જિંદગી એક કેલેન્ડર જેવી છે, રોજ એમાંથી એક પાનું ઓછું થાય છે
મન ક્યાંય ભમતું ન હોય, ચાલુ ક્ષણમાં જ ચિત્ત લાગેલું હોય તો એમાંથી જે પણ સર્જાય છે તે સુખદ અને સર્જનાત્મક હોય છે.
જિંદગી એક કેલેન્ડર જેવી છે, રોજ એમાંથી એક પાનું ઓછું થાય છે.
માટીની મટકીમાં પાણી ભર્યું હોય અને થોડા થોડા સમયે એમાંથી એકાદ બિંદુ ટપકતું હોય તો અમુક સમય બાદ મટકી ખાલી થઈ જશે. ટીપું ટીપું કરીને આખું પાત્ર ખાલી થઇ શકે છે. જિંદગીનું પાત્ર પણ માટીની મટકી જેવું જ છે. ક્ષણ ક્ષણ કરીને જિંદગી એમાંથી વહી રહી છે. એને ખાલી થતાં વાર નહીં લાગે. જન્મ સમયે માટલી છલોછલ ભરેલી હોય છે. પણ મૃત્યુ આવતા સુધીમાં તો એ એકદમ ખાલી થઇ જાય છે.
સમયને રોકી શકાતો નથી પણ એનો સદુપયોગ કરવો હોય તો તે કરી શકાય છે. સમયને સમજી કે સાધી ન શકીએ તો એ વ્યર્થ વહી જાય છે. મટકીમાંથી જે પાણી ટપકી રહ્યું છે તેને ઝીલી લઇને જો એનો સદુપયોગ કરીએ તો એ તરસ છીપાવી શકે છે. પણ એને વ્યર્થ વહી જવા દઇએ તો - બાજુમાં જ કોઇ વ્યક્તિ પાણી વિના તરફડીને મરી પણ શકે છે.
સમયને જેમ રોકી શકાતો નથી તેમ વીતેલા સમયને પાછો પણ વાળી શકાતો નથી. જિંદગીમાં સતત આગળ જોઇને જ ચાલવું પડે છે. ઘડીએ ઘડીએ પાછળ તરફ મોં રાખીને ચાલવા જઇએ તો ક્યાંક ને ક્યાંક અથડાવું પડે છે. ઘણા લોકો જિંદગીભર કેલેન્ડરના ફાટેલા પાના પંપાળીને જીવતા હોય છે. એમની જિંદગી જે ચાલ્યું ગયું છે તેને વાગોળવામાં જ પૂરી થાય છે. પરિણામે જે ક્ષણ સામે છે, જે પળ હજુ આવવાની છે તેને સમગ્રતાથી જીવી શકાતી નથી.
અધૂરા અધૂરા જીવવાનો અર્થ શો ? જે કંઈ કરવામાં આવે તે સમગ્રતાથી થવું જોઇએ. ભલે નાનો એવો પ્રસંગ કે ઘટના હોય પણ સમજે એણે એમાં સમગ્રતાથી ડૂબી જવું જોઇએ. કોઇ પણ કામ મન લગાવ્યા વિના કરવામાં આવે તો એમાં કશી ભલીવાર હોતી નથી. સમગ્રતા તો જ આવી શકે જો વ્યક્તિ પૂરેપૂરી વર્તમાનમાં હાજર હોય. અને વર્તમાનમાં હાજર હોવું એટલે ધ્યાનપૂર્ણ હોવું. મન ક્યાંય ભમતું ન હોય, ચાલુ ક્ષણમાં જ ચિત્ત લાગેલું હોય તો એમાંથી જે પણ સર્જાય છે તે સુખદ અને સર્જનાત્મક હોય છે.
એકી સાથે બે નાવમાં સવાર ન થવાય.
બે ઘોડે ચડીને દોડવા જઇએ તો પડીએ જ.
