ગુણવત્તા એ જ સફળતા .
આજકાલ - પ્રીતિ શાહ .
57 વર્ષના ગુણવંતસિંહ આજે પોતે ખીલા વેચતા હતા, તે સમયની રોજની બસો કિ.મી.ની સ્કુટર યાત્રાને યાદ કરે છે. એમનો જીવનમંત્ર છે - ક્યારેય આશા ન છોડ
ઝારખંડના ગિરિડીહ શહેરમાં તમે જાઓ તો માથા પર કાળી પાઘડી અને હાથમાં ટીએમટી સળિયા લઈને ઉભેલા ગુણવંત સિંહ મોંગિયા જોવા મળે અને એના પર લખ્યું છે 'સ્ટીલનો બાદશાહ'. ગુણવંતસિંહ ટીએમટી સળિયા બનાવવાવાળી કંપની મોંગિયા સ્ટીલ લિમિટેડના માત્ર બ્રાંડ એમ્બેસેડર જ નહિ, પરંતુ તે કંપનીના સંસ્થાપક પણ છે.
ઝારખંડમાં તાતા પછી બીજા સ્થાને આવતા ગુણવંતસિંહની સંઘર્ષકથા પ્રેરક અને અનોખી છે. પિતા દલજીતસિંહ વિભાજન સમયે ગિરિડીહમાં આવીને સ્થાયી થયા. શરૂઆતમાં સુથારીકામ કર્યું. ત્યારબાદ ફર્નિચરની દુકાન કરી અને પછી પ્લાયવુડનો ધંધો શરૂ કર્યો. ૧૯૭૪માં લોખંડના ખીલા બનાવવાની ફેક્ટરી નાખી. ગુણવંતસિંહ મોંગિયા ૧૯૮૨માં અભ્યાસ છોડીને વ્યવસાયમાં જોડાયા. પોતાના બજાજ સ્કૂટર પર રોજ બસો કિ.મી. જેટલું ફરીને ગામડે ગામડે લોખંડના ખીલા વેચતા હતા.
૧૯૮૩માં મોટાભાઈ અમરજીતસિંહ સાથે મળીને રોલિંગ મિલ શરૂ કરી. દોઢ એકર જમીનમાં બાર લાખ રૂપિયાના મૂડીરોકાણથી શરૂ કરેલી આ મિલમાં રોજના ત્રણથી ચાર ટનના સળિયાનું ઉત્પાદન થયું હતું. પોતાના વ્યવસાયને વધુ વિસ્તારવાનો વિચાર કરતા હતા, ત્યાં જ ૧૯૮૪ની ૩૧મી ઓક્ટોબરે ઇંદિરા ગાંધીની હત્યા થઈ અને શીખ વિરોધી તોફાનોના કારણે એમની ફેક્ટરીનો સામાન લૂંટીને સહુ વેચવા લાગ્યા. ત્રણ દિવસ સુધી તો ઘરમાંથી બહાર નીકળી શકાય તેવી પરિસ્થિતિ નહોતી.
રોલિંગ મિલ સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગઈ અને તેઓ દેવામાં ડૂબી ગયા. જો કે ખીલા બનાવવાની ફેક્ટરીને લીધે તેઓ પોતાનું ગુજરાન ચલાવી શક્યા. તે સમયે બાવીસ વર્ષના ગુણવંતસિંહે ફરી નવા જોમ અને પુરુષાર્થ સાથે રોલિંગ મિલ શરૂ કરી. સખત મહેનત પછી ૧૯૮૮માં તેમની રોલિંગ મિલમાં સાત- આઠ ટનનું ઉત્પાદન થવા લાગ્યું. એ જ વર્ષે એમણે રોલિંગ મિલ પર જ પોતાનું સમગ્ર ધ્યાન કેન્દ્રિત કર્યું અને ખીલા બનાવવાની ફેક્ટરી બંધ કરી.
એમની ત્રીજી રોલિંગ મિલ ચલાવવા કેટલાક ફેરફાર કર્યા. એમાં જ પાઇપ બનાવવા માટે સ્ટ્રિપ મિલ શરૂ કરી, પરંતુ હજી ઘણું નુકસાન હતું. ઇ.સ. ૨૦૦૦માં અઢાર કરોડનું ટર્નઓવર હતું તે ૨૦૦૩માં ઘટીને આઠ કરોડનું થઈ ગયું. તેથી તેમણે નવી ટેક્નોલોજીથી ટીએમટી સળિયાની શરૂઆત કરી. ટીએમટી એટલે થર્મો મિકેનિકલી ટ્રિટેડ જે પરંપરાગત સળિયાથી વધુ મજબૂત અને ટકાઉ હોય છે.
ઝારખંડમાં ટીએમટી સળિયા લાવનાર ગુણવંતસિંહ પ્રથમ હતા. તેથી લોકોને સમજાવવા પડયા કે આ સળિયા વધુ મજબૂત હોય છે. એમણે જોયું કે વ્યવસાય વધારવા વિજ્ઞાાપન કરવા પડશે, તેથી એમણે ૨૦૦૩માં ઝારખંડની એકસો જેટલી જાહેર જગ્યાએ દીવાલ પર પેઇન્ટર પાસે જાહેરખબર લખાવી.
