ત્રણ દિવસની ધ્યાન શિબિરમાં મેળવો ઇન્સ્ટન્ટ સમાધિ !
જાણ્યું છતાં અજાણ્યું - મુનીન્દ્ર
ધ્યાનના માર્ગે યાત્રા કરીને સાધક મનની એકાગ્રતાથી છેક એમની સર્વોચ્ચ સ્થિતિ સુધી નિર્વિકલ્પ સમાધિ સુધી પહોંચી શકે છે. આ સંદર્ભમાં ધ્યાનમાર્ગના અનુભવી અને ગુજરાતમાં રહીને સમગ્ર વિશ્વમાં સ્વામી વિવેકાનંદનો સંદેશો પ્રસરાવનાર સ્વામી નિખિલેશ્વરાનંદજીના આ વિષયના વિચારો આધ્યાત્મિક તો છે જ પરંતુ એથી ય વધુ અનુભવસિદ્ધ છે. તેઓ કહે છે કે,
'કેટલાક લોકો આવીને કહેતા હોય છે, 'અમે ધ્યાનમાં તો બેસીએ છીએ, નિયમિત ધ્યાન કરીએ છીએ, પણ ધ્યાનમાં મન લાગતું નથી. વળી આશ્ચર્યની વાત તો એ છે કે સામાન્ય સંજોગોમાં તો મન હજી સ્થિર હોય, ભટકતું ન હોય, પણ જેવું ધ્યાન શરુ કર્યું કે મનમાં કોણ જાણે ક્યાંથી કદી પણ ન કર્યા હોય એવા વિચારો આવવા લાગે છે. ધ્યાનમાં મન બહુ ભટકવા લાગે છે.''
જો જલદીથી ધ્યાનમાં મન લાગી જાય તો આશ્ચર્ય કહેવાય. એ તો જન્મસિદ્ધ યોગી હોય તો જ. ધ્યાનમાં એનું મન તત્કાળ એકાગ્ર થઈ જાય. મોટા ભાગના સાધકોને તો આ માટે વર્ષો સુધી પ્રયત્નો કરવા પડે છે, કેમ કે મનનો સ્વભાવ જ ચંચળ છે. વળી ઇન્દ્રિયો બહિર્મુખી છે તેને અંતરમાં વાળવી પડે છે. આ માટે અભ્યાસ જરૂરી છે.
વળી નિયમિતપણે ધ્યાન કરવું આવશ્યક છે. દરરોજ જો નિશ્ચિત સમયે ધ્યાન કરવામાં આવે, તો થોડા સમયમાં મન તૈયાર થઈ જાય છે. વળી, મનને ધ્યાનની અગત્ય સમજાતી નથી એટલે તે તેની પ્રકૃતિ પ્રમાણે ઠેકડા મારે છે. આપણે રૂપિયા- પૈસાનો પૂરેપૂરો હિસાબ રાખીએ છીએ, તેમાં એક રૂપિયાનો પણ ગોટાળો ચલાવી લેતા નથી પણ અમૂલ્ય એવી ક્ષણોનો આપણે વ્યવસ્થિત હિસાબ રાખતા નથી.
એને નિરર્થક વેડફી દઈએ છીએ. જપ- ધ્યાન દ્વારા આ ક્ષણો તો પ્રભુની શાશ્વત બેંકમાં જમા થાય છે અને પછી ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે એનું વળતર જન્મોજન્મ સુધી મળ્યા કરે છે. પણ એ અદ્ભુત બેંકની આપણને ખબર નથી, એટલે ક્ષણોને કોઈ ઉડાઉની માફક જેમ ફાવે તેમ વેડફી નાખીએ છીએ.
મનમાં જો અશુદ્ધિ અને મલિનતા ભરેલા હશે, તો પણ મન ભગવાનમાં એકાગ્ર થઈ શકતું નથી. પ્રથમ ચિત્તશુદ્ધિ આવશ્યક છે અને તે માટે અષ્ટાંગ યોગના છ પગથિયા ચડવાં પડે છે. ધ્યાન એ તો છેક સાતમું પગથિયું છે. એકાએક છલાંગ લગાવીને સાતમા પગથિયે પહોંચી શકાતું નથી. ક્રમશ: એક એક પગથિયું સિદ્ધ કરીને સાતમા પગથિયે પહોંચતા તો મન, દેહ અને પ્રાણશક્તિ બધું જ પવિત્ર અને સ્વસ્થ બની જાય છે.
