Get The App

આર્થિક સ્લોડાઉનમાં મેનેજમેન્ટનું કામ ઘણું મુશ્કેલ થઈ જાય છે

મેનેજમેન્ટ - ધવલ મહેતા

Updated: Dec 14th, 2019

GS TEAM

Google News
Google News
આર્થિક સ્લોડાઉનમાં મેનેજમેન્ટનું કામ ઘણું મુશ્કેલ થઈ જાય છે 1 - image


મંદી-સ્લોડાઉનની કોઈ ચોક્કસ વ્યાખ્યા અર્થશાસ્ત્ર પાસે નથી. સ્લોડાઉન કેટલું અને કેટલો સમય થાય ત્યારે તેને મંદી કહેવાય તે પ્રશ્નનો  ચોક્કસ જવાબ અર્થશાસ્ત્ર પાસે નથી.

ભારતીય રીઝર્વ બેંકના અંદાજ પ્રમાણે ૨૦૧૯-૨૦૨૦નું ફાયનાન્સીયલ વર્ષ જે માર્ચ ૩૧, ૨૦૨૦ના રોજ સમાપ્ત થશે ત્યારે ભારતની જીડીપીનો વૃધ્ધિદર માત્ર ૫ ટકા રહેશે. જીડીપીના આર્થિક વિકાસ દરને વધારવા માટે ચાર પરિબળો જવાબદાર હોય છે. ૧) સરકારથી, લોકોથી અને સંસ્થાઓની ખરીદીમાં એટલે કે માંગ વધારો ૨) મૂડીરોકાણમાં વધારો. આ મૂડીરોકાણમાં વધારો સરકાર, ખાનગી ક્ષેત્ર, સહકારી ક્ષેત્ર વગેરે કરી શકે.

પ્રત્યક્ષ વિદેશી મૂડી રોકાણ પણ તેમાં અગત્યનો ભાગ ભજવે છે ૩) લોકોને અને ઉત્પાદક એકમોને અપાતી ક્રેડીટમાં વધારો. મોટે ભાગે આ ક્રેડીટ મૂડી રોકાણમાં પરિવર્તન પામે છે.  ૪) નિકાસમાં વધારો. નિકાસની બાબતમાં ભારતની નિકાસ લગભગ સ્થગિત થઈ ગઈ છે. ચીન, તૈવાન કે વીએટનામ, સીંગાપોર, મલેશિયા ભારત કદાપી નિકાસ-પ્રેરિત (એક્સપોર્ટ ડ્રીવન) દેશ બની શક્યો નથી .

શ્રમિકોનું શિક્ષણ અગત્યનું : શ્રમિકોની ઉત્પાદકતા પણ વધુ જોઈએ. શ્રમિકો શિક્ષિત હોવા જોઈએ. ભારત શિક્ષણ પાછળ તેની જીડીપીના ૩ ટકા ખર્ચે છે જ્યારે પશ્ચિમ જગતના દેશો તથા પૂર્વ એશિયાના દેશો શિક્ષણ પાછળ જીડીપીના લગભગ ૬ ટકા ખર્ચા કરે છે. આથી ભારતનું અર્થકારણ નિકાસપ્રેરિત બની શક્યં નથી. અર્થશાસ્ત્ર જીડીપીમાં વધારા માટે માંગ અને પૂરવઠો, શ્રમિકોના ઉત્પાદનના અન્ય સાધનોની ઉત્પાદકતા (પ્રોડક્ટીવીટી) તથા મૂડીરોકાણ પર ખાસ ભાર મુકે છે.

અર્થશાસ્ત્રીઓ ઉત્પાદકતા પર સતત નજર રાખવા ઈનપુટ-આઉટપુટ એનાલીસીસ કરે છે જ્યારે મેનેજમેન્ટ સામાન્ય રીતે કોસ્ટ-બેનીફીટ એનાલીસીસ કરીને કોઈ ઉત્પાદન પધ્ધતિને કે કોઈ પ્રોજેક્ટને હાથ ધરવો કે નહીં તે નક્કી કરે છે. અત્યાર સુધી ભારતમાં જે કાંઈ આર્થિક કટોકટી સર્જાતી હતી તે સપ્લાય સાઈડ ડ્રીવન હતી.  ભારતમાં ઘેર ઘેર વીજળી હજી પ્રાપ્ત નથી અને નળ દ્વારા પાણીની પણ સગવડો નથી અને સારી ગુણવત્તાવાળું પ્રાથમિક શિક્ષણ પણ નથી તે સપ્લાય સાઈડની મુશ્કેલી દર્શાવે છે. ભારતની એક ગંભીર મુશ્કેલી એ છે કે તેની પાસે બળતણના તેલનો જથ્થો પૂરતો નથી. આપણી કુલ આયાતમાં બળતણનું તેલ મોટી આઈટમ છે જે આપણું વિદેશી હૂંડિયામણ 'ઓહીયા' કરી જાય છે. 

 મંદીમાં મેનેજમેન્ટ

સૌ પ્રથમ તો એ જાણવું જરૂરી છે કે મેનેજરોને તેજી બહુ ગમે છે અને મંદીને તેઓ ધીક્કારે છે. તેજી દરમિયાન કંપનીનું વેચાણ વર્ષોવર્ષ વધે છે અને તે જાહેરાત પાછળ, સેલ્સ પ્રોમોશન દ્વારા કે પબ્લીસીટી દ્વારા વેચાણ વધારી શકે છે. તેજી દરમિયાન કંપનીનું માર્કેટીંગ ખાતુ 'હીરો' બની જાય છે અને મંદી દરમિયાન અન્ય ખાતાઓ માર્કેટીંગ ખાતાને ખલનાયક ગણે છે. કંપનીનું વેચાણ પહેલાની ગતિએ ના વધે તો તે માટે દોષનો ટોપલો માર્કેટીંગને માથે નાંખવામાં આવે છે.

