Get The App

મંગળફેરા ટેક્સ: વરઘોડા ટેક્સ!

ખુલ્લા બારણે ટકોરા - ખલીલ ધનતેજવી

ન્યૂ મોટર વ્હીકલ એક્ટ્ની જેમ ન્યૂ મેરેજ એક્ટ્

Updated: Oct 12th, 2019

GS TEAM

Google News
Google News
મંગળફેરા ટેક્સ: વરઘોડા ટેક્સ! 1 - image


ટેક્ષની નીતિનો વિરોધ વ્યાજબી હોવા છતાં એ બહાને કાળુ નાણું ભોંયરામાં ઘાલવાની નીતિ સ્હેજે વ્યાજબી નથી ! હવે ભારતની કોઈપણ સ્થિતિ ભારત પૂરતી સીમિત રહી શકે તેમ નથી

વર્તમાન સમયમાં જીવતા માણસની જીવી જવાની લાલસા અને આવડત માટે ખરેખર એની પીઠ થાબડવાનું મન થાય એ અત્યંત સ્વાભાવિક હોવા છતાં સમસ્યાઓ ઉકેલવામાં ટૂંકી પડતી એની આવડત અંગે પારાવાર અફસોસ પણ થાય છે! આપણે પણ માણસ જ છીએ ને? એની મૂંઝવણ એ આપણી મૂંઝવણ! આપણને મૂંઝવણની જાણ ન હોય, એવું બને? મૂંઝવણ મૂંઝવણને બસ મૂંઝવણ...! વર્તમાન સમયમાં જીવતાં માણસની આ મૂંઝવણ એ કોઇ ફેશન સ્વરૂપે અથવા આદત સ્વરૂપે નથી! કેટકેટલા વણમાગ્યા અજાણ્યા વળાંકો ઓળંગવાના, કેટકેટલા ઓચિંતા ખાબકી પડતા પ્રશ્નોનો સામનો કરવાનો કેટકેટલી સમસ્યાનો ઉકેલ શોધવાના! આ બધાની સામે છાતીભેર ઝઝૂમવામાં માણસ હાંફી જાય છે! ને વળી આ હાંફવાપણું ઢાંકવા ઢબૂરવામાંય પાછું હાંફી જવાનું! કોઇ માર્ગ અથવા કોઇ ઉપાય સૂઝતો નથી.

માણસ ભલે સૃષ્ટિનું સર્વોચ્ચ પ્રાણી હોય, એની પાસે વિચાર શક્તિને આયોજન શક્તિ હોય, પણ એ બધાનો આ સ્થિતિમાં ભાંગીને ભુક્કો થઇ જાય છે! ચપટીમાં મસળી નંખાય એવું મચ્છર જેવુ નાનકડું જંતું અને મુક્કી મારીને જેના ડુચા વાળી દેવાય એવી ડુંગળી માણસની સમગ્ર આવડતને લાત મારીને પાડી દેતી હોય તો પછી આવું નમાલું જીવન જીવવાનું મન થાય ખરૂં? છતાં જીવે છે! કારણ કે એ માણસ છે. માત્ર માણસ છે. કોઇ ચમત્કારી આત્મા નથી. મુંઝાય તો ખરોને? એની મૂંઝવણ કોઇ ચીજવસ્તુ નથી.

ઉપાયનો અભાવ એને પજવે છે! આવી નાનીનાની સમસ્યાઓ એક ચપટી વગાડતામાં જ ઊકેલી નાખે સત્તા અને શક્તિ જેની પાસે છે, એની પાસેથી ઉપાયની અપેક્ષા રાખીને બેસી રહેવું એ પણ આત્મહત્યા જેવું કૃત્ય છે. કારણ કે એ નાની નાની સમસ્યાઓ ઉકેલવાને બદલે મોટી મોટી સમસ્યાઓ આપણા માથે નાખ્યા કરે છે! એ સત્તા ને શક્તિ કશું આપવા માટે નહિ, ઘણું બધું લઇ લેવા માટે ખર્ચાય છે! આપણી પાસે લેવા માટે બે હાથ છે. એની પાસે લઇ લેવા માટે હજાર હાથ છે! ટેક્ષ પર ટેક્ષ- ટેક્ષ  ઝીંકયે જ જાય છે.

