યુવા 2020: આરસના સિંહે ત્રાડ પાડી ને રૂનું કબૂતર ઉડી ગયું!
સ્પેક્ટ્રોમીટર - જય વસાવડા
યુવાઓને જરૂર છે નકશાની, ટીકાની નહિ! જે પેઢીને સમજી ન શકીએ એને વખોડવાની કુટેવ સામાજિક ઠેકેદારોએ છોડવા જેવી છે
જગતમાં અને ભારતમાં વસતિ જ નહિ, ટેકનોલોજી પણ વધે છે, ત્યારે સૌથી મોટી સમસ્યા એ છે કે કેળવાયેલા, શિક્ષિત છતાં બેકાર યંગક્રાઉડની સંખ્યા વધતી જવાની
मैं हूँ उनके साथ खड़ी जो सीधी रखते अपनी रीढ़
कभी नही जो तज सकते हैं, अपना न्यायोचित अधिकार
कभी नही जो सह सकते हैं, शीश नवाकर अत्याचार
एक अकेले हों, या उनके साथ खड़ी हो भारी भीड़
मैं हूँ उनके साथ, खड़ी जो सीधी रखते अपनी रीढ़
निर्भय होकर घोषित करते, जो अपने उदगार विचार
जिनकी जिह्वा पर होता है, उनके अंतर का अंगार
नहीं जिन्हें, चुप कर सकती है, आतताइयों की शमशीर
मैं हूँ उनके साथ, खड़ी जो सीधी रखते अपनी रीढ़
नहीं झुका करते जो दुनिया से करने को समझौता
ऊँचे से ऊँचे सपनो को देते रहते जो न्योता
दूर देखती जिनकी पैनी आँख, भविष्यत का तम चीर
मैं हूँ उनके साथ, खड़ी जो सीधी रखते अपनी रीढ़
जो अपने कन्धों से पर्वत से बढ़ टक्कर लेते हैं
पथ की बाधाओं को जिनके पाँव चुनौती देते हैं
जिनको बाँध नही सकती है लोहे की बेड़ी जंजीर
मैं हूँ उनके साथ, खड़ी जो सीधी रखते अपनी रीढ़
जो चलते हैं अपने छप्पर के ऊपर लूका धर कर
हर जीत का सौदा करते जो प्राणों की बाजी पर
कूद उदधि में नही पलट कर जो फिर ताका करते तीर
मैं हूँ उनके साथ, खड़ी जो सीधी रखते अपनी रीढ़
जिनको यह अवकाश नही है, देखें कब तारे अनुकूल
जिनको यह परवाह नहीं है कब तक भद्रा, कब दिक्शूल
जिनके हाथों की चाबुक से चलती हें उनकी तकदीर
मैं हूँ उनके साथ, खड़ी जो सीधी रखते अपनी रीढ़
तुम हो कौन, कहो जो मुझसे सही ग़लत पथ लो तो जान
सोच सोच कर, पूछ पूछ कर बोलो, कब चलता तूफ़ान
सत्पथ वह है, जिसपर अपनी छाती ताने जाते वीर
मैं हूँ उनके साथ, खड़ी जो सीधी रखते अपनी रीढ़
હરિવંશરાય બચ્ચનની આ આગ ઝરતી પણ ગરમીની ઝાળને બદલે પોલાદની ઠંડક પ્રસરાવતી લાજવાબ કવિતા છે. અમિતાભે એના ઘેઘૂર ઘુંટાયેલા અવાજમાં ગાઈ પણ છે. આખી કવિતા સ્વામી વિવેકાનંદ જેવા શક્તિનો સિંહનાદ કરતા ભારત ભાગ્યવિધાતાના જન્મદિન યાને રાષ્ટ્રીય યુવા દિન ૧૨ જાન્યુઆરીએ ટ્રોલિંગના ટપોરી થઈને આપસમાં ઝગડતી અને એમ જ વેડફાતી રહેતી યુવાશક્તિને મક્કમ બની પડકાર ઝીલવા માટે રીઢ યાને કરોડરજ્જુ સીધી રાખી ઉભા રહેવાની વીર છાતી આપે છે.
ભલે રક્ષજે નાથ સંહારકોથી
પરંતુ તેથી વધુ ઉદ્ધારકોથી
મને બીક છે કે અમે ડૂબવાના
અમારા બની બેસેલા તારકોથી !
