Get The App

વજન સરળતાથી ઓછું કરવાના અદ્ભુત રસ્તા

ફિટનેસ - મુકુંદ મહેતા

Updated: Jan 11th, 2020

GS TEAM

Google News
Google News
વજન સરળતાથી ઓછું કરવાના અદ્ભુત રસ્તા 1 - image


રોજ ૩ કિલોમીટર ચાલો તો રોજની ૧૦૦થી ૧૫૦ કેલરી બળે. ૩૦ દિવસ ચાલો તો ૪૫૦૦ કેલરી બળે, થોડું ઓછું ખાઓ તો મહિનામાં અંદાજે ૩થી ૪ કિલો વજન ઓછું થાય 

જેમનું વજન વધારે છે તેવા સૌ આ લેખ વાંચતાં પહેલા પોતાના માપ લઈ લો.

૧. ઉંચાઈ, છાતી, કમર, હિપ્સ, સાથળ, બાવડા, ગળું (ગરદન)ને માપી નોંધ કરી લો.

૨. તમારું વજન કિલોગ્રામમાં અને ઉંચાઈ મિટરમાં માપી અને તમારો બોડી માસ ઈન્ડેક્સ કાઢવા વજન ભાગ્યા ઉંચાઈને સ્કવેર એ તમારો બી.એમ.આઈ. કહેવાય. તે પણ તમારા ઉપર નોંધેલા માપ સાથે નોંધી લો.

હવે નીચે જણાવેલી બાબતો એક વાર વાંચી પછી અમલમાં મૂકો.

૧. આજથી 'વિટામીન 'ઓ' લેવા માંડો: બધા જ વિટામિનના નામ તમે સાંભળ્યા હશે આજથી તમારે એક નવું વિટામિન વધારે પ્રમાણમાં લેવાનું છે. આ વિટામિન તમારે ટેબલેટ કે ઈન્જેક્શન રૂપે લેવાનું નથી. તેમજ તેને માટે તમારે એક પણ પૈસો ખર્ચવાનો નથી. આ વિટામીન બજારમાં નહી મળે પણ તમે તમારી આજુબાજુની હવામાં તમે જન્મ્યા ત્યારથી છે અને તમે શ્વાસ લો છો ત્યાં સુધી તે રહેવાનું છે. તે વિટામિન 'ઓ' એટલે 'ઓક્સીજન' જે તમે રોજ શ્વાસમાં લો છો પણ આજથી વધારે પ્રમાણમાં લેવાનું છે.

આ માટે 'બેલી બ્રિધિંગ' શીખી જાઓ. વિટામિન 'ઓ' (ઓક્સીજન) વધારે લેવાની રીત એટલે બેલી-બ્રિધિંગ કહેવાય. પથારીમાં બેસો. તમે કઈ રીતે શ્વાસ લો છો તે જુઓ. તમારી ફુલ કેપેસિટીથી તમે શ્વાસ લો છો ખરા? તમે શ્વાસ લો છો ત્યારે ફક્ત તમારી છાતી ઉંચી નીચી થાય છે પણ પેટ ઊંચું કે નીચું થતું નથી. એનો અર્થ કે તમે છાતીથી શ્વાસ લો છો પણ પેટથી નથી લેતા, સાચો રસ્તો છે પેટથી શ્વાસ લેવાનો જેને 'બેલી બ્રિધિંગ' કહેવાય.

તે કરવાની રીત અમલમાં મૂકો. બંને હાથની આંગળીઓ એકબીજાને અડે એ રીતે બંને હાથના પંજાને પેટ ઉપર મૂકો પછી ખૂબ ઊંડો શ્વાસ લો અને પછી શ્વાસ ધીરે ધીરે બહાર કાઢો. ઊંડો શ્વાસ લેતી વખતે તમારું પેટ અને તેની ઉપર રાખેલા હાથના પંજા ઊંચા થાય છે અને શ્વાસ બહાર કાઢતી વખતે પેટ અને પંજા નીચે જાય છે. આ ક્રિયાની ધીરે ધીરે ટેવ પાડો. તમારા પેટને ફુગ્ગો (બલૂન) માનો અને દરેક શ્વાસ લેતી વખતે જાણે ફુગ્ગો ફુલાવતા હોઈએ તેવી ક્રિયા કરો.

