Get The App

જીવ-ચેતના એની ભીતરથી જેવી ઈચ્છા કરે એવું શરીર ધારણ કરે છે!

અગોચર વિશ્વ - દેવેશ મહેતા

Updated: Dec 14th, 2019

GS TEAM

Google News
Google News
જીવ-ચેતના એની ભીતરથી જેવી ઈચ્છા કરે એવું શરીર ધારણ કરે છે! 1 - image


આઈસોટોપ ટ્રેસર્સના વિષયે થયેલ અર્વાચીન સંશોધનોના આધારે અર્વાચીન શરીરવિજ્ઞાાનીઓ પણ કહે છે કે શરીરની કોષિકાઓ અને પરમાણુઓ પર મનની શક્તિનું અસાધારણ નિયંત્રણ છે

જીવાત્મા શું છે એ જાણવાનો અધ્યાત્મ અને વિજ્ઞાાન બન્નેએ પ્રયત્ન કર્યો છે. થોડા વર્ષો પૂર્વે વિજ્ઞાાનીઓ કહેતા હતા કે જડ તત્ત્વોના અમુક રસાયણોના એક વિશિષ્ટ સાંયોગિક સંમિશ્રણનું નામ જ 'જીવ' છે. રાસાયણિક જોડાણો એને જન્મ આપે છે, એની શુદ્ધિ કરે છે અને એનો નાશ કરે છે. અણુ અમર હોઈ શકે છે પણ શરીર અને એની વિશેષ સ્થિતિ ચેતના પણ મરણધર્મી છે.

સ્વીડનના ગોથેનબર્ગના લબ્ધ પ્રતિષ્ઠિત ખગોળવિજ્ઞાાની ગુસ્તાફ સ્ટ્રોમબર્ગ (૧૮૮૨/૧૯૬૨) જીવાત્મા અને જીવન વિશે લાંબા સમય સુધી સંશોધનરત રહ્યા. શું મનુષ્ય બ્રહ્માંડની થોડી ધૂળ (Cosmic dust)ના તાપ અને રાસાયણિક ઘટકોની ઊંધી-સીધી, વધારે-ઓછી ક્રિયા-પ્રતિક્રિયા માત્ર છે? શું તે કુદરતની કોઈ અનિચ્છિત ક્રિયાના અવશેષ ઉરિછષ્ટથી બનેલું એનું જીવતું-જાગતું રમકડું છે? શું માનવ જીવન વાસ્તવમાં લક્ષ્યહીન, અર્થહીન, અસંગત, મેળ વગરનો રાગ માત્ર છે? શું એની સત્તા આણ્વિક અને રાસાયણિક હલચલના બનવા-બગડવાના સંયોગોની પરિધિ સુધી મર્યાદિત છે કે પછી એની આગળ અને વધારે કંઈ છે? આ બધા પ્રશ્નોના યથાર્થ ઉત્તર પ્રાપ્ત કરવા ગુસ્તાફ સ્ટ્રોમબર્ગે સંશોધન કર્યા. 'ધ સોલ ઓફ ધ યુનિવર્સ', 'ધ સર્ચિઝ (Serches) મેન, માઈન્ડ એન્ડ ધ યુનિવર્સ'એ પુસ્તકોમાં એમણે આ સંશોધનો રજૂ કર્યા છે. આ સંશોધનો કરતી વખતે તેમણે તત્કાલીન વિજ્ઞાાનનું દાર્શનિક (તાત્ત્વિક) વિવેચન કરનારા વિજ્ઞાાનીઓ અને તત્ત્વજ્ઞાાનીઓ સાથે પણ ચર્ચા-વિચારણા કરી.