એ પછી ધ્યાન માટે અભ્યાસ કરવો પડતો નથી. પણ આજકાલ લોકોને તાત્કાલીક સમાધિનો અનુભવ કરવો છે અને એવા કહેવાતા ગુરુ ત્રણ દિવસની ધ્યાનશિબિરમાં હજારો રૂપિયા લઈને ઇન્સ્ટન્ટ સમાધિનો અનુભવ પણ કરાવે છે ! ત્યારે પ્રશ્ન એ થાય છે કે આપણા ઋષિ-મુનિઓ વર્ષોની કઠિન તપશ્ચર્યા બાદ સમાધિ પ્રાપ્ત કરતા હતા. આજના યુગમાં જીવનભરની તપશ્ચર્યા દ્વારા જ સમાધિની ઉચ્ચ ભૂમિકા યોગીઓ મેળવે છે. એ સમાધિ શું ત્રણ કલાકમાં મળી શકે ખરી ? પણ ભોળા અને મૂર્ખ લોકોને ભરમાવનારા ઘણા પાખંડીઓ પણ નીકળી પડયા છે !
જે સમાધિના થોડી ક્ષણોના અનુભવે સમગ્ર જીવન પલટાઈ જાય, ફરી ફરી એ બ્રહ્મસ્થિતિમાં જવાની ઇચ્છા થાય, એ જ સાચી સમાધિ, જે વરસોની સાધના પછી પ્રાપ્ત થાય છે. વળી પાત્ર તૈયાર ન હોય અને જો સમાધિ મળે તો ભારે નુકસાન થઈ શકે છે. તપશ્ચર્યા કરવાનું કારણ જ પાત્રની સંપૂર્ણ શુદ્ધિ છે. દક્ષિણેશ્વરના કાલીમંદિરની માલિક રાણી રાસમણિના જમાઈ મથુરબાબુને શ્રીકૃષ્ણ ઉપર વિશેષ ભાવ હતો. તેઓ તેમની આંતરિક શક્તિઓથી પરિચિત હતા.
એક દિવસ તેમણે શ્રીરામકૃષ્ણ પાસે હઠ લીધી, 'મને ભાવસમાધિ આપો.' શ્રીરામકૃષ્ણે કહ્યું, 'રહેવા દો, તમે જે છો તે બરાબર છો.' પણ આવી વારંવારની માગણી પછી શ્રીરામકૃષ્ણ દેવે એમને સ્પર્શ કર્યો. તેઓ ભાવ સમાધિમાં આવી ગયા. કેટલાય દિવસો એ જ સ્થિતિમાં રહ્યા. થોડા દિવસો પછી શ્રીરામકૃષ્ણ પાસે આવીે કહ્યું, 'મને હતો તેવો કરી દો, આ સ્થિતિમાં તો જમીન- જાગીરના કોઈ કામ નથી કરી શકતો.' પછી રામકૃષ્ણ દેવે એમનો ભાવ પાછો ખેંચી લીધો.
આધાર તૈયાર ન હોય તો ધ્યાન ને ભાવસમાધિનાં વિપરીત પરિણામ પણ આવી શકે. ચિત્તશુદ્ધિ માટે લાંબા સમય સુધી જાગ્રત રહીને પ્રયત્નો કરવા પડે છે. આમાં કોઈ ઇન્સ્ટન્ટ માર્ગ નથી. સિવાય ભગવદ્ કૃપા કે ગુરુકૃપા એ પણ એને જ મળે છે, જેઓ તૈયાર હોય.
