Get The App

કવિતાની શોધ .

આજમાં ગઈકાલ - ભગીરથ બ્રહ્મભટ્ટ

Updated: Nov 16th, 2019

GS TEAM

Google News
Google News
કવિતાની શોધ                                . 1 - image


એની વધતી વય સાથે કેટકેટલાં સ્વરૂપે તમને નજરે ચઢે...તમારી સ્મૃતિમાં સજ્જડ થઈ જાય... ક્યારેક એનામાં યુગચેતનાનો ધબકાર ધબકે ત્યારે તમે એને 'મહા' કહો...

ક્યારેક એવો પ્રશ્ન પણ થઈ આવે છે કે કવિતા નામની સુંદરી ક્યાં રહેતી હશે ? શું ખાતી હશે ? શું પીતી હશે ? કેવડી હશે ? એની આંખોમાં એની વાણીમાં એવું તે શું હશે ? આ અને આવા અનેક પ્રશ્નોના ઉત્તરની મથામણો તમને કવિતા પાસે નહિ એના સરનામા સુધી દોરી જાય છે - એ સરનામે પહોંચ્યા પછી પણ કવિતા તમને મળેય ખરી, ના પણ મળે જેવું તમારું ભાગ્ય ! કવિતા એમ રેઢી થોડી પડી છે કે તમારા હાથમાં આવે !

કલાકારના કપાળમાં એક ટાપુ હોય છે એ ટાપુ ને તમે વેદનાનો ટાપુ કહી શકો. એ ટાપુ ક્યાંક નાનો ક્યાંક મોટો અવશ્ય હોવાનો, પરંતુ વિશેષતા એ છે કે એ ટાપુ ઉપર જ જે વનસ્પતિ ફૂટી નીકળે છે ત્યાંથી કદાચ કવિતાનાં મૂળ હોવાની શક્યતા રહેલી છે... એ ટાપુ ઉપર પુષ્પો ઊગાડતાં હોય છે, એ પુષ્પોમાં જ સુગંધ હોય છે એ સુગંધને તમે કવિતા કહી શકો, પણ એ કવિતા ન પણ હોય કંઈક ભળતું હોય, ધાન્યને બદલે નિંદામણ જ હોય !!

જે પર્ણોના મર્મર ધ્વનિમાં સમીરનું સંગીત અને નૃત્ય નિહાળી શકે એને કવિતા દેખાય. જે આભના હૃદય ધબકાર સાંભળી શકે એને કવિતા સંભળાય... કવિતાને સ્પર્શવી હોય તો ? એના પ્રત્યેક શબ્દરૂપને આલિંગવું પડે જીભ વડે. જીભથી એ આસ્વાદાય તો પછી સ્પર્શ માટેનું દ્વાર ખુલે. એ ખુલ્યું છે એવો ભ્રમ થાય, પણ તમે એના શબ્દરૂપની ચાહના છોડી ન દો, એને ચાવ્યા જ કરો તો કદાચ એના સ્પર્શનો પરિચય પામી શકો... આવી કવિતાનો પાકો પરિચય પામવો છે ? આવો...

એનું મૂળનામ તો કાવ્યા. સંવેદનના ઘરમાં તેનો જન્મ. એ જન્મી ત્યારથી સ્વરૂપવાન. એના સૌંદર્યની બોલબાલા... નાક ઉપર નથણી ન્હોતી ત્હોય લાગે નથણી કાનમાં કુંડળ ન્હોતાં ત્હોય લાગે કે કુંડળ છે !! અલંકાર વગરની છતાં સાલંકાર જન્મી હોય તેવો તેનો ઘાટ. તેનામાં ભારે સમજણ... વખાણ એની સમજણનાં કરવા અને રૂપનાં કરવા ? ઉભયના વખાણ... શુ ચઢે ? સમજણ કે રૂપ !! એ જે કોઈની નજરે ચઢે એને ગમી જાય... એ ચાલે ત્યારે નૃત્યાંગના જાણે !! એ બોલે ત્યારે જાણે સંગીત !! એ બેઠી હોય - મૌનધારીને લાગે જીવંત ચિત્ર !! આ કાવ્યાના અંગેઅંગમાંથી કોઈ અદ્વિતીય સંવાદ રચાતો અનુભવાય... એના લાવણ્યનો જાદુ પણ નોખો... કાવ્યા હતી નાનકડી પણ લાગે ગંભીર પ્રૌઢા !! એના નાનપણમાં પણ પ્રૌઢત્વ... એના નાજુક દેહમાં ગજબનું કામણ પણ ખરું... એ થોડીક મોટી થઈ પછી એની કાયામાંથી કપૂર જેવી સુગંધ મંદમંદ વહ્યા કરે. એની આંખોમાંથી આછું આછું તેજ ઝગારા મારે... એના શબ્દોમાંથી આછું આછું સંગીત સંભળાયા કરે.

