જ્ઞાનની વેદી પર વધેરાયેલા વિજ્ઞાની!
વિજ્ઞાન-વિશેષ: લલિત ખંભાયતા - હર્ષ મેસવાણિયા
એપ્રિલ ૧૨, ૧૬૩૩
'તમારા પર આરોપ છે કે તમે ચર્ચની માન્યતા વિરૂદ્ધના લખાણો લખીને સમાજને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે. અગાઉ ચેતવણી આપી હોવા છતાં આ ખોટી માન્યતા વિશે તમે વારંવાર લખતા રહ્યા છો. તમારા આ ગંભીર ગુના બદલ તમને સજા ફરમાવવામાં આવે છે કે...'
ધર્મગુરુઓની કોર્ટમાં ઉભેલા એ વૃદ્ધની કપાળની રેખાઓ સંકોચાઈ, સફેદ દાઢીના વાળ ફરફર્યા અને મૂછો નીચી નમી ગઈ. સિત્તેર વર્ષની પાકટ વયે હવે સજા સ્વીકારવા સિવાય કોઈ રસ્તો બચ્યો ન હતો. તેણે નમતું જોખ્યું એટલે સજા હળવી થઈ. જો તેણે પોતાની જિદ્દ પકડી રાખી હોત તો કદાચ જીવ ગુમાવવાનો વખત આવત. સમજદારી વાપરી એટલે હળવી સજા થઈ. હળવી એટલે કેવી? એવી કે હવે પછીની જિંદગી નજરકેદમાં ગુજારવાની હતી, ધર્મસત્તાની પરવાનગી વગર બહાર નીકળવાનું ન હતું, વિચારો તો વ્યક્ત કરવાના જ ન હતા પણ કંઈક બોલતી વખતેય ધ્યાન રાખવાનું હતું.
એ વૃદ્ધનું નામ વિજ્ઞાાન જગતના આકાશમાં આજે ઝળહળ પ્રકાશે છે, કેમ કે એ હતા ગેલેલિયો ગેલેલી!
પૃથ્વી બ્રહ્માંડનું કેન્દ્ર છે, સૂર્ય નથી એવું કેથોલિક (ખિસ્ત્રી) ધર્મગ્રંથોમાં લખ્યું હતું. ધર્મગુરુઓ એ વાતને જડની માફક વળગી રહેતા હતા. મધ્યયુગમાં યુરોપમાં જ્ઞાાન-વિજ્ઞાાન ક્ષેત્રે અંધકાર હતો. એવામાં નિકોલસ કોપરનિકસ નામના વિજ્ઞાાનીએ એવો દાવો રજૂ કર્યો કે કેન્દ્રમાં સુર્ય છે, પૃથ્વી નથી.
સુર્ય ધરીની માફક વચ્ચે છે અને આપણે પૃથ્વી સહિતના સૌ કોઈ ગ્રહો તેની આસપાસ ઘુમીએ છીએ. આવી વાત એ ધર્માંધતાના યુગમાં કહેવાની હિંમત કઈ રીતે થઈ શકે? કોપરનિકસે માત્ર કહી ન હતી લખીને પુસ્તક પ્રગટ કર્યું હતું. પણ એ લેટિન ભાષામાં હતું. માટે બહુ મર્યાદિત વર્ગ વાંચી શકતો હતો અને વાંચી શકે એમાંથી વળી મર્યાદિત વર્ગ સમજી શકતો હતો.
પરંતુ આ 'અપરાધ' બદલ કોપરનિકસ ચર્ચની આંખે ચડી ગયા હતા. લાંબા સફેદ ડગલામાં સજ્જ ધર્મગુરુઓ કોપરનિકસને કેવી સજા ફરમાવી શકાય એ નક્કી કરવા મીટિંગો કરી રહ્યાં હતા અને કાયદા-કાનૂનના થોથા ઉથલાવી રહ્યાં હતા. સદ્ભાગ્ય કોપરનિકસના કે ૧૫૩૯માં તેણે પોતાની આ થિયરી રજૂ કરી અને ચાર વર્ષ પછી ૧૫૪૩માં અવસાન થયું, સજા કરવાની નોબત જ ન આવી!
