ્યુ પ્રિન્ટ ઘડી આપી. તેમનો કાર્યકાળ ૧૯૯૬માં પૂરો થયો ત્યારે મતદારોની પાસે ફોટો ઓળખપત્ર આવવા માંડયા હોઈ દેશમાં જાગૃતિનો જુવાળ ફરી વળ્યો.
બુથ કેપ્ચરીંગ કે બોગસ વોટિંગની ફરિયાદમાં તથ્ય લાગતા તાત્કાલિક તે બેઠકોની ચુંટણી તેણે તેના કાર્યકાળ દરમ્યાન રદ કરી નાંખી હતી. તેમના કાર્યકાળ દરમ્યાન ચંદ્રશેખર, નરસિમ્હા રાવ, વાજપેયી અને દેવેગૌડા વડાપ્રધાન તરીકે રહ્યા અને કોઈની દરમ્યાનગીરી કે દબાણને વશ તો નહોતા જ થયા પણ બંધારણે એક ચુંટણી કમિશનરને જે આદર, સતા અને ખુમારી આપી છે તે પ્રમાણે રહ્યા.
એક સીનીયર પત્રકારે શેષાનના ઈન્ટરવ્યું દરમ્યાનના એક કિસ્સાને યાદ કરતા લખ્યું છે કે 'તેમની કડકાઈથી ઉમેદવારોથી માંડી ટોચના નેતાઓની ઊંઘ હરામ થઇ ગઈ હતી ત્યારે તેમની સાથે હું વાત કરી રહ્યો તે દરમ્યાન એક ફોન આવ્યો. શેષાને ફોન ઉપાડી સામેથી કોણ છે તે જાણી ગુસ્સા અને કરડાકી સાથે ફોન કરનારને જવાબ આપ્યો કે 'તમારા સાહેબને કહો પ્રોટોકોલ પ્રમાણે વર્તે'. તે પછી શેષાને મને 'સોરી' કહી ઉમેર્યું ક ેચુંટણી કમિશનરની જોડે આ લોકો જાણે તેના હાથ નીચેનો દૂમ હલાવતો કર્મચારી હોય તેમ વર્તે છે. અમારા હોદ્દાને ગરિમા આપતી એવી સત્તા છે કે અમારી જોડે મંત્રી કે વડાપ્રધાન સિવાય કોઈ વાત ના કરી શકે.
શેષાને તે પછી ઉમેર્યું કે જેમનો ફોન આવ્યો હતો તે ભાઈ મને કહેતા હતા કે 'વડાપ્રધાન નરસિમ્હા રાવની ઓફિસમાંથી બોલું છું ..તેઓએ કહેવડાવ્યું છે કે ...' એટલે મેં તેમને કહી દીધું કે 'વડાપ્રધાનને કહો સીધો મને ફોન લગાવીને વાત કરે તેઓ પ્રોટોકોલ જાણે છે.. મારાથી એમ લાઈન હોલ્ડ કરીને વચ્ચે કોઈ હોઈ શકે તેમ વાત ન કરાય. કોઈ મંત્રી કે વડાપ્રધાનની ઓફીસના સ્ટાફની સુચના લેતો નથી અને આપે તો તેને તતડાવી નાંખું છું .' તે પછી ઈન્ટરવ્યું લેનાર પત્રકાર તેના સંસ્મરણ ઉમેરે છે કે તરત જ ગણતરીની સેકન્ડમાં જ વધુ એક ફોન આવ્યો. તે વડાપ્રધાન નરસિમ્હા રાવનો હતો.
તેઓ ચુંટણી પ્રક્રિયામાં ચાલતી અતિશય કડકાઈ બદલ રોફભેર ફરિયાદ કરતા હોય તેમ લાગ્યું. શેષાન સહેજ પણ તત ભભ થઈને લળી નહોતા પડયા. તેમણે સામે છેડે કોઈ કર્મચારી કે અધિકારી હોય તે જ સૂરમાં કહી દીધું કે 'તમને ચુંટણીના નિયમો હળવા કરવામાં જેટલો રસ છે તેટલી કડકાઈ ઉમેદવારો આચાર સંહિતા પાળે તે માટે બતાવવાની જરૂર છે.' તે પછી શેષાને ફોન કઈ જ ન બન્યું હોય તેમ થોડો પછાડી ક્રેડલ પર મૂકી દીધો હતો.
ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પક્ષના ગુંડાઓ મતદારોને ડરાવવા ગોળીબાર કરતા હતા અને બુથ કેપ્ચરીંગ, બોગસ વોટીંગ અગાઉની ચુંટણીની જેમ બેફામ બેરોકટોક ચાલતું હતું ત્યારે કલમના એક જ ઝાટકે તેમણે તે તમામ બેઠકોની ચુંટણી રદ જાહેર કરી દીધી. મુલાયમ સિંઘનો તે વખતે ભારે ખોફ હતો. તેમણે ફોન ખખડાવ્યો પણ શેષાન લાઈન પર જ ન આવ્યા. તેમને તે બેઠકોની ચુંટણી તો રદ કરાવી જ પણ પ્રચારની મર્યાદા પૂરી થવાની હોઈ મુલાયમ સિંઘ પ્રચાર પ્રવાસ માટે જે હેલીકોપ્ટર લઈને જવાના હતા તેના લેન્ડીંગની પરવાનગી જ ન આપી.

