Get The App

જગત જેની રાહ જુએ છે એ 5G ટેકનોલોજિ શું છે?

સમયાંતર - લલિત ખંભાયતા

Updated: Dec 15th, 2019

GS TEAM

Google News
Google News
જગત જેની રાહ જુએ છે એ 5G ટેકનોલોજિ શું છે? 1 - image


ઈન્ટરનેટ સાથે ધીમી સ્પીડનો પ્રશ્ન કાયમ રહે છે. હવે આવી રહેલી ૫જી ટેકનોલોજિ આ સમસ્યા દૂર કરી દેશે એવી વ્યાપક માન્યતા છે. એ ઉપરાંત ફાઈવ-જીમાં શું હશે?

આખા જગતને જ્યારે ઈન્ટરનેટ વગર ચાલવાનું જ નથી ત્યારે ઈન્ટરનેટની સ્પીડ સુધરે, નેટવર્ક સક્ષમ બને અને જ્યાં સુધી પહોંચી નથી શક્યુ ત્યાં સુધી વિસ્તાર થાય એ માટેના પ્રયાસો કરવા અનિવાર્ય છે. એ પ્રયાસોનું ટૂંકુ નામ 'ફિફ્થ જનરેશન નેટવર્ક ટેકનોલોજિ' છે, જે તેનાથી પણ ટૂંકમાં '૫-જી' તરીકે ઓળખાય છે. અત્યારે આપણે મોટે ભાગે 'ફોર-જી' ઈન્ટરનેટ વાપરીએ છીએ. એટલે તેનાથી એક સ્ટેપ ચડિયાતું નેટવર્ક, એનું નામ ફાઈવ-જી. 

બીજી તરફ એવુ પણ સાંભળવા-જાણવા મળતું હોય કે ૫-જી આવી ગયા પછી અમુક સેકન્ડમાં આખી ફિલ્મ ડાઉનલોડ થઈ શકશે, એક સાથે અનેક ડિવાઈસ (મોબાઈલ, લેપટોપ, ટીવી, ટેબલેટ.. વગેરે) નેટ કનેક્ટ થઈ શકશે અને ક્યાંય સ્પીડમાં ઘટાડો નહીં આવે. ટેકનિકલ ભાષામાં કહીએ તો અત્યારે ૪-જી દ્વારા મહત્તમ ૨૦ એમબીપીએસ (મેગાબાઈટ પર સેકન્ડ)ની સ્પીડ મળે છે, જ્યારે ૫-જીમાં એ સ્પીડ વધીને ૧૦ જીબીપીએસ (ગિગાબાઈટ પર સેકન્ડ) હશે, એટલે કે ૪-જી કરતાં લગભગ ૨૦૦ ગણી સ્પીડ હશે. ૩-જીમાં કોઈ ૫૦૦ મેગાબાઈટ (એમબી)નો વિડીયો ડાઉનલોડ કરવો હોય તો ૫.૫ મિનિટ થતી, ૪-જીમાં ૨૦ સેકન્ડ થાય છે, જ્યારે ૫-જીમાં પુરી ૨ સેકન્ડ પણ નહીં થાય!

૪-જી સ્પીડથી આપણો ઈન્ટરનેટ વાપરવાનો અનુભવ સુધર્યો છે, સ્પીડ વધી છે. સામે ઝડપથી ઉતરી જતી બેટરી, સતત મોબાઈલની સ્ક્રીનમાં ચોંટયા રહેવાની આદત, ડિવાઈસ આધારિત લાઈફ સ્ટાઈલ થવાને કારણે ઉદ્ભવતી બીમારી વગેરે ગેરલાભો પણ થઈ રહ્યા છે. એ સિદ્ધાંત ફાઈવ-જીમાં પણ લાગુ પડશે.

