'ભારતીય શિક્ષણનું નજરાણું: ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ સાયંસ'
પારસી ઑન સ્ટેમ્પ - હસિત મહેતા
ઇન્ડિનય ઇન્સ્ટિટયુટ ઓફ સાયંસને જ્યારે સો વર્ષ પૂરા થયા ત્યારે ભારતીય ટપાલ ખાતએ ૨૦૦૮ની ૧૪મી ડિસેમ્બરે બે વિશેષ ટપાલ ટીકીટો બહાર પાડી છે
એ સમયે ઇંગ્લેન્ડની સરકારે પોતાના દેશના કારીગરો માટે એક યોજના શરૂ કરવા માટેની એડ્વાઇઝરી કમીટી બનાવી હતી, અને એ સરકાર મજૂરોના કલ્યાણમય ભવિષ્ય માટે કેવા-કેવા પગલાં લેવા જોઇએ, તેનો હજુ તો વિચાર કરતી હતી, પણ અચાનક ગોરા નેતાઓને એક મોટો આંચકો લાગ્યો, જ્યારે તેમણે જાણ્યું કે હજુ આપણે જેનો વિચાર કરી રહ્યાં છીએ તે કામ આપણા ગુલામ ભારત દેશે તો ક્યારનુંય કરી દીધું છે. હકીકત પણ એમ જ હતી, કારણ કે ૧૯મી સદીના એ પાછલા વર્ષોમાં જમશેદજી ટાટાએ પોતાના કારખાનાઓમાં મજૂરોના વિવિધ લાભો અને કલ્યાણકારી યોજનાઓના ભાગરૂપે પ્રોવિડન્ડ ફંડ, જૂથ વિમો અને પેન્શન સ્કીમ જેવી યોજનાઓનો અમલ ઘણાં સમયથી શરૂ કરી દીધો હતો.
આજે ટાટા સામ્રાજ્ય મીઠાથી માંડીને દાગીના સુધી અને ટ્રક-પ્લેનથી માંડીને સોફ્ટવેર કંપની સુધી એવું તો વિસ્તર્યું છે કે તે કોઇને કોઇ રીતે દરેક દેશવાસીઓના જીવનનો હિસ્સો બની રહ્યું છે. આ મૂલ્યવાન અને મૂલ્યનિષ્ઠ સામ્રાજ્યના સંસ્થાપક જમશેદજી નુસરવાનજી ટાટા જેટલા સાહસિક ઉદ્યોગતિ હતા, તેથી સવિશેષ દીર્ઘદ્રષ્ટા સમાજસેવી અને ઉદાર સખાવતી પણ હતા. આ પારસી ગુજરાતી સ્કૉલરે જ્ઞાાન-વિજ્ઞાાનના ક્ષેત્રોમાં પણ પોતાની વૈશ્વિક દ્રષ્ટિથી જે પ્રદાન આપ્યું છે, તેના ફળદ્રુપ પરિણામો આજે ભારતને આઇ.આઇ.ટી., ઇસરો, આઇઆઇસી જેવી અનેક નામાંકિત સંસ્થાઓરૂપે મળી રહ્યાં છે.
જમશેદજીએ છેક ૧૮૯૬માં એક વિચારબીજ, 'ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ સાયંસ'ને નામે રોપ્યું હતું. એમને જ્યારે અહેસાસ થયો કે ભારતમાં ઉચ્ચ કક્ષાની કોઇ યુનિવર્સિટીઓ, કૉલેજો કે સંશોધન કેન્દ્રો નથી, ત્યારે તેઓ તત્કાલીન વાઇસરોય લોર્ડ કર્જન પાસે ગયા. એ સામંતશાહી વાઇસરોય જમશેદજીના વિચારને તોડી નાંખે એવી રીતે કડવાં વેણ કહેતા બોલ્યાં કે, '... પરંતુ આવા શિક્ષિત હિંદુસ્તાની વિદ્યાર્થી જ ક્યાં છે કે જે આવી કોઇ મોટી યુનિવર્સિટીમાં પ્રવેશ લઇ શકે? અને જો એમણે પ્રવેશ મેળવી પણ લીધો તો પણ એમના માટે (આ દેશમાં) એવા મોટા રોજગારો પણ ક્યાં છે? ' જમશેદજી વાઇસરોયના આવા નેગેટીવ અભિગમથી સ્હજેય ડગ્યાં નહીં. આજથી સવાસો વર્ષ પહેલાં પોતાના ખીસ્સામાંથી એમણે ત્રીસ લાખ રૂપિયા આ માટે બાજુએ મુક્યાં, અને આગળ વધ્યાં.
