બસ, ઘાસ બનીને તમે ઝૂકી જાઓ!
જાણ્યું છતાં અજાણ્યું - મુનીન્દ્ર
કોઈ પણ યુદ્ધમાં નિર્ણાયક બાબત હોય છે એની મજબૂત અને દુર્ભેદ્ય વ્યૂહરચના. છેક રામાયણ અને મહાભારતના કાળથી કે પછી ભરત-બાહુબલિના સમયથી આજ સુધી થયેલાં યુદ્ધોમાં વ્યૂહરચના એ સૌથી મહત્ત્વની બાબત ગણાઈ છે. શત્રુ પાસે સૈનિકો વધારે હોય, તો પણ કુશળ વ્યૂહરચના કરીને વિજય હાંસલ કરવામાં આવે છે. આવી વ્યૂહરચનાની જરૂર જેમ બાહ્ય શત્રુઓને પરાજિત કરવા માટે આવશ્યક છે, એટલી જ જરૂર કે એથી ય વિશેષ આંતરશત્રુઓ પર વિજય મેળવવા માટે છે.
ભગવાન મહાવીરની એ વાણીનું આપણને સ્મરણ થાય કે બાહ્ય વિજય મેળવીને શું થાય? તારા આંતરશત્રુ પર વિજય મેળવ. 'શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર'માં કહ્યું છે: ઁહ્યૃહ્લ્ઙ્ઘઊંયશ્ન (ઢટપ્ત્ેંર્ં, ેંદ્વછ ।ય (ઢીંપ્ત્યન્ શ્ન(પ્ત્યહ્ય્ય ળ' અર્થાત્ 'પોતાના આત્માની સાથે યુદ્ધ કરો. બહાર યુદ્ધ કર્યે શું વળશે?'
આપણી ભીતરમાં રહેલા આંતરશત્રુઓને આપણે જાણીએ છીએ, પરંતુ દુર્ભાગ્ય એ છે કે એ આંતરશત્રુને પરાજિત કરવા માટે યોગ્ય વ્યૂહરચના કઈ રીતે કરવી જોઈએ, તે જાણતા નથી. અહંકાર છેક રાવણથી માંડીને હિટલર સુધી અને આજના રાજકર્તાઓને પજવી રહ્યો છે. અરે! ધનવાન હોય, વિદ્યાવાન હોય, એને પણ કોઈને કોઈ રીતે અહંકાર વળગેલો હોય છે.
આ અહંકાર સામે વિજય કઈ રીતે પ્રાપ્ત કરી શકાય? અનાદિ કાળથી આપણા ઘરમાં પેઠેલા દુશ્મનને કઈ રીતે પરાજિત કરી શકાય? આ સંદર્ભમાં આચાર્ય યશોવિજયસૂરીશ્વરજી મહારાજે કોઈ સમાજ નહીં, પણ સમગ્ર માનવને દોરવણી આપતું એક પુસ્તક 'ફોર્મ્યુલા' લખ્યું છે અને એમાં જુદી જુદી ફોર્મ્યુલા દ્વારા કઈ રીતે ચિત્ત પર દ્રઢ આસન જમાવીને બેઠેલા અહંકારના બોજને દૂર કરી શકીએ અને એ રીતે અહંકારમુક્તિના ગગનમાં આપણું જીવન ઉડ્ડયન કરે એની વાત કરતી એક 'કોબ્રા ફોર્મ્યુલા' ગયે વખતે જોઈ હતી. હવે એમણે વર્ણવેલી 'સાઇક્લોન ફોર્મ્યુલા' એમના જ શબ્દોમાં જોઈએ.
'મેદાનમાં વચ્ચોવચ્ચ તાડનું ઝાડ ઊભું હતું અને આજુબાજુ લીલુંછમ ઘાસ ઊગેલું હતું અને અચાનક. જોરદાર સાઈક્લોન ફૂંકાયું. આમ તેમ ડોલવા લાગેલું તાડનું ઝાડ પવન વધારે ફૂંકાયો અને પડી ભાંગ્યું.'
પણ મેદાનમાં ઊગેલા લીલાછમ ઘાસને કોઈ ખાસ તકલીફ ન પડી. પવનના સૂસવાટા ખૂબ વાયા, પણ ઘાસ પોતે ઝૂકી ગયું અને પવન ઉપરથી પસાર થઇ ગયો.
સાઈક્લોન આપણા અભિમાનને દૂર કરવા માટે એક સરસ ફોર્મ્યુલા આપે છે કે 'જે તાડના ઝાડની જેમ અક્કડ રહે છે તે તૂટી જાય છે અને જે ઘાસની જેમ ઝૂકી જાય છે તે આબાદ બચી જાય છે.'
