ભારતને ક્યા સાત પ્રકારના સદ્ગુણો ધરાવતા નેતાની જરૂર છે ?
એક જ દે ચિનગારી - શશિન્
પ્રજાને ધૃતરાષ્ટ્ર બનવાનું પણ ન પોસાય, ધર્મરાજ યુધિષ્ઠિર બનવાનું પણ ન પોસાય, પ્રજાને પોસાય લક્ષ્ય સમર્પિત અર્જુન બનવાનું, જાગે તે નાગરિક નહીં, પરંતુ નેતાને જગાડે, તે નાગરિક
ધોધમાર વરસાદને કારણે સડકો સરોવર જેવી બની ગઈ હતી. વાહન વ્યવહાર અસ્ત-વ્યસ્ત થઈ ગયો હતો. એક નેતાની ગાડી આગળ ત્રણ સ્કુટરવાળા ઉભેલા હતા. કારમાંથી નેતાનો પી.એ. ઉતર્યો અને પેલા ત્રણ યુવકોને ધમકાવા લાગ્યો: ''તમને લોકોને ભાન નથી, આ નેતા સાહેબ વી.આઈ.પી. છે તમે આઘા ખસો તો 'સર' સેવાકાર્યો માટે આગળ વધી શકે.''
એ પૈકી એક યુવાન બોલ્યો: ''તમે જોતા નથી, પેલા સૈનિકો નાનાં છોકરાંને ઉચકીને સડકના સામેના કિનારે પહોંચાડી રહ્યા છે ?''
પી.એ. કહ્યું: 'સર'ની આગળ સૈનિક નાનો માણસ ગણાય. સરના ઘેરથી હમણાં જ ફોન હતો, એમની પત્નીનો. ''લોકોની સેવા પછી કરજો, પહેલાં મારી સેવા.'' પછી નેતાશ્રીએ શું કહ્યું - બીજા યુવકે પૂછ્યું.
''બોસની પત્ની દરરોજ જાતજાતની વસ્તુઓ મંગાવે છે. હું દાદાગીરી કરી વેપારીઓ પાસેથી વસ્તુ પડાવી લઉં છું. પણ આજે હડતાલ છે, એટલે હું બોસની પત્નીને ભેટ આપવા લાયક કોઈ વસ્તુ લાવી શક્યો નથી. દૂર-દૂર એક દુકાન ખુલ્લી જણાય છે. કદાચ 'સર'ની પત્નીને ભેટ આપવા જેવું કશુંક મળી રહે.'' પેલા સ્કુટરવાળા યુવકોને નેતાશ્રીની દયા આવી. એમણે રસ્તો કરી આપ્યો. પી.એ.ની સૂચના મુજબ ડ્રાઈવરે ગાડીની સ્પીડ વધારી. અનેક લોકો પર ગંદા પાણીના છાંટા ઉડયા. લોકો ગણગણાટ કરતા રહ્યા: ''કોઈ મોટો માણસ ગાડીમાં બેઠેલો હશે, નહીં તો આવી નફ્ફટાઈ બીજો કોઈ ન કરે.''
પેલો દુકાનદાર દુકાન બંધ કરવાની તૈયારીમાં હતો. નેતાશ્રીના પી.એ.એ પૂછ્યું: તમારે ત્યાં હાજર સ્ટોકમાં જે કાંઈ હોય તે જલ્દી આપો.
'સાહેબ કફન અને કાઠી વેચુ છું... મરનાર અમીર છે કે ગરીબ ?'
''મરનાર માટે નહીં જીવનાર માટે વસ્તુ જોઈએ છે.'' - પી.એ.એ કહ્યું...
''અત્યારે મંદી ચાલે છે. કફનનો પણ સ્ટોક કરી લેવો સારો.'' - દુકાનદારે કહ્યું...
પી.એ.એ નેતાશ્રીને કહ્યું: ''એની પાસે હોય તેટલાં કફન લઈ લો. લોકોના વોટ મેળવવા ખપ લાગશે. અને હા, ગાડી સીધી સ્મશાને લઈ લો. લોકો કફન માટે પણ પડાપડી કરશે'' - નેતાશ્રીએ હસતાં-હસતાં કહ્યું. અને દુકાનદાર પાસે દસ-પંદર કફન હતાં, તે લઈ લીધાં. પી.એ.એ પૈસા ચૂકવ્યા વગર ચાલતી પકડી. દુકાનદાર નારાજ થઈ ગયો. એણે પેલા પી.એ.ને વધારાનાં બે કફન આપતાં કહ્યું: ''લો, એક કફન તમારે માટે અને બીજું તમારા નેતાશ્રી માટે'' - કફન ફેંકીને દુકાનદારે પોતાની મોટરબાઈક મારી મૂકી.
