Get The App

આવ ગિરા ગુજરાતી તને અતિ શોભિત હું શણગાર સજાવું !

પારિજાતનોપરિસંવાદ - ડૉ. કુમારપાળ દેસાઈ

Updated: Dec 14th, 2019

GS TEAM

Google News
Google News
આવ ગિરા ગુજરાતી તને અતિ શોભિત હું શણગાર સજાવું ! 1 - image


કવિશ્વર દલપતરામની દ્વિતીય જન્મશતાબ્દીના વર્ષે ગુજરાતી ભાષા સાહિત્યની વર્તમાન પરિસ્થિતિ જોતાં ફરી દલપતરામને સાદ આપવાનો સમય આવ્યો છે. દલપતરામની કવિતામાં 'દાખે દલપતરામ' મળે છે. આજે ફરી 'માગે દલપતરામ'ની સ્થિતિ આવી છે.ગુજરાતી ભાષાસાહિત્યના અને પ્રજાજીવનના ઉત્કર્ષને માટે જીવનભર ઝઝૂમનાર કવિશ્વર દલપતરામના મનમાં એવો મનોરથ જાગ્યો કે 'આવ, ગિરા ગુજરાતી, તને અતિ શોભિત હું શણગાર સજાવું.' એવા ગુજરાતી ભાષાના શોભિત શણગાર સજાવનારા કવિશ્વર દલપતરામ અને એલેકઝાંડર કિન્લોક ફોર્બ્સે ૧૮૪૮ની ૨૬મી ડિસેમ્બરે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરી.

જે આજે ગુજરાત વિદ્યાસભાને નામે જાણીતી છે. એ સમયે આ સોસાયટીનો ઉદ્દેશ હતો 'પ્રાંતની પડી ગયેલી ભાષાને ઉન્નત બનાવવાનો.' આવા પ્રારંભે 'ગુજરાતી ભાષાસાહિત્યનો ઉત્કર્ષ કરવો, ઉપયોગી જ્ઞાાનનો પ્રચાર કરવો અને સામાન્ય રીતે કેળવણીમાં વૃદ્ધિ કરવી.' એવું ધ્યેય રાખ્યું.

અગિયાર અંગ્રેજી મહાનુભાવો અને એક દેશી સભાસદ સાથે શરૂ થયેલી આ સંસ્થાએ પ્રારંભકાળે ગુજરાતી ભાષાસાહિત્યના સર્વાંગી ઉત્કર્ષને માટે આવી ભવ્ય કલ્પના કરી.

(૧) એક વર્તમાન પત્રનું પ્રકાશન - ગુજરાતનું આ પ્રથમ અઠવાડિક (૨) સૂરતમાં લાઇબ્રેરીની સ્થાપના (૩) ગુજરાતી કોશ એ શબ્દસંગ્રહ કરવાનો પ્રથમ પ્રયત્ન (૪) હસ્તપ્રતોનો સંગ્રહ (૫) છોકરા-છોકરીઓની એકત્ર શાળાની સ્થાપના (૬) શાળોપયોગી પુસ્તકોનું પ્રકાશન (૭) ઇનામી હરિફાઈના નિબંધો દ્વારા નવાં પુસ્તકો સર્જવાની યોજના અને (૮) વિદ્યાર્થીઓને ઇનામો આપવા.

શિલ્પશાસ્ત્રી, ઇતિહાસવિદ એવો ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો અમલદાર એલેકઝાંડર કિન્લોક ફોર્બ્સ હિન્દુસ્તાની અને મરાઠી શીખ્યા બાદ ગુજરાતી ભાષા શીખતા હતા. આવા ફોર્બ્સને ગુજરાતી સાહિત્ય સમજાવી શકે અને ગુજરાતમાં ઠેર ઠેર ફરીને સાહિત્ય એકઠું કરી આપે તે માટે છેક વઢવાણથી અમદાવાદ આવવા માટે દલપતરામને તેડું મોકલ્યું.