ફાઈવ-જી આવી ગયા પછી શું થશે એ વાત ત્યારે ખબર પડશે. પરંતુ એ ટેકનોલોજિ શું છે અને શા માટે જગતને તેની પાસેથી બહુ અપેક્ષાઓ છે એ સમજી લઈએ. કેમ કે આગામી વર્ષે ભારત સહિત અનેક દેશોમાં ફાઈવ-જીનું ધમાકેદાર આગમન થવાની તૈયારી થઈ ચૂકી છે. એમ તો ભારતમાં નોઈડા-દિલ્હી વિસ્તારમાં મર્યાદિત ધોરણે ફાઈવ-જીનો પ્રવેશ થયો છે. પરંતુ આગામી વર્ષે દિલ્હીથી નીકળીને આ ટેકનોલોજિ દોલતાબાદ કે પછી દક્ષિણ ભારત સુધી ફરી વળે એ માટે વિવિધ કંપનીઓ કમર કસી ચૂકી છે.

લેટિનમાંથી અંગ્રેજીમાં આવીને જગતવ્યાપી બનેલા શબ્દ 'જનરેશન'ને દેખીતી રીતે ટેકનોલોજિ સાથે લેવા-દેવા નથી, પરંતુ ઉત્ક્રાંતિ સાથે છે. સમાન સમયગાળામાં જન્મેલા, લગભગ સમાન અનુભવ કરનારા, સમાન સમયગાળામાં ઉછરનારા લોકોને જનરેશન (પેઢી) કહેવામાં આવે છે. એક સરખી ટેકનોલોજિ જેમને મળી હોય એવી પેઢી માટે પણ જનરેશન શબ્દ વપરાતો થયો.

જોકે ટેકનોલોજિ તો વર્ષોથી છે, પરંતુ મોબાઈલ (સેલ્યુલર) ટેકનોલોજિ આવી પછી, તેને જનરેશન તરીકે ઓળખવાની શરૂઆત થઈ. એટલે ૧૯૮૦માં જ્યારે સેલ્યુલર યુગ શરૂ થયો ત્યારનો સમયગાળો આપોઆપ ફર્સ્ટ જનરેશન (૧-જી) તરીકે ઓળખાવા લાગ્યો. ૪૦ વર્ષ પછી આજે જગત ફાઈવ-જીના દ્વારે આવી પહોંચ્યુ છે અથવા તો ફાઈવ-જી જગતના દ્વારે ઉભી છે.

આપણે યાદ કરીએ તો સમજાશે કે એક-બે વર્ષ પહેલાં ઘરમાં ઈન્ટરનેટ આધારીત જેટલા સાધનો હતા એટલા જ આજે છે? કે વધ્યા છે? મોટે ભાગે વધ્યા જ હશે. બે વર્ષ પહેલા માત્ર સ્માર્ટફોનમાં કે લેપટોપમાં ઈન્ટરનેટ વાપરતા હતા એ લોકો આજે ટીવીમાં, કારમાં, સ્પીકરમાં કે પછી ફ્રીજ-ઑવન જેવા સાધનોને પણ નેટ કનેક્ટેડ કરવા લાગ્યા છે. એટલે સીધી વાત છે કે ઈન્ટરનેટનો વપરાશ વધી રહ્યો છે, એવા ડિવાઈસ પણ વધી રહ્યાં છે.

અત્યારે તો વ્યક્તિ દીઠ એકાદ ડિવાઈસમાં જ ઈન્ટરનેટ કનેક્શન છે, પરંતુ ૨૦૨૫ સુધીમાં દરેક વ્યક્તિની આસપાસ સરેરાશ ૧૫ ડિવાઈસ હશે, જે નેટથી કનેક્ટ થયા હોય (વિવિધ ચીજ-વસ્તુ-સુવિધા-ડિવાઈસને ઈન્ટરનેટ સાથે કનેક્ટ કરવાની સ્થિતિને 'ઈન્ટરનેટ ઑફ થિંગ્સ' કહે છે). એ બધા માટે ઈન્ટરનેટ ક્યાંથી કાઢવું? કાઢવાનો તો કોઈ સવાલ નથી કેમ કે એ તો અમર્યાદિત રીતે વહેતી ગંગા છે. સવાલ માત્ર તેને વપરાશકર્તા સુધી પહોંચાડવાનો છે. 