આ બાબતે ઊંડી જાણકારી મેળવવા તેમણે આર્થર એડિંગ્ટન, સર જેમ્સ જીન્સ, થોમસ હન્ટ મોર્ગન જેવા મનિષીઓનો સંપર્ક સાધ્યો હતો. ગુસ્તાફ સ્ટ્રોમબર્ગ (Gustaf stromberg)ના ધ સોલ ઑફ ધ યુનિવર્સ (The soul of Universe)પુસ્તકની ભૂમિકા મહાન ભૌતિક વિજ્ઞાાની આલ્બર્ટ આઈનસ્ટાઈને લખી હતી. એમાં તેમણે લખ્યું હતું કે આ તાત્વિક વૈજ્ઞાાનિક જિજ્ઞાાસા એ તત્કાલીન યુગના ચિંતકો સામે એક મોટા પડકાર સમાન છે. આપણે કોઈપણ પૂર્વગ્રહોથી પ્રભાવિત થયા વગર સંભાવિત સત્યના આધાર પર જ આ પ્રશ્નો પર વિચાર કરવો જોઈએ.'

ન્યૂરોલોજી અને સાઈકોલોજીના વિદ્વાનો પૂર્વે માનતા હતા કે મસ્તિષ્કીય કોષો જ પોતે પોતાનામાં પૂર્ણ છે. પછી પણ એ કોષોની ક્ષમતા એ જ રૂપમાં કે બીજા રૂપમાં ટકી રહેવી જોઈએ પણ એવું થતું નથી. એનાથી એ સ્પષ્ટ થાય છે કે એ કોષોમાં મન તત્ત્વ ભરેલું હોય છે. જીવિત અવસ્થામાં તે આ કોષો સાથે અત્યંત સઘનતાપૂર્વક એમાં ઓતપ્રોત-ભળેલું રહે છે. જ્યારે એ બન્ને છૂટા પડે છે ત્યારે મૃત્યુની સ્થિતિમાં મસ્તિષ્કના ચમત્કારિક કોષ મૃત-સડેલી શ્લેષ્મા માત્ર બની રહે છે.

મનોવિજ્ઞાાનના માંધાતા સમા, ફ્રોઈડના અનુગામી અને તેના સિદ્ધાંતોમાં સુધારો કરનાર કાર્લ ગુસ્તાવ જુંગ કહે છે કે મનુષ્યના ચેતન અને અચેતન વચ્ચેની ભેદરેખા બહુ પાતળી થઈ ગઈ છે. જો બન્ને વચ્ચે સામંજસ્ય સ્થાપિત કરવામાં આવે તો પ્રતીત થાય કે વ્યક્તિની પરિધિ એક નાના અમથા શરીર સુધી મર્યાદિત નથી પણ અત્યંત વિસ્તૃત અને વ્યાપક ક્ષેત્ર સુધી છે.

આપણે હવાના વિસ્તૃત આયામમાં શ્વાસ લઈએ અને છોડીએ છીએ એ જ રીતે વિશ્વ વ્યાપી ચેતન અને અચેતનની સંયુક્ત સત્તાના સમુદ્રમાં આપણે આપણું વૈયક્તિક જીવન પાણીના પરપોટાની જેમ થોડી સમય અવધિ માટે પ્રગટ કરી પાછું અપ્રગટ કરી દઈએ છીએ. જેવી આપણી ઈચ્છાઓ અને રૂચિઓ હોય છે એ રીતે વિશ્વવ્યાપી ચેતનાની ધારાઓ પણ કોઈ ઉદેશ્ય પૂર્ણ કરવા માટે પ્રવાહિત, ક્રિયાન્વિત થતી હોય છે.

આઈસોટોપ ટ્રેસર્સના વિષયે થયેલ અર્વાચીન સંશોધનોના આધારે અર્વાચીન શરીરવિજ્ઞાાનીઓ પણ કહે છે કે શરીરની કોષિકાઓ અને પરમાણુઓ પર મનની શક્તિનું અસાધારણ નિયંત્રણ છે. ચેતન અને અચેતનના રૂપમાં જે બે ધારાઓ નિત્ય પ્રવાહિત થાય છે તે બન્ને મળીને મનઃશક્તિનું નિર્માણ કરે છે. આ મનની ચેતના સહજ મરણ પામતી નથી પણ એક તરફ વંશાનુક્રમ વિધિ અનુસાર ગતિશીલ રહે છે તો બીજી તરફ મરણોત્તર જીવન સાથે થનારા પરિવર્તનોના રૂપે એનું અસ્તિત્વ અગ્રગામી (આગળ જનારું) થાય છે.