આ સંદેશો સાંભળી દલપતરામને પહેલાં તો બહુ ઉત્સાહ જાગ્યો નહોતો. 'મનમાં એમ થતું કે સાહેબ શું અને આપણે શું ? આપણી કવિતામાં એ શું સમજે છે ?' વાટખર્ચીની રાતી પાઈ વગર નીકળેલા દલપતરામ વઢવાણથી પગપાળા અમદાવાદ આવે છે અને ફોર્બ્સને મળે છે. દલપતરામથી પ્રભાવિત થયેલા ફોર્બ્સ પૂછે છે, 'ત્યારે શો પગાર ત્હમે લેશો ?'

'સાહેબ આપશે તે. અમે બે માણસ એ એક બાળકી છીએ. સો સવાસોકનું ખર્ચ છે.'આ સાંભળી ફોર્બ્સને થયું કે આવી વ્યક્તિ હાથમાંથી સરી જશે એટલે ઠાવકાઈથી સમજાવતા કહ્યું, 'જુવોને ક્વેશર !મ્હારે તો મ્હારા પગારમાંથી પગાર આપવાનો છે. મ્હને જ આઠસોક રૂપિયા મળે છે. હું તો માસિક વીસ રૂપિયા આપી શકું.'દલપતરામની આંખોમાં હરખનાં તેજ ઊગ્યાં.

પ્રતિઠાવકાઈથી દલપતરામે ફાર્બસને સમજાવ્યું, 'સાહેબ ! અમારે ત્ય્હાં વાણોતરીની વરસૂણ હોય છે, ને સાહેબને મ્હેં તો સો-સવાસોનો વરસૂણિયો પગાર કહ્યોહતો. મ્હેં તો સો સવાસો માગ્યા હતા; આપ તો મ્હને બમણા આપવાનું કહો છો.'દલપતરામ અને ફોર્બ્સનું મિલન એ ગુજરાતના સાંસ્કૃતિક ઘડતર માટે મહત્ત્વની ઘટના બની રહી.આ ફોર્બ્સે જોયું કે એ સમયની ગુજરાતી ભાષા માત્ર બજારભાષા હતી.

એમાં વાંચવા લાયક પુસ્તકો નહોતાં અને લોકો અજ્ઞાાની અને વહેમી હતા. આવે સમયે અમદાવાદમાં નેટિવ લાઇબ્રેરીનો પ્રારંભ થયો. અઠવાડિક 'વરતમાનપત્ર' અને માસિક 'બુદ્ધિપ્રકાશ'ની શરૂઆત થઈ. ભૂતપ્રેતનાં પ્રવર્તમાન વહેમો અને તેને દૂર કરવાના ઉપાયો અંગે દલપતરામે 'ભૂતનિબંધ' લખ્યો હતો અને એ માટે એમને દોઢસો રૂપિયાનું ઇનામ મળ્યું હતું ફાર્બ્સે એનો અંગ્રેજી તરજુમો કરી બોમ્બે ગેઝેટ પ્રેસમાં છપાવ્યો અને દિલ્હીની એક સંસ્થાએ ઉર્દૂમાં તરજુમો કરીને છાપ્યો.

એ સમયે 'બુદ્ધિપ્રકાશ' સામયિક ગુજરાતના સામયિકોમાં અગ્રસ્થાન ભોગવતું હતું. એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ લાંબી રજા પર ઇંગ્લેન્ડ જતાં દલપતરામને સાદરામાં કારકુનપદે નોકરીએ રહ્યા. એ પછી ફોર્બસની જગાએ સોસાયટીના મંત્રી ટી.ડી.કર્ટિસે જોયું કે ફોર્બ્સે સ્થાપેલી ગુજરાત વર્નાક્યુલર સોસાયટી જોખમમાં આવી છે. પુસ્તકાલય અને 'બુદ્ધિપ્રકાશ' સામયિક ચલાવવામાં એમને મુશ્કેલી પડતી હતી. સહાયક મંત્રીઓ આવ્યા અને ગયા અને એક પછી એક સરકારી નોકરીમાં ગોઠવાતા ગયા. આ સમયે કર્ટિસને થયું કે જો દલપતરામ સોસાયટીમાં આવે તો સોસાયટી ઊગરી શકે. એમણે સાદરાથી દલપતરામને બોલાવી વિનંતી કરી કે 'તમારા દેશના કલ્યાણને અર્થે તમારું જીવન અર્પણ કરો.'