એના પછી પેદા થયેલા ગેલેલિયોએ કોપરનિકસની વાત પોતાના શબ્દોમાં વધારે મજબૂત દાખલા-દલીલો સાથે આગળ વધારી. એમનું કોપરનિકસ જેવું સદ્ભાગ્ય ન હતું. એ ચર્ચના ધ્યાને ચડયા અને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા. ધર્મગ્રંથમાં લખ્યું હોય તેનાથી અલગ પ્રકારની માન્યતા ધરાવવી એ તાલીબાની યુગમાં સ્વીકાર્ય ન હતી. એ માટે અનેક લોકોને ફાંસીએ લટકાવી દેવાયા હતા, જીવતા સળગાવી દેવાયા હતા.
એ વાત બરાબર સમજતા ગેલેલિયોએ શાણપણ અપનાવ્યું. પોતાની થિયરી તો લખી નાખી જ હતી. પરંતુ હવે એ આ વિશે કંઈ બોલશે નહીં અને જિંદગીના બાકીના વર્ષો નજરકેદમાં જ ગુજારશે એવી સજા સ્વીકારી લીધી. એ પછી લગભગ એકાંતવાસ કહી શકાય એવી સ્થિતિમાં ગેલેલિયો એક દાયકો જીવ્યા. એમના સિદ્ધાંતો આજેય જીવે છે એ અલગ વાત છે અને ધર્માંધતા પર તમાચો પણ છે.
એલન ટુરિંગ
વર્ષ ૧૯૩૯નું અને સ્થળ લંડનનું બ્લેથલી પાર્ક નામનું મકાન. જર્મની સામે બ્રિટનનું યુદ્ધ હવાઈ-જમીન-જળ મોરચે તો લડાઈ રહ્યું હતું, પરંતુ આ મકાનમાં પણ અલગ પ્રકારનો જંગ ચાલુ હતો. એ જંગ એટલે કોડ બ્રેકિંગ માટે કામ કરતા ગણિતજ્ઞાો! જર્મનોએ 'એનિગ્મા' નામનું મશીન તૈયાર કર્યું હતું, જેનાથી ગુપ્ત સંદેશો મોકલી શકાતો હતો. એ સંદેશો ઉકેલી શકાય એ માટે સંખ્યાબંધ કોડ-બ્રેકર્સ કામ કરતાં હતા અને એમાં એકનું નામ હતું એલન ટુરિંગ.
રાત-દિવસ, ખાધા-પીધાં વગર મથ્યા પછી જર્મનોના કોડ ઉકેલી શકે એવુ મશીન એલને તૈયાર કરી દીધું. ચર્ચિલ સહિતના બ્રિટિશ નેતાઓ રાજી થયા. જર્મનો સાંકેતિક ભાષામાં શું વાત કરે એ જાણી શકાતું હતું અને તેના આધારે સ્ટ્રેટેજી પ્લાન કરી શકાતી હતી. એ જ યુદ્ધની સફળતા હતી. કોડ બ્રેક કરી આપતા એલનના મશીનને થોડી નિષ્ફળતા મળી, થોડી સફળતા પણ મળી પરંતુ છેવટે યુદ્ધ પુરું થયું જેમાં બ્રિટન વિજેતા થયું. એ વિજયમાં એલનના ગણતરીબાજ દિમાગનો પણ ફાળો હતો.
યુદ્ધ પછી એલને વિવિધ સિદ્ધાંતો વિકસાવ્યા, જેમાંના એક સિદ્ધાંત પર આજનું કમ્પ્યુટર જગત ચાલે છે. પરંતુ એ એલન સામે ૧૯૫૧માં બ્રિટિશ સરકારને વાંધો પડયો. કેમ કે તેઓ સજાતીય સબંધ ધરાવતા હતા. એ જમાનાના બ્રિટનમાં ગે હોવું ગુનો હતો. ગઈકાલ સુધી જે એલનનો પડયો બોલ ઝીલાતો હતો, તેને પરેશાન કરવાનું સરકારે શરૂ કરી દીધું. એકલા રહેતા એલનને સરકારે બે વિકલ્પ આપ્યા, જેલવાસ ભોગવો અથવા હોમોસેક્સ્યુઆલિટીની સારવાર કરાવો.
