Get The App

પતિ 'અનસૂયા' જેવી પત્નીની આશા રાખે છે પણ પોતે 'અત્રિ' ઋષિ બનતો નથી

કેમ છે, દોસ્ત - ડૉ.ચન્દ્રકાન્ત મહેતા

Updated: Dec 14th, 2019

GS TEAM

Google News
Google News


''કોણ પારકું અને કોણ પોતાનું ! બુદ્ધિ 'પોતીકાં' અને 'પારકાં'નો ભેદ કરે છે, પણ હૃદયને તો લાગણીની ભાષા વાંચતા જ આવડે છે.  

'હું કહું છું, હવે છાપું વાંચવાનું બંધ કરો અને ચા પીલો'' રામપ્રસાદનું મૌન.

''અને આ નાસ્તો પણ ઠંડો થઈ રહ્યો છે.''

''તમારી જાતજાતની કુટેવોથી હું કંટાળી ગઈ છું.. વહેલી સવારે મોટેમોટેથી ગીતાના શ્લોકોનું રટણ, બપોર સુધી આધ્યાત્મિક પુસ્તકોનું વાંચન.'' તમે ધાર્યું છે શું ? મેં માન્યું હતું કે તમે નોકરીમાંથી ફારેગ થશો, એટલે હરવા-ફરવાના મેં દબાવી રાખેલા અભરખા પૂરા થશે, પણ તમારું દિમાગ કેવી રીતે કામ કરે છે, એ જ સમજાતું નથી.

શ્રીમતી વેદજ્ઞાાએ સહેજ છણકા સાથે કહ્યું,

અને રામપ્રસાદનો ક્રોધ ભભૂકી ઉઠયો : ''તારું ચપચપ બોલવાનું બંધ કર. હું વટનો કટકો થઈને આખી જિંદગી જીવ્યો છું...નોકરી દરમ્યાન પણ મારા મિજાજની શાન સાચવી કામ કરતો રહ્યો છું. ઝુકવાનું, નમવાનું અને સમાધાન કરવાનું મારા સ્વભાવમાં નથી ! અત્યાર સુધી ઘરમાં તારું રાજ્ય ચાલ્યું, હવે મારું શાસન શરૂ થશે.

તું પત્ની ખરી, પણ મારા મનની માલિકણ નહીં. તું સેવા કરે એટલે મારા પર શાસન ચલાવવાનો તને લેશમાત્ર અધિકાર નથી. લઈ જા તારી ચા અને નાસ્તો પાછો લઈ જા તારો નાસ્તો. મારે જ્યારે જે જોઈતું હશે, તે મંગાવીશ''- કહી રામપ્રસાદે છાપું વાંચવાનું ચાલુ રાખ્યું...

વેદજ્ઞાાને ખૂબ જ દુ:ખ થયું.. બંગલામાં એક રૂમ તેનો અલાયદો હતો. ડ્રેસિંગ રૂમ પણ ખરો અને 'કોપરૂમ' પણ ખરો. વેદજ્ઞાા એ રૂમમાં બળાપો પણ કાઢતી અને ધૂ્રસકે-ધૂ્રસકે રડતી પણ ખરી. ક્રોધમાંથી જન્મેલું એકાદ આકરુ વાક્ય દીવાલ પર લખી પણ નાખતી. રામપ્રસાદથી રિસાઈને એ 'કોપ રૂમ'માં ચાલી ગઈ !

એણે મન મૂકીને મોટેમોટેથી રડી લીધું...એને આશા હતી કે એના રુદનથી રામપ્રસાદ નામનો 'ગ્લેશિયર' પીગળશે અને મનાવી લેશે. પણ રામપ્રસાદ ડોકાયા પણ નહીં...

વેદજ્ઞાાએ પોતાને રામપ્રસાદ જેવા જિદ્દી, ક્રોધી, ઘમંડી અને આત્મકેન્દ્રી માણસ જોડે પોતાને પરણાવવા પિતા વિમલકાન્તને ભાંડવાનું શરૂ કર્યું....