એક તરફ સંસારની જવાબદારી અને બીજી તરફ ગુજરાતની પ્રજાની સેવા માટેનો કૉલ. દલપતરામ વિચારતા હતા ત્યારે કર્ટિસે ફોર્બ્સ પર કાગળ લખીને દલપતરામની માગણી કરી. સાદરાની માસિક ૨૫ રૂપિયાની નોકરી અને આગળ વધવાની પૂરી શક્યતાઓ હોવા છતાં એ નોકરી છોડીને દોઢસો રૂપિયાના વાર્ષિક પગારથી દલપતરામ સોસાયટીમાં જોડાયા.

મિત્રના આદેશને દલપતરામે સ્વીકાર્યો. સરકારી અધિકાર જતો કરીને સાહિત્ય સેવામાં લાગી ગયા. ૧૮૫૫થી ૧૮૭૯ સુધી ૨૫ વર્ષ સુધી દલપતરામે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સેવા કરી.

અમદાવાદ શહેરમાં એવી કોઈ પણ સભા નહીં હોય, એવો કોઈ સમારંભ નહીં હોય, એવું કોઈ શુભકાર્ય નહીં હોય, એવી કોઈ અગત્યની હિલચાલ નહીં હોય કે જેની સાથે કવીશ્વર દલપતરામનું નામ જોડાયેલું ન હોય.

એ સમયે વડોદરામાં કેળવણી અને જ્ઞાાનપ્રસારની કોઈ સંસ્થા નહોતી ત્યારે એ શહેરમાં કેળવણી અને પુસ્તકાલયના બીજ રોપવાનું કામ દલપતરામે કર્યું. એમણે મહારાજા ખંડેરાવની મુલાકાત લીધી. સવિશેષ તો એમણે ગુજરાતી ભાષાને થતાં અન્યાયની હિંમતભેર વાત કરી. એમણે કહ્યું,

કોઈ કરે અન્યાય તો, કહિએ જ્યાં શુભ રાય;

પણ કહિયે ક્યાં જઈ, રાય કરે અન્યાય.

છો રાજા ગુજરાતના, લઇ તેનું ધન ધાન;

ભાષા માની મરાઠિને દ્યો છો મોટું માન.

દિલગિર રહે છે ગુર્જરી, સજે નહિ શણગાર;

એનું દુ:ખ  ઉચારવા આવ્યો છું અં વાર.

અને એ સાથે એવી માગણી કરી હતી કે

ગુર્જરીના માલેક છો, માટે ધરી ઉમંગ;

કોશ કરાવી આપીને, કરો શુશોભિત અંગ

રચાવીને આપો રુડું, ધરણી ઉપર ધામ,

પ્રીતે તેનું પાડવું, પુસ્તકશાળા નામ.

અને મહારાજાશ્રીએ કવિશ્વરની વાત માન્ય રાખી. એ સમયે ૧૮૫૮માં નવા અભ્યાસક્રમમાં પ્રજા ઉપયોગી વાચનમાળા રચવા માટે કર્ટિસ પાસે હોપસાહેબે છ મહિના માટે દલપતરામની સેવાની માગણી કરી. એ સમયે અત્યંત નબળી આંખોને કારણે દલપતરામની નામરજી જોઈને હોપે કહ્યું,

'અમારે તમારી આંખની નોકરી જોઇતી નથી. અમારે તમારી જીભની નોકરી જોઇએ છે.' અને હોપે દલપતરામને જોઇએ તેટલા કારકૂનો આપ્યા અને દલપતરામની વાચનમાળાએ ૧૯મી સદીમાં નવા શિક્ષણમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો.