પ્રતિકૂળ પરિસ્થિતિ, આપણી ઇચ્છાવિરુધ્ધ કોઈએ કરેલું વર્તન, કડવા વેણ સાંભળાવી કોઈએ કરેલું આપણું અપમાન. અણગમતી વિપત્તિઓનું તૂટી પડવું. કોઈના આક્રોશ ભરેલા શબ્દો, આપણને છેતરવા માટેના ગોઠવાયેલા પેંતરા - આ બધા આપણા જીવનમાં આવતા સાઇક્લોનના સ્થાને છે. આવું વાવાઝોડું તૂટી પડે છે, ત્યારે અહંકાર માણસ તાડના ઝાડની જેમ અક્કડ બની બેસી રહે છે. માટે તેને ફૂંકાઈ જવું પડે છે. ફેંકાઈ જવું પડે છે. તૂટી જવું પડે છે.
આ સાઇક્લોન ફોર્મ્યુલા કહે છે કે જીવનમાં આવાં વાવાઝોડાં ફૂંકાય ત્યારે જો ઘાસ બનીને ઝૂકી જશો, તો આબાદ બચી જશો. જે ઝૂકવા તૈયાર ન હોય, તેની પાસે તૂટયા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. જે આવે છે તેનો સહર્ષ સ્વીકાર કરી લઈએ. આપણી મૂંછ નીચી રાખી દઈએ. બીજાની ઇચ્છાને માની લઈએ, બીજાનો આક્રોશ શાંતિથી ઝીલી લઈએ.
તેમાં આપણને તકલીફ શું? સંક્લેશભર્યાં અને અહંકારના કાદવથી ખરડાયેલા એવા કઠોર હૈયાં રાખવા, એના કરતાં આપણે ઝૂકી જઈએ. બીજાનું થોડું માની લઈએ, વિપત્તિઓને વેઠી લઈએ. પણ આ બધી સમજણ માટે અહંકાર ઓગાળવો જરૂરી છે. તાડના ઝાડ જેવી અક્કડતા રાખીને ભવિષ્ય જો અંધકારમય જ બનવાનું હોય, તો તેના કરતા ઘાસ બનીને ભવિષ્યને ઊજળું બનાવવાની સંભાવનાને કેમ ઠોકર મારવી?
સીતાનું અપહરણ કરી પોતાની અશોકવાટિકામાં તેેને ગોંધી રાખનાર રાવણને મંદોદરી સમજાવે છે કે, 'સ્વામીનાથ! પથ્થરમાં હજી ફૂલ ઊગી શકે, સૂર્ય હજુ પશ્ચિમ દિશામાં ઊગી શકે, ધરતી હજુ પાતાળમાં સમાઈ જાય, પણ સીતા રામ સિવાય બીજા કોઈ પુરુષને ઇચ્છે એ ત્રણ કાળમાં શક્ય નથી. એ મરી જશે તો પણ તમને નહીં સ્વીકારે. મારા રૂપમાં તમને શું ઓછપ લાગે છે કે તમે સીતાની પાછળ મોહાઈ ગયા છો? સીતાને મનાવવાનાં વ્યર્થ પ્રયત્નો મૂકી દો.'
'મંદોદરી! તારી બધી વાત મને ખ્યાલમાં છે. મને પૂરો વિશ્વાસ છે કે આકાશ-પાતાળ એક થાય, તો પણ સીતા મને સ્વપ્નમાં પણ વરે એવી કોઈ શક્યતા નથી. અને હવે તો મારા અંતરની ભાવના પણ સીતાને સોંપી દેવાની જ છે.'
હજુ તો રાવણ આગળ બોલે ત્યાં તો મંદોદરી બોલી ઊઠી, 'આર્યપુત્ર! તો પછી શેની વાટ જુઓ છો? જલદી સોંપી દો.'
'સોંપવાની વાત નિશ્ચિત જ છે, પણ એક વાર યુદ્ધમાં રામને હરાવી દઉં તે પછી આપીશ. એક વાર રામની છાતીએ ચડી બેસું. મારા પગે એને નમાવું પછી સીતા સોંપી જ દેવાની છે.'
દુર્જનને કાયમ નબળાં જ વિચાર આવે અને સજ્જનને કાયમ સારા જ વિચારો આવે, તેવું નથી. પણ મનમાં આવતા નબળા વિચારોનો તરત અમલ કરી નાખનાર દુર્જન બની જાય છે. મનમાં આવતાં સુંદર વિચારોને મહત્ત્વ આપીને તેનો તરત અમલ કરનાર માણસ સજ્જન બની જાય છે.