જો હુકમનું પાલન નહિ કરો તો ઉમેદવારી જ રદ થઇ જશે તેમ સ્પષ્ટ નોટીસ પણ તેમને ફરમાવી દેવાઈ હતી. પંજાબ વિધાનસભાની ચુંટણી જાહેર થઇ તે પછી જે રીતે પ્રચાર થતો હતો તે જોઈ તેમણે મતદાન શરુ થવાના ગણતરીના કલાકો પહેલા જ ચુંટણી રદ કરતા ભારે હોબાળો મચ્યો હતો. પશ્ચિમ બંગાળના ડાબેરીઓએ તેને પદભ્રષ્ટ કરવા મહાભિયોગ ચલાવ્યો પણ તેમાં તેઓ ફાવ્યા નહોતા. તેમના પર નિયંત્રણ રહે તે માટે કેન્દ્ર સરકારે સૌપ્રથમ વખત બીજા બે ચુંટણી કમિશનર તેમની સાથે મુક્યા.શેષાને આ નિર્ણય સામે સુપ્રીમમાં કેન્દ્ર સામે કેસ કર્યો હતો પણ ચુકાદો તેની વિરુદ્ધમાં આવ્યો હતો.
આમ છતાં શેષાનની કડકાઈ તેવી જ રહી. ચુંટણી પ્રક્રિયા દેશભરના લાખો કર્મચારીઓ, પોલીસ અને પેરા મીલીટરી સ્ટાફ તેમજ નિરીક્ષકોની નજર હેઠળ થવી જોઈએ તે સેટ અપ પણ તેમણે જ શરુ કર્યું હતું.આચાર સંહિતાનું વર્તમાન કડક બંધારણ તેમણે અમલ કરવાનું માળખું તૈયાર કર્યું. શેષાન પછીના તમામ કમિશનરો કબુલે છે કે શેષાન સાહેબે એટલો ઉંચો માપદંડ ખડો કર્યો છે કે અમારા માટે તે રોડમેપ અને પ્રેરણા બંને છે. સુપ્રીમ કોર્ટ પણ અમને તે રીતે વર્તવાની ચીમકી આપે છે.
મુખ્ય ચુંટણી કમિશનર તરીકેના પ્રદાન અગાઉ તેમણે આઈ.એ.એસ અધિકારી તરીકે જે વિભાગમાં પોસ્ટિંગ મેળવ્યું ત્યાં તેમણે તેમની આગવી દ્રષ્ટિથી જે પરિવર્તન આણ્યું તેમજ જે શિસ્ત સભર વર્ક કલ્ચર ઉભું કર્યું તે સિદ્ધિઓ જરા ઢંકાઈ ગઈ છે. આઈ.એ.એસ. અગાઉ આઈ.પી.એસ. પરીક્ષામાં પણ ટોપર રહ્યા હતા. હાર્વર્ડની સ્કોલરશીપ હેઠળ જાહેર વહીવટમાં તેમણે માસ્ટર ડીગ્રી મેળવી હતી. દિલ્હી અને દેશના મેટ્રોના અમલદારો પ્રદુષણ મામલે નિષ્ફળ જતા હવે છેક દોડયા છે.
ખરેખર બહુ જુજ અધિકારીઓને પર્યાવરણની સાચા અર્થમાં સંવેદના છે. શેષાન ભારતના પર્યાવરણ સેક્રેટરી હતા ત્યારે છેક '૮૦ના દાયકામાં વૈકલ્પિક ઉર્જા, વૃક્ષારોપણ અને પ્રદુષણના સ્તર વિષય આધારિત સેમિનારો યોજતા. તેમને તે વખતે મીડિયાના લેખોમાં એવા બ્યુરોક્રેટ જે ગ્રીનોક્રેટ છે તેમ ઉપનામ મળ્યું હતું . તેઓ આજીવન પર્યાવરણના હિમાયતી હોઈ લીલા રંગની કેપ પહેરવાનું જ પસંદ કરતા. ડીપાર્ટમેન્ટ ઓફ સ્પેસના સેક્રેટરી હતા ત્યારે વિજ્ઞાાની સતીશ ધવન તેમના ક્રાયોજેનિક ટેકનોલોજીના જ્ઞાાનથી પ્રભાવિત થઇ ગયા હતા. એટોમિક એનર્જીના પણ વડા રહી ચુક્યા છે.
તામીલનાડુના સેક્રેટરી ટ્રાન્સપોર્ટ તરીકેના હોદ્દા પર હતા ત્યારે બસ ડ્રાઈવરોની હડતાલ વખતે અચાનક એક દિવસ તેમણે કેટલાક કિલોમીટર જાહેર માર્ગ પર બસ ચલાવી બધાને આશ્ચર્યમાં મૂકી દીધા. તે પછી સમાધાન થતા હડતાલ સમેટાઈ હતી. જો કોઈ અધિકારી કે કર્મચારી તેની ફરજમાં બેદરકારી બતાવે અને લક્ષ્યાંકો પ્રાપ્ત ન કરે તો તેનો એક સર્વસામાન્ય ઠપકો એ રહેતો કે 'સૌથી નજીક જે પાણી દેખાય તેમાં ડૂબી જવું જોઈએ'.