ત્યારબાદ એમણે વિચાર્યું કે એમ.ડી.એચ. મસાલાના ધરમપાલ ગુલાટી ૯૫ વર્ષની ઉંમરે તેમના મસાલાની જાહેર ખબર કરતા હોય તો પછી હું શા માટે મારા ઉત્પાદનોની જાહેરખબર ન કરું ? બસ, આ વિચાર સાથે તેઓ પોતે જ પોતાની કંપનીના બ્રાંડ એમ્બેસેડર બન્યા. પોતાની કંપનીની જાહેરખબર માટે પોલીસોને પાંચ હજાર બેરીકેડ બનાવીને આપી તેમજ મિનરલ વોટર પણ આપે છે. પ્રતિદિન ૪૦૦ ટન સળિયાનું ઉત્પાદન થાય છે અને ટૂંક સમયમાં જ તેને બમણું બનાવવા માંગે છેે. આજે એમને ત્યાં ચારસો કર્મચારીઓ કામ કરે છે. જેમાં નવ્વાણું ટકા સ્થાનિક લોકો છે જેથી ખાસ કોઈ પ્રશ્નો ઉભા થતા નથી.
આજે તેઓ ઔદ્યોગિક મેનેજમેન્ટ અંગે બેંગાલુરુ અને દિલ્હીમાં વ્યાખ્યાન આપવા જાય છે. કંપની દ્વારા સ્કીલ ડેવલપમેન્ટના વર્કશોપ ચાલે છે. દિલ્હીની બોલ્સબ્રિજ યુનિવર્સિટી દ્વારા ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી છે.
બિરહોર જાતિની ભારતમાં આશરે બારસો વ્યક્તિ છે તેમાં ઝારખંડની સૌથી વધુ છે. તેના ૧૩૫ બાળકોને હોસ્ટેલમાં રાખી અભ્યાસ કરાવે છે. ૫૭ વર્ષના ગુણવંતસિંહ આજે પોતે ખીલા વેચતા હતા, તે સમયની રોજની બસો કિ.મી.ની સ્કુટર યાત્રાને યાદ કરે છે. એમનો જીવનમંત્ર છે - ક્યારેય આશા ન છોડ. વિશ્વાસ રાખો કે તમે કરી જ શકશો. નોકરી કરવાની સાથે નોકરી આપવા માટે લાયક બનો. તે હસતા હસતા ઉમેરે છે કે 'જો ક્વોલિટી કે ઘોડે પે બૈઠા હો, ઉસે કોઈ હરા નહીં સકતા.'
દ્રઢ સંકલ્પનો વિજય
હાજરા પાસે ઓછા પગારની નોકરી હતી, પરંતુ એણે જ તેને હિંમત આપી. તે જિંદગી પ્રત્યે ફરિયાદ કરવાને બદલે હવે તે પોતાની જિંદગી બદલવા માંગતી હતી
હાજરા બેગમને તમે પૂછો કે એનો જન્મ કઈ જગ્યાએ અને કઈ તારીખે થયો હતો તો તેને કશી ખબર નથી, કારણ કે એવું કંઈ એ સમજે એ પહેલાં એની માતા અવસાન પામી. પિતાએ બીજા લગ્ન કર્યા અને ઓરમાન માતાની ગાળો અને માર ખાઈને મોટી થયેલી હાજરા એટલી બધી તંગ આવી ગઈ હતી કે માત્ર આઠ વર્ષની ઉંમરે તે પોતાના ઘરેથી નાસી છૂટી.
કશું વિચાર્યા વિના એ એક બસમાં બેસી ગઈ. સવારે આંખ ઊઘડી, ત્યારે તે ઢાકાના અત્યંત વ્યસ્ત વિસ્તાર ગુલિસ્તાનમાં ફૂટપાથ પર હતી. આઠ વર્ષની હાજરાને ક્યાં ખબર હતી કે એ જે યાતનામાંથી છૂટવા ઘરેથી ભાગી હતી, એના કરતા અનેકગણાં દુઃખો આ દુનિયામાં તેની રાહ જોઈ રહ્યા છે.
એક દિવસ એક અજાણી વ્યક્તિ એને પોતાની ગાડીમાં નારાયણગંજ વિસ્તારમાં રહેતા એના મિત્રને ત્યાં લઈ ગઈ. ત્યાં એણે ઘરનું કામ કરવાનું હતું. આટલી નાની ઉંમરમાં એનાથી કંઈ કામ થઈ શકતું નહીં, તેથી તે ત્યાંથી ભાગી ગઈ. કેટલાક દિવસ પછી સરકારી પુનરોદ્ધારની ટીમે એને પકડી લીધી એને પુનર્વાસ કેન્દ્રમાં મોકલી આપી ત્યાંથી ફરી પાછી એક ઓફિસરના ઘરે કામ માટે મોકલવામાં આવી.