કાવ્ય વયમાં નાની હતી ત્યારે એને સૌ મૌક્તિકા કહેતા. એની બેચાર ઉક્તિ જ જાણે મોતી !! એટલે મૌક્તિકા... થોડીક મોટી થઈ એટલે પછી એનું નામ પડયું સોનેટ... ચૌદ વર્ષની જ હતી ત્યારે જતાં જતાં બે પંક્તિ એવી કહેતી જાય કે આપણને સોંસરી સ્પર્શી જાય... એ ચૌદ વર્ષની છતાં એટલી નાજુક જાણે દસની !! આમ એની આસપાસ તેજવલયો રચાતાં જાય... તેજવલયોથી એ શોભે...

ક્યારેક એના દેહનું ક્યારેક એના હૃદયનું ક્યારેક એના આત્માંનું એવું મિલન રચાય... એ સંવાદમાંથી અનોખું સંગીત સંભળાય ત્યારે બધા એને 'ઊર્મિ' કહીને ઓળખવા લાગ્યા. એ ઊર્મિની વાત જ અનોખી ! એના હૃદયમાંથી જાણે ઝરણાં ફૂટે... એના શબ્દે શબ્દે, તાલે તાલે જાદુ !! ક્યારેક લાગે રણમાં પડે છે વરસાદ !! ક્યારેક લાગે તીખા તડકામાં વૃક્ષની છાંયડી !! એ સંગીતની છાત્રા છે કે કવિની દીકરી છે એવો ભ્રમ રચાય... ક્યારેક લાગે કે એ તો બંને છે. એમ ઉભયમાં જ એની ઓળખ. એની ઓળખ તો એ સોળે પ્હોંચી હોય એવી !! ધીરે ધીરે એની નજીક પ્હોંચતાં સમજાય કે એ છંદસુતાના ભીતરમાં તો પાર વગરના રહસ્યો ઘુંટાયેલાં છે. 

એ રહસ્યો ઉકેલવા કેવી રીતે ? એને પામીએ કે રહસ્યોને પામીએ ? રહસ્યો એનામાં કે એ રહસ્યમયી ? પાછી ઓળખ બદલી નાખે... 'ખંડકાવ્યા' થઈ જાય... પૂર્ણમાંથી ખંડ હોય છતાંય પૂર્ણ રહે !? આ રહસ્ય નહિ તો બીજુ શું ? એની ભીતર કોઈ રાજકુમાર સ્વપ્નાં સજતો હોય, એની ભીતર કોઈ નદી વ્હેતી હોય, એની ભીતર કોઈ દરિયો ડોલતો હોય... એની ભીતર કોઈ વૃક્ષ ઊગ્યું હોય... ધારીને જુઓ તો જંગલ હોય... એ જંગલમાં કોઈ રાજકુમાર ભૂલો પડયો હોય એ - રાજકુમારની નજર પડે... પછી રાજકુમાર ખોવાઈ જાય એ શોધ્યા કરે... એનો સંઘર્ષ જાણે એનું કાવ્ય !!

એની વધતી વય સાથે કેટકેટલાં સ્વરૂપે તમને નજરે ચઢે... તમારી જીભે વળગે... તમારી સ્મૃતિમાં સજ્જડ થઈ જાય... ક્યારેક એનામાં યુગચેતનાનો ધબકાર ધબકે ત્યારે તમે એને 'મહા' કહો... એ 'મહા'ના વિશેષણથી શોભે ત્યારે સમગ્ર સૃષ્ટિ ઉપર ડંકો વગાડી દે. આવી અનન્યા, અનેકરૂપા કવિતાને તમારે મળવું જ હોય તો એ જે ઘરમાં જન્મી છે તે ઘર સંવેદનનું હોઈ તમારે એ સરનામે એને શોધવી પડશે... મળશે એની ખાતરી નથી પણ મળે પણ ખરી... તમારી સજ્જતા ઉપર એનો આધાર છે... આમ કાવ્યા - શૂન્યા છે શૂન્યમાંથી શૂન્ય ચાલ્યું જાય તો રહે છે કેવળ શૂન્ય. એ શૂન્યા જ મહત્વની છે...

Tags :