ઋષિકવિ 'સાંઈ' મકરંદ દવેની આ પંક્તિઓ છે. આઈકોન્સ કે રોલ મોડેલ પાછળ ફના થઈ જતી જવાની માટે! રાજનેતાઓની વિચારધારાઓ અને ધર્મગુરૂઓની પ્રચારધારાઓને કોપીપેસ્ટ કરીને જીવનારા ચેલા-ચેલીઓ બૂઢા છે. ઘરડાંખખ. ભલે ઉંમર એમની તરૂણાઈની ટહૂકા કરતી હોય. માનસિક રીતે એ લાચાર, અશક્ત છે.
જેની પાસે પોતાનો કોઈ સ્વતંત્ર વિચાર નથી. મૌલિક અવાજ નથી. ડાબેરી કે જમણેરી, રૂઢિવાદી કે ભોગવાદી - કોઈકના રિમોટ કંટ્રોલથી વોટ્સએપના મેસેજીઝ અને યુટયુબના વિડિયોઝથી ભરમાઈ ભોળવાઈને જે ખુદનું રણક્ષેત્ર નક્કી કરે છે, એ તો ડગુમગુ ચાલી વ્હીલચેરમાં ગ્લુકોઝ ને ઓક્સિજન ઉછીના બાટલે જીવતો ઘરડો દર્દી છે. ગળફામાંથી ખાંસીને કફ કાઢતું ને આંખનું તેજ, કાનની શક્તિ, ટટ્ટાર ચાલ ગુમાવેલું વૃદ્ધત્વ છે, એ. જવાની નહિ.
બધા વીસ વર્ષની થઈ ચૂકેલી એકવીસમી સદીમાં યુવાનીની વાતો કરે છે. કઈ યુવાની? 'દેખના હૈ જોર કિતના બાજુએ કાતિલ મેં હૈ' કહીને દેશની સમસ્યાઓ સામે ટકરાઈ જતી બિસ્મિલની ક્રાંતિકારી યુવાની? કે પછી ટિકટોક પર ટેઢામેઢા ઠેકડા ને વાંકાચૂંકા મોં કરીને લલકારતી 'અપની આઝાદી તો ભૈયા, મોબાઈલ કે મુફ્ત બિલમેં હૈ'માં ખોવાઈ જતી યુવાની? મનોરંજન તો યંગીસ્તાનની જાન કહેવાય. પણ મનોમંથન માટે પ્રાણ ન આપે એ યંગને જોઈને દંગ રહી જવાય!
યુવા ચિત્ત વિદ્રોહી હોય, વિપ્લવી હોય. નકામી વાહિયાત વાતો એનાથી સહન ન થાય. યુવા અકળાય. જરૂરી છે. કારણે વડીલો પાસે ફ્લેશબેક લાંબા હોય છે, ને ફ્યુચર ટૂંકા. જેમની પાસે ભવિષ્ય હોય એ સૌથી વધુ અમીર છે. યુવતા પાસે ભૂતકાળની યાદો કરતા વધુ ભાવિના સપનાઓ હોય છે. આપણને ચેતનહીન, ગતિહીન, ઠાવકી, ડાહીડમરી બડજાત્યાની ડાયાબીટિક ફિલ્મોની જેમ ચરણસ્પર્શ કરતી માંદલી યુવાની જ ખપે છે. બીમાર સુસ્ત હોય. તંદુરસ્ત તો થનગનાટ અને તરવરાટથી ચુસ્ત હોય.
મેધાવી ફ્રેડરિક નિત્શેનું સુખ્યાત ક્વોટ છે : 'જેમને સંગીત સંભળાતું નથી એમની નજરમાં નૃત્ય કરવાવાળા પાગલ છે. ઉથલપુથલના આકાશમાંથી જ નાચતા સિતારાઓનો જન્મ થાય છે.' મ્યુટ ચેનલ કરીને ટી.વી. પર ડાન્સ જોનારને રિધમ સંભળાતી નથી, એટલે થિરકતા પગ અંધાધૂંધી લાગે છે. પણ યુવાને સંભળાય છે : મ્યુઝિક. દહકતી આગની ગર્મજોશ જ્વાળાઓનું પહાડ પર ખીલા ઠોકીને ચડતી પિંડીઓ પર તંગ થઈ ઉપસી આવેલ રગોનું. દરિયાના અફળાતા મોજાં સામે પટપટાવાતી અને મહાપ્રયત્ને ખુલ્લી રહેતી પાંપણોનું.
