Get The App

અવિરત સંઘર્ષ પછી સફળતા

આજકાલ - પ્રીતિ શાહ .

Updated: Dec 14th, 2019

GS TEAM

Google News
Google News
અવિરત સંઘર્ષ પછી સફળતા 1 - image


મુંબઈના કુર્લાના સ્લમ વિસ્તારમાં રહેતો, માત્ર એક વડા-પાઉં ખાઈને દિવસ પસાર કરતો જયકુમાર વૈદ્ય પોતાના પુરુષાર્થથી એક યુવા વૈજ્ઞાાનિક તરીકે પોતાની ઓળખ બનાવી ચૂક્યો છે

જયકુમાર વૈદ્યનું બાળપણ અત્યંત મુશ્કેલીઓ વચ્ચે વીત્યું. એ ખૂબ નાનો હતો, ત્યારે એના પિતાએ એની માતાને ઘરમાંથી કાઢી મૂકી અને ત્યારબાદ છૂટાછેડાની નોટિસ પણ આપી દીધી. માતા-પિતા બંનેનો પ્રેમ જયને માતા પાસેથી જ મળ્યો. પોતાના દીકરા જયને કેમ સારી રીતે ઉછેરવો, તે જ માતા નલિની વૈદ્યનું જીવનલક્ષ્ય બની ગયું.

પોતાનું બધું દુઃખ વિસરીને તે જયનો ઉછેર કરવા લાગી. મુંબઈમાં તેણે એક પેકેજિંગ કંપનીમાં ક્લાર્કની નોકરી મેળવી, જેથી ઘર ચલાવવામાં તકલીફ ન પડે, પરંતુ ૨૦૦૩માં નલિનીની માતાની તબિયત કથળી જતાં તેને નોકરી છોડવી પડી. એક બાજુ નોકરી ગઈ, તો બીજી બાજુ છૂટાછેડાના કેસ માટે વારંવાર અદાલત જવું પડતું હતું. છૂટાછેડાનો આ કેસ નવ વર્ષ સુધી ચાલ્યો.

આવી સંઘર્ષભરી પરિસ્થિતિ વચ્ચે જયનો અભ્યાસ અવિરત ચાલુ હતો, પરંતુ આજેય એ દિવસોને યાદ કરતાં જયનો અવાજ ગળગળો થઈ જાય છે. એ કહે છે કે એ દિવસોમાં એને ઘણી વખત સ્કૂલમાં પરીક્ષા આપતાં રોકવામાં આવ્યો હતો, કારણ કે મારી માતા સમયસર ફી ભરી શકતી નહોતી. એવા કેટલાય દિવસો એના જીવનમાં એવા આવ્યા કે જ્યારે એક આખો દિવસ માત્ર એક વડાપાઉં ખાઈને માતા-પુત્રને પસાર કરવો પડતો હતો. ગેસનો ખર્ચ બહુ ન થાય, તેથી માતા ત્રણ-ત્રણ દિવસની રોટલી એક સાથે કરી લેતી હતી.

આવી પરિસ્થિતિમાં સ્થાનિક મંદિરના ટ્રસ્ટમાંથી એને થોડી મદદ મળી. ત્યાંથી કેટલુંક અનાજ અને પહેરવાનાં જૂનાં કપડાં મળ્યાં. માતાને એમ હતું કે આમ કરતાં કરતાં પોતાના પુત્રનો બારમા ધોરણ સુધી અભ્યાસ થઈ જાય તો સારું. તેથી એણે સરકારી સંસ્થાઓ અને ટ્રસ્ટોનો સંપર્ક સાધ્યો. એ પોતાની વાત કહેતી અને મદદ માટે માગણી કરતી, પરંતુ સહુ એક જ સલાહ આપતા કે દીકરાને ભણાવવાને બદલે ડ્રાઈવિંગ શીખવી દે અને ડ્રાઈવરની નોકરી કરીને રળવા માંડે.

નલિની વૈદ્યને આવી વાતોથી બહુ દુઃખ થતું, કારણ કે જય નાનપણથી જ ભણવામાં હોશિયાર હતો અને સ્કુલમાં બહુ સારા માર્કસ સાથે આગળ નંબર લાવતો. તે કોઈ પણ સંજોગોમાં એને ભણાવવા માગતી હતી. મુંબઈના કુર્લા વિસ્તારની ચાલીમાં રહેતા માતા-પુત્રના દૂરના સગા પણ આ વિસ્તારમાં રહેતા હતા, પરંતુ કોઈએ મદદ ન કરી. જય ટેલિવિઝન જોવા માટે પડોશીઓને ઘરે જતો હતો. 'ડિસ્કવરી ચેનલ અને સ્પેસ મૂવી જોઈને એને વિજ્ઞાાનમાં રસ પડવા લાગ્યો.