એલને સારવાર કરવાનું પસંદ કર્યું, જેમાં હકીકતે તો ખસીકરણ થવાનું હતું, થયું પણ ખરા. એ પછી જગતનો મહાન કમ્પ્યુટર વિજ્ઞાાની રોજ રોજ શારીરિક-માનસિક રીતે ખવાતો ગયો. હાથ ધુ્રજવા લાગ્યા, ચહેરા પર કરચલી વધવા લાગી.. અને છેવટે ૧૯૫૪ની ૭મી જુને તેમણે આત્મહત્યા કરી લીધી. એ પહેલાં તેમણે કહ્યુું હતું કે આ સદીના અંત સુધીમાં આખુ જગત મશીન પર ચાલતું હશે અને એ મશીનનું નામ કમ્પ્યુટર!
રહી રહીને બ્રિટિશ સરકારને એલન ટયુરિંગનું મહત્ત્વ સમજાયું એટલે ૨૦૦૯માં એલન સાથે જાણે અજાણે થયેલા અન્યાય માટે બ્રિટિશ સરકારે માફી માંગી અને બ્રિટનના સર્વોચ્ચ સન્માન 'ઓર્ડર ઓફ બ્રિટિશ એમ્પાયર'થી પણ નવાજ્યા. અલબત્ત એ સન્માન લેવા એલન ક્યાં હયાત હતા! બ્રિટનમાં ઠેર ઠેર તેમના પૂતળાં મુકાયા, વિજ્ઞાાન સંસ્થાઓને તેમનું નામ અપાયું. બ્લેથ્લી હાઉસમાં જ્યાં એલન કામ કરતાં હતાં એ હટ નંબર ૮ યથાતથ સાચવી રખાઈ. એ કશું જોવા માટે એલન નથી!
મેરી ક્યૂરી
ફિઝિક્સ અને કેમેસ્ટ્રી એમ બબ્બે ક્ષેત્રમાં નોબેલ પારિતોષિક મેળવનારા એકમાત્ર મહિલા વિજ્ઞાાની મેરી ક્યૂરીનું નામ વિજ્ઞાાનજગતમાં એક સદી પછીય અદબભેર લેવાય છે. ૧૮૬૭માં જન્મેલાં મેરી રેડિયોએક્ટિવિટીનાં જનની છે. ૧૯૦૩માં પતિ પિઅરી ક્યૂરી સાથે મળીને રેડિયો તરંગોની બાબતે કરેલા સંશોધન બદલ બંનેને સંયુક્ત રીતે ફિઝિક્સનું નોબેલ એનાયત થયું હતું. એ પછી ૧૯૧૧માં રેડિયમ અને પોલોનિયમને ઓળખી બતાવવા માટે રસાયણશાસ્ત્રનું નોબેલ પ્રાઈઝ મળ્યું હતું.
બબ્બે નોબેલ મેળવનારા દુનિયાનાં પ્રથમ વિજ્ઞાાનીનું મૃત્યુ રેડિએશનના કારણે ૧૯૩૪માં થયું હતું. રેડિએશન શરીર માટે કેટલું ખતરનાક છે એ જાણકારી તે સમયે ન હતી. રેડિયમ અને પોલોનિયમની ગહેરી અસરો વિશે સંશોધન કરી રહ્યા હતા એ વખતે જ મેરી ક્યૂરીના શરીરમાં રેડિએશનની ખતરનાક આડઅસર થઈ. કેમકે તેમને સતત રેડિયોએક્ટિવ તત્ત્વો સાથે રહેવાનું થતું હતું. એ રેડિયેશને જ છેવટે મેડમ મેરીનો જીવ લીધો.
જીન ફ્રાન્સવા
ઊડ્ડયનના પ્રયોગો ૧૮મી સદીના સંશોધકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. જીન ફ્રાન્સવા ફ્રાન્સના એવા જ એક સાહસિક સંશોધક હતા. ૧૭૫૪માં જન્મેલા જીન ફ્રાન્સવાએ યુવાનીમાં જ ઊડવાના ખ્વાબ જોયા હતા. ૧૭૮૩માં ૨૧મી નવેમ્બરે દુનિયાનું પ્રથમ માનવરહિત હોટ એર બલૂન જીન ફ્રાન્સવાએ ઉડાડયું હતું.