'દરેક મા-બાપને દીકરીનો ભાર ઉતારવાની ઉતાવળ હોય છે એ ઉતાવળમાં ક્યારેક તેઓ થાપ પણ ખાઈ જાય છે. દીકરીને જોવા આવેલા મૂરતીઆઓ શરાફતની ચાદર ઓઢીને આવતા હોય છે, એ પ્રથમ નજરે તેઓ કન્યાનાં મા-બાપને ઉત્તમ જણાતા હોય છે, પણ માંહ્યલા ગુણ મહાદેવજી જાણે. રામપ્રસાદ પોતાને જોવા માટે આવ્યા ત્યારે પણ એમના વર્તનમાં નમ્રતા નહોતી.

મારા પપ્પા વિમલકાન્તે અમારી મુલાકાત પછી તેમને જણાવ્યું હતું કે હું મારો નિર્ણય પછી જણાવીશ, ત્યારે તેઓ ઉશ્કેરાઈ ગયા હતા. એમણે કહ્યું હતું : ''લગ્ન એ કાંઈ શેરબજાર નથી, જેમાં રોકાણ માટે ભાવ વધવા ઘટવાની રાહ જોવી પડે ! પ્રશ્નનને લટકતો રાખવો એ પણ વ્યક્તિને પજવવાની રીત છે, જે મને લેશમાત્ર પસંદ નથી ! 'હા' કે 'ના' નો ફેંસલો તાત્કાલિક જ થવો જોઈએ.''

''અને મારા ગરજાળુ પિતા રામપ્રસાદના અહંકાર સામે ઝુકી ગયા હતા. પિતાજીને બદલે હું રામપ્રસાદને કશું કહેવા ઇચ્છતી હતી, પણ પિતાજીએ ઈશારો કરી મને મૌન ધારણ કરવાનો સંદેશો આપ્યો'' મને જો બોલવા દીધી હોત તો હું કહેત કે દરેક પતિ જાણે-અજાણે પણ દુર્વાસાપણાને પોતાનો અધિકાર માને છે.

આપણે ઋષિઓના તપનાં વખાણ કરીએ છીએ, પણ એમના એકતરફી ક્રોધને કેમ વખોડતાં નથી. પોતાનું ધાર્યું કે ગમતું ન થાય એટલે સામેની વ્યક્તિને અહિતકારક શાપ આપવો એ નૈતિક દ્રષ્ટિએ કેટલા અંશે યોગ્ય ? અભિશાપ નામનું શસ્ત્ર વાપરવા માટેનો પરવાનો જે શક્તિ તરફથી મળતો હોય તે તપસ્વી તેનો દુરુપયોગ ન કરે, એ માટેનું નિમંત્રણ રાખવું જ જોઈએ. પતિ પત્ની પાસે 'અનસૂયા' જેવી પત્નીની આશા રાખે છે પણ પોતે 'દુર્વાસા' બનવું છે, અત્રિ ઋષિ નહીં.

...પણ મને બોલવાનો મોકો ન મળ્યો અને રામપ્રસાદને રિઝવીને મારા પિતાજીએ વિદાય કર્યાં.

લગ્ન પછી ઘરમાં પણ મારા પતિનાં નિયંત્રણો ચાલુ જ રહ્યાં. ઘરની બધી જવાબદારી મારી, પણ નાણા કોથળી 'પતિ' પાસે. પૈસા ગણીને આપે. દર મહિને મારે લેખિત હિસાબ આપવો પડે. ઉત્સવની ઉજવણી કે વ્રત રાખવાનો પણ મને અધિકાર નહીં. રામપ્રસાદના 'વીટો' પાવરને વશ થઈ પપ્પાએ મને ગ્રેજ્યુએટ થવાનો અભ્યાસ પણ પડતો મુકાવ્યો હતો. લગ્ન પછી રામપ્રસાદ મને 'કઠપૂતળી' બનાવવા માગતા હતા. ''વેદજ્ઞાાએ સ્વગત ઉભરો ઠારવ્યો હતો.''

દાંપત્યનાં દસ વર્ષ વીત્યાં, પણ નહોતા વેદજ્ઞાાના વર્તનથી સંતુષ્ટ રામપ્રસાદ કે રામપ્રસાદની જોહૂકમીથી નહોતી ખુશ વેદજ્ઞાા.