પોતાના અભ્યાસ માટે માતાની વ્યાકુળતા અને સંઘર્ષ જોઈને એણે પોતાની અગિયાર વર્ષની ઉંમરે ટી.વી. રીપેરીંગની દુકાનમાં નોકરી મેળવી, જેના એને મહિને ચાર હજાર રૂપિયા મળતા હતા. જયે કપડાંની દુકાને નોકરી કરી અને પોતાની આસપાસ રહેતા બાળકોના એસાઈન્મેન્ટ પણ લખી આપતો હતો, જેથી માતાનો બોજો હળવો થાય. આવી પરિસ્થિતિમાં પણ માતાએ હંમેશાં એને અભ્યાસ માટે સતત પ્રોત્સાહન આપ્યું. છેવટે જયને મુંબઈની સોમૈયા એન્જિનિયરીંગ કોલેજમાં પ્રવેશ મળ્યો અને એમાંય સૌથી સારી વાત એ હતી કે જયને સ્કૉલરશિપ મળી હતી. વર્ષોના સંઘર્ષ પછી મળેલી સફળતાથી માતા-પુત્ર ખુશ હતા.

જય અભ્યાસમાં ખૂબ મહેનતુ હતો. સ્કૉલરશિપ ઉપરાંત મૅસ્કો ટ્રસ્ટ દ્વારા વગર વ્યાજની લોન પણ મળી. હવે તેનો ઉત્સાહ વધી ગયો. કૉલેજના અભ્યાસકાળ દરમિયાન રોબોટિક્સના ક્ષેત્રમાં એને ત્રણ રાષ્ટ્રીય અને ચાર રાજ્ય કક્ષાના પુરસ્કાર મળ્યા. નેનો સ્કેલ ફીઝીક્સ એનો રસનો વિષય હતો. એન્જિનિયરીંગ કર્યા પછી તેને તાતા ઈન્સ્ટિટયૂટ ઑફ ફંડામેન્ટલ રિસર્ચમાં રીસર્ચર તરીકે કામ કરવાની તક મળી. તે પેટે તેને મહિને ત્રીસ હજાર રૂપિયા મળતા હતા.

જય કહે છે કે આટલી રકમ અમારા માટે બહુ મોટી હતી. સૌથી પહેલાં તો તેઓ જ્યાં રહેતા હતા એ આઠ બાય દસની રૂમને રીપેર કરીને વ્યવસ્થિત રહેવા લાયક બનાવ્યો. ત્યારબાદ પૈસા બચાવીને અમેરિકામાં માસ્ટર ડિગ્રી માટે અભ્યાસ કરવા 'જીઆરઈ' અને 'ટોફેલ' પરીક્ષા આપવાનું શરૂ કર્યું. તે દરમિયાન એના બે સંશોધન પેપર આંતરરાષ્ટ્રીય સાયન્સ જર્નલમાં પ્રકાશિત થઈ ચૂક્યા હતા. એણે પરદેશના યુવાનોને ઓનલાઈન કોચિંગ આપવાનું શરૂ કર્યું. ૨૦૧૭માં લંડનની પ્રતિષ્ઠિત ઈમ્પિરીયલ કોલેજમાંથી એને એનો પહેલો ઑનલાઈન વિદ્યાર્થી મળ્યો. ત્યારબાદ વિદ્યાર્થીઓની સંખ્યા વધતી ગઈ, જેની કમાણીમાંથી એણે એનું દેવું ચૂકવી દીધું.

અવિરત સંઘર્ષ અને મજબૂત ઇચ્છાશક્તિથી માતા-પુત્રે એક પછી એક સફળતા હાંસલ કરી. એની પ્રતિભા જોઈને અમેરિકાની પ્રખ્યાત વર્જીનિયા યુનિવર્સિટીએ પીએચ.ડી. કરવાનું નિમંત્રણ પાઠવ્યું અને મહિને બે હજાર ડૉલરની સ્કોલરશિપ આપવામાં આવી. મુંબઈના કુર્લાના સ્લમ વિસ્તારમાં રહેતો, માત્ર એક વડા-પાઉં ખાઈને દિવસ પસાર કરતો જયકુમાર વૈદ્ય પોતાના પુરુષાર્થથી એક યુવા વૈજ્ઞાાનિક તરીકે પોતાની ઓળખ બનાવી ચૂક્યો છે. પીએચ.ડી. પૂરું કર્યા પછી તેની ઈચ્છા ભારતને ટેકનોલોજીનું મેન્યુફેક્ચરીંગ હબ બનાવવાની અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મદદ કરવાની છે.