એ પછી ૧૫મી જૂન, ૧૭૮૫ના દિવસે બલૂનમાં સવાર થઈને ઈંગ્લિશ ચેનલ પાર કરવાનો પ્રયાસ તેમણે કર્યો હતો. એ વખતે બલૂન તૂટી ગયું હતું અને એમાં તેમનું મૃત્યુ થયું. આજે સરળ બનેલાં ઉડ્ડયનની એ વખતે માત્ર કલ્પના થઈ શકતી હતી. એ કલ્પનાને હકીકત બનાવવાના પ્રયાસમાં સંશોધકે ખુદ જીવની આહૂતિ આપી દીધી હતી, પરંતુ તેણે બલૂનથી ઉડવામાં જે ટેકનિકનો ઉપયોગ કર્યો હતો એ દિશાદર્શક બની રહી. એ જ ડિઝાઈનના આધારે માઈકલ ફેરેડી (ફેરાડે નહીં)એ ૧૯૨૪માં મોર્ડન બલૂન વિકસાવ્યું હતું.
ફ્રાન્ઝ રેઈચેલ્ટ
ફ્રાન્સનો સંશોધક ફ્રાન્ઝ રેઈચેલ્ટ મૂળ તો કપડા સિવવાનું કામ કરતો હતો, પણ તેની આંખોમાં માણસને આકાશમાં ઊડાડવાનું સપનું અંજાયું હતું. ૧૮૭૯માં જન્મેલા ફ્રાન્ઝે ૧૯૧૨ની ૪થી ફેબુ્રઆરીએ એક પ્રયોગ હાથ ધર્યો હતો. પોતાનો જ બનાવેલો પેરાશૂટ પહેરીને તે એફિલ ટાવર પરથી પડતું મૂકવાનો હતો અને તેને જોવા માટે અસંખ્ય લોકો એકઠાં થયા હતા. અગાઉના થોડા અંતરના પ્રયોગમાં ફ્રાન્ઝને સફળતા મળી હતી એટલે વધુ પડતાં આત્મવિશ્વાસમાં તેણે એફિલ ટાવર પરથી પડતું મૂક્યું, પણ એ છલાંગ તેના જીવનની છેલ્લી ક્ષણ બની ગઈ હતી. એફિલ ટાવર પરથી કૂદનારો ફ્રાન્ઝ નીચે પડકાયો તે સાથે જ રામ રમી ગયા.
ઓરેલ વ્લેઈકુ
રોમાનિયામાં ૧૮૮૨માં જન્મેલા ઓરેલ વ્લેઈકુ વિમાન ઊડાવવાના પ્રયાસમાં મૃત્યુ પામ્યો હતો. પ્રતિભાશાળી સંશોધકોમાં તેની ગણતરી થતી હતી. ઓસ્ટ્રિલયા-હંગેરી નેવીમાં કામ કર્યા પછી ઓરેલને એક વિમાન ડિઝાઈન કરવાનો વિચાર આવ્યો હતો. ૧૯૧૦માં (રાઈટ બ્રધર્સ કરતાં ૩ વર્ષ અગાઉ) લશ્કરી તાલીમના ભાગરૂપે તેણે એક નાનકડું વિમાન બનાવીને તેનું જાત પરીક્ષણ પણ કર્યું હતું, જે સફળ રહ્યું હતું.
પર્વતમાળાને ઓળંગવાના પ્રયાસમાં તેને નિષ્ફળતા મળી હતી અને પ્રયોગ દરમિયાન તેનું મૃત્યુ થયું. જોકે, એ પછી તેના નામે ઉડ્ડયનની એક ઈન્સ્ટિટયૂટ શરૂ કરાઈ હતી. તેની ડિઝાઈનનું વિમાન આજેય સાચવી રાખવામાં આવ્યું છે. રોમાનિયામાં તેના સન્માનમાં તેના પ્રથમ સફળ ઉડ્ડયન દિવસને 'નેશનલ એવિએશન ડે' તરીકે ઉજવાય છે.