ત્યાં કામ ન કરવાથી માર પડતો, તે ત્યાંથી પણ ભાગી ગઈ. છેવટે ઢાકાના વેશ્યાગૃહમાં એને વેચવામાં આવી, ત્યારે એની ઉંમર માત્ર અગિયાર વર્ષની હતી ! તે કહે છે કે પોતે અહીંથી આઝાદ થવા માગતી હતી. એણે પોલીસને પણ અનેક વખત વિનંતી કરી, પરંતુ જવાબમાં માત્ર માર જ પડયો. હાજરા લાચાર હતી, પરંતુ એક દિવસ હિંમત એકઠી કરીને ત્યાંથી નીકળી ગઈ.
એના મનમાં એમ હતું કે, એ કોઈ અન્ય કામ કરી શકે અને સમાજમાં આબરૂભેર રહી શકે, પરંતુ એવું કોઈ કામ ન મળ્યું. મજબૂરીથી ફરી એ જ કામમાં જોડાઈ. થોડા દિવસ ફૂટપાથ પર રહીને તે આવું કામ કરતી રહી, પરંતુ ત્યારબાદ ત્યાંના સૌથી મોટા વેશ્યા બજાર જેને 'તન બજાર' કહેવામાં આવે છેે, ત્યાં પહોંચી ગઈ.
આશરે ત્રણ વર્ષ અહીં રહી. એ દરમિયાન એક સંસ્થાના લોકો સાથે તેની મુલાકાત થઈ. તે લોકોએ તેને ભણાવી. ત્યારબાદ સિલાઈકામ શીખવીને કપડાની ફેક્ટરીમાં નોકરી અપાવી. અહીં પગાર ઓછો હતો પરંતુ તે ખૂબ ખુશ હતી, કારણ કે જે જીવન જીવવાની આશા સાવ છોડી દીધી હતી તે તેને મળી ગઈ હતી, પરંતુ સરકારી પુનર્વાસ કેન્દ્રના અધિકારીઓને ખબર પડી કે હાજરા કોઈ કાયમી નોકરી કરે છે, તેથી તેને ત્યાંથી કાઢી મૂકી.
હાજરા પાસે ઓછા પગારની નોકરી હતી, પરંતુ એણે જ તેને હિંમત આપી. તે જિંદગી પ્રત્યે ફરિયાદ કરવાને બદલે હવે તે પોતાની જિંદગી બદલવા માંગતી હતી. તે વેશ્યાઓની વચ્ચે કામ કરનારી સંસ્થા 'દુર્જય નારી સંઘ' સાથે જોડાયેલી હતી. તે સંસ્થાના એક પ્રોજેક્ટ અંતર્ગત વેશ્યાઓના બાળકોની દેખભાળ કરવા લાગી.
બહારની આર્થિક સહાયથી આ પ્રોજેક્ટ ચાલી રહ્યો હતો, પરંતુ બન્યું એવું કે આર્થિક સહાય ન મળવાથી એક દિવસ આ કેન્દ્ર બંધ થઈ ગયું, પરંતુ હાજરાએ મનોમન દ્રઢ સંકલ્પ કર્યો કે તે આ બાળકોને આ નરકાગારમાં જીવવા નહીં દે. એણે એમના માટે એક શેલ્ટર હોમ ખોલવાનું નકકી કર્યું.
જૂન ૨૦૧૦માં હાજરાએ શેલ્ટર હોમ ખોલવા માટે દુર્જય નારી સંઘ ઉપરાંત જહાંગીરનગરમાં રહેતા વિદ્યાર્થી સ્વયંસેવકો સાથે વાત કરી. હાજરા પાસે પોતાની બચત નવ લાખ ટકા (બાંગ્લાદેશનું ચલણ) હતા તેમાંથી 'શિશુદેર જોન્નો આમરા' નામના શેલ્ટર હોમની શરૂઆત કરી. શરૂઆતમાં સત્તાધીશો દ્વારા થોડી હેરાનગતિ કરી, પરંતુ ત્યારબાદ સમાજ કલ્યાણ વિભાગ દ્વારા તેને રજીસ્ટર્ડ કરવામાં સફળતા મળી અત્યારે અહીં ચાર વર્ષથી માંડીને સોળ વર્ષ સુધી ચાલીસ બાળકો રહે છે.
સ્કૂલમાં પ્રવેશ સમયે ખૂબ મુશ્કેલી પડે છે કારણ કે તેમાં પિતાનું નામ આવશ્યક હોય છે, પરંતુ હાજરાના કામથી પ્રભાવિત વિદ્યાર્થીઓએ પિતા તરીકે પોતાનું નામ લખાવ્યું. આજે પચાસ વર્ષની હાજરા બેગમ બંગાળી અને અંગ્રેજી લખી- વાંચી શકે છે. એને શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય અને રવીન્દ્રનાથ ટાગોરનું સાહિત્યસર્જન ખૂબ ગમે છે. ૨૦૧૯ના માર્ચ મહિનામાં ચાલીસ બાળકોની માતા હાજરાને 'નેશન બિલ્ડર્સ એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવી.