Get The App

નવી પેઢીએ મહાત્મા ગાંધીજીના જીવનમાંથી કંઇ 11 પ્રેરણાઓ મેળવવી જોઇએ ?

એક જ દે ચિનગારી - શશિન્

Updated: Dec 14th, 2019

GS TEAM

Google News
Google News
નવી પેઢીએ મહાત્મા ગાંધીજીના જીવનમાંથી કંઇ 11 પ્રેરણાઓ મેળવવી જોઇએ ? 1 - image


જ્વાળામુખીમાંથી ફૂટી નીકળેલા નેતાઓ ક્યારેય દેશ માટે વરદાન બની શકે નહીં. મૂલ્ય ચૂકવીને ઘડાએલું નેતૃત્વ જ દેશ માટે ભાગ્યનિર્માતા બની શકે. નપાવટ નેતૃત્વના તમાશા પ્રજા મૂકદર્શક બની જોયા કરે ત્યારે લોકશાહી ચોધાર આંસુડે રડે છે

એક નવોદિત નેતાએ એક સ્વાતંત્ર્યસૈનિકને સન્માનિત થતો જોઇ કહ્યું: ''લોકો તમને પૂજી રહ્યા છે. તમે એવું તે શું કર્યું ? અમારા જેવા જુવાનીઆની ઉપેક્ષા અને તમારા જેવા બુઢ્ઢાઓનું સન્માન ?''

પેલા વૃધ્ધ સ્વાતંત્ર્ય સૈનિકે કહ્યું: ''ભાઇ, મારા પૂજાવાના કોડ જ નહોતા, લોકો પરાણે મને અહીં ખેંચી લાવ્યા છે. એક જમાનો હતો, જ્યારે દર્દ વેઠવું એ જ પુરસ્કાર ગણાતો, આજે બીજાને દર્દ આપવું એ પુરસ્કાર ગણાય છે. ઊંચું પદ મેળવવા માટે સાધના કરવી પડે. એક-એક પગથિયું આત્મવિશ્વાસ અને ત્યાગ ભાવના સાથે ચઢવું પડે. મારે પણ તમને આ જ વાત કહેવી છે:

- મરજીવા ગણાવું હોય તો ઊંડા પાણીમાં ડૂબકી લગાવાની તૈયારી રાખવી પડે.

- સુવર્ણમાં ગણાવું હોય તો અગ્નિમાં તપવાની તૈયારી રાખવી પડે છે.

- ઘડાવું હોય તો ધણની પીડા સહેલી પડે.

- સાચા નેતા બનવું હોય તો પ્રસિધ્ધિની અભિલાષા છોડી પાયાનું સમર્પિત કાર્ય કરવું પડે !

પણ ભાઇ, તાત્કાલિક પૂજાપાત્ર ઠરવા માટેની તારી લાલચ માટે હું તને જવાબદાર નથી ઠેરવતો. આઝાદી પછી યુવાન પેઢી સામે અનુકરણીય આદર્શો જીવી બતાવવામાં નેતાઓ નિષ્ફળ નીવડયા છે. સત્તા લાલસા સાચી સેવાભાવનાને ભરખી જાય છે. બનાવટી લોકો સાચા નેતા ગણાવા માંડયા છે.

તપ્યા કે ખપ્યા વગર ઊંચો કુદતો લગાવી ખુરશી સુધી પહોંચી જવું એ સફળતાનું સૂત્ર બની ગયું છે. જેનો ચેપ યુવાપેઢીને લાગી રહ્યો છે. આંધી સર્જવાની તાકાતથી ગાંધી ન બનાય, પણ સેવા સમર્પિત ઉન્નત દ્રષ્ટિકોણ દ્વારા સકારાત્મક ક્રાન્તિની ભાવનાથી જ ગાંધી બનાય.''

''પણ અમને દોરવણી આપે કોણ ? સરઘસો કાઢવાથી, ગાંધીજીની આત્મકથા વહેંચવાથી કે જેની કથની અને કરણીમાં અંતર હોય એવા પ્રપંચી નેતાઓના ભાષણોમાંથી અમે કેવી રીતે પ્રેરણા લઇએ ?'' - યુવાને અકળાઇને પૂછ્યું.