પી.એ. ડઘાઈ ગયો. નેતાશ્રીએ કહ્યું: ''માણસે નફરતને પણ મહોબ્બતમાં વટાવી ખાવાની કળા શીખી લેવી જોઈએ. રાજકારણીને આ વાત શીખવવી પડતી નથી !''
નેતાશ્રી સ્મશાનમાં પહોંચ્યા. ગરીબ પરિવારના એક માણસનો અગ્નિ સંસ્કાર થઈ રહ્યો હતો. નેતાએ કફન વહેંચવાનું શરૂ કર્યું. ખુશ થએલા લોકો 'નેતાશ્રી ઝિંદાબાદ, ગરીબોનો બેલી ઝિંદાબાદ' સૂત્રોચાર કરી રહ્યા હતા. નેતાની છાતી ગજ-ગજ ફૂલી. તેમનું 'મિશન' સફળ થતા ખુશખુશાલ હતા. તરત જ એમણે ડ્રાઈવરને કાર હંકારવાની સૂચના આપી ! એમનો આજનો ફેરો સફળ થયો હતો.
ભારતમાં અનેક ગરીબ લોકો રોટી, કપડા અને મકાન માટે તડપી રહ્યાં છે, એમની ઉપેક્ષા કરી પ્રલોભનનો ટુકડો ફેંકી 'વોટ' લણવા એ આજના નેતૃત્વનો આદર્શ છે. અંગ્રેજો વિદેશી હતા અને પોતાનો રૂઆબ છાંટવા એમણે 'વી.આઈ.પી.'નો હોદ્દો ઉભો કર્યો હતો. આપણા નેતાઓ હજી 'અંગ્રેજિયત'ની ગુલામીમાંથી મુક્ત થયા નથી. પરિણામે દેશના શાસનની પવિત્ર ખુરશી પર વામણા નેતાઓ ગોઠવાઈ જાય છે. નેતૃત્વ કામધેનુ છે, એ વાત ગૂંડાઓને પણ સમજાઈ ગઈ છે. તેઓ ઓલ ઈન્ડિયા ગૂંડા પાર્ટી નામનો નવો પક્ષ રચે તો નવાઈ નહીં.
ભગવાનના શાસનમાં વી.આઈ.પી. માટે કોઈ અલાયદો બ્લોક નથી. યમરાજા 'આઈડેન્ટીટી' જોઈને નહીં પણ સત્કૃત્યોનું ભાથું જોઈને ન્યાય તોળે છે. અહીં 'અમી ઝરણાં'ના સંપાદક રમેશ સંઘવીએ નોંધેલો લેનિનનો પ્રસંગ ઘણું બધું કહી જાય છે. તદ્નુસાર એક હજામ પાસે લેનિન વાળ કપાવવા ગયા.
વાળંદની દુકાનમાં પોતાનો વારો આવવાની રાહ જોઈ બેઠેલા બીજા લોકો આ મહાન નેતાને જોઈને ઉભા થઈ ગયા. તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. જે લોકો વાળ કપાવવાની રાહ જોઈ રહ્યા હતા તે સહુ ગ્રાહકોએ પોતાનો વારો જતો કરી, કોમરેડ લેનિનને ઘણાં કામો હશે, માટે પહેલાં એમના વાળ કાપવા માટે વાળંદને કહ્યું. આ જોઈ લેનિને દ્રઢતાથી કહ્યું ઃ ''ના, મારો વારો આવે ત્યાં સુધી હું રાહ જોઈશ.'' સહુએ કહ્યું: તમારો સમય કીંમતી છે. તમારે અનેક જવાબદારી ભર્યાં કામો કરવાના હોય છે.
ત્યારે લેનિને ફરીથી દ્રઢતાપૂર્વક કહ્યું: ''ના, કોમરેડ, આ સમાજમાં કોઈનું યે કામ બીજાના કાર્યથી ઓછું અગત્યનું નથી. મજૂર, શિક્ષક, ઈજનેર કે પક્ષનો સેક્રેટરીએ સહુનું કામ સરખા મહત્વનું છે. આ જ આપણો સિદ્ધાન્ત અને આપણી શિસ્ત છે. આ મહાન સિદ્ધાંતની વિરુદ્ધમાં હું કોઈ દાખલો બેસાડવા માગતો નથી.''