અવિરત સંઘર્ષ પછી સફળતા 2 - image

પ્રકૃતિ સાથે ખેતીનું સામંજસ્ય

પૂજાએ સજીવ ખેતીની તાલીમ લીધી અને પ્રારંભિક કામ કર્યા પછી ૨૦૧૬ એપ્રિલમાં ઓડિશાના મયૂરભંજ જિલ્લામાં પોતાની બચત અને પી.એફ.ના પૈસાથી 'બેક ટૂ વિલેજ' સ્ટાર્ટઅપ શરૂ કર્યું

પૂજા ભારતી બિહારના નાલંદા જિલ્લાના કંચનપુર ગામમાં રહેતી હતી. શરૂઆતનું શિક્ષણ પોતાના ગામમાં જ લીધું હતું, પરંતુ ઉચ્ચ અભ્યાસાર્થે તે ગામ છોડી શહેરમાં આવી તો એક અલગ દુનિયાનો અનુભવ થયો. આઈ.આઈ.ટી. ખડગપુરમાંથી કેમિકલ એન્જિનિયરના અભ્યાસ દરમિયાન અમેરિકાની એક કંપનીમાં ઈન્ટર્નશિપ કરી. ૨૦૦૯માં અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેને ગેઈલ અર્થાત્ ગેસ ઓથોરિટી ઑફ ઈન્ડિયા લિમિટેડમાં નોકરી મળી ગઈ. આશરે છ વર્ષ અહીં કામ કર્યું. સારો પગાર અને ઉચ્ચ હોદ્દો હોવા છતાં જીવનમાં કંઈક ખૂટતું હોય એવી અનુભૂતિ સતત થતી. એને એવું પણ લાગતું કે હવે આગળ કંઈ શીખવાનું રહેતું નથી.

ખેડૂત પરિવારમાંથી આવતી પૂજા વિચારતી કે નાનપણમાં એણે એનાં ખેતરોમાં ઘઉં, ચોખા, દાળ, શાકભાજી, ફળ વગેરે ઊગતા જોયા છે. ક્યારેય બહારથી કંઈ લાવવાની જરૂર પડી નહોતી, ત્યારે એવું લાગતું કે 'અમે સંપન્ન છીએ', પરંતુ નોકરી માટે જેમ જેમ શહેરોમાં ફરી, તેમ તેમ એને લાગ્યું કે શહેરમાં ન તો ચોખ્ખી હવા છે કે ન ખાવામાં કંઈ મીઠાશ. પીવાનું સ્વચ્છ પાણી પણ નથી તો આટલા પૈસા કમાવાનો ફાયદો શું? લોકો કેમ ગામ છોડીને શહેર તરફ આવે છે?

પૂજા ભારતીના મનમાં સતત આવું મનોમંથન ચાલી રહ્યું હતું. એવામાં તેની સાથે અભ્યાસ કરતા મનીષકુમાર સાથે વાત થઈ. તે સમયે મનીષ ખેડૂતો માટે શરૂ કરેલા સ્ટાર્ટઅપ 'ફાર્મ્સ એન્ડ ફાર્મર્સ' સાથે કામ કરતો હતો. મનીષ ખેતી અને ખેડૂતો વિશે પૂજા સાથે વાત કરતો. પૂજાને એમાં ખૂબ રસ પડવા લાગ્યો અને એક દિવસ પૂજાએ નક્કી કરી લીધું કે કૃષિક્ષેત્રમાં કંઈક કરવું છે. ૨૦૧૫માં નોકરીમાંથી રાજીનામું આપીને આસામના દિબૂ્રગઢમાં ખેતી અને એમાંય ખાસ કરીને સજીવ ખેતી વિશે તાલીમ લેવા ગઈ.

ચાર મહિનાની તાલિમ દરમિયાન ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગના જનક સુભાષ પાલેકરને પણ મળી. પૂજા કહે છે કે આ તાલીમ દરમિયાન એક વાત એ શીખવા મળી કે બધું જ્ઞાાન અને રહસ્ય પ્રકૃતિમાં જ રહેલા છે. પરિણામે પ્રકૃતિ સાથે જોડાઈને ખેતી કરવામાં આવે તો એનો ફાયદો મળે. એણે નક્કી કરી નાખ્યું કે તે સજીવ ખેતી જ કરશે, પછી તેમાંથી પૈસા મળે કે ન મળે. લાખો-કરોડો રૂપિયાની કમાણી કર્યા પછી બિમારી કે માનસિક તનાવથી તમે ગ્રસિત રહો, તો આટલી કમાણી કરવાનો શો ફાયદો?