વર્તમાન ક્ષણમાં જીવવું એટલે એક ઘોડા પર સવાર થઇને ધારેલી દિશામાં આગળ જવું. જિંદગીભર માણસ દ્વિઘામાં જીવે એ બરાબર નથી. એની સામે એક દિશા, એક ધ્યેય, એક મંજિલ હોવી જોઇએ. અસ્તિત્વ એટલું વિશાળ છે કે એ જુદી જુદી દિશામાં સાવ વિપરીત કહી શકાય એ રીતે વિસ્તરેલું છે. તમારી પોતાની અંદરની રુચિ શેમાં છે, તમને શું ગમે છે, તમારી પોતાની નિજતા શી છે, તમારે ક્યાં જવું છે ? - એ પ્રમાણે નિર્ણય લઇને જ આગળ વધવું જોઇએ. જેમનું મન ભૌતિક સમૃદ્ધિમાં રસ ધરાવે છે જેને ધન, વૈભવ, માન, પ્રતિષ્ઠા અને નામનામાં રસ છે તેમણે સમગ્રતાથી એકવાર એ યાત્રા પૂરી કરી લેવી જોઇએ.
એક દિશા પૂરી થયા પછી આપોઆપ અનુભવના અંતે બીજી દિશા ખૂલે છે. માણસ પાસે સમજ હોય તો શેમાં ય એ લાંબા સમય સુધી લેપાઇને જીવી ન શકે. કારણ કે અંદરની તડપના તો વ્યક્તિ માત્રના અંતરમાં આનંદની જ હોય છે. જ્યાં પહોંચ્યા પછી આનંદ નથી મળતો એ આપણી મંજિલ નથી.
ભૂલથી કોઇ જુદી દિશા પકડાઇ ગઇ હોય તો પણ સાચી દિશાની શોધમાં સમજપૂર્વક, આગળ વધવું જોઇએ. પડવું, આખડવું કે ચાલતા ચાલતા ભૂલા પડવું એમાં કોઇ નાનમ નથી. પણ ખોટા રસ્તે ચાલ્યા પછી હારી, થાકીને બેસી જવું એ બરાબર નથી. શાશ્વત શાંતિ અને આનંદની ઉપલબ્ધિ પહેલાં જીવનમાં ક્યાંય રોકાઇ જવું એ બેવકૂફી, બુઝદિલી અને બેહોશી છે.
જાતે ચાલ્યા વિના, અથડાયા - પછડાયા વિના ક્યાંય પહોંચી શકાતું નથી. જગતમાં કયાંક જવું હોય તો રેડીમેઇડ રસ્તા મળી રહે છે. નકશા પણ તૈયાર હોય છે પરંતુ જીવનની યાત્રામાં આપણને અનુરૂપ એવો એક પણ રસ્તો તૈયાર નથી. જે લોકો બીજાના રસ્તે ચાલે છે તે ભૂલ કરે છે અને છેવટ જતાં પસ્તાય છે. બીજાના રસ્તા પર ચાલીને જીવનની અંતિમ મંજિલ સુધી પહોંચવું અસંભવ છે. આથી જાતે જ ચાલીને, કેડી કરતાં કરતાં પહોંચવું પડે છે.
જગતની બર્હિયાત્રા તો તૈયાર રસ્તા પર ચાલીને પૂરી કરી શકાય છે. અને જમીન પર તો અનેક લોકો ચાલી ચાલીને રસ્તો બનાવતા હોય છે પણ જેમણે પણ અંતર્યાત્રા કરી છે તેમણે કયાંય પોતાના ચરણ ચિહ્ન છોડયા નથી. આકાશમાં પક્ષી ઊડે તો શું એનાં પગલાં પડે છે ? જીવનનું આકાશ તો એથી ય વિશાળ અને નિરાળું છે. એમાં જે મુક્ત રીતે વિહાર કરે છે તે પાછળ ક્યાંય ચરણચિહ્ન છોડતા નથી. આથી સંતો, મહંતો કે ગુરુ પ્રત્યે પ્રેમ રાખી શકાય, એમના ઇશારાને સમજી શકાય પણ એમના રસ્તે કદાપિ ચાલી ન શકાય. ચાલવું તો આપણે પોતાને જ પડે છે અને માર્ગ પણ આપણે પોતે જ અંતરની આંખ ખુલ્લી રાખીને નિર્મિત કરવો પડે છે.
ક્રાન્તિબીજ
જમાનો કોઇ પણ હોય,
દેશ ભલે કોઇ પણ હોય,
પરંતુ પ્રેમની અમીમય ધારાથી
આ સૃષ્ટિ ક્યારેય ખાલી રહી નથી.