લેનિનનો આ સિદ્ધાંત દેશના તમામ રાજકીય પક્ષોના આગેવાનો એ દેશના નેતાઓની આંખ ઉઘાડી નાખે તેવો છે. નેતા વી.આઈ.પી. નથી, વી.આઈ.પી. તો પ્રજા છે, જે નેતાને મળતા વિશેષાધિકારોનું મૂળ છે. 'અવળ વાણી'માં એક એક વ્યંગ્યવાણી પ્રસ્તુત કરવામાં આવી છે. ''કહે છે કે એક નેતા મરણ પામ્યા. ખૂબ લાકડાં નાખ્યાં અને ચંદન પણ નાખ્યા, તોયે કેમ કરી ચિતા બળે નહીં. આખરે ખુરશી નાખી ! ને નેતાની ચિતા સળગવા લાગી.''
આઝાદી પછીના વર્ષોમાં નેતાઓ અને નાગરિકોને 'શિસ્તના અભાવ'
નામનો 'મહારોગ' લાગૂ પડયો છે. નેતાઓની વંઠતી જતી બે લગામ વાણી અને પ્રજાજનોનો કાયદો હાથમાં લઈ બનાવટી બહાદુરી દેખાડવાનો ચસ્કો - આ બન્ને વસ્તુઓ લોકશાહીના મૂળમાં કુઠારઘાત છે.
દેશ માટે મૂલ્ય ચૂકવવાની ભાવના જ લોકશાહીની જીવાદોરી છે. એના અભાવે દેશ બાપડો - બિચારો થઇ સત્ય ગુમાવી બેસે છે. ઇન્સાનિયત કોઈ ફેક્ટરીમાં પેદા થતી નથી, પણ પ્રજા અને શાસકોના મનમાં જન્મનારી સ્વયંભૂ તાકાત છે.
એડવિન માર્કહેમે મનુષ્યની મહત્તા વર્ણવતાં કહ્યું છે:
''હમ અંધે હૈં,
જબ તક હમ નહીં
દેખ પાતે,
કિ માનવીય યોજનામેં
કુછ ભી બનાને કે
કાબિલ યા મહત્વપૂર્ણ
નહીં હૈ, અગર યહ
ઈન્સાન કો ઈન્સાન
ન બના પાયે !
શહરોં કો ચમકદાર
ક્યોં બનાયે,
અગર ઈન્સાન ખુદ હી
અધૂરા રહ જાયે ?
હમારી બનાયી દુનિયા
બેકાર હૈ,
જબ તક કિ બનાનેવાલા,
ખુદ અપના વિકાસ ન કરે.''
પ્રજાને ધૃતરાષ્ટ્ર બનવાનું ન પોસાય, પ્રજાને ધર્મરાજ યુધિષ્ઠિર બનવાનું પણ ન પોસાય. પ્રજાને પોસાય અર્જુન બનવાનું, જે પોતાના લક્ષ્ય પ્રત્યે સંપૂર્ણપણે સમર્પિત હોય ! જાગે તે નાગરિક નહીં પણ નેતાને જગાડે તે નાગરિક. ભારતને કેવા નેતાની જરૂર છે ? સાત પ્રકારના સદ્ગુણો ધરાવનાર નેતાની.
૧. જેની કથની અને કરણીમાં એકતા હોય.
૨. જેનામાં 'ફોગટ' ખાવાની વૃત્તિ ન હોય.
૩. જે પોતાના હોદ્દાને પ્રજાની થાપણ માની ટ્રસ્ટીની જેમ વર્તતો હોય.
૪. જે આડુ-અવળું બાફીને પોતાની નિર્દોષતાનું સ્પષ્ટીકરણ ન આપતો હોય.
૫. જેના વિચારો અને આદર્શો ઉચ્ચ હોય, પોતાને મોટો સાબિત કરવાના અભરખા ન હોય.
૬. જે હેડલાઈનમાં ચમકવા માટે નિવેદનો ન આપતો હોય.
૭. જે ખુરશી માટે કે પક્ષ માટે જીવતો ન હોય પણ દેશવાસીઓની ખુશી માટે જીવતો હોય.