રામ નામ શું તાળી રે લાગી, સકળ તિરથ તેના તનમાં રે...
સુભાષિત-સાર - કુલીનચંદ્ર પો. યાજ્ઞિાક
સત્ય સર્વોચ્ચ દૈવી ગુણ છે. ગાંધીજી એને ઈશ્વરનું સ્વરૂપ જ માનતા. પછી આવે છે ક્ષમા. એ વીરોનો ગુણ. નબળા માણસ લાચારીથી માફી આપે તે ગુણ ન ગણાય
(अनुष्टुभ)
सत्यं तीर्थ क्षमा तीर्थ
तीर्थ इन्द्रिनिग्रह: |
सर्वभूतदया तीर्थ
तीर्थानां सत्यवादिता ||
ज्ञानं तीर्थ तपस्तीर्थ
कथितं सप्तरीर्थकम् |
पुण्येन तस्य यात्रायां
विशुद्धि मनसो भवते् ||
(સત્ય એ મોટું તીર્થ છે, ક્ષમા પણ તીર્થ છે, તમામ ઈન્દ્રિયો ઉપર સંયમ એ પણ તીર્થ છે, સર્વે પ્રાણીઓ પ્રતિ દયા એ ય તીર્થ છે. સત્ય બોલવું એ પણ તીર્થોમાંનું જ એક છે. જ્ઞાાન અને તપ એ પણ તીર્થ છે. આમ આ સાત તીર્થ કહેવાય છે. તેમની યાત્રાના પુણ્યથી મન વિશુદ્ધ - નિર્વિકાર - નિશ્ચલ થાય છે.)
માનવ જાતિની ઉક્રાન્તિના શરૂઆતના કાળમાં શિકાર અને ફળ-ફળાદિ એકત્ર કરી, ફરતા રહેવાને બદલે ખેતી અને સ્થિર વસવાટની જિંદગી શરૂ કરી ત્યારે નદી અને જળાશયોને કિનારે વસવાટ કર્યો, આ સુંદર સ્થળોએ તેમની જરૂરીયાતો સચવાતી હતી અને શાંતિ, સગવડો અને સુરક્ષા મળતાં હતા બાદમાં સરોવરો, સાગર કિનારા, ડુંગર, શિખરો, વગેરે સુંદર જગ્યામાં મળી, જ્યાં મંદિરો બંધાયા, અન્ય સગવડો ઊભી થઈ અને ભક્તો, યાત્રાળુઓ આવતા થયા.
આ બધાં તીર્થધામો પ્રસિદ્ધ અને લોકપ્રિય થયાં ત્યાંની યાત્રા અને આરાધના પુણ્યફળ આપે છે એવી શ્રધ્ધા ઊભી થઈ. આધ્યાત્મિક વિચારોના વિકાસ થતાં સાત્ત્વિક અને પવિત્ર ગુણો અને પુણ્યશાળી વિધિઓ તીર્થ ધામો જેવા પુણ્યફળ આપતાં હોવાથી, તેમને તીર્થધામની પદવી અથવા સ્વરૂપ ગણી તેને મહત્વ આપવામાં આવ્યું, તીર્થનું બિરુદ આપવામાં આવ્યું. અહીં આવા સાત 'તીર્થો' પ્રસ્તુત થયા છે.
સત્ય સર્વોચ્ચ દૈવી ગુણ છે. ગાંધીજી એને ઈશ્વરનું સ્વરૂપ જ માનતા. પછી આવે છે ક્ષમા. એ વીરોનો ગુણ. નબળા માણસ લાચારીથી માફી આપે તે ગુણ ન ગણાય. પણ લડાઈ જીતેલો વીર દંડ લેવાને બદલે માફી આપે તો તે પાવન કર્મ ગણાય. તેના કર્તાની કક્ષા પવિત્ર ક્ષેત્ર જેવી ગણાય.
ઈન્દ્રિયો ઉપર કાબુ તે કોઈ પણ સાધના કે તપસ્યાનું પહેલું પગથીયું. તકરારી પક્ષકારો વિષે વેર હોય, તેનો નાશ કરી સુમળ સાધે છે. કોઈના ય વિરૂદ્ધ પક્ષપાત વગર પ્રાણી માત્ર માટે એક સરખી કરુણા રાખવી તે દિવ્ય ગુણ છે. સાચા સંતો તેને નિરતર અપનાવે છે. જ્ઞાાન અને તપસ્યા પણ તીર્થયાત્રા જેવું પુણ્ય ફળ આપે છે. આ સાથે ઈશ્વરીય ગુણો માનવના જીવનને ધન્ય, દિવ્ય બનાવે છે, તેથી તીર્થ ધામો જેવા છે.
આ શ્લોક જોતાં આપણા ભક્ત નરસૈંયા યાદ આવે છે, જેણે સાચા વૈષ્ણવના દૈવી ગુણોને કારણે બધાં તીર્થો તેમનામાં સમાઈ ગયાનું જણાવે છે.