એક જમાનામાં માત્ર ઇનકમ ટેક્ષ એ સેલટેક્ષ  જેવા બે જ ટેક્ષ હતા, ને હવે તો માણસ ભૂલો પડી જાય એવા જી.એસ.ટી.! આઇજીએસટી! સીજી એસટી! એસજીએસટી! આવા બધા ટેક્ષના પરિવારનાં ટોળામાં માણસ ઘેરાઇ ગયો છે! એને ટોળામાંથી બહાર કાઢવાને બદલે એની પાસેથી પોતાના આંગણે ઊભા રહ્યાનો અધિકાર પણ ઝૂંટવી લેવાના પેંતરા યોજાય છે! રોડ પર કાર પાર્ક કરવાનો હવે ટેક્ષ લેવાનું વિચારાઇ રહ્યું છે. વિચારી જ લેવાયું છે અને જાહેર પણ કરી દેેવામાં આવ્યું છે! તમે સત્તા પર બેઠા એટલે શું સમાજથી વેગળા થઇ ગયા? તમે સમાજને નથી ઓળખતા? સમાજ રચનાને ય નથી ઓળખતા? સમાજરચના દ્વારા પ્રાપ્ત થયેલી વ્યવસ્થાને પણ નકારો છો? આ તો ખરેખર હદ કહેવાય! પરાકાષ્ટા કહેવાય.

શું તમે એ પણ નથી જાણતા કે ઘર હોય તો ઘરનું આગણું પણ હોય! તમે આગણુંય ભૂલી ગયા? તમે જેને રોડ કહો છો, એ મારા ઘરનું આંગણુ છે અને મારા આંગણામાં હું મારી કાર ન મુકું તો કયાં મુકું? કાર એ કોઇ કમ્બલ નથી કે ગડી વાળીને કબાટનાં મૂકી શકાય! એ કોઇ જૂતા ચપ્પલ નથી કે ઘરમાં નાનકડા રેન્ક પર એને વ્યવસ્થિત ગોઠવી શકાય! આંગણું અમારૂં, કાર પણ અમારી ને છતાં મારા આંગણે મારી કાર મૂકવાનો ય મને અધિકાર નથી? તમારે ગમે ત્યાંથી પૈસા મેળવવા છે ને એ માટે ખૂણાખાંચરાય સૂંઘતા ફરે છે.

લોકોનાં ઘરનું આંગણુ નજરે પડી ગયું! કાલ ઊઠીને રોડ અમારો છે, એમ કહીને રસ્તા પર પગે ચાલવાનો ય તમે ટેક્ષ નહિ નાખો એની શી ખાતરી? વાહનો અંગે તો રોડ ટેક્ષ ભરીએજ છીએ, હવે ઘરની બહાર પગ મૂકવાનો અને ઘરના આંગણે ઊભા રહેવાનો પણ અમારે ટેક્ષ ભરવો પડશે! લગ્ન પર પણ ટેક્ષ નાખી શકાય. એમો બે પ્રકારનો ટેક્ષ લેવાય એક મંગલફેરા ટેક્ષ અને બીજું વરઘોડા ટેક્ષ! આમે ય લગ્નમાં ધૂમ ખર્ચો કરવામાં આવે છે તો થોડોક વધારે પણ વેઠી લેવાશે. એમાં તો મણ માથે ને પાંચશેર પાજઠિયેની ઉક્તિ લોકોને માનસિક રાહત આપી જશે!

ખેર આ અંગે અમે તમને ઠપકો દેતા નથી. અમને મત આપવાનો અધિકાર છે. ઠપકો દેવાનો અધિકાર નથી! કારણ કે અમે જ તમને ચૂંટીને મોકલ્યા છે. અમે જ તમને સત્તા પર બાસાડયા છે, એટલે ઠપકો દેવો હોય તો અમારે અમારી જાતને જ ઠપકો દેવો પડે! અમે તમને ઠપકો નથી દેતા, પણ યાદ દેવડાવીએ છીએ કે તમારી સામે તમારા કરતૂતો પારવાર છે તો એ સામે તમારા કર્તવ્યો પણ પારાવાર જ છે! તમે માત્ર કરતૂતોને જ અમલમાં લાવો છો અને કર્તવ્યને ભૂલી જાવ છો, તમે કર્તૂતોને મુખ્ય સ્થાને રાખ્યા છે અને કર્તવ્યને હાંસિયામાં ધકેલી દીધો છે.