એમાંય દસ વર્ષ સુધી વેદજ્ઞાાનો ખોળો ખાલી રહ્યાની ઘટનાએ બળતામાં ઘી હોમ્યું. રામપ્રસાદ વેદજ્ઞાાને તેના અમાતૃત્વ માટે ટોણા મારતા અને વેદજ્ઞાા જેવી અપશુકનિયાળ કન્યાને પોતાને પધરાવી દેનાર સસરા વિમલકાન્તને પણ ભાંડવામાં કશું બાકી નહોતા રાખતા.

રોજરોજના ઝઘડાથી કંટાળી વેદજ્ઞાાએ પિયર જવાનું વિચાર્યું. માતા-પિતાને ફોન પણ કર્યો, પણ તેમણે વેદજ્ઞાાને 'નારીધર્મ'ના આદર્શોનો જ ઉપદેશ આપ્યો. રિસાઈને આવવા માટે પોતાના ઘરના દરવાજા બંધ છે, મન વિસારો કરવા માટે આવવું હોય તો આવી શકે છે.

ઉમ્મર વધવાની સાથે રામપ્રસાદનું મનોવલણ પણ ઉદાર બનવાને બદલે અક્કડ અને જક્કી બની રહ્યું હતું. બીજી તરફ વેદજ્ઞાાએ પણ પતિની શરણાગતિ સ્વીકારી સહિષ્ણુ બનવાની વાતને કોરાણે મૂકી પોતાના અધિકાર માટે આક્રમકતા ધારણ કરવાનો સંકલ્પ કર્યો હતો.

એક રાત્રે ભોજન વખતે ભયાનક ઝઘડો થયો. પોતે ડાયાબિટીસના દર્દી હોવા છતાં ગળી વાનગીઓ બનાવવા બદલ રામપ્રસાદે વેદજ્ઞાાને ઠપકો આપ્યો. વેદજ્ઞાાએ પણ ઇંટનો જવાબ પથ્થરથી આપવા માંડયા. રામપ્રસાદ ઉશ્કેરાઈ ગયા અને એમણે વેદજ્ઞાા પર થાળીનો છૂટ્ટો ઘા કર્યો. વેદજ્ઞાાના કપાળમાંથી લોહી વહેવા માંડયું, છતાં તેની સારવારની ચિંતા કર્યા વગર ઘર છોડીને ચાલી નીકળ્યા.

અને વેદજ્ઞાા અને રામપ્રસાદના અભિશપ્ત દાંપત્યમાં એક વણકલ્પ્યો નવો વળાંક આવ્યો.

વેદજ્ઞાાએ પોતાના દિયર ભગવતી પ્રસાદને ફોન કરી તેમના મોટાભાઈ રામપ્રસાદના ઉધ્ધત વર્તન અને ગૃહત્યાગની વાત કરી. ભગવતીપ્રસાદે શાન્તિ જાળવવાની સલાહ આપી સમય પસાર થવા દેવાનું યોગ્ય માન્યું. વેદજ્ઞાાની એકલતા દૂર કરવા એમણે પોતાના પુત્ર ઇષ્ટાર્થને વેદજ્ઞાાને ઘેર રહેવા મોકલી આપ્યો. તેના આગમનથી વેદજ્ઞાાને થોડી કળ વળી, પણ અંદરનો આઘાત શમતો નહોતો.

રામપ્રસાદ ઘર છોડી પોતાના એક મિત્ર વિશ્વનાથને ઘેર પહોંચી ગયા. વિશ્વનાથ સ્વભાવે ખૂબ જ લાગણીશીલ, પ્રેમાળ અને વ્યવહારકુશળ હતો. તેને એ વાત સમજાઈ ગઈ હતી કે રામપ્રસાદ વેદજ્ઞાાભાભીથી રિસાઈને ઘર છોડી આશરો શોધતો પોતાને ઘેર આવ્યો છે. એણે ઘરનાં સભ્યોને પણ જણાવી દીધું કે રામપ્રસાદ અંકલને પૂરા માન-પાન સાથેના મહેમાન ગણવા અને તેઓ ક્યારે પાછા ફરવાના છે,એ અંગે હરફ સુદ્ધાં ઉચ્ચારવો નહીં.