ફક્ત છાતી ઉંચી નીચી થાય તેવી રીતે શ્વાસ લેવાને બદલે નવી રીતે શ્વાસોશ્વાસ લેવાની ક્રિયા 'બેલી બ્રિધિંગ' શરુ કરી દો. જ્યારે જ્યારે સમય મળે ત્યારે 'બેલી બ્રિધિંગ' કરવાથી તમારા શરીરમાં ઓક્સીજન વધારે પ્રમાણમાં જશે. આ ઓક્સીજનને લીધે તમારા પેટ ઉપરની ચરબી ઓગળશે અને તમારા આંતરડા તમે લીધેલા ખોરાકમાંથી બધા જ શક્તિ આપનારા પદાર્થો (ન્યુટ્રિઅન્ટસ)નો ઉપયોગ કરશે. આ ફાયદા ઉપરાંત 'બેલી બ્રિધિંગ'નો બીજો ફાયદો એ થશે કે તમને તમારું પેટ થોડોક જ ખોરાક ખાવા છતાં ભરેલું લાગશે અને તમે જેમ જેમ સમય જશે તેમ ઓછું ખાશો. તેથી વજનમાં લાંબે ગાળે ફેર પડશે.

૨. વિટામિન ડી-૩ (૨૫ હાઈડ્રોક્સી વિટામિન ડી)નું પ્રમાણ નોર્મલ રાખો: કેલ્શ્યિમ નામના મિનરલ્સ સાથે રહીને વિટામિન ડી-૩ હાડકાં મજબૂત બનાવવાનું કામ કરે છે તે સિવાય વૈજ્ઞાાનિકોના જણાવ્યા પ્રમાણે શરીરના અગણિત કોષના બંધારણમાં, ડાયાબિટીસને કાબુમાં રાખવામાં, શરીરની રોગ પ્રતિકારક શક્તિ (ઈમ્યુનિટી) વધારવામાં, ચામડીની તંદુરસ્તી જીવનભર જાળવવામાં વિટામિન ડી-૩ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે.

વિટામિન ડી-૩નું પ્રમાણ તમારા લોહીમાં ૩૦ નેનોગ્રામ્સ/મિલીલીટરથી ૧૦૦ નેનોગ્રામ્સ/મિલીલીટર હોવું જોઈએ. વિટામિન ડી-૩ કોઈપણ વેજિટેરિયન ખોરાકમાં મળતું નથી તે પૂરતા પ્રમાણમાં મળે માટે પ્રાણીજ પદાર્થો દૂધ, દહીં, યોગર્ટ, પનીર, માછલી તેમજ જેમાં વિટામિન ડી-૩ નાખેલું હોય (ફોર્ટિફાઈડ)નો તેનો ઉપયોગ ખોરાકમાં કરવો જોઈએ અથવા દવાવાળાને ત્યાં મળતા વિટામિન ડી-૩ સપ્લીમેન્ટ લેવા જોઈએ. વિટામિન ડી-૩ મેળવવાનો બીજો એક કુદરતી ઉપચાર સવારના કુણા તડકામાં ૨૦ મિનિટ ખુલ્લા શરીરે બેસવાનો છે.

૩. ફક્ત ચાવવાની ક્રિયાથી તમારું વજન ઓછું કરો.: વૈજ્ઞાાનિકોના જણાવ્યા પ્રમાણે તમે ખાધેલા ખોરાકની પાચન ક્રિયા તમારા મોંથી શરૂઆત થાય છે એટલે કે ખોરાકને દાંતથી ચાવી અને મોંમાં નીકળેલી લાળ સાથે ભેળવીને પછી અન્નનળી મારફતે હોજરીમાં જાય છે. કોઈ ખોરાકને જેટલો વધારે ચાવો એટલી લાળ વધારે નીકળે અને લીધેલો ખોરાક વધારે પ્રવાહી બને.