જો યે તમારા કર્તૂતો પણ પ્રજાલક્ષી હોય તો એ પણ કર્તવ્ય ગણાય! પણ એવું થતું નથી! તમારા બધા જ કર્તૂતો તમારા લાભ માટે જ હોય છે, એ પ્રજાને લાભદાયી થવાને બદલે કષ્ટદાયી પુરવાર થાય છે તે ક્યારેક પ્રજા ભૂલથી ચીસ પાડી ઉઠે છે ત્યારે તમે ઝટ ખુલાસો કરતા કહો છો કે રોડ પર કાર મૂકવા પર ટેક્ષની પ્રથા અમે બ્રિટનથી આર્જેન્ટિનાથી,ફ્રાંસથી વિગેરે દેશોથી લઇ આવ્યા છીએ! સારૂં કહેવાય! વિદેશી પ્રક્રિયા પર નજર રાખીને એનું અનુકરણ કરવાની દ્રષ્ટિ  તમે કેળવી શકયા એ તો સારું જ કહેવાયને ?પાર્કિંગના ટેક્ષ પર જ કેમ? ત્યાંનું અનુકરણ કરીને ત્યાંની જેવા રોડ- રસ્તા પણ બનાવી આપોને ? રોડ ટેક્ષ લેવો એ તમારૂં કર્તૂત છે અને સારા રસ્તા બનાવી આપવા, એ તમારૂં કર્તવ્ય છે ! કર્તૂતોમાં મર્દાનગી દાખવો છે ને કર્તવ્યમાં નામર્દ પુરવાર થાવ છો ! શરમ નથી આવતી તમને? અમને તો ક્યારેક થાય છે કે આવા ઉબડખાબડ- ખરબચડા રસ્તાઓ પર સ્માર્ટ સિટીનું સર્જન કરવાના એમને સ્વપ્ના કેમના આવતા હશે ? ગામડા કરતાં બદતર હાલત છે.

ગામડામાં આવા ખાડા જોવા નથી મળતાં ! ગામડાની પાતળી પગદંડી પર ઉઘાડા પગે ચાલો તો પગદંડીની ધૂળ પણ તમને મખમલી લાગશે ! વળી ગામડામાં કરોડરજ્જુના મણકાથી પીડાતા લોકો જવલ્લે જ મળશે. જ્યારે શહેરમાં દર દસમાંથી આઠ માણસ મણકાના દર્દથી પીડાતો જોવા મળશે ! એ આપણા વિદેશી અનુકરણ કર્યા વગર રહી ગયેલા રસ્તાઓનો પ્રતાપ છે ! રસ્તા સુધારી શકતા નથીને કરોડો રૂપિયાના ખર્ચે મોટા મોટા તોતિંગ ઓવરબ્રિજ કેમ ઝટ બની જાય છે, એવા પ્રશ્નો શહેરમાં રઝળતા થયા છે ને એની આંગળી ઝાલીને જાતજાતની આશંકાઓ પણ રઝળતી થઈ ગઈ છે, આ વાત અત્યાર સુધી શું તમારા કાને નથી પડી? કે પછી એક કાનેથી સાંભળી બીજા કાનેથી કાઢી નાંખવાનો પારંપારિક શિરસ્તો તમારે ફરજિયાત જાળવી રાખવો પડશે હશે -નહિ? સ્વચ્છ સિટી અને સ્માર્ટ સિટી જેવા સ્લોગનો સાંભળીને જ મોઢામાં પાણી આવી જાય છે ! જો કે હમણાં તો પરસેવો છૂટી જાય છે !

આઝાદી પછીના સિત્તેર વર્ષથી આ પરિસ્થિતિ અમે વેઢતા આવ્યા છીએ ! છતાં હજી સુધી અમને એ વાત સમજાતી નથી કે અમારી કોઈ વાત તમારે સાંભળવી નહિ ! અમારે તમારી વાત સાંભળવી પણ પડે ને સ્વીકારવી પણ પડે ! ના સ્વીકારીએ તો તરત જ દંડ ફટકારી મારો છો ! આ કયા પ્રકારનું પ્રજાતંત્ર કહેવાય? તમે કહો કે હેલ્મેટ પહેરો તો અમારે તરત પહેરવો પડે ન પહેરીએ તો દંડ થાય ! હેલ્મેટ પહેરવાથી અકસ્માતમાં ફાયદો થાય એ તમે શોધી કાઢ્યું, પણ અકસ્માત થાય જ નહિ એ માટેનું કોઈ આયોજન તમારી પાસે નથી.

શહેરની સડકો પરના ખાડા અને રખડતા ઢોર રોડ પર હટાવી દો તો અકસ્માત પણ ન થાય ને હેલ્મેટ પહેરવો પણ ન પડે ! પણ રસ્તાના ખાડા અને રખડતા ઢોર દુર કરવાની તમારામાં ત્રેવડ નથીને તમને દંડ ફટકારવાની  અમારી પાસે સત્તા નથી ને સંગઠન પણ નથી ! તમે અમને સંગઠિત થવા જ ક્યા દો છો? અમે જે કહીએ તેનો અમલ કરવાને બદલે એ મુદ્દો જ તમે ભૂલાવી દેવા માંગો છો? અમારું ધ્યાન બીજે વાળી દેવા અમારી માનસિકતાને ક્યારેક કાશ્મીરમાં પછાડો, ક્યારેક પાકિસ્તાન સાથે અથાડો છો અને ક્યારેક ચીન સાથે ભીડાવી દો છો? અમારી આસપાસ એવું અજાણ્યું અને ભયપ્રેરક વાતાવરણ ઉભું કરી આપો છો કે અમે એમાં જ ગોથાં માર્યા કરીએ ! ગોથા ખાવા અમારે લમણે લખાયેલું છે !