નિકોલાઈ વાવિલોવ
'સંયુક્ત રાષ્ટ્રસંઘ'ના 'ફૂડ અને અન્ન વિભાગ'ના અંદાજ પ્રમાણે કાળક્રમે જગતમાંથી ૭૫ ટકા પાકોના મૂળ-અસલ બિયારણો લુપ્ત થયા છે. આપણે ખાઈએ એ ઘઊં કે બાજરો કે મગ અસલ બિયારણના હોય એ બિલકુલ જરૂરી નથી. તો પછી અસલ બિયારણ ક્યાં છે? એ સવાલ સદી પહેલાં રશિયાના યુવાન નિકોલાઈ વાવિલોવને થયો. વિજ્ઞાાનમાં રસ ધરાવતા નિકોલાઈએ સંશોધનની દિશા બિયારણનાં મૂળ તરફ વાળી દીધી. ૧૯૪૦ સુધી દુનિયાનાં અનેક દેશોમાં ફરીને વિવિધ ધન-ધાન્યના અસલ-મૂળ બિયારણ શોધ્યાં.
કોઈપણ પાકના અસલ બિયારણનો અર્થ એવો થાય કે એ બિયારણ પૃથ્વી પર સતત બદલાઈ રહેલા વિપરિત સંજોગોમાં પણ ટકી શક્યું છે. આવાં બિયારણોની બેન્ક બને તો ધરતી પર જ્યારે-ક્યારેય અનાજની અછત સર્જાય ત્યારે એ કામ લાગી શકે. એવી બેન્કો હવે તો ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં છે. પરંતુ તેના મૂળમાં નિકોલાઈ છે. એ માટે નિકોલાઈને 'છોડ-વેલાના ડાર્વિન' તરીકે પણ ઓળખવામાં આવે છે. લગભગ અઢી લાખ બિયારણ નમૂના ભેગા કરનારા નિકોલાઈને રશિયાની બિયારણ (સીડ) બેન્કના વડા પણ બનાવાયા.
સંશોધન બરાબર ચાલી રહ્યું હતુ, ત્યાં રશિયા (૧૯૧૭)માં ક્રાંતિ થઈ, સત્તા બદલાઈ. સામ્યવાદી લેનિન એ પછી સ્ટાલિન.. એ સત્તાધિશોને વિજ્ઞાાનમાં ખાસ રસ પડયો નહીં. રસ ન પડયો ત્યાં સુધી તો વાંધો નહીં પણ નિકોલાઈ જાસૂસ હોવાનો આરોપ મુકી તેમની ધરપકડ કરી લેવાઈ. અસહ્ય ત્રાસ ગુજારાયો અને છેવટે આકરા જેલવાસ માટે મોકલી દેવાયા.
એ વખતે બીજું વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હતું, કેદમાં રહેલા નિકોલાઈનું શરીર રોજ રોજ પૂરતા ખોરાક-પાણીનાં અભાવે શીર્ણ થતું જતું હતું. એ જ સ્થિતિમાં ૧૯૪૩ની ૨૬મી જાન્યુઆરીએ તેમનું મોત થયું. બીજા શબ્દોમાં કહી શકાય કે જગતને ભૂખ્યા ન રહેવું પડે એ માટે દુનિયાફરીને સંશોધન કરનારા નિકોલાઈને રશિયન સરકારે ભૂખ્યા મારી નાખ્યા!
હોરાસ હન્લી
૧૮૬૧થી ૧૮૬૫ દરમિયાન અમેરિકન સિવિલ વોર વખતે આ એન્જિનિયરે સબમરીન બનાવી હતી. એ પહેલાં સબમરીનની શોધ તો થઈ ચૂકી હતી, પરંતુ હોરાસની આ સબમરીન ઘણી બધી રીતે અલગ ભાત પાડતી હતી. આ પહેલી એવી સબમરીન હતી કે જે દુશ્મનો સામે છુપાવી શકાતી હતી.
હોરાસ હન્લીની સબમરીનની ડિઝાઈનને પછી તો વિશ્વભરમાં આવકાર મળ્યો હતો, પણ કમનસીબે હોરાસ ખુદ એક નિયમિત ટેસ્ટના ભાગરૂપે સબમરીનને ટેસ્ટ કરી રહ્યો હતો ત્યારે ભરયુવાનીમાં સાત અન્ય સભ્યો સાથે ડૂબી ગયો હતો. તેના અન્ય સાથીઓએ સબમરીનને ડૂબતી બચાવી લીધી હતી, પરંતુ હસ્લી સહિતના આઠના મૃત્યુ થયાં હતા. પોતાની જ સબમરિન તેમના માટે અંતિમધામ બની.