વિશ્વનાથે રામપ્રસાદના જખ્મી હૃદય પર મલમ લગાવવાનું વિચાર્યું. તે દરરોજ રામપ્રસાદને બગીચામાં ફરવા લઈ જતો. નજીકનાં ને દૂરનાં દેવાલયોમાં દર્શન માટે જવાનું આયોજન કરતો. પરિણામે રામપ્રસાદનું મન ધીરે-ધીરે શાન્ત થઈ રહ્યું હતું.

રામપ્રસાદે વિશ્વનાથના ઘરને પોતાનું માની વિશ્વનાથની પત્ની નીતિને ઘરનાં કામોમાં મદદરૂપ થવાનું નક્કી કર્યું. બાળકોને શાળાએ મૂકવા-લેવા જવાનું, બજારમાંથી ચીજવસ્તુઓ ખરીદી લાવવાનું, શાકભાજી સમારી આપવાનું અને નીતિના પૌત્રો સાથે રમવાનું સ્વીકારી લીધું. બાળકો માટે તે ચોકલેટ તથા તેમને ગમે તેવી ભેટ પણ લાવતા. રામપ્રસાદ દાદાના પ્રેમને કારણે બાળકો ખૂબ જ ખુશ હતાં...ક્યારેક તો તેઓ મધરાત સુધી રામપ્રસાદ દાદા પાસે મનગમતી વાતો સાંભળતા.

રામપ્રસાદ બાળકોને ભણાવતા પણ હતા. ગૃહકાર્ય કરવામાં મદદ કરતા એટલે વિશ્વનાથે ટયૂશન શિક્ષકને રજા આપી દીધી હતી.

રામપ્રસાદ સ્વમાની હતા. તેઓ મિત્ર વિશ્વનાથને માથે પડવા માગતા નહોતા. એટલે એમણે પાર્ટટાઈમ નોકરી કરવાનું શરૂ કર્યું અને તેની આવક તેમણે નીતિભાભીના હાથમાં મૂકવાનું શરૂ કર્યું....પણ આ વાત તેમણે વિશ્વનાથથી છૂપી રાખી. રામપ્રસાદ સ્વમાની હતા, અને કોઇનોય અહેસાન લેવા માગતા નહોતા.

અક્કડ રામપ્રસાદે પોતાનો સ્વભાવ બદલી નાખી વિશ્વનાથના કુટુંબ સાથે ભળી જવાનો નિર્ણય કર્યો. એમની ઉદારતા અને સેવાભાવનાને કારણે ઘરનાં સહુ તેમની ઉપર ઓળઘોળ હતાં.

રામપ્રસાદે વિચાર્યું કે પોતે સ્વતંત્ર રહેવાને બદલે વિશ્વનાથના ઘરની મોહમાયામાં ખેંચાઈ રહ્યાં છે. તેમના મનમાં પેલી કહેવત ઘૂમી રહી હતી. ''પહલે દહાડે પરોણા, બીજે દહાડે પઈ, ત્રીજે દહાડે રહે તેની અક્કલ ગઈ.'' પોતે ત્રણ દહાડા નહીં પણ ત્રણસો તોંતેર દિવસ રહ્યા હતા. કોઈક કારણસર વિશ્વનાથના ઘરનાં સભ્યોને અસંતોષ થાય અને તેમનું ઘર છોડવું પડે, એના કરતાં સ્વમાનભેર નીકળી જવું વધુ સારું, એમ વિચારી કોઇનેય કહ્યા વગર તેમણે એક વૃદ્ધાશ્રમમાં આશરો લીધો.