એ પહોંચાડવાની સુવિધા એટલે નેટવર્ક. જ્યારે નેટ આપણા સુધી બરાબર ન પહોંચે ત્યારે આપણે નેટવર્કના ધાંધિયા છે, એવુ ફીલ કરીએ છીએ. આ ધાંધિયા દૂર કરવા માટે હવે દુનિયાભરમાં વધુ ઝડપી અને વધુ સક્ષમ એવી ફાઈવ-જી ટેકનોલોજિ આવી રહી છે. અલબત્ત, ફાઈવ-જી ફાસ્ટ તો છે, જ પણ તેનો વધુ ઉપયોગ મહત્તમ ડિવાઈસને ઈન્ટરનેટ સજ્જ કરવા માટે થવાનો છે. અને તેના કારણે જ સ્માર્ટ સિટી સહિતના પ્રોજેક્ટ આગળ વધારી શકાશે.

ઝડપ ઉપરાંત ફાઈવ-જીનો બીજો લાભ પ્રતી ચોરસ કિલોમીટરમાં દસેક લાખ કનેક્શન ધમધમતા રાખવાનો છે. ટાંકામાં મર્યાદિત પાણી હોય અને વિસ્તારમાં રહેતા લોકોની સંખ્યા વધતી જાય તો છેવટે નળમાં આવતું પાણી ઓછું થતું જાય. એ સ્થિતિ ટાળવા પાણીનો જથ્થો વધારવો જોઈએ. ફાઈવ-જી હકીકતે આવો પાણીનો જથ્થો છે, જે પોતાના વિસ્તારમાં એક સાથે દસ લાખ નેટ કનેક્શને પહોંચી વળશે.

ફાઈવ-જીની શરૂઆત તો ઘણા દેશોમાં થઈ ગઈ છે. એપ્રિલ-૨૦૧૯માં શરૂઆત કરનારો પ્રથમ દેશ દક્ષિણ કોરિયા હતો. ડિસેમ્બર ૨૦૧૯ સુધીના આંકડા પ્રમાણે એ દેશમાં ૪૦ લાખ લોકોએ ફાઈવ-જી કનેક્શન લીધું છે. ૧૫૦ જીબી નેટ સરેરાશ ચાર હજાર રૂપિયાના ભાવે ત્યાં વેચાય છે. ચીને ગયા નવેમ્બરમાં જ એક-બે નહીં પણ ૫૦ શહેરોમાં ફાઈવ-જી નેટવર્કનો પ્રારંભ કરી દીધો છે. ચીનની ત્રણ મોટી કંપનીઓએ ફાઈવ-જી ડેટા પ્લાન માસિક ૧૨૮ યુઆન (૧૩૦૦ રૂપિયા)ના હિસાબે વેચવાની શરૂઆત કરી દીધી છે! 

ઑક્ટોબર ૨૦૧૯ સુધીમાં ૨૭ દેશમાં ૫૦ વિવિધ કંપનીઓએ ૫-જી નેટવર્ક આરંભી દીધું છે. આ બધા દેશો ૨૦૨૦માં વપરાશ વધારવાના મૂડમાં છે. સમય પારખીને મોબાઈલ ફોન ઉત્પાદન કરતી વિવિધ કંપનીઓએ હવે ફાઈવ-જી સાથે કામ કરી શકે એવા હેન્ડસેટ બનાવાનો આરંભ પણ કરી દીધો છે. એ રીતે જે કોઈ કંપનીઓ આવુ નેટવર્ક પુરું પાડી શકે એમ છે, એ કંપનીઓએ પોતાના દેશમાં અને પરદેશમાં પણ નેટવર્કની જાળ બિછાવાની શરૂઆત કરી દીધી છે. ભારતમાં અમુક કંપનીઓ ૨૦૨૦માં શહેરી વિસ્તારમાં ફાઈવ-જી નેટવર્ક સ્થાપવા ઈચ્છે છે.   