એલેક્ઝાન્ડર બોગ્ડેનોવ
રશિય ફિઝિશિયન એલેક્ઝાન્ડર બોગ્ડેનોવનો જન્મ ૧૮૭૩માં થયો હતો. ૧૯૨૮માં મૃત્યુ થયું ત્યાં સુધીમાં એલેક્ઝાન્ડરે કેટલાય ક્ષેત્રોમાં સદ્ધર કામ કર્યું હતું. ફિઝિશ્યન ઉપરાંત એલેક્ઝાન્ડર ફિલોસોફર પણ હતો અને સાયન્સ ફિક્શન રાઈટર તરીકે ય નામ કમાયો હતો. અત્યારે દર્દીને જરૂર પડયે તુરંત લોહીની બોટલ ચડાવી દેવાય છે.
દર્દીને લાગુ પડતા બ્લડ ગૃપનું બ્લડ જેટલી સરળતાથી આજે ચડાવાય છે એવું ૧૯મી સદીના અંતમાં શક્ય બન્યું ન હતું. એ વખતે એલેક્ઝાન્ડરે અસંખ્ય પ્રયોગો કર્યા હતા અને આખરે એવા જ એક વિરૂદ્ધ બ્લડ ગૃપનું ટેસ્ટિંગ પોતાના શરીર સાથે ૧૯૨૮માં કર્યું હતું અને તેની આડઅસરથી આ પ્રતિભાશાળી ફિઝિશ્યનનું ૫૪ વર્ષની વયે નિધન થયું.
ઘણી વખત નવા સંશોધનો જૂના કાયદા સામે હાંફી જાય છે. ક્રાંતિકારી સંશોધકોનું દુર્ભાગ્ય એ હોય છે કે તેની પાસે જે દૃષ્ટિ હોય છે એ દૃષ્ટિ એમના સમયના જમાનાની આંખમાં હોતી નથી. કાયદામાં તુરંત ફેરફાર થતો નથી અને સતત ફેરફાર ન થાય તો એ સંશોધન નથી! બસ, આ ભેદ સમજી શકવામાં દાયકાઓ, સદીઓ વીતી જાય છે.
વેલ, જમાનાથી આગળની શોધ કરવા બદલ સજા મેળવનારા કે સજા પામનારા કે પછી જીવ ગુમવનારા આ વિજ્ઞાાનીઓ પહેલા નથી, કમનસીબે છેલ્લાં પણ નહીં જ હોય!
જિઓર્ડાનો બુ્રનો
ઈટાલિના નોલા શહેરમાં ૧૫૪૮માં એનો જન્મ થયો. ત્યારે નામ ફિલિપો પાડયું હતું, પાછળથી જિઓર્ડાનો તરીકે પ્રચલિત થયા. નેપલ્સમાં ભણી લીધા પછી તેને ચર્ચમાં જ પાદરી તરીકે નોકરી મળી ગઈ. બાઈબલમાં લખ્યું હોય એ પોતાના મગજમાં ઉતારી લીધા પછી લોકોના મગજમાં રોપી દેવાનું તેનું કામ હતું. કમનસીબે બુ્રનોના મગજમાં જ ધર્મગ્રંથોની કેટલીક વાતો ઉતરી નહીં. તેણે સવાલ કર્યા તો વડા ધર્મધુરંધરોએ ચૂપ કરી દીધા : ધર્મના મુદ્દે સવાલ નહીં કરવાનો!
પણ બુ્રનોને સવાલ થતો હતો અને જવાબ પણ મળતો હતો. તેના મતે બ્રહ્માંડનું કોઈ કેન્દ્ર નથી, બધા તારા-ગ્રહો ફરતા રહે છે (એ વાત આજે સાચી પડી). આવું તેમણે ગેલેલિયો કરતાં ઘણા વર્ષો પહેલાં કહી દીધું હતું. પોતાના વિચારોને સ્થાન આપવા પેરિસ અને લંડનમાં પણ તેમણે કામ કર્યું. પરંતુ ત્યાં તેઓ ઈટાલિયન જાસૂસ હોવાની શંકા રજૂ થઈ. હરી-ફરીને પાછા ઈટાલી આવી ગયા. એ કદાચ એમની ભૂલ હતી. રોમમાં તેમના વિચારો માટે જેલવાસની સજા થઈ. છ વર્ષ જેલમાં કાઢ્યા પછી પણ તેમણે પોતાના વિચારો ધિક્કાર્યા નહીં અને ચર્ચના વિચારો સ્વીકાર્યા નહીં.