એટલે મહોત્સવોની ભીડ માટેના સ્વયંસેવકો હોય કે જંગલોની આગ ઠારવા માટે જતા વોલન્ટીઅર્સ હોય, જગતને જવાન તાકાતની જરૂર પડે છે. ગ્લેમર માટે જોઈએ છે કરચલી વિનાના, તાજગીથી છલોછલ ફૂલગુલાબી રતુમડી લાલિમા ધરાવતા ચહેરાઓ કેમેરાની સામે. આંજી નાખતી ભીડ અને ગગનભેદી ચિચિયારીઓ યુવાથી ભેગી થાય છે. ભારત યુવા દેશ છે. આપણે બધા વારંવાર આ કહીએ છીએ. સાયન્ટિફિક ફેક્ટ છે. સૌથી વધુ વસતિ જગતમાં યુવાઓની આપણા દેશમાં છે.
તો પછી આ યુવાઓ કાયમ ઘેટાનું ટોળું બની ચાલે એવી અપેક્ષા અસ્થાને છે. યુવા ચિત્ત લાવારસ હોય, ખડક નહિ. માટે ઉન્માદ ઝટ અનુભવે. નવનિર્માણ કે આસામ આંદોલન આઝાદ ભારતમાં કે ભગતસિંહ- મગનલાલ ધિંગરાના આઝાદી આંદોલન યુવાઓના જ હતા. લિબિયા કે ઇજીપ્તમાં સરમુખત્યારી સરકારો ઉથલાવી નાખનાર આરબ સ્પ્રિંગની ક્રાંતિ નવી પેઢીના યુવક- યુવતીઓની હતી. ચીને જગતની પરવા વિના ટેન્ક નીચે કચડી નાખ્યા હોવા છતાં ય હોંગકોંગમાં ચીની મહાસત્તાના નાકમાં આજે દમ લઈ આવી દેતી યુવાચેતના જ છે.
હા, ક્રાંતિમાં વ્યર્થ હિંસા ભેળવી દે અને સુરક્ષા દળોની ફરજમાં રૂકાવટ કરીને દેશની જાહેર મિલકતોને નુકસાન પહોંચાડે, એમાં મૂળ વાતની તીવ્રતા ઘટી જાય છે, એ આજે ય વિચારોથી યુવા મહાત્મા ગાંધીએ દુનિયાને શીખવાડયું. સંગઠ્ઠિત યુવાશક્તિનું પ્રગતિશીલ ભવિષ્ય માટેનું મૌન જ પૂરતું છે, ગર્જનાઓને હંફાવવા માટે. યુવાએ અધીરાઈ છોડીને આ 'કૂલ કન્ટ્રોલ' શીખવાનો છે. માત્ર બેટ વીંઝવાથી રન નથી આવતા, આઉટ થઈ જવાય છે. ટેકનિકનો ઠહરાવ પણ જોઈએ. કેવળ બોડી બિલ્ડિંગથી પહેલવાની થાય. ડાન્સ નહિ. એ માટે થોડી ઇલાસ્ટિસિટી, યાને લવચીકતા પણ જોઇએ.
યાદ રાખજો, સરહદ પર માતૃભૂમિની રક્ષા કાજે શહીદ થતા સૈનિકો પણ યુવાન છે, અને દીકરીઓ પર જંગલી બળાત્કાર કરનારા પણ યુવાન છે. માટે ફક્ત ઉંમરથી યુવા હોવું એ કોઈ લાયસન્સ નથી. સર્ટિફિકેટ નથી. યુવતા સાબિત કરવી પડે. ત્રણ શબ્દો ગુજરાતીના : પારદર્શકતા, પરિશ્રમ, પ્રગતિ-શીલતા. ત્રણ અંગ્રેજીના ક્રિએટીવિટી, કોન્ફિડન્સ, કન્સર્ન. અને એક સંસ્કૃતનો : રસ. આ સપ્તરંગની તાલીમ છે, તો જવાની છે. જે જૂનવાણી માનસ રાખે છે, અમાનુષી દ્વેષ રાખે છે, નિંદાકૂથલી કે ગુનાખોરીમાં ભાગ લે છે, એ યુવાન નથી. શરીરથી હશે. સ્વભાવે તો એ હજાર બે હજાર વરસ જૂનું ઠૂંઠૂં છે !
જગતમાં અને ભારતમાં વસતિ જ નહિ, ટેકનોલોજી પણ વધે છે, ત્યારે સૌથી મોટી સમસ્યા એ છે કે કેળવાયેલા, શિક્ષિત છતાં બેકાર યંગક્રાઉડની સંખ્યા વધતી જવાની. કોઈ સરકાર વાયદા ગમે તેટલા કરે, એટલી જોબ ઉભી નહિ કરી શકે, જેટલી એડમિશન્સ છે. માટે સડક પર ક્રસ્ટ્રેટેડ યૂથ વધતું જશે.