પણ એમ નેટવર્ક શરૂ થઈ જતું નથી. એ પહેલા કેટલાક કઠણ અવરોધો પાર કરવા પડે. ભારતમાં અવરોધો વધારે આકરા લાગે કેમ કે ભારત સરકારને જે ટેકનોલોજિ ન સમજાય એને એ જાકારો આપવાનું કે પછી અકારણ રાહ જોવડાવવાનું વલણ ધરાવે છે. ભારતમાં પહેલો પડાવ તો સ્પેક્ટ્રમ ફાળવવાનો છે. સ્પેક્ટ્રમ એટલે એવા તરંગો જેની સાથે ફાઈવ-જીના મેસેજીસ એક સ્થળેથી બીજા સ્થળે જઈ શકે. તેની વહેંચણી જ સરકાર આગામી વર્ષે કરવાની છે.

ફાઈવ-જી જડપી છે, કેમ કે જેટલી જગ્યામાં ફોર-જીના તરંગો (વેવ્સ) સમાય તેનાથી અનેકગણા વધુ વેવ્સ એટલી જ જગ્યામાં સમાય અને એક સ્થળેથી બીજા સ્થળે પ્રવાસ કરી શકે. ફોર-જીમાં જે મેસેજ આવતા-જતાં ૨૦૦ મિલિસેકન્ડ લાગે એ જ કામ ફાઈવ-જી ૧ મિલિસેકન્ડમાં કરી નાખે છે. આ કામગીરીને ટેકનિકલ ભાષામાં લેટન્સી કહેવામાં આવે છે.

કોઈ પણ નેટની સ્પીડ માપવાનો સાચો રસ્તો પણ લેટન્સી રેટ છે, બેન્ડવિથ નહીં. લોકો એવુ માનીને ચાલતા હોય કે વધુ બેન્ડવિથ એટલે વધુ ઝડપી ઈન્ટરનેટ. એ માન્યતા સાવ સાચી નથી. બેન્ડવિથ એ પાઈપલાઈન છે, જેમાંથી નેટ પસાર થાય છે. એ નેટ એક છેડેથી બીજા છેડે કેટલી ઝડપે પહોંચે તેને લેટન્સી રેટ કહેવાય. પાઈપ ગમે તેટલી પહોળી હોય પણ નેટ જ મર્યાદિત સ્પીડે આગળ વધે તો? ફાઈવ-જીમાં લેટન્સી રેટ બહુ ઓછો હશે, એટલે સાદા શબ્દોમાં પાઈપલાઈનમાં ટ્રાફિક સડસડાટ આગળ વધશે.

એવી વ્યાપક માન્યતા છે કે ફાઈવ-જીએ ફોર-જીનું સ્થાન લેશે. પરંતુ એવુ નથી ફાઈવ-જી અલગ રસ્તે દોડશે, ફોર-જી તેના સ્થાને રહેશે. બધા કિસ્સામાં ફાઈવ-જી માટે હેન્ડસેટ પણ બદલવા નહીં પડે. પરંતુ વપરાશકર્તાઓએ ફરીથી સિમકાર્ડ બદલવાની જફામાંથી પસાર થવું પડશે. ફાઈવ-જી શરૂ કરી દીધા પછી બધા વીડિયો ધમાકેદાર રીતે જોવા મળશે એવુ માની ન શકાય, કેમ કે વીડિયો પ્રોવાઈડર કોણ છે અને તેની શું શરતો છે, તેના પર પણ આધાર છે. 

પણ અત્યારે જગતની સ્થિતિ એવી છે કે જે નવી ટેકનોલોજિ આવે એ સ્વિકાર્યે જ છૂટકો છે એટલે ફાઈવ-જીને પણ કોઈ નકારી શકે એમ નથી.

Tags :