કવીશ્વર દલપતરામે ગદ્ય અને પદ્ય સાહિત્યમાં ગુજરાતને ન્યાલ કરી દીધું અને એની સાથોસાથ દલપતરામ ગુજરાતી કવિતામાં આબાલવૃધ્ધ સહુને એવું ઠાવકું મર્માળુ હાસ્ય રેલાવ્યું. એમણે ફાર્બ્સ વિરહ, હુન્નરખાનની ચડાઈ અને વેન ચરિત્ર જેવાં દીર્ઘ અને રસપ્રદ કાવ્યો આપ્યાં. પ્રકૃતિ કાવ્યો અને ગરબીઓ રચી.'બુદ્ધિપ્રકાશ'ના તંત્રી તરીકે એમની કરેલી સેવા કદી ભૂલાશે નહીં. 'મિથ્યાભિમાની' જેવું નાટક આપ્યું અને અર્વાચીન ગુજરાતના વિધાયક બન્યા.

આજે એમના જન્મની દ્વિશતાબ્દી પ્રસંગે ગુજરાતી ભાષા અને સાહિત્ય મા છે કટોકટી તોળાઈ રહી છે ત્યારે આવા કોઈ ભેખધારીને શોધી રહી છે.

મનઝરૂખો

એમનું આખુ નામ વિન્સ્ટન લૅનાર્ડ સ્પેન્સર ચર્ચિલ. બીજા વિશ્વયુદ્ધની કટોકટીના સમયમાં ચર્ચિલને બ્રિટનનું વડાપ્રધાનપદ સોંપવામાં આવ્યું.

બ્રિટન યુદ્ધની ઘેરી કટોકટીમાં સપડાયેલું હતું. આ સમયે ચર્ચિલે બ્રિટનને વિજયને માટે આપેલો સંકેત 'વી ફૉર વિક્ટરી' ઇંગ્લેન્ડના રાષ્ટ્રીય સ્વાભિમાનનું પ્રતીક બની ગયો.

સર વિન્સ્ટન ચર્ચિલે હિટલરના ભયની સામે લોકોમાં હિંમત જગાડી. એની વાકછટાથી એણે પ્રજામાં સાહસનો સંચાર કર્યો. એ પછી ૧૯૪૫માં ચર્ચિલના રૂઢિચુસ્ત પક્ષની હાર થઈ, પરંતુ ૧૯૫૧ની ચૂંટણીમાં ચર્ચિલ ફરી બ્રિટનના વડાપ્રધાન બન્યા.

૧૯૫૫ની છઠ્ઠી એપ્રિલે ચર્ચિલે સ્વાસ્થ્યને કારણે રાજીનામું આપ્યું અને સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લીધી. એ પછી ચર્ચિલ દસ વર્ષ જીવ્યા.

નિવૃત્તિના આ સમયગાળામાં ચર્ચિલ ધાર્મિક વાચન અને બાગકામ કરતા હતા. એમના મિત્ર સર વિન્સ્ટન ચર્ચિલને મળવા ગયા, ત્યારે તેઓ એક છોડ રોપી રહ્યા હતા. મિત્રએ વિશ્વના વર્તમાન સમયના રાજકીય પ્રવાહો અંગે ચર્ચિલને પ્રશ્નો કર્યા.

એના જવાબમાં ચર્ચિલે કહ્યું, 'દોસ્ત, આ બાગબાની કરવામાં ભારે મજા આવે છે.'

મિત્રએ કહ્યું, 'પણ મારે આપને કંઇક પૂછવું છે.'