ધ્યાનની બાબતમાં જનસામાન્યનો એક બીજો સામાન્ય અનુભવ એ છે કે જ્યારે ધ્યાનનો અભ્યાસ શરૂ નહોતો કર્યો, ત્યારે તો મન બરાબર ચાલતું હતું પણ જેવો અભ્યાસ શરૂ કર્યો ને ધ્યાનમાં બેઠા કે અનેક પ્રકારના આડાઅવળા વિચારો આવવા શરૂ થઈ જાય છે, તો આવું શા માટે થતું હશે ?
એનું એક કારણ તો સાધકના અચેતન મનમાં પડેલા સંસ્કારો બહાર આવે છે. ધ્યાનથી અચેતન મનને વલોવવાની પ્રક્રિયા શરૂ થાય છે. સમુદ્રમંથન કરતાં પહેલાં તો ઝેર જ નીકળ્યું હતું. અમૃત તો સહુથી છેલ્લે નીકળ્યું. એવું જ અહીં પણ બને છે. ધ્યાનમાં બેસતા કદી પણ કલ્પના પણ ન કરી હોય એવા વિચારો આવી ચઢે છે, ત્યારે સાધકને થાય છે કે કોઈ ભૂતપ્રેત તો વળગ્યું નથી ને? ભગવાન બુદ્ધે જ્યારે ધ્યાન શરૂ કર્યું ત્યારે મારની આખી સેનાનો સામનો કરવો પડયો હતો.
આ માર એટલે બીજું કંઈ નહી, પણ પૂર્વજન્મના સંસ્કારોનું ઘનીભૂત રૂપ, ધ્યાન શરૂ કરતા જ અચેતન મનમાંથી અશુદ્ધિ બહાર આવે છે એટલે એમ માનવાનું નહીં કે પહેલાં આપણે સારાં હતા કે આપણને આવા વિચારો કદી આવતા નહોતા અને હવે ખરાબ થઈ ગયા છીએ !
આ તો ખાટલા નીચે સંતાયેલો ચોર બહાર નીકળ્યો છે. લાઇટ કરવામાં આવે તો સંતાયેલા ચોર બહાર નીકળે છે. હવે બે રસ્તા છે,
એક તો લાઇટ બંધ કરીને સૂઈ જવાનું અને માની લેવાનું કે ચોર નથી. પણ સૂઈ ગયા પછી પણ ચોર તો એનું કામ કરવાનો જ છે. તે ગળું દબાવીને મારી નાખશે અને લૂંટી લેેેશે એટલે ચોરને જોઈ ગયા છીએ, પછી સારી રીતે ઉંઘી શકાતું નથી. આથી એક જ રસ્તો છે કે ધક્કો મારીને ચોરને દરવાજાની બહાર કાઢી મૂકવો. પછી બધું સલામત, એવું જ અહીં પણ બને છે. ધ્યાનનો પ્રકાશ આવતા અંદર બેઠેલો ચોર અને રાક્ષસો બહાર આવે છે. આ રાક્ષસોને હવે આપણે અંદરથી બહાર કાઢી મૂકવાના રહ્યા.
આ વિશે શ્રીરામકૃષ્ણ દેવના અંતરંગ શિષ્ય સ્વામી શ્રી અદ્ભુતાનંદજી કહે છે, 'ભગવાનનું નામ લેવાથી, અને ધ્યાન કરવાથી ગરમી ઉત્પન્ન થાય છે અને અંદર રહેલા રાક્ષસો આ સહન કરી શકતા નથી. તેઓ અચેતન મનમાંથી સચેતન મનમાં આવી જાય છે.' તો પછી શું કરવાનું ? જે ઉપાયથી તેઓ બહાર આવ્યા, એ જ ઉપાયથી સચેતન મનમાંથી ફેંકી દેવાના છે. એટલે કે ધ્યાન અને ભગવાનના નામનો જાપ સતત ચાલુ રાખવાથી એ રાક્ષસો ચાલ્યા જાય છે. પછી તો મન એવું બની જાય છે કે એ રાક્ષસો એમાં પ્રવેશી શકતા નથી.