ટાટાએ એ પછી તુરંત સ્વામી વિવેકાનંદને પત્ર લખીને આવી વૈશ્વિક શિક્ષણ સંસ્થા બનાવવા માટે નેતૃત્વ લેવા વિનંતી કરી, અને વિવેકાનંદ આ વિચારથી ખુશ થયા, અને એ માટે કંઇક કરવાની ખાત્રી પણ આપી. પરંતુ કમનસીબે ૧૯૦૨માં સ્વામીજીનું અચાનક અવસાન થયું, પરંતુ ત્યારબાદ તેમના શિષ્યા સીસ્ટર નિવેદીતા જમશેદજીના આ પ્રયત્નોમાં સક્રીય થયા.
બીજી તરફ તત્કાલીન મૈસુર નરેશે ટાટાના આવા પ્રયત્નોની વાત સાંભળીને એક જ ધડાકે બેંગ્લોરમાં ૩૭૫ એકર જમીન, અને કૉલેજ શરૂ થયા પછી તેને દર વર્ષે રાજદરબારમાંથી પચાસ હજાર મળી રહે તેવી ગોઠવણ કશુંક બોલ્યાં વગર, માંગ્યા વગર, પોતાનો કોઇપણ જાતનો હક્ક સ્થાપ્યા વગર કરી દીધી.
આ બધુ જાણીને પેલા કડવા વેણ કહેનાર લોર્ડ કર્ઝન ઢીલા પડયા, અને તેમણે ટાટાની આ મહત્વાકાંક્ષી યોજનાને લીલી ઝંડી આપી. એ વર્ષ હતું ૧૯૦૫નું. પરંતુ જમશેદજીએ છેક ૧૮૯૬માં જે વિચારબીજ રોપ્યું હતું તેવી સંસ્થા, નામે 'ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ સાયંસ'નો આરંભ થાય તે પહેલાં, ૧૯૦૪ના મે મહિનાની અગિયારમી તારીખે માત્ર ૬૫ વર્ષની ઉંમરે જમશેદજી આ પૃથ્વી ઉપરથી ચાલ્યાં ગયા.
પરંતુ જે વિચાર મજૂબત હોય તે ગમે તેવા ટાઢ-તડકામાં પણ ફળીભૂત થઇને જ રહે. આખરે ૧૯૦૯માં બેંગ્લોર ખાતે 'ભારતીય વિજ્ઞાાન સંસ્થાન'(Indian Institute of Science)નો રીતસરનો આરંભ થઇ ગયો. આ 'આઇ.આઇ.એસ.'એ વર્ષો સુધી વિશ્વની શ્રેષ્ઠ ૨૫૦ શિક્ષણસંસ્થાઓમાં સ્થાન મેળવ્યું છે.
જમશેદજીના એગ્રેસીવ-પ્રોગ્રેસીવ ડ્રાઇવથી, વિવેકાનંદજીની પ્રેરણાથી અને મૈસૂરના મહારાજા કૃષ્ણરાજ (ચોથા)ની દિલાવરી મદદથી શરૂ થયેલી ઇન્ડિનય ઇન્સ્ટિટયુટ ઓફ સાયંસને જ્યારે સો વર્ષ પૂરા થયા ત્યારે ભારતીય ટપાલ ખાતએ ૨૦૦૮ની ૧૪મી ડિસેમ્બરે બે વિશેષ ટપાલ ટીકીટો બહાર પાડી છે. ૨૦ રૂપિયા અને પાંચ રૂપિયાની આ બે મલ્ટીકલર ટીકીટોમાં બેંગ્લોરની આ વિશ્વમહાન યુનિવર્સિટી અને તેના પાયાના સ્થાપકોને કળાત્મક રીતે સ્થાન આપ્યું છે.
પાંચ રૂપિયાવાળી ટીકીટ ઉપર તો માત્ર 'આઇ.આઇ.એસ'નું હેરીટેજ બિલ્ડીંગ ચિત્રાયું છે, પરંતુ ૨૦ રૂપિયાવાળી ટીકીટમાં આ વિજ્ઞાાન-સંશોધન સંસ્થાના પાયાના પથ્થરો સમાન મહાનુભાવોના મુખડાઓનું કળાત્મક કૉલાજ છે. જેમાં જમશેદજી તો છે, સાથોસાથ વિવેકાનંદ અને મૈસૂર મહારાજા પણ હોય જ. ઉપરાંત આ સંસ્થામાંથી નોબેલ પારિતોષિક સુધી પહોંચેલા વિજ્ઞાાની સી.વી.રમન, ડૉ. વિક્રમ સારાભાઇ, હોમી ભાભા, ડૉ.સતીષ ધવન, શાંતિસ્વરૂપ ભટનાગર જેવા વિશ્વપ્રસિદ્ધ વૈજ્ઞાાનિકોની પણ સ્મરણવંદના કરવામાં આવી છે.