તેમને જ્યારે આઝાદ ભારતના ક્રાંતિકારી અધિકારી તરીકે બિરદાવવામાં આવતા ત્યારે તેમને નવાઈ લાગતી. શેષાન તેના દ્વારા યોજાતી તાલીમ શિબિરો કે મીટીંગમાં સાથીઓને એક જ વાત કરતા કે આપણા કાયદા અને બંધારણ એટલું દીર્ઘદ્રષ્ટિ સાથે બનેલું છે કે મેં કંઈ જ નવું નથી કર્યું બધુ જ તેમાં સમાવિષ્ટ છે.ખરેખર તો નાગરિકો, હોદ્દેદારો, મંડળીઓ, નેતાઓ અને અમલદારોને દેશ પરત્વે નિષ્ઠા જ નથી.
આપણે કર્મચારી નથી દેશને ઉત્કૃષ્ટ બનાવવા માટેના નિમિત્ત સહભાગી છીએ તેવી ભાવના કેળવવાની જરૂર છે તેમ તેઓ કડક ટોન સાથે કહેતા. ૧૯૯૦માં વી.પી સિંઘની સરકારમાં કેબીનેટ સેક્રેટરી તરીકે નિયુક્ત થયા અને ત્યાં પણ કોઈની શેહ ન રાખી તેથી છ મહિનામાં જ તેમને ખસેડવામાં આવ્યા હતા. તે પછી લેખમાં આગળ જણાવી ગયા છીએ તેમ સુબ્રમણ્યમ સ્વામીએ ભારત દેશની બહુ મોટી સેવા પુરવાર થઇ તેમ શેષાનનું નામ ચીફ ઇલેક્શન કમિશનર તરીકે સૂચવ્યું હતું.
૧૯૯૬ પછી દેશની સેવા કરવાના આશયથી તેમણે 'દેશભક્ત ટ્રસ્ટ'ની સ્થાપના કરી હતી. તેઓ ગાંધીનગર લોકસભા બેઠક પરથી આડવાની સામે અને તે પછી રાષ્ટ્રપતિપદની ચુંટણીમાં લોકશાહી દેશના પ્રતિનિધિ તરીકે ઉભા રહ્યા હતા જેમાં તેમની પૂર્વધારણા પ્રમાણે હાર્યા હતા. તેમની ઘણી વિચારધારાઓ વિવાદાસ્પદ અને સર્વગ્રાહી નહોતી તે પણ કબૂલવું જ રહ્યું.. તેઓ સામાન્ય નાગરીકને મેસેજ આપવા માંગતા હતા કે જનપ્રતિનિધિ બનાવાનો બધાને હક્ક છે.
અંગત જીવનમાં વ્યક્તિ તરીકે તેઓ જે જુજ તેમને હૃદયથી સ્પર્શે તેમની સાથે ખુલી શકતા હતા. તેમની નિવૃત્તિ બાદ તેમના જેવા. કેટલાક નિવૃત અધિકારીઓ,પત્રકારો અને વિચારકોને તેમને ઘેર આમંત્રણ આપીને એક વખત બધાને તેમણે લંચમાં બોલાવ્યા હતા ત્યારે જાતે અમુક ડીશપણ બનાવી હતી. તેમનો મુખ્ય ચુંટણી કમિશનર તરીકેનો મધ્યાહ્ન તપતો હતો ત્યારે તેઓ ખુમારીથી સાથી અધિકારીઓને પ્રેરિત કરવા કહેતા કે I eat politicians for breakfast". હવે આ જ શેષાનને ભોજન પીરસતા જોઈ આમંત્રિતો લાગણી ભીના થઇ ગયા હતા.
શેષાનની આંતર્યાત્રા તત્વજ્ઞાાની જેવી હતી. તેઓ રોજ શંકરાચાર્ય લિખિત 'વિવેક ચુડામણી'નું પઠન કરતા હતા. કેરળના પલ્ક્કડમાં જન્મેલા (૧૫ ડીસેમ્બર,૧૯૩૨) અને મેગ્સાયસાય એવોર્ડ વિજેતા શેષાન ધર્મપત્નીના નિધન બાદ આદ્યાત્મિક શાંતિ અને સંસારી ખલેલથી દુર ચેન્નાઈના એક વૃદ્ધાશ્રમમાં રહેતા અને ત્યાં જ તેમનું નિધન(૧૦ નવેમ્બર,૨૦૧૯)ના રોજ થયું હતું.
તીરુનેલ્લાઈ નારાયના ઐયેર શેષાને વન મેન આર્મી બનીને જીવન વિતાવ્યું અને દેશના નાગરીકો અને કર્મચારીને મિશાલ આપી કે તમે પણ ધારો તો એકલા હાથે મશાલચી બની શકો છો.