માર્કેટીંગ ખાતું તેની નિષ્ફળતા માટે તમે અમને ખોટી માહિતી આપી તેમ દોષ દઈને માર્કેટીંગ ઈન્ફર્મેશન સીસ્ટમ પર દોષારોપણ કરે છે તો વળી વિતરણ વ્યવસ્થાને દોષીત ઠરાવે છે. આપણા એજન્ટો આપણા માલને જોઈએ તેટલો 'પુશ' કરતા નથી એવું પોતાના બચાવમાં વારંવાર કહે છે. કેટલીક કંપનીઓ તેમની પ્રોડક્ટને દોષ દે છે. આ દોષારોપણો ખોટા છે કારણ કે જ્યારે સમગ્ર બજારમાં જ મંદી હોય તો કોઈ એક ખાતાને કેવી રીતે દોષ દઈ શકાય.

મંદીનું મેનેજમેન્ટ : મંદીનું મેનેજમેન્ટ કઠિન છે કારણ કે જો તે મંદી લાંબા ગાળાની હોય તો કંપનીએ તેના કામદારોને છૂટા કરવા પડે છે જેથી કંપનીના શ્રમિક સંગઠનો (ટ્રેડ યુનિયન્સ) આક્રમક બને છે.

સૌપ્રથમ ટોપ મેનેજમેન્ટે જુદા જુદા માહિતી સ્રોતો અને અર્થશાસ્ત્રીઓ દ્વારા એ જાણવાની જરૂર છે કે અત્યારનું સ્લોડાઉન કે મંદી ક્યાં સુધી ચાલશે? મંદી અને સ્લોડાઉનની કોઈ ચોક્કસ વ્યાખ્યા અર્થશાસ્ત્ર પાસે નથી. સ્લોડાઉન કેટલું થાય અને કેટલો સમય થાય ત્યારે તેને મંદી કહેવાય તે પ્રશ્નનો કોઈ ચોક્કસ જવાબ અર્થશાસ્ત્ર પાસે નથી. કંપની જો એમ નક્કી કરે કે આ સ્લોડાઉન માત્ર છ મહીના જ ચાલશે તો તે પ્રમાણે પોતાના ટાઈમ ટેબલ્સ ઘડી શકે છે અને વધારાના કર્મચારીઓને કંપનીમાં સમાવી લે છે. લાંબા ગાળાની જો  કટોકટી હોય તો કંપનીએ નીચેના પગલા લેવા પડે છે.

૧) અમુક પ્રોડક્ટ લાઈન બંધ કરવી પડે છે અને તો આ બંધ પડેલી પ્રોડક્ટ લાઈનના કર્મચારીને કંપનીના અન્ય ખાતાઓમાં સમાવવા પડે છે.

૨) કોઈ દૂરને ઠેકાણે ચાલતી અને સારી કામગીરી નહીં બજાવતી ફેક્ટરીને બંધ કરવી પડે છે કે ખર્ચાળ ફેક્ટરીને હીમાચલ પ્રદેશ જેવા પ્રદેશમાં લઈ જવી પડે છે.

૩) કંપનીની પ્રોડક્ટસની માગ બહુ ઘટી હોય તો તેણે અન્ય કંપનીઓ જોડે મર્જર કરવું પડે છે.

૪) કંપનીએ પોતાની પ્રોડક્ટલાઈન જ બદલી નાખવી પડે છે. દા.ત. કારની કંપની માત્ર ટ્રક કે ટ્રેક્ટર જ બનાવવા પર પોતાનું ધ્યાન કેન્દ્રીત કરે અને કારનું ઉત્પાદન બંધ કરી દે.

૫) પોતાનું ખર્ચ ઘટાડવા કંપનીએ સપ્લાય ચેઈન મેનેજમેન્ટ (જેના કેન્દ્રમાં આઉટ સોર્સીંગ છે)ની ફરીથી ગોઠવણી કરવી પડે છે.

૬) કંપની હાઈ ક્વૉલિટી-હાઈપ્રાઈસના સમૃધ્ધ લોકોના સેગમેંટ માટે ઉત્પાદન કરતી હોય તો કંપની જુદી બ્રાંડ હેઠળ લો કોસ્ટ-લો પ્રાઈઝની બ્રાંડ બહાર પાડી શકે છે. જો કે આ પગલુ બહુ જોખમી છે.

૭) કંપની અન્ય કંપનીઓ સાથે ભેગી થઈ નવી પ્રોડક્ટની શોધ કરી શકે છે. ડીસેમ્બર ૧, ૨૦૧૯ના સમાચાર છે કે નીસાન મોટર, ફ્રાંસની રીનોલ્ટ અને જાપાનની મીત્સુબીસી કંપનીએ આરએન્ડડીનું નવું સાહસિક એકમ તૈયાર કર્યું છે. ત્રણેય કંપનીઓનું આ સંયુક્ત સાહસ છે જે એકદમ અદ્યતન આરએન્ડડી સેંટરની સ્થાપના કરશે. આ કંપની સ્ટેટમાં ધ આર્ટ ઓટોમેટીવ ક્ષેત્રમાં નવી પ્રોડક્ટ કે નવા પ્રોસેસની શોધ કરશે અને મંદીનો સામનો કરશે.

૮) કંપનીનું લાંબા ગાળાનું ભવિષ્ય ખરાબ હોય તો તેને વેચી દેવી સલાહભર્યું છે.

દા.ત. એર ઈન્ડીયાને વેચી દેવી એ ઉત્તમ પગલું છે પણ એને કોણ વેચાતી લે?

Tags :