એટલે ધ્યાનની શરૂઆતમાં ખરાબ વિચારો આવે તો બિલકુલ ગભરાયા વગર ધ્યાન ચાલુ રાખવું જોઈએ. જો અધવચ્ચેથી ધ્યાન છોડી દેવામાં આવે તો પછી મન ક્યારેય ધ્યાનમાં લાગતું નથી. મનનું શાહીના ખડિયા જેવું છે. શાહીનો ખડિયો ધોતા હોઈએ, તો જેવું પાણી નાખીએ તેવું બ્લ્યૂ થઈ જાય અને તે ત્યાં સુધી બ્લ્યૂ થતું રહેશે જ્યાં સુધી એમાં સૂક્ષ્મ રીતે પણ શાહીના પરમાણુ છૂપાયેલા હશે.
સાવ સ્વચ્છ થઈ જાય પછી જ શુદ્ધ પાણી રહેશે. મનમાં પણ જ્યાં સુધી અશુદ્ધિ રહેલી હશે, ત્યાં સુધી ધ્યાન વખતે એ બહાર આવવાની જ. પણ વધુ ને વધુ ધ્યાન કરતા પછી એ અશુદ્ધિ દૂર થઈ જતાં મન પણ શાહીના ખડિયાની માફક સ્વચ્છ અને નિર્મળ બની જાય છે. આવું શુદ્ધ મન પરમાત્મામાં સહેલાઈથી એકાગ્ર બને છે.
ધ્યાન એ મન માટે હોમિયોપેથીની દવા જેવું છે. હોમિયોપેથીની દવાથી શરૂઆતમાં તો રોગ વધે છે. રોગ એના પૂરા સ્વરૂપમાં બહાર આવે છે, આથી ઘણા લોકો કહે છે કે આ દવાથી તો રોગ વધી ગયો પણ પછી એ દવા રોગને જડમૂળમાંથી કાઢે છે. એમ ધ્યાન શરૂ કરવાથી શરૂઆતમાં બધી ગંદકી જડમૂળમાંથી જાય છે. ધ્યાન મનુષ્યને નિતાંત શુદ્ધ અને પવિત્ર બનાવે છે. આથી શરૂઆતના તબક્કામાં ધ્યાનને પરિણામે જે કોઈ અંદરથી બહાર આવે તે આવવા દેવું અને ચિંતા કરવાને બદલે ખુશી થવું જોઈએ કે અંદર બધું સ્વચ્છ થઈ રહ્યું છે.
પરંતુ જો એ ખરાબ વિચારો સામે લડવામાં આવે તો તે મનમાં સવાર થઈ જાય છે અને માણસ થાકી જાય છે અને ધ્યાન છોડી દે છે. કેમ કે મનનું એવું છે કે એને જેની ના પાડવામાં આવે તે જ તે ધરાર કરે છે.
ખરાબ વિચારો નથી કરવાના એટલે એ મનમાં આવવાના જ. પણ એની સાથે લડયા- ઝઘડયા વગર એનો વિચાર કર્યા વગર, એની ઉપેક્ષા કરીને ધ્યાન ચાલુ જ રાખવાથી પછી એ જતા રહે છે.
કેટલાક પ્રશ્ન કરે છે કે ધ્યાનમાં વિચારો આવે, ત્યારે શું કરવું ? ધ્યાન દરમિયાન તરંગો કે વિચારોનો ઉદ્ભવે તો એ સૂચવે છે કે તમારું મન એકાગ્રતા તરફ આગળ વધે છે. ક્યારેક મન અમુક ચોક્કસ ભાવો ઉપર એકાગ્રતા થાય છે. તેને સવિકલ્પ એટલે સ્પંદન રહિત સમાધિ કહેવામાં આવે છે, પરંતુ જ્યારે મન લગભગ બધી જ પ્રવૃત્તિઓથી મુક્ત થઈ અનંત જ્ઞાાનના સારભૂત આત્મામાં વિલીન થઈ જાય, ત્યારે આ નિર્વિકલ્પ સમાધિ કહેવાય છે. આ રીતે મનની સર્વોચ્ચ સ્થિતિ નિર્વિકલ્પ સમાધિ સુધી પહોંચી શકાય છે.