પૂજાએ સજીવ ખેતીની તાલીમ લીધી અને પ્રારંભિક કામ કર્યા પછી ૨૦૧૬ એપ્રિલમાં ઓડિશાના મયૂરભંજ જિલ્લામાં પોતાની બચત અને પી.એફ.ના પૈસાથી 'બેક ટૂ વિલેજ' સ્ટાર્ટઅપ શરૂ કર્યું. એમાં આ જિલ્લાના પાંચ ગામને પસંદ કર્યા અને ખેડૂતો સાથે મળીને સજીવ ખેતી પર કામ શરૂ કર્યું. સૌથી મુશ્કેલ કામ ખેડૂતોને સજીવ ખેતી માટે તૈયાર કરવાનું હતું. તેના માટે ગામમાં એક કેન્દ્ર તૈયાર કરવાનું નક્કી કર્યું કે સજીવ ખેતીના ઉદાહરણરૂપ બની રહે. ગામના થોડા ભણેલા અને સમજદાર ખેડૂતો આને માટે તૈયાર થયા.

આ કેન્દ્ર પર દેશી બી રાખવામાં આવ્યા. જૈવિક ખાતર કેમ બનાવાય તે શીખવવામાં આવ્યું અને ગામલોકોને તાલીમ પણ આપવામાં આવી. ઓડિશાના મયૂરભંજ, બાલેશ્વર અને પુરી જિલ્લામાં આવા દસ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા, જેને નામ આપ્યું - 'ઉન્નત કૃષિ કેન્દ્ર'. અહીં ખેડૂતો પોતાના ઉત્પાદનો વેચી શકે અને કેન્દ્રના માલિક તે ઉત્પાદનોનું માર્કેટિંગ કરવામાં મદદ પણ કરે. એક કેન્દ્ર સાથે પાંચસો ખેડૂતો જોડાયેલા છે અને એ રીતે પાંચ હજાર ખેડૂતો અહીં રજિસ્ટર્ડ છે.

પૂજા ભારતી ખેડૂતોને એવી તાલીમ આપવા માગે છે કે ખેતી માટે બહારથી કંઈ લાવવું ન પડે. ખેડૂતો પોતે જ સ્વદેશી બી બનાવે, ખાતર બનાવે અને નવા નવા પ્રયોગોથી સજીવ ખેતી કરે. બીજી સૌથી મહત્ત્વની વાત તે એ કરે છે કે ખેડૂત પોતાની ખેતીને બજાર સાથે નહીં, પણ સંપન્નતા સાથે જોડે અર્થાત્ સૌથી પહેલાં તે પોતાના કુટુંબની જરૂરિયાત પ્રમાણે ઉત્પાદન કરે અને વધારાનું ઉત્પાદન બજારમાં વેચે. તે ઉન્નત કૃષિ કેન્દ્ર પર ઈન્ફર્મેશન કિયોસ્ક તૈયાર કરી રહી છે, જેથી ખેડૂતોને સરકારી યોજનાઓ, નવી ટેકનોલોજી, બજારભાવ અને હવામાનની જાણકારી મળી રહે.

પૂજા કહે છે કે ખેતીને માત્ર કમાણીનું સાધન ન માનીને પ્રકૃતિ સાથે જોડવી જોઈએ. ખેડૂત જે ઉત્પાદન કરે છે તેને વેચવાનું પહેલાં વિચારે છે અને પછી પોતાનું ખાવાનું બજારમાંથી ખરીદે છે. આ વિચારણાને બદલવાની જરૂર છે. ખેડૂતે પહેલાં પોતાના પરિવારના ભરણપોષણ માટે રાખવાનું છે અને પછી જે બચે તેને બજારમાં વેચવાનું છે. આવું થશે તો જ વિકાસ થશે. પૂજા માને છે કે લર્નિંગ, લિવિંગ, લાઈવલીહુડ, લવ અને લાફ્ટર - આ પાંચ એલ એક જગ્યાએ, એક જ સમયે, એક કામમાંથી જો તમને મળે તો તે છે ખેતી.તમે પૂજાને પૂછો કે એણે આવી સારી નોકરી શા માટે છોડી, તો એનો જવાબ છે 'સંપન્નતા માટે'.

Tags :