મનની ચેતનાનું પૂર્ણ મરણ પહેલાના સમયે સંભવ માનવામાં આવતું હતું પણ અત્યારે વિજ્ઞાાનીઓ એ નિષ્કર્ષ પર પહોંચ્યા છે કે ચેતના અમર છે અને એનો પૂર્ણ નાશ સંભવ નથી. ચેતના તો શું, પદાર્થના પરમાણુઓનો પણ પૂર્ણ વિનાશ થતો નથી. કેવળ એની સ્થિતિનું રૂપાંતરણ થાય છે. મનુષ્યમાં પોતાની એવી ચેતનાનું અસ્તિત્વ મોજુદ છે જેને આપણે 'આત્મા' કહી શકીએ. આ આત્મા 'પરમ-આત્મા' કે 'વિશ્વ-આત્મા' સાથે સંપૂર્ણપણે જોડાયેલો છે. આ આત્માને એ પરમ-આત્મામાંથી જીવન અને પોષણ મળે છે. એ પરમ-આત્મા, વિશ્વાત્મા અમર છે એટલે એનું નાનું સ્વરૂપ એવો આત્મા પણ અમર જ હોય ને?

માનવીની મૂળ સત્તા ન તો એનું શરીર છે કે ન તો એની ઈચ્છાઓ છે. પરંતુ એમનો મૂળ આધાર એવો આત્મા જ એનું મૂળ સ્વરૂપ છે. આત્માની બધી વિશેષતાઓ સમાનરૂપે બધા પ્રાણીઓમાં વિદ્યમાન રહે છે અને તે પોતાના મૂળ સ્વરૂપે રહીને જ વિભિન્ન શરીર ધારણ કરે છે. સંસ્કૃતમાં આત્મા શબ્દ 'આત્મન્' પરથી બન્યો છે. તે નપુસકલિંગ છે. આત્મા લિંગાતીત છે.

નથી તે પુરૂષ કે નથી તે સ્ત્રી. જીવ ચેતના એની ભીતરથી જેવી ઈચ્છા કરે એવું એ પુરુષ કે સ્ત્રીનું શરીર ધારણ કરવાની શારીરિક સ્થિતિ સર્જે છે. ચેતનાની ઉત્કટ આંતરિક ઈચ્છા અનુસાર લિંગ નિર્ધારણ થાય છે. વ્યક્તિત્વમાં જે પ્રવૃત્તિઓ પ્રધાન (મુખ્ય) થઈ જાય છે, જીવાત્મા તે લિંગનું શરીર ધારણ કરે છે. નારી પ્રવૃત્તિની પ્રધાનતાથી પુરુષ બીજા જન્મમાં સ્ત્રી બની જાય એવી સંભાવના વધારે રહે છે, એ રીતે નર પ્રવૃત્તિની પ્રધાનતાથી સ્ત્રી બીજા જન્મમાં પુરુષ બની જાય એવું બની શકે છે.

બ્રાઝીલની ઈડા લોરેન્સ નામની મહિલાને ૧૨ સંતાનો હતા. તેની પ્રજનન ક્ષમતા પણ નહીંવત થઈ ગઈ હતી તેમ છતાં તેની મૃત પુત્રી ઈમીલિયાએ એક 'પ્રેતાત્મા-બેઠક'માં પ્રકટ થઈ તેની માતાને કહ્યું - 'મેં છોકરીના રૂપે જન્મ લીધો હતો તેથી ભારે ઉપેક્ષા થવાથી મને અસંતોષ અને દુઃખ હતું. વીસ વર્ષની વયે મેં આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું એનું એ જ કારણ હતું.

પણ હવે હું તારા ગર્ભથી ફરી છોકરા રૂપે જન્મ લેવાની છું.'' વાસ્તવમાં તેવું જ થયું. ઈડા લોરેન્સને તેરમુ સંતાન થયું અને તે છોકરો જ હતો. એનું નામ પોલો પાડવામાં આવ્યું. પોલોનો સ્વભાવ અને વ્યક્તિત્વની અનેક લાક્ષણિકતાઓ ઈમીલિયા જેવી જ હતી! આમ, જીવાત્મા એક શરીર છોડે પછી એની ચેતનાની ઈચ્છા અનુસાર જુદા જુદા શરીર ધારણ કરે છે.

Tags :