એક તરફ ટેક્ષ ભરવાના ને બીજી બાજુ મંદી અને મોંઘવારીનો પણ માર વેઠવાનો ! વિજય માલ્યા જેવા કેટલાક લૂચ્ચા લોકોએ બેંકોને લૂંટી છે ને વેરની વસુલાત અમારી સાથે ? બેંક સાથેના રૂટિન મુજબના નાણાંકીય વહેવારમાં ય જાત જાતના કમિશન અને જાત જાતના ચાર્જીસ અમારી પાસે વસુલવામાં આવે છે.

એવું ને એટલુ બધું ક્યારેય નહોતુ ?  ચિંતાજનક બાબત એ છે કે, આંખો મીચીને જેના પર વિશ્વાસ કરી શકાતો હતો એવી બેન્કીગ સિસ્ટમ વિશેનાં લોકોના વિશ્વાસ પર તિરાડો પડવા માંડી છે ! એ વિશ્વાસ સાવ તૂટી જાય તે પહેલાં બેંકની વર્તમાન સ્થિતિને સંભાળી લેવી જોઈએ ! પણ એમ કરવા જતાં અમારી કેડો પર ભાર ના આવે એનોય ખ્યાલ રાખવો પડશે ! જાત જાતના ટેક્ષીસથી સરકારી તિજોરીની આવક વધી છે, એ આવકવૃધ્ધિને તમે તમારી યોજનાની સફળતામાં ખપાવીને ભલે તમે હરખાતા હો એ ન ભૂલવું જોઈએ કે એકશન ત્યાં રીએકશન અને ઘાતના પ્રત્યાઘાતના નિયમાનુસાર નાના ગજાનો વેપારી પણ બે નંબરના ચોપડા રાખતો થઈ ગયો છે.

વધુ પડતાં ટેક્ષીસથી સરકારી તિજોરીની વૃધ્ધિ સામે ચાર ગણી વૃધ્ધિ કાળા નાણાંમાં થવા લાગી છે. સ્થિતિ કાળુ નાણું ખતમ કરવાના ધ્યેયના ભુક્કા બોલી દેશે ! બેંકોના વ્યાજ ઘટાડવાથી કોને ક્યારે કેટલી સહાય મળશે, એ તો અત્યારે કહી શકાય નહિ, પરંતુ બેંક ઓછું મળવાને કારણે લોકોએ બેંકોમાં મૂકેલી પોતાની થાપણો ઉઠાવવા માંડી છે, બેંકો અત્યારે નાણાંકીય કટોકટીમાંથી પસાર થઈ રહી છે, અને બીજી બાજુ મંદી અને કાળુનાણું સ્પર્ધાત્મક રીતે  આગળ વધી રહ્યાં છે !

વર્તમાન પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે કોઈ એકક્ષેત્રના માથે જવાબદારી નાંખવાને બદલે સત્તા અને સમાજ વચ્ચે સમન્વય કેળવીને સૌએ સંપીને સંગઠિત થઈને ે સંયુક્ત રીતે આ જવાબદારી ઉપાડી લેવી જોઈએ ! ટેક્ષની નીતિનો વિરોધ વ્યાજબી હોવા છતાં એ બહાને કાળુ નાણું ભોંયરામાં ઘાલવાની નીતિ સ્હેજે વ્યાજબી નથી ! હવે ભારતની કોઈપણ સ્થિતિ ભારત પૂરતી સીમિત રહી શકે તેમ નથી.

કારણ કે વડાપ્રધાન મોદીના પ્રયાસોએ ભારતને વિશ્વસ્તરે મોભાદાર દરજ્જાની સાથે પ્રસ્થાપિત કરી દીધો હોય ત્યારે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ ભારતની શાનબાનને આંચ ન આવે એ જોવાની જવાબદારી આપણી સૌની છે ! અમેરિકાના હ્યુસ્ટન ખાતે ભારતના વડાપ્રધાનને સાંભળવા જે જનમેદની એકઠી થઈ હતી. એવી અને એટલી ઉત્સાહી જનમેદની ઓબામા અને ટ્રમ્પના ચૂંટણી પ્રચારમાં પણ જોવા મળી નથી ! એ જનમેદની માત્ર જનમેદની જ નહોતી. એ સમગ્ર ભારતનું શક્તિપ્રદર્શન હતુ જેનાથી ટ્રમ્પ અને સમગ્ર અમેરિકા પ્રભાવિત થયા વિના રહી શક્યું નથી !

એ હવા સ્પર્શી છે આંધીના  અડપલા માફક,

આજ પરવત પણ ધરૂજે છે તણખલા માફક !

Tags :