આને કારણે તમારી હોજરીમાં ખોરાક વધારે વખત પડયો ના રહે અને તેથી પેટની તકલીફો ગેસ, દુખાવો, અપચો, ઉબકા, ઉલટી અને એસિડિટી થાય નહીં અને લગભગ પાચન થયેલો જાડા પ્રવાહી જેવો (આલ્કલાઈન) ખોરાક નાના આંતરડામાં જાય અને ત્યાં પાચન થયેલા પ્રવાહી ખોરાકમાંથી પૌષ્ટિક તત્ત્વો ચૂસાઈ (એબ્સોર્બ થઈ) અને લોહીમાં ભળી જાય. આ રીતે તમે ખોરાકને ચાવીને ખાવાની ટેવ પાડશો તો તમને ખ્યાલ નહી આવે તે રીતે તમે ઓછું ખાતા થઈ જશો અને બીજી કોઈ પણ તકલીફ વગર તમારું વજન ઓછું થશે.

૪. જાદુઈ ચ્હા પીઓ અને વજન ઓછું કરો.: નીચે જણાવ્યા પ્રમાણે તમારા ઘરમાં જાદુઈ ચ્હા બનાવો અને રોજ એક કપ પીઓ. તપેલીમાં બે કપ પાણી લો. તેમાં એ. આદુનો નાનો ટુકડો બી. અર્ધા લીંબુનો રસ સી. બે કે ત્રણ કાળા મરી ડી. તજનો નાનો ટુકડો. ઈ. બે ઈલાયચીના વહેલાં દાણાનો ભૂકો અને એફ. બે લવિંગ નાખી એક કપ જેટલું પાણી રહે તેટલું ઉકાળો પછી થોડું ઠંડું થવા દઈ તેને એક કપમાં ગાળીને એક ચમચી મધ નાખીને થોડી ગરમ હોય તેવી તમે બનાવેલી જાદુઈ ચ્હા રોજ એક કે બે વખત પીઓ. 

વૈજ્ઞાાનિકોએ ભાર દઈને જણાવ્યું છે કે જો તમારા શરીરમાં હવા, પાણી અને ખોરાક મારફતે દાખલ થયેલા અનેક પ્રકારના ઝેરી (ટોક્સિક) પદાર્થો તેમજ ફંગસ અને યીસ્ટનો નાશ કરી અને શરીરને ચોખ્ખું (ડિટોક્સીફાય) કરવા માટેનો આ શ્રેષ્ઠ રસ્તો છે. કદાચ આ જાદુઈ ચ્હા તમને ભાવે નહીં તો જો તમે રોજ ઘરમાં બ્લેક ટી કે ગ્રીન ટી પીતા હો તેમાં ઉપર જણાવેલી વસ્તુઓ નાખી અને પીશો તો પણ ચાલશે.

૫. ત્રિફલા પાવડર (હરડે, બહેડા અને આમળા)નો ઉપયોગ કરો.: બજારમાં મળતા આ અદ્ભૂત આયુર્વેદિક પાવડરની એક ચમચી રોજ રાત્રે સૂતી વખતે એક ગ્લાસ પાણી સાથે લેવાથી તમારા નાના આંતરડા, મોટા આંતરડા અને હોજરીમાંથી બધા જ પ્રકારના ઝેરી (ટોક્સિક) અને ચેપી પદાર્થો નાશ પામશે. તેને કારણે તમારી રોગપ્રતિકારક શક્તિ (ઈમ્યુનિટી) વધશે અને વજન ઓછું થશે.

૬. સાંજના વહેલા જમો.: આપણાં દેશમાં જાણે અજાણે ઓફિસેથી મોડા ઘેર આવી ફેમિલી સાથે ભેગા અને/અથવા ટી.વી. જોતાં જોતાં મોડા જમવાની (ડિનર) લેવાની ટેવ છે. કુટુંબના દિકરા દિકરીઓ તો બહાર મિત્રોની સાથે વાતો કરતાં કરતાં ૧૦ કે ૧૧ વાગે ડિનર લે છે. સુવાના સમય અને ડિનર વચ્ચે ત્રણ કલાકનો ફરક રાખવો જોઈએ અને ડિનરમાં પ્રોટીન અને ચરબી પણ પ્રમાણસર લેવા જોઈએ. ફૂલ ડિનરને બદલે ફક્ત દૂધ પીને સૂઈ જવાનું પણ યોગ્ય નથી.

