Get The App

હાર્ટ એટેકના કારણો અને ઉપાયો

ફિટનેસ - મુકુંદ મહેતા

Updated: Oct 12th, 2019

GS TEAM

Google News
Google News
હાર્ટ એટેકના કારણો અને ઉપાયો 1 - image


માનસિક તનાવ જેટલો વધારે તેટલી હાર્ટ એટેક આવવાની શક્યતા વધારે. માનસિક તનાવ ઓછો થાય માટે ૧. ભૂતકાળ ગમે તેવો ખરાબ હોય તેને માટે ભૂલી જવા પ્રયત્ન કરો

(ગતાંકથી શરૂ)

હૃદયના ધબકારા વધી જાય અથવા અનિયમિત થઇ જાય અને દર્દી બેભાન પણ થઈ જાય, ખૂબ થાક લાગે, પગમાં દુખાવો થાય અને સોજા આવે. શરીરની ચામડી ફીકી પડી જાય અને ખૂબ પરસેવો થાય.

સ્ત્રીઓમાં હાર્ટ એટેક આવે ત્યારે તેમને છાતીમાં દુખાવો થાય નહીં પણ ડાબા ખભામાં અને પડખામાં દુખાવો થાય. આ ઉપરાંત પુરુષોમાં થાય છે તેવા ઉપર જણાવેલા લક્ષણો થોડા ઘણા પ્રમાણમાં થાય. તે સિવાય છાતીમાં બળતરા (હાર્ટ બર્ન) થાય, ખૂબ થાક લાગે, ભૂખ જતી રહે, વારે વારે ઉધરસ આવે અને હૃદયના ધબકારા વધી જાય.

હાર્ટ એટેક ના આવે માટે શું પગલાં લેશો ?
સમાજમાં બધા જ લોકોમાં એક પ્રકારનો ભય બેસી ગયો છે કે મને તો હાર્ટ એટેક નહીં આવે ને ? બાકી હતું તે હાર્ટ એટેક માટે જોઇએ એના કરતા વધારે ખરી ખોટી માહિતી સમાચારપત્રોમાં અને મેગેઝિનોમાંથી લોકોને સતત મળ્યા જ કરે છે આને કારણે હાર્ટ એટેકની વાતો ટેબલ ટોક થઇ ગઇ છે. આ વિષયમાં જાણકાર ના હોય તેવાઓ પણ હવે તમને હાર્ટ એટેક ના આવે તે માટે સલાહ આપતા થઇ ગયા છે. આ લેખમાં સામાન્ય માનવીના મગજમાં હાર્ટ એટેક માટે થતાં બધા જ સવાલોનું નિરાકરણ કરવા પ્રયત્ન કર્યો છે.

હાર્ટ એટેક આવવાનું મુખ્ય કારણ માનવીની બદલાતી રહેણીકરણી છે. પહેલાના જમાનામાં પુરુષ હોય કે સ્ત્રી ઘરનું હોય કે બહારનું બધું જ કામ પોતાની જાતે જ કરવું પડતું હતું, માણસ કે મશીનથી કામ કરવાનું નહોતું. પરિણામે દરેક વ્યક્તિને જાણે અજાણે રોજીંદી દિનચર્યામાં જ કસરત મળી રહેતી હતી. આ ઉપરાંત ખોરાકની આટલી બધી વિવિધતા નહોતી. જે કોઇ ખોરાક લેવાતો હતો તેમાં સ્વાદ કરતાં પોષણનું મહત્વ વધારે હતું.

આટલી બધી વસ્તી નહોતી આટલી બધી હરીફાઇ નહોતી આટલું બધું પ્રદૂષણ નહોતું પરિણામે દરેક વ્યક્તિના મનમાં શાંતિ અને સંતોષ હતા. રાત્રે નિરાંતે ઊંઘી શકતા હતા. અત્યારે દેખાદેખીનો જમાનો આવ્યો છે. સંતોષ અને શાંતિની જગાએ જબરજસ્ત અસંતોષ અને અશાંતિ આવી ગયા છે. આ સરખામણી આવવી ના જોઇએ પણ માનવીનું  જીવન હડકાયા કુતરા જેવું થઇ ગયું. જીવનમાંથી આનંદ જતો રહ્યો છે. નાના બાળકથી માંડીને વૃધ્ધ સુધી સૌને અસહ્ય માનસિક તનાવ છે. લાગણી, પ્રેમ, દયા, પરસ્પર વિશ્વાસ માનવીના સ્વભાવમાંથી અદ્રશ્ય થઇ ગયા છે. માનવીની જિજીવિષા વધી છે.

માનવીને રોગરહિત લાંબુ જીવન મળે એ માટે સંશોધકો અને ડોક્ટરો વચ્ચે હરિફાઇ થઇ ગઇ છે. રોજેરોજ નવા નવા ઉપચારો અને નવી નવી દવાઓ અને નવી નવી હોસ્પિટલો ખૂલતી જાય છે. અપવાદ બાદ કરતાં તંદુરસ્ત રહેવા માટે શું કરવું તેની સરળ સલાહ અને સૂચના આપવાને બદલે બીમાર પડો ત્યારે કયા ડોક્ટરને ત્યાં કે કઇ હોસ્પિટલમાં જવું તેની સલાહ દરેકને મળતી જાય છે. હાર્ટ એટેક આવવાના સંભવિત કારણોની વાત આગળ જણાવી છે.

હાર્ટ એટેક ના આવે માટે શું કરશો ?