વિશ્વનાથ અને તેમના પરિવારના સભ્યોને આ વાતની ખબર પડતાં આખું કુટુમ્બ રામપ્રસાદ દાદાને મનાવવા માટે વૃદ્ધાશ્રમ પહોંચી ગયું. નીતિદેવી અને વિશ્વનાથે પોતાનાથી કોઈ ભૂલચૂક થઈ હોય અને રામપ્રસાદનું મન દુભાયું હોય તો માફી માગી. વૃદ્ધાશ્રમવાસીઓ માટે આ એક નવી જ ઘટના હતી કે પરિવારના સભ્યોને બદલે મિત્રનું કુટુમ્બ કુટુંબના વડાના મિત્રને વૃદ્ધાશ્રમમાંથી ઘેર તેડી જવા આવ્યું હોય ! ''કોણ પારકું અને કોણ પોતાનું ! બુદ્ધિ પોતીકાં અને પારકાંનો ભેદ કરે છે, પણ હૃદયને તો લાગણીની ભાષા વાંચતાં જ આવડે છે ! બુદ્ધિને બનાવટ કરતાં આવડે છે, પરંતુ હૃદય તો બિનશરતી સમર્પણ જ કરે છે-'' વૃદ્ધાશ્રમના બ્લેકબોર્ડ પર લખાયેલા શબ્દો વાંચી રામપ્રસાદ ગદ્ગદ્ થઈ ગયા. એમણે વિશ્વનાથના કુટુંબને વચન આપ્યું કે છ મહિના સુધી વૃદ્ધાશ્રમમાં રહ્યા બાદ પોતે વિશ્વનાથના કુટુંબ સાથે રહેવા માટે વૃદ્ધાશ્રમ છોડી દેશે ! વૃદ્ધાશ્રમવાસીઓ સાથે પણ રામપ્રસાદ હળી મળી ગયા. બીમાર વૃદ્ધોને તેઓ જાતે દવા આપતા. દૂધ અને ફળોની વ્યવસ્થા કરી આપતા. કમજોર અને ગરીબ વૃદ્ધોને પોતાના મોબાઈલ ફોન દ્વારા વાતો કરાવતા.

દિલ તૂટે ત્યારે બે પરિસ્થિતિઓ સર્જાતી હોય છે. કાં તો નફરત અથવા નફરતને ભૂલવા પ્રેમ અને સેવા કાર્યો પ્રત્યે સમર્પણ.

એક દિવસ એક વૃદ્ધાએ પૂછ્યું, ''રામપ્રસાદભાઈ, તમારા મિત્ર વિશ્વનાથનું કુટુંબ તમને તેમના ઘેર લઈ જવા આવ્યું, તો શું તમે કુંવારા છો ? તમારે પોતાનું ઘર નથી ? શું પત્નીથી દુભાઈને તમે ઘર તો છોડયું નથી ને ? જો તમે પરણેલા હો તો તમારી પત્ની એકલતામાં ઝુરતી હશે, એ વાતની તમે કલ્પના કરી શકો છો ?''

'બસ, બસ, બસ. તમે મારા અંગત જીવનમાં રસ ન લો એ જ બહેતર છે ! આવા બધા પ્રશ્નોનો તમને ઉત્તર આપીને મને શો ફાયદો. વૃદ્ધોએ નકામી બાબતોમાં ખણખોતર કરવાનો સ્વભાવ છોડવો જોઈએ.' કહી રામપ્રસાદ પોતાના રૂમમાં ચાલ્યા ગયા.

પણ પેલી વૃદ્ધાના પ્રશ્નએ તેમને હચમચાવી મૂક્યા. તેમનો અંતરાત્મા તેમને પૂછી રહ્યો હતો : ''રામપ્રસાદ, જિંદગીએ તને નથી છેતર્યો, જિંદગીથી તું છેતરાયો છે. ગૃહત્યાગ કરી તું સહુ સાથે સુમેળ સાધી જીવન જીવી રહ્યો છે, પણ તારી જીવનસંગિની સાથે જ સુમેળ સાધવામાં તને તારો અહંકાર નડયો ? વાણી, વર્તન, સ્વભાવ અને જીવનશૈલીમાં જરૂરી પરિવર્તન કરી દાંપત્યને નિરાપદ બનાવવું એ લગ્ન પછીની અષ્ટપદી છે. તને તારું સ્વમાન વહાલું છે, તેમ તારી પત્ની વેદજ્ઞાાને પણ પોતાનું સ્વમાન વહાલું હોય તે વાત તારે સ્વીકારવી જોઈતી હતી. અહંકારી પતિ કે પત્નીએ લગ્નજીવનના બંધનથી અલિપ્ત જ રહેવું જોઈએ. તારા અપરાધ બદલ તું મનોમન પશ્ચાતાપ કર.''