પેલા સ્વાતંત્ર્ય સૈનિકે પૂછ્યું: 'આત્મ દીપો ભવ'નું સૂત્ર તો તેં સાંભળ્યું જ હશે. ગૌતમબુદ્ધ કે મહાવીર સ્વામી શું બીજાના અજવાળે ચાલ્યા હતા ? પીડાની અગ્નિપરીક્ષામાંથી પસાર થઇને ગાંધી ઘડાયા હતા. જો સાંભળ, તને એક પ્રેરક વાર્તા સંભળાવું. 'વાર્તાઓ બોલે છે'ના લેખક છે સુરેશ સિંહા. તેમની 'ઘાયલ થઇને પૂજાય છે પથ્થર' એક પ્રેરક વાર્તા છે, જે જીવનઘડતર વિશે ઘણું બધું કહી જાય છે. સાંભળ, કોઇ સ્થાન પર સંગેમરમરનું એક વિશાળ અને ભવ્ય મંદિર હતું. સંગેમરમર સિવાય ત્યાં બીજા કોઇ પથ્થરનો ઉપયોગ થયો ન હતો. મંદિરમાં ભગવાનની મૂર્તિ પણ સંગેમરમરની જ હતી.

લોકો આવતા, મંદિરના આંગણામાં જૂતાં ઉતારતા, અંદર જઇને ફળ-ફૂલ, ધૂપ-દીવો વગેરેથી ભગવાનની પૂજા કરતા, શ્રદ્ધાથી ભગવાનના ચરણોમાં માથું ટેકવતા.

મંદિરના આંગણામાં ફર્શ હતું. ત્યાં લોકો જૂતાં ઉતારીને આવતા હતા. ત્યાં લાગેલો સંગેમરમર કાયમ આ જોતો અને દુઃખી થતો. તે વિચારતો: ''ઈશ્વરનો કેવો અન્યાય છે કે હું પણ સંગેમરમર છું અને મૂર્તિ પણ સંગેમરમર છે. મારા મ્હોં પર તો શ્રદ્ધાળુ જૂતાં ઉતારે છે અને ભગવાનના રૂપમાં સ્થાપિત સંગેમરમરનું લોકો શ્રદ્ધાથી પૂજન કરે છે. મારી સાથે  આવો અન્યાય કેમ ?''

એક રાત્રે જ્યારે મંદિરમાં સન્નાટો વ્યાપી ગયો, પુજારી વગેરે ચાલ્યા ગયા ત્યારે આંગણનો સંગેમરમર ઊઠીને મૂર્તિના સંગેમરમરની પાસે ગયો અને ગુસ્સાથી બોલ્યો: ''મને તમારા ભાગ્યની ઈર્ષ્યા થાય છે.''

મૂર્તિનો સંગેમરમર હસ્યો: ''કેમ ભાઇ, તું વ્યર્થ શા માટે મારી ઇર્ષ્યા કરે છે ? આપણે તો એક જ જાતિના છીએ.''

''આ જ તો મારી ઈર્ષ્યાનું કારણ છે.'' આંગણના સંગેમરમરે કહ્યું: ''જ્યારે આપણે એક જાતિના છીએ તો ઈશ્વરે આ ભેદભાવ શા માટે કર્યો કે લોકો મને કચડે છે, મારા મોં પર જૂતાં રાખે છે અને તને ધૂપ-દીવો કરીને તારી પૂજા-અર્ચના કરે છે ! તારી સામે શ્રદ્ધાથી માથું ટેકવે છે. આવું કેમ ?''

''જો મિત્ર, ભેદભાવ નથી.'' મૂર્તિનો સંગેમરમર હસીને બોલ્યો: ''આ સંસારનો નિયમ છે કે જે જેટલું દુઃખ મેળવે છે. જે જેટલું સંઘર્ષો કરી લડે છે, એને એટલું જ સુખ મળે છે. શું તું અનુમાન લગાવી શકે છે કે આ સ્થિતિને પામવા માટે મને મૂર્તિ ઘડનાર હથોડાનો કેટલો માર ખાવો પડયો ? મહિનાઓ સુધી મૂર્તિ ઘડનાર છીણી-હથોડાથી મારા શરીરને છોલતો રહ્યો, ત્યારે મારું આ સ્વરૂપ બહાર આવ્યું છે, જેની પૂજા થાય છે. જો તેં પણ મારી જે ઘા ખમીને કોઇ સ્વરૂપ મેળવ્યું હોત તો નિઃસંદેહ આજે કોઇ મંદિરમાં તારી પણ પૂજા થતી હોત.''

