3000ની ટિકિટવાળી બુલેટ ટ્રેન દરિયામાં 7 કિ.મી. ઝડપે ભાગશે!
શોધ સંશોધન - વસંત મિસ્ત્રી
માર્ચ ૨૦૨૦થી બુલેટટ્રેનનું કન્સ્ટ્રકશન ચાલુ થશે. આ બુલેટ ટ્રેનની સરેરાશ સ્પીડ ૩૨૦ કિલોમીટર પ્રતિકલાકે હશે, અમદાવાદ-મુંબઈ વચ્ચેનું ૫૦૮ કિ.મી.નું અંતર તે બે કલાક સાત મિનિટમાં કરશે.
આ ટ્રેનની ટિકિટ કેટલી રાખવી તે અંગેનો સર્વે કરવામાં આવ્યો હતો. વિમાન તેમજ ટ્રેનના ફર્સ્ટકલાસમાં મુસાફરી કરતાં મોટાભાગના મુસાફરો ફર્સ્ટકલાસથી દોઢું ભાડું ભરી શકે એવો મત દર્શાવ્યો હતો. આ જોતાં વન વે ટિકિટ ૩૦૦૦ રૂા.ની આસપાસ થશે.
આ પ્રોજેક્ટ માટે ૧૩૮૦ હેક્ટરની જમીન જોઈએ જેમાંથી અડધી હસ્તગત કરાઇ છે અને અડધી ટૂંક સમયમાં મેળવી લેવાશે. બુલેટ ટ્રેનથી લોકોની સગવડ વધે છે અને ગ્લોબલ લેવલે ભારતની પ્રતિષ્ઠા પણ વધે છે.
બુલેટ ટ્રેન અમદાવાદથી મુંબઈ ૩૫ ટ્રિપ્સ અને મુંબઈથી અમદાવાદ પણ ૩૫ ટ્રિપ્સ કરશે. સવારે છ થી રાત્રે ૧૨ સુધી તેના પ્રવાસ ચાલુ રહેશે.
એક રિપોર્ટ પ્રમાણે જમીનના ૧૭,૦૦૦ કરોડ સામે ૧૭૦૦ કરોડ ગુજરાતમાં આપી દેવામાં આવ્યા છે. આ ટ્રેનની મુસાફરીનો કેટલોક ભાગ (૭ કિ.મી.) દરિયાની અંદર ટનલમાં રહેશે. આ પ્રોજેક્ટ બધુ મળીને ૧.૦૮ લાખ કરોડ રૂપિયાનો રહેશે. ૨૦૨૩થી આપણે બુલેટ ટ્રેનની સફર માણીશું.
બુલેટ ટ્રેન ૧૨ સ્ટેશનો પર ઊભી રહેશે. જેમાંના બે સ્ટેશન અમદાવાદમાં છે. સાબરમતીથી ઊપડેલી ટ્રેઈન બ્રાન્દ્રા કોમ્પ્લેક્ષ પર ઊભી રહેશે.
બુલેટ ટ્રેનના ડબ્બા, એન્જિન બધું જ ઈમ્પોર્ટેડ રહેશે. ગાદીવાળી વિશાળ સીટ સામે નાસ્તા-પાણી અથવા ઓફિસવર્ક માટે ટેબલ પણ હશે. ટ્રેનના ટીવી સ્ક્રીન પર તમે ટ્રેનની ગતિ અને સ્ટેશનનું નામ વાંચી શકશો.
વિમાની મુસાફરી કરતાં ઓછા તનાવવાળી બુલેટ ટ્રેન ફલાઈટનો સરસ પર્યાય છે. આમાં એરપોર્ટની માફક ૨-૩ કલાક વહેલાં પહોંચવાની અને ૧૫ કિલો જ લઈ જવાય એવી બેગની માથાકૂટ હોતી નથી. બોર્ડિંગ પાસ, સિક્યોરિટી ચેક, ગેટની લાઈન વગેરે જેવી એરપોર્ટની માથાકૂટ બુલેટ ટ્રેનમાં હોતી નથી. દેશની પ્રથમ બુલેટ ટ્રેન ગુજરાતમાંથી ઊપડશે તેનો સૌ ગુજરાતીને ગર્વ હશે.