રામપ્રસાદને તે રાત્રે ઊંઘ ન આવી. આખી રાત એ એક જ વાત બડબડતો રહ્યો : 'રામપ્રસાદ, તું વેદજ્ઞાાનો અપરાધી છે. તેને નિરાધાર છોડી તારા અહંકારને હેમખેમ રાખવાનો તારો પ્રયત્ન પાપ છે. તું ગમે તેટલી સેવા કરે કે દેવદર્શન કરે, પણ પત્નીના નિસાસા તારાં સઘળાં પુણ્યોને ભસ્મીભૂત કરી નાખશે.'

બીજે દિવસથી રામપ્રસાદ સૂન-મૂન રહેવા માંડયો. હવે તેને વૃદ્ધાશ્રમમાં રહેવું ગમતું નહોતું. મિત્ર વિશ્વનાથને ઘેર જવાનો ઉત્સાહ પણ ઓસરી ગયો હતો.

એક દિવસ વેદજ્ઞાાને ઘેરથી તેના ભત્રીજા ઇષ્ટાર્થનો વિશ્વનાથ પર ફોન આવ્યો. એણે કહ્યું : ''મોટી બા વેદજ્ઞાાદેવી માનસિક સંતુલન ખોઈ બેઠાં છે. પતિ રામપ્રસાદનું નામ જ રટયા કરે છે. ડૉક્ટરનું માનવું છે કે તેમના પતિ ઘેર પાછા આવે તો પતિને મળવાની વેદજ્ઞાાદેવીની ઇચ્છા સંતોષાય અને ધીરે-ધીરે તેઓ માનસિક સંતુલન પાછું મેળવે.''

વિશ્વનાથે આજ પર્યંત વેદજ્ઞાા ભાભીને પોતે રામપ્રસાદને આશરો આપ્યાં, તેને કારણે પોતાના પર માઠું લાગે, એ ડરથી તેમને મળવાનું ટાળ્યું હતું.

વિશ્વનાથે વિચાર્યું કે બે વિખૂટાં પડેલાં હૈયાને ભેગાં કરવાનો મિત્રધર્મ તેણે અદા કરવો જોઈએ.

વિશ્વનાથ રામપ્રસાદને મળવા દોડી ગયો. દેવદર્શનનું બહાનું કાઢી તેણે રામપ્રસાદને પોતાની કારમાં બેસાડી દીધો. અસ્વસ્થ રામપ્રસાદ આંખો બંધ કરી કારમાં બેસી રહ્યા. વિશ્વનાથે કાર રામપ્રસાદના બંગલાના કમ્પાઉન્ડમાં ઉભી રાખી.

કારનો અવાજ સાંભળી ભત્રીજો ઇષ્ટાર્થ બહાર દોડી આવ્યો. રામપ્રસાદ કાકાને જોઈ એણે કહ્યું : ''કાકીમા, બહાર આવો, જાુઓ તો કોણ આવ્યું છે ?''

અને વેદજ્ઞાા દોડીને બહાર આવ્યાં. પતિ રામપ્રસાદે જોઈ રડી પડયાં. તેમનો ચરણસ્પર્શ કરી ક્ષમા માગી. રામપ્રસાદ પણ તેમને ભેટીને આશીર્વાદ આપતાં બોલ્યાં : ''સવારનો ભૂલ્યો સાંજે ઘેર પાછો ફરે તો એ ભૂલ્યો નથી ગણાતો. વેદજ્ઞાા, તારો અપરાધી તારી ક્ષમા માગે છે.'' વેદજ્ઞાાએ રામપ્રસાદના મોં પર હાથ મૂકી તેમને બોલતા બંધ કરી દીધા. નફરત હારી અને પ્રેમ જીત્યો.


Tags :