૭. ગાજર અને બીટનો રસ એક ગ્લાસ રોજ વધારે પીઓ: ગાજર બારે માસ ના મળતા હોય તો બીટ અને પાલખનો રસ પણ પીવાય. બીટ, ગાજર અને પાલખમાં શરીરને ચોખ્ખું (ડિટોક્સિફાય) કરવાનો સરસ ગુણ છે. રોજના લીધેલા ખોરાક અને પ્રવાહીમાં જાણે અજાણે શરીરમાં ગયેલા અનેક ટોક્સિક પદાર્થોનો નાશ કરવા માટે રોજ સવારે આ રસ પીઓ.

૮. કોફીમાં એક ચમચી કોપરેલ (કોકોનટ ઓઈલ) નાખીને પીઓ:  આગળ જણાવેલી જાદુઈ ચ્હા દિવસમાં બે વાર પીવાની છે પણ તે ઉપરાંત વચ્ચે ચાર કલાકનો ગાળો રાખીને તમારે કોફી પીવાની છે જેમાં એક ચમચી કોપરેલ (કોકોનટ ઓઈલ) નાખીને પીશો. કોપરેલ નાખેલી કોફી રોજ પીવાથી તમારા શરીરના 'મેટાબોલીઝમ'માં તમને કલ્પના નહીં હોય તેટલો વધારો થશે અને તેને કારણે તમારા શરીરમાંથી ચરબી ઓગળવાનું કામ વધારે સારી રીતે થશે.

૯. નિયમિત ગમતી કસરત કરવાનું પ્રમાણ વધારો:  વજન ઓછું કરવાનો શ્રેષ્ઠ રસ્તો કસરત કરવાનો છે એ સૌ કોઈ જાણે છે પણ કદાચ તમને સૌને આ વાત ના ગમે માટે નિયમિત કસરત કરવાની સૂચના આપવાનો નંબર જાણી જોઈને છેલ્લો રાખ્યો છે. તમે જાણો છો કે કસરત કરવાથી તમારા શરીરનું મેટાબોલીઝમ વધે એટલે સમય ગયે તમારું વજન ઓછું થાય. ૧૦ મિનિટના એક કિલોમીટરની ઝડપે તમે રોજ ૩ કિલોમીટર ચાલો તો રોજની ૧૦૦ થી ૧૫૦ કેલરી બળે.

આ પ્રમાણે ૩૦ દિવસ ચાલો તો ૪૫૦૦ કેલરી બળે દરમ્યાન થોડું ઓછું ખાઓ તો એક મહિનામાં અંદાજે ૩ થી ૪ કિલો વજન ઓછું થાય અને ખોરાકના પ્રમાણમાં ખાસ ઘટાડો ના કરો તો કદાચ ૨ કિલો વજન ઓછું થાય. વળી આ આંકડો તમારા વજન સાથે પણ સબંધ ધરાવે છે. વજન ઉતારવા માટે કસરત એ શ્રેષ્ઠ ઉપાય છે પણ તમે કસરત કરવાના નથી અને કરશો તો પણ થોડી ઘણી અને તે પણ થોડા વખત માટે. 

હવે તમારી રોજિંદી ક્રિયામાં કસરત આવી જાય તે રસ્તો અમલમાં મૂકો. આ છેલ્લો ઉપાય કરવાનું તમારા હાથમાં છે. રોજની દિનચર્યામાં નીચે જણાવેલા ઉપાય તમે કરી શકશો.

તમારી ગમે તે ઉંમર હોય તમે ધારો તે કરી શકો તેમ છો તે કરો

એ. સવારે જ્યારે પથારીમાંથી ઉઠો ત્યારે નીચે જણાવેલી સેવનઅપ કસરત કરો. દરેક કસરત બે વખત કરશો. ૧. આળોટવાની ક્રિયા ઉઠો કે તરત ડાબી બાજુથી જમણી બાજુ અને જમણી બાજુથી ડાબી બાજુ આળોટવાની ક્રિયા કરો. ૨. પથારીમાં બેઠા થાઓ અને પછી સૂઈ જાઓ. ૩. પથારીમાં લાંબા પગ કરીને બેસો. પછી બેઠા હો તે સ્થિતિમાં બંને હાથ ઊંચા કરીને કમરેથી વાળી બંને હાથની આંગળીઓને પગની આંગળીઓને અડાડો.