૧. કસરત કરવી પડશે: વ્યવસ્થિત આયોજન કરીને કસરતનો તમને ગમતો અને કાયમ પાળી શકો તેવો એક કાર્યક્રમ શરૂ કરો.કોઇ પણ કસરત કરો તેમાં આ ત્રણ અંગોનો સમાવેશ કરવો જોઇએ એ. એરોબિક પાર્ટ જેમાં સતત ૩૦ મિનિટ સુધી તમારા શ્વાસની અને તમારા હૃદયની ગતિ વધવી જોઇએ. દા.ત. તમારે ૧૦ મિનિટમાં ૧ કિલોમીટર થાય તેવી રીતે અટક્યાં વગર ૩ કિલોમીટર ચાલવું જોઇએ. ચાલવાની શરૂઆત કરતાં પહેલા ૫થી ૧૦ મિનિટ વોર્મઅપ કસરત અને ચાલવાનું પૂરું થાય પછી ૧૦ થી ૧૫ મિનિટ આસનો અથવા સ્ટ્રેચિંગ કસરત કરવી જોઇએ.

૫૦ વરસ સુધી કોઇ કસરત ના કરી હોય તો કસરત શરૂ કરતાં પહેલા ડોક્ટર પાસે શરીરની તપાસ કરાવી લેવી જોઇએ. શરૂઆતમાં કસરતનું પ્રમાણ એકદમ વધારશો નહીં. વિકલ્પે ઘરમાં સ્ટેશનરી સાઇકલ કે બહાર સાઇકલ ચલાવો, સ્વિમિંગ કરવા જાઓ, દાદર ચઢવા કે ઉતારવાની કસરત કરો તમારી નજીકમાં કોઇ ગાર્ડનમાં લાફિંગ ક્લબ ચાલતી હોય તો ત્યાં જઇને કસરત કરો. ખાસ યાદ રાખો કે એકલા આસનો કરો તે સંપૂર્ણ કસરત ના કહેવાય. આસનો સાથે તમારે ૨૦થી ૨૫ મિનિટ પ્રાણાયામ કરવા જરૂરી છે. કસરત કરવાનું શરૂઆતમાં ના ગમે પણ થોડા દિવસ પછી ગમશે.

પ્રખ્યાત લેખક રોબિન શર્માના શબ્દો યાદ રાખો

કસરતને તમારો ધર્મ બનાવો અને કસરત કરવાની જગાને તમારું મંદિર બનાવો તો તમારું કલ્યાણ થશે.

૨. તમારું વજન કાબૂમાં રાખો.
વધારે વજન તે રોગને આમંત્રણ આ સૂત્ર કાયમ યાદ રાખો. આ માટે તમારા બોડી માસ ઇંડેક્સ (બી.એમ.આઇ.) ૨૫ થી વધવા ના દેશો. તમારો બી.એમ.આઇ. શોધવા  માટે આ ફોર્મ્યુલા યાદ રાખો.

બી.એમ.આઇ. = વજન કિલોગ્રામ ભાગ્યાં મીટરમાં ઊંચાઇ હોય તેનો (સ્ક્વેર) વર્ગ.

વજન ઓછુ કરવા માટે ડાયેટિંગનો એક વ્યવસ્થિત કાર્યક્રમ બનાવો. તમારે તમારા શરીરની કેલરીની જરૂરત (પુરુષ - ૨૦૦૦ અને સ્ત્રી - ૧૮૦૦ કેલરી)માં ૪૦૦થી ૫૦૦ કેલરીની ઘટ પડવાની છે. રોજ ૩૦થી ૪૦ મિનિટની કસરતથી ૨૦૦થી ૩૦૦ કેલરી અને ખોરાકમાં ચરબી ને ગળપણવાળા પદાર્થો ઓછા કરીને ૨૦૦થી ૩૦૦ કેલરી ઓછી થશે. ભલે વાર થાય પણ થોડી ધીરજ રાખીને કડક ડાયેટિંગને બદલે લાંબો વખત કરી શકો તેવો ડાયેટિંગનો પ્રોગ્રામ તમારી જાતે બનાવીને તેને અમલમાં મૂકો. વજન ઓછું થશે તો હાર્ટ એટેક આવવાની શક્યતા ઓછી થઇ જશે.

૩. માનસિક તનાવ ઓછો કરો
આ વાત કાયમ યાદ રાખો માનસિક તનાવ જેટલો વધારે તેટલી હાર્ટ એટેક આવવાની શક્યતા વધારે. માનસિક તનાવ ઓછો થાય માટે ૧. ભૂતકાળ ગમે તેવો ખરાબ હોય તેને માટે ભૂલી જવા પ્રયત્ન કરો. ૨. ભવિષ્યકાળની ચિંતા બિલકુલ ના કરો કારણ તે તમારા હાથમાં નથી. ૩. તમારા રોજિંદા જીવનમાં જે કાંઇ બને છે તેને સ્વીકારી લેવાની ખૂબ પ્રયત્ન કરી ટેવ પાડો. ૪. જે કંઇ તમારી અવસ્થા છે અથવા તમારી પાસે છે તે શ્રેષ્ઠ છે તે ચોક્કસપણે માનો. ૫ ગમે તે થાય (કમ વોટ મે) તમારો અભિગમ હકારાત્મક (એટીટયુડ પોઝિટિવ) રાખો. ૬. રોજિંદા જીવનમાં બનતા બધા જ ન ગમતા હોય તેવા બનાવોથી નારાજ કે નિરાશ (અપસેટ) ના થાઓ. તમારા જીવનમાં બનેલા બનાવો વારે વારે થવાના છે એમ માનીને ચિંતાગ્રસ્ત ના થાઓ. (ક્રમશઃ)

Tags :