ધર્મગુરુઓએ વધારે આકરી સજા કરવાનું નક્કી કર્યું. કોર્ટ ભરાઈ. દલીલ-પ્રતીદલીલ થઈ. ન્યાય તોળવા બેઠેલા અધિકારીઓ સજા સંભળાવવામાં વાર કરતા હતા એટલે બુ્રનોએ નીડરતાપૂર્વક કહ્યું : 'મને સજા મેળવવાનો જેટલો ડર છે, તેનાથી અનેક ગણો ડર તમને સજા સંભળાવાનો લાગી રહ્યો છે (કેમ કે તમારા પેટમાં પાપ છે).' એ પછી બુ્રનોને સજા સંભળાવી દેવાઈ.
૧૭ ફેબુ્રઆરી, ૧૬૦૦ના દિવસે રોમના કોમ્પો દ ફોરી નામના ચોકમાં બુ્રનોને બાંધી દેવાયા. એ જ ચોક હતો જ્યાં પંદરસો વર્ષ પહેલા ઈસવીસન પૂર્વે ૪૪માં જુલિયસ સિઝરની હત્યા થઈ હતી. બાંધતા પહેલાં બુ્રનોના વસ્ત્રો ઉતારી લેવાયા હતા. અધિકારીનો ઈશારો થયો એટલે આગ લગાવાઈ અને વિજ્ઞાાનની વેદી પર એ ભળભળ સળગી ગયો...
'ડિઝાઈનર બેબી' માટે કારાવાસ
નવેમ્બર ૨૦૧૯માં ચીનના ત્રણ વિજ્ઞાાનિકોએ ડીએનએમાં ફેરફાર કરીને ટ્વીન્સને જન્મ અપાવ્યો. ચીની સરકારે તુરંત મામલો હાથમાં લઈને ત્રણેયને જાન્યુઆરી ૨૦૨૦માં તો સજા પણ ફટકારી દીધી. કારણ? કારણ કે ડીએનએમાં ફેરફાર કરવો એ ઘણા દેશોની માફક ચીનમાં પણ ગુનો છે, માત્ર ગુનો નહીં ગંભીર ગુનો છે.
ડીએનએમાં ફેરફાર કરવો જોઈએ કે નહીં એ મુદ્દે દુનિયાભરના એક્સપર્ટ્સ એકમત નથી. એમાંય ચીની વિજ્ઞાાનિકોના દાવા પછી એ ચર્ચાએ ફરીથી જોર પકડયું હતું. કેટલાય વિજ્ઞાાનિકો ડિઝાઈનર બેબીઝના સમર્થક છે. એનાથી શરીરના મૂળભૂત બંધારણમાં ફેરફાર કરી શકાતો હોવાથી લાંબાંગાળે માનવજાતને અનેક બીમારીઓથી બચાવી શકાય એવી ઉજળી શક્યતા છે. જ્યારે બીજો મત એવો છે કે ડીએનએમાં ફેરફાર ન કરવો જોઈએ. આ પ્રક્રિયા કુદરતી ક્રમની વિરૂદ્ધમાં હોવાથી તે યોગ્ય નથી.
આવાં વાદ-વિવાદ વચ્ચે ચીની સરકારે ગેરકાયદે મેડિકલ પ્રેક્ટિસના આરોપ હેઠળ મુખ્ય સંશોધક જિયાનકુઈ અને બે સહાયક વિજ્ઞાાનિકો ઝેંક રેન્લી અને ક્વિનજિહોઉ વિરૂદ્ધ તપાસ શરૂ કરી હતી. ચીની કોર્ટે ડીએનએમાં છેડછાડ કરવાના આરોપમાં ત્રણેયને ગુનેગાર ઠરાવીને સજા ફટકારી. કોર્ટે મુખ્ય વિજ્ઞાાની જિયાનકુઈને ત્રણ વર્ષની જેલ અને ૪,૩૦,૦૦૦ ડોલરનો દંડ ફટકાર્યો. બીજા બે સંશોધકો પૈકી ઝેંકને બે વર્ષ અને ક્વિનજિહોઉને દોઢ વર્ષની જેલની સજા કરી છે.