૪. પથારીમાં સૂતા હો તે સ્થિતિમાં રહીને કમરથી બંને પગ કાટખૂણે ઊંચા કરો અને પછી પાછા નીચે મૂકી દો. ૫. પથારીમાંથી બેઠા થઈ પગ નીચે જમીન પર મૂકી ઊભા થાઓ અને પાછા બેસી જાઓ. ૬. પથારીમાંથી ઊભા થઈ રહી બંને હાથ દીવાલ ઉપર ટેકવો. પછી દિવાલને ધક્કો મારતા હો તે રીતે બન્ને હાથ કોણીએથી વાળો. પછી કોણીએથી હાથ સીધા કરીને મૂળ સ્થિતિમાં આવો. ૭. બન્ને હાથ ફેલાવીને ઊભા રહીને કમરેથી ગોળ ફરો તે વખતે બન્ને હાથ પણ ગોળ ફેરવો. બે કસરત વચ્ચે ૨૦ થી ૨૫ વખત પ્રાણાયામ અવશ્ય કરશો.

બી. તમે થોડું પણ ચાલી શકતા હો તો પહેલા ઘરમાં પાંચ મિનિટ ચાલો. થોડી વાર બેસી જાઓ અને ફરી પાછા ચાલો. આ પ્રમાણે તમે ઘરમાં ધીરે ધીરે ૩૦ મિનિટ ચાલી શકશો.

સી. કદાચ તમને આ ના ફાવે તો અને ઘરમાં જ કસરત કરવી હોય તો દાદરનો કઠેડો પકડી પહેલા પગથીએ જમણો પગ મુકો પછી ડાબો પગ મુકો. પછી જમણો પગ પાછો નીચે મુકો અને ત્યાર પછી એ જ રીતે જ ડાબો પગ પાછો નીચે મૂકો. આ રીતે ધીરે ધીરે વધારીને આખા દિવસમાં કુલ ૪૦ મિનિટ પગથિયા ચડઉતર કરવાની કસરત કરો. 

ડી. તમારા ફ્લેટમાં તમે ચોથે માળે રહેતા હો તો ધીરે ધીરે ટેવ પાડી શરૂમાં લિફ્ટનો ઉપયોગ કર્યા વગર ધીરે ધીરે કઠેડો પકડી પહેલે માળે પછી જેમ જેમ ટેવ પડે તેમ બીજે, ત્રીજે અને ચોથે માળે દાદર ચઢીને જવાની ટેવ પાડો. હિંમત રાખો આ તમે કરી શકશો.

ઈ. કોઈનો પણ ફોન આવે ત્યારે ઘરમાં હો કે ઓફિસમાં ઉભા થઈ ચાલતા ચાલતા વાત કરો. ઘરમાં તમારી જાતે દિનચર્યાના કામ કર્યા પછી ઓફિસમાં હો કે ઘરમાં સમય હોય તો એક આંટો મારો. તમે સ્ત્રી હો કે પુરુષ ઘરમાં કોઈ આવે અને બેલ મારેે ત્યારે બારણું ઉઘાડવા જાતે જાઓ. તમારે કોઈપણ જાતનું બહારનું કામ હોય જે અર્ધા કિલોમીટરના અંતરમાં હોય ત્યાં ચાલતા જાઓ અને પાછા ચાલતા આવો.

૧૦. ખોરાક ખાવા ઉપર કાબૂ રાખો.: વધારે ખાંડ અને ચરબીવાળા ખોરાક એટલે મીઠાઈઓ, શરબતો, આઈસ્ક્રીમ, બિસ્કિટ, પેસ્ટ્રી તેમજ બજારમાં મળતા તેલમાં તળેલા ભજીયા, દાળવડા, સમોસા, પાઉં ભાજી, રગડા પેટીસ, ફાફડા ખાવાથી વજન વધે. 

Tags :