સર વિન્સ્ટન ચર્ચિલે કહ્યું, 'મને પૂછવું છે ? બે બાબતમાં તમે નિ:સંકોચ પૂછી શકો છો. એક તો તમે મને બાગકામ વિશે પૂછો અથવા નિયમિત બાઈબલ વાંચું છું તેને વિશે પૂછી શકો છો.'

મિત્રએ કહ્યું, 'ના, મારે તો તમારા જેવા મુત્સદ્દીને રાજકારણ વિશે પૂછવું છે.'

વિન્સ્ટન ચર્ચિલે કહ્યું, 'દોસ્ત, મેં રાજકારણમાંથી નિવૃત્તિ લીધી છે. મારું એ કામ પૂરું થયું. હવે મને રાજનીતિમાં લેશમાત્ર રસ નથી. હવે તો શ્રમ અને પ્રાર્થના એ જ મારું જીવનકાર્ય છે.'

ક્ષણનો સાક્ષાત્કાર

સવારથી રાત સુધી માનવી સતત દેહની દરકાર રાખતો હોય છે. શરીરની નાની નાની જરૂરિયાતો પર પૂરું ધ્યાન આપે છે અને એનાં સૌંદર્ય કે શક્તિની વૃદ્ધિ માટે અનેક ઉપાયો કરે છે. જિંદગીનો કેટલો બધો સમય એ આ શરીર માટે ગાળે છે ! એને એના શરીરનું બંધાણ થઇ ગયું હોય છે અને તેથી વાળ વેરવિખેર થઇ જાય કે પછી કપડાં ટૂંકા કે ચમકદાર ન હોય તો, એ બેચેની અનુભવે છે. શરીરનાં સુખ અને પીડા સાથે એનું આખું સંવેદનતંત્ર જોડાઈ ગયું હોય છે અને તેથી માનવી દેહથી એક ક્ષણ પણ અળગો રહી શક્તો નથી.

જીવનની પ્રત્યેક અવસ્થામાં એ સતત દેહનો વિચાર કરતો હોય છે. યુવાનીમાં દેહના શણગારની પાછળ લાંબો સમય પસાર કરતો હોય છે તો બૂઢાપામાં દેહની જાળવણી માટેની સાવધાનીમાં સતત ડૂબેલો રહે છે. એના જીવનનું સર્વસ્વ એ દેહમાં સમાઈ જતું હોય એમ લાગે છે. દેહના તાલે એનું મન સતત નાચતું રહે છે. દેહને સહેજ કષ્ટ પડે કે તત્ક્ષણ મન વ્યગ્ર બની જાય છે. દેહ-મનની આ દોસ્તી એવી ગાઢ બની જાય છે કે એ બંને એમનું સ્વતંત્ર અસ્તિત્વ ગુમાવી બેસે છે અને પછી બંને એકબીજાને સહારે જીવવા લાગે છે. દેહની માફક મનની અલાયદી માવજત કરવી જોઇએ.

વળી શરીરને આરામ આપે છે એમ એણે મનને આરામ આપવો જોઇએ. અતિશય કામ, અતિવ્યસ્તતા અને માનસિક તનાવ વચ્ચે પણ એણે મનના સ્વાસ્થ્ય માટે થોડીક મિનિટો કાઢવી જોઇએ. કામના ઢગલા વચ્ચે દટાયેલો હોય તો પણ એની વચ્ચે થોડો સમય શાંતિથી બેસીને, આંખો બંધ કરી, પોતે જોયેલાં કોઈ પ્રકૃતિ-દર્શનને માણે તો એના મનમાં નવી તાજગી આવશે. જીવનમાં જોયેલાં ગમતાં પ્રકૃતિદ્રશ્યો વચ્ચેથી એ મનને પસાર કરશે તો એનું મન સદા સ્વસ્થ અને સ્વાસ્થ્યપૂર્ણ રહેશે. એવાં દ્રસ્યો એને આનંદ આપશે અને સતત એક પ્રકારના વિચાર-ઢાંચામાંથી મુક્ત કરશે.

Tags :