આંગણનો પથ્થર ચૂપ થઇને પોતાના સ્થાન પર આવીને બેસી ગયો. વાસ્તવમાં એનામાં ઘાયલ થઇને હસવાની હિંમત જ નહોતી. બેટા, આજનાં મા-બાપો પોતાનાં સંતાનોને કઠણ અને સહિષ્ણુ બનાવાને બદલે સુંવાળા જીવનનું શિક્ષણ આપે છે. શિક્ષણ સંસ્થાઓ પણ એ.સી. વર્ગખંડોમાં શિક્ષણ આપ્યાનો ગર્વ લે છે. મને પેલા કવિની પંક્તિઓ યાદ આવે છે ઃ

''ફૂલો કાંટો મેં ખિલા થા, સેજ પર મુરઝા ગયા.''

કાંટા વચ્ચે ખિલનાર ફૂલ જ્યારે સુંવાળી શૈયા પ્રાપ્ત કરે છે, ત્યારે કરમાઇ જાય છે. આજે અમે વડીલો બાળકને કાંટા વચ્ચે ખિલેલું ફૂલ તોડી લાવવાને બદલે ગુલાબનો ગજરો સીધો જ તેના હાથમાં મૂકી દઇએ છીએ. સંતાનોને માયકાંગલા બનાવવા એ પણ ભમ્રયુક્ત બાળઉછેર જ ગણાય.' પેલા વડીલ વૃધ્ધે વાત પૂરી કરી અને નવોદિત નેતાને એક નવું જ આત્મદર્શન લાધ્યું..

આજે કોઇને કેડીએ ચાલવું ગમતું નથી, સીધા રાજપથે 'સંચરવું' ગમે છે. રાજપથ  પણ એક સમયે કેડી હતો, એ વાતનું સ્મરણ રાખવા કોઇ તૈયાર નથી.

જ્વાળામુખીમાંથી ફૂટી નીકળેલા નેતાઓ ક્યારેય દેશ માટે વરદાન ન જ બની શકે. મૂલ્ય ચૂકવીને ઘડાએલું નેતૃત્વ જ દેશ માટે ભાગ્યનિર્માતા બની શકે ! પ્રજા જ્યારે નપાવટ નેતૃત્વના તમાશા મૂકદર્શક બની જોયા કરે ત્યારે લોકશાહીએ ચોધાર આંસુડે રડવાનો વારો આવે છે. વેંતીઆ નેતાઓ કદી વિરાટ નેતૃત્વ પ્રદાન કરી શકે નહીં.

બાવળીઆઓ પોતાને વટવૃક્ષમાં ખપાવે એનાથી મોટી બીજી કઇ કરુણતા હોઇ શકે ? મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતીના નામે જાતજાતના ને ભાતભાતના કાર્યક્રમો ઉજવાઇ રહ્યાં છે. એમાં ગાંધીત્વ અલ્પ અને પ્રદર્શનપ્રિયતા વધુ જોવા મળે છે. નવી પેઢીએ ગાંધીજીના જીવનમાંથી કઇ અગિયાર પ્રેરણાઓ  મેળવવી જોઇએ ?

૧. ભલે મારે ક્ષય થાય પણ સત્યનો  તો વિજય જ થવો જોઇએ.

૨. સત્તા સેવા કાજે જ હોઇ શકે, મનની મેલી મુરાદો પર લાવવા માટે નહીં.

૩. સર્વધર્મ પ્રત્યે સમદ્રષ્ટિ અને સન્માનની ભાવના. કોઇનો હાથો બનશો નહીં.

૪. છેવાડાના માણસનાં આંસુ લૂછવાની તૈયારી.

૫. સ્વાવલંબન અને  પરિશ્રમપ્રિયતા.

૬. સહિષ્ણુતા, પણ  કાયરતા નહીં.

૭. શત્રુ પ્રત્યે પણ  સંયમપૂર્ણ વ્યવહાર દાખવો.

૮. કોઇની  નકલ નહીં, પણ તમારું  આગવું વ્યક્તિત્વ  વિકસાવો.

૯. જીવનમાં માત્ર ભોગદ્રષ્ટિ રાખવાને બદલે ત્યાગદ્રષ્ટિ અને પ્રેમ તથા  પરોપકારવૃત્તિ  અપનાવો.

૧૦. ફિજૂલ ખર્ચીથી બચો અને સાદગી અપનાવવામાં નાનમ ન માનો.

૧૧. મા-બાપ, વડીલો અને  ગુરૂઓનું સન્માન સાચવો.

Tags :