સમાજમાં સાયકો ક્રિમીનલ વધતા જશે. નેરેટીવ ફેરવીને, નવી હેડલાઈનમાં જૂની ભૂલવાડીને પેઇનકિલરની જેમ ટેમ્પરરી રાહત મળશે, પણ મૂળ રોગ તો વકરતો જશે. સપના જોવાની એજ હોય, ને પૂરા કરવાનું માઇલેજ ન હોય ત્યારે કરેજનું લીવરેજ ઘટવાનું. ઇટ્સ લાઈવ બોમ્બ. ઇસ્લામિક ટેરરિસ્ટસમાં એક જૂથ અમીર ભણેલા સુખીઓનું છે, ને એક આવા વૈશ્વિક નવરા મઝહબપરસ્તોનું. એવું બધે થશે. ભારત તો વધુ વલ્નરેબલ છે.
ત્યારે કમ સે કમ આગેવાનોએ જવાનો સાથે સંવાદ કેળવતા, કોમ્યુનિકેશન કરતાં શીખવું પડશે. ગાંધી કે સરદાર કે સુભાષબાબુ યુવા નહોતા, પણ નવી પેઢીને સાથે બેસાડી શકવા જેટલા મુક્ત, ઉદાર, નીતિવાન હતા. ટિપિકલ કાઠિયાવાડીમાં લખીએ તો આંબાઆંબલી બતાવી બધાને મોબાઈલ મેસેજીઝમાં ઘેનમાં રાખવાને બદલે એમની સાથે ખુલીને વાત કરવી પડે.
એમને સમજવા પડે. માનવું જરાય ફરજીયાત નથી, પણ પ્રેમથી સાંભળવા પડે. ખોટી માંગ પૂરી ન થાય, એ સાચી વાત પણ સહૃદયતા અને સ્નેહથી કહેવી પડે. ને સાચી વાતને ટાળ્યા વિના સ્વીકારીને ઇગો, એરોગન્સ પડતા મૂકીને સ્વીકાર પણ કરવો પડે. આપણી ખાનદાની વડીલશાહીની પરંપરામાં આવું કોમ્યુનિકેશન તૂટે ત્યારે તો પિતા ગૌતમને છોડતા અને સામા સવાલો પૂછીને યમદ્વાર સુધી બેફિકર થઈ પહોંચી જતા નચિકેતાઓ પેદા થયા હોય છે !
સો લવ યૂથ, લિસન ટુ ધેમ. એના પર જોરતલબીની જોહૂકમી કરવાથી એ વધુ ભડકશે. ઘાયલ વાઘની જેમ ડરીને હિંસક થશે. ને રહેતા રહેતા ડરતા જ બંધ થઈ જશે. ફનાગીરીના ઝનૂનમાં તો વધુ ખતરનાક થઈ જશે ઇટ્સ વૉર્નિંગ સાઇન. મહાસત્તાઓ દુશ્મન દેશોમાં મિસાઇલ છોડે છે, પણ ઘરઆંગણે કાયમી અસ્થિરતાનો માહોલ થવા દેતા નથી. ઘાયલથી રંગ દે બસંતી, અંકુશથી હૈદર સુધીની ફિલ્મો એમ જ નથી હિટ થઈ. એમાં ક્યાંક બોઝિલ, ધૂમિલ, ગ્લૂમી, વાદળછાયું, ઠંડીમાં માવઠા જેવું કનફ્યુઝ્ડ યુવા ચિત્ત, એનું આક્રંદ, એની આકાંક્ષાઓ છે.
યુવા ભારતમાં ત્રણ વર્ગમાં વહેંચાયેલા છે. એક મોટો વર્ગ તદ્દન ખામોશ, ઉદાસીન છે. જ્ઞાાતિ, ધર્મ, પરંપરા, મા-બાપ કહે એમ બીજાની જિંદગી જીવ્યા કરવાની. એમને ખુદની મોજમજાથી આગળ કોઈ ફરક પડતો નથી. એમનો કોઈ ઓપિનિયન પણ બોલકો નથી. થોડાક એમાં ભીરૂ છે. થોડાકને ખબર જ નથી આસપાસની.
બીજો એક વર્ગ ઊર્જાવાન છે. તેજતર્રાર અને રાષ્ટ્રભક્ત છે. પણ એ રાજકારણને રાષ્ટ્ર, ચોક્કસ થિયરીને હિન્દુ કે મુસ્લિમ કે શીખ કે ઇસાઇ વૉટએવર ધર્મ સમજી લે છે. બેઝિકલી એમાં બહુમતી શરીરથી જવાન પણ મગજથી બાલિશ લોકોની છે. એ શબ્દોથી શેરીઓ સુધી ભીડ ઉભી કરે છે. એમને સતત મહાન ભૂતકાળ અને ભવ્ય ભવિષ્યના ડબલ ડોઝ ઇન્જેક્શન આપી કેફમાં રખાય છે.