રાવણને સારો અને સાચો વિચાર આવ્યો જ ન હતો તેવું નથી. પણ સારા વિચારને તરત મહત્ત્વ આપ્યું નહીં. તેને તરત અમલમાં લાવ્યો નહીં. સીતાને સોંપવામાં સદ્વિચારને અમલમાં લાવતા અટકાયત કરનારું તત્ત્વ અહંકાર બન્યું.
'મોટા ઉપાડે સીતાને ઉપાડી લાવ્યો અને એમ ને એમ રાવણને હરાવ્યા વિના જો પાછી સોંપી દઉં, તો આખું જગત મને નમાલો કહેશે. આ તો મને પ્રાણાંતે પણ ન પોષાય' - આવી અહંકારની અક્કડતા રાખનાર રાવણ જો તે સમયે ઘાસની જેમ ઝૂકવા તૈયાર થઈ ગયો હતો, તો એને યુદ્ધ મેદાનમાં કપાવું ન પડત.
દીકરો ઇન્દ્રજિત કપાઈ ગયો. ભાઈ કુંભકર્ણ હોમાઈ ગયો. સગો ભાઈ વિભીષણ દુશ્મનના પક્ષે ગોઠવાઈ ગયો. પ્રજાજનો પણ તેના પર થુંકવા લાગ્યા. પોતાની હાર નિશ્ચિત છે તે પણ ખ્યાલમાં આવી ગયું.
લડવા માટે રાવણ નીકળ્યો ત્યારે ભયંકર અપશુકનો થયા. ગધેડો ભૂંકે, ધોળે દિવસે ઘુવડ ચિચિયારીઓ કરે, પોતાની ૧૦૦૮ વિદ્યાઓ મોટા ભાગે ભૂલાઇ ગઇ. સેવક દેવોએ પણ સાથ-સહકાર આપવાનું માંડી વાળ્યું. બધી વિકટ પરિસ્થિતિ રૂપી સાઇકલોન આંખ સામે તરવરે છે.
છતાં તાડના ઝાડ જેવો રાવણ અક્કડ રહ્યો. અંદરનો માન-કષાય ફૂંફાડા મારવા લાગ્યો અને પોતે ઘાસની જેમ ઝૂકવા તૈયાર ન થયો અને હણાયો. ભવિષ્યકાળના એંધાણ વર્તમાનમાં મળતાં હોય છે, ફક્ત તેને પકડવાની દ્રષ્ટિ આવે તો જ એ પકડાય છે. પરંતુ અફસોસ! અહંકારમાં અંધ બનેલો માણસ તેવી દ્રષ્ટિ મેળવવાનું સૌભાગ્ય ગુમાવી બેસે છે.
'મારું જે થવું હોય તે થાય, પણ આજે તો મારી તાકાતનો પરચો બતાવી દઉં.' આવા અહંકારમાં રાવણે કોઈની વાત નહીં માની અને પોતાના પ્રાણ તો ગુમાવ્યા ઉપરાંતમાં રાક્ષસવંશનો કચ્ચરઘાણ વાળવામાં પણ પોતે જ નિમિત્ત બન્યો.
સાઇક્લોન ફોર્મ્યુલા આપણામાં રહેલ અહંકારની અક્કડતા દૂર કરવા માટે કહે છે કે 'ગમે તેવું કોઈ કહે, ગમે તેવો પાપોદય આવી પડે, બસ, ઘાસ બનીને ઝૂકી જાઓ. તેનો સહર્ષ સ્વીકાર કરી લો, સામે ન પડો, પણ નમી જાઓ તો વિપત્તિનું વાવાઝોડું તમારા મસ્તક પરથી પસાર થઈ જશે અને જો તાડની જેમ અક્કડતા રાખી. 'હમ ભી કીસી સે કમ નહીં' આવો અહં સંઘરીને બેઠા તો તૂટી જતાં વાર લાગશે નહીં.'
સાઇક્લોન ફોર્મ્યુલાનો સંદેશ એટલો જ કે -
મેલી બધો અહમ્, કરો એવા કરમ,
બનો ઘાસ જેવા નરમ, તો પામશો તમે પરમ,
થઈ ગયા જો ગરમ, રાખ્યો અહંનો ભરમ
તો નિષ્ફળ જશે ધરમ, નહીં રાખે કોઈની શરમ.