શિકારી વરૂઓની માફક. કુરાનથી ગાય સુધીના મુદ્દે એમની લાગણી પેટ્રોલની જેમ જ્વલનશીલ હોય છે. મા-બહેનની ઇજ્જતના નામે એ મા-બહેનની ગાળો બોલતા હોય છે. એમને એવું છે કે એ ઑનલાઇન કોમેન્ટ કરીને દેશની સેનામાં ભર્તી થઈ ગયા છે. લશ્કરની વાતો કરનારા એ વર્ગમાં લશ્કરી ડિસીપ્લીનનું નામોનિશાન નથી. પોતાની સાથે સહમત ન હોય એ તમામને પરદેશી એજન્ટ માની લેવા, વારસના કે સંસ્કૃતિના દુશ્મન માની લેવા, એમના પર ગંદી કોમેન્ટસ કરવી,
મોરચાબંધી કરવી, અફવાઓ ફેલાવવી - એ જ એમનો પરમેનન્ટ જોબ પ્રોફાઇલ હોય છે. એનર્જી એમની કમાલ હોય છે, અને કોઈનો હાથો બનીને ખોટી ગેરકાનૂની વાતો માટે ખુવાર થઈ જવાની બેવકૂફી બેમિસાલ હોય છે.
એ યૂથમાંથી એક નાનો સમુદાય ધીરે ધીરે રોબોટિક થઈ જાય છે. બેઝિકલી રેડિકલ જેહાદની આ જ મોડસ ઓપરેન્ડીથી તાલિબાન અને વખત જતા પાકિસ્તાનમાંથી ત્રાસવાદ પેદા થયેલો. એમના મગજમાં જડબેસલાક વાયરિંગ છે - કેવળ વનસાઇડેડ સિલેક્ટીવ ચીજો જ વાંચ્યા- જોયા કરીને, માફક આવે એના પર જ ફોક્સ કરીને કે એમનું સત્ય જ પવિત્ર છે, ને બીજા તો કેવળ દુશ્મન છે, જેની હત્યા પણ ધર્મ કે દેશની સેવા છે ! જગતનો ઇતિહાસ ઉઠાવી જુઓ વાયોલેન્સનો. લોકેશન બદલાશે, સ્ક્રિપ્ટ નહિ.
જો કે, આ ટેરર પાછળ એક ટ્રેજેડી છે. મૂળ હતાશા, ગુમનામી, નિષ્ફળતાનું અંદર જે કૂકર હોય છે, એની સીટી વગાડી પ્રેશર કાઢવા માટે એક દુશ્મન જોઈએ. અમેરિકાને રશિયા નહિ તો ઇરાન જોઈએ. આપણને પાકિસ્તાન જોઈએ. પાકિસ્તાન તો આપણી નફરત જ પર પેદા થઈને પાયમાલ છે. એનો રોદો જોઈ આપણી ગાડી તારવી લેવાય, એમાં ટીચાવા જવા ન દેવાય.
મૂળ યૂથ ઉદાસ છે. એના અસ્તિત્વની ગમે તેટલી ગુલબાંગો પછી ડોલર, યુરોના ભાવ ઘટતા નથી. પેટન્ટ અહીંથી ફોરેનમાં સિક્કા પાડતી નથી. એટલે ઘેર બેઠાં એમને આભાસી ગૌરવના ડ્રગ એડિક્ટ બનાવી દેવા સહેલા છે. વર્તમાનમાં બહુ રંગો નથી, એટલે જેહાદ એ વીતેલા સમયમાં પાછળ શોધે છે, સામ્યવાદ એને ફુલ ગુલાબી સ્વપ્નમાં આગળ શોધે છે.
ઉગ્ર હિન્દુત્વમાંં આ બેઉ અપલક્ષણો આવી જાય છે. એટલી લાગણી બટકણી છે. ને સ્વાર્થ એવો કે પોતાની પરીક્ષા કે પોતાના હેલ્મેટ પૂરતું બધાને રેલો આવે કે રેલી કાઢવી છે. આખી સીસ્ટમ માટે કોઈને બહાર આવવું નથી, સિવિલ હોસ્પિટલ્સથી યુનિવર્સિટી સિલેબસ સુધી !
આ રાતોરાત થયું નથી, અને રાતોરાત જશે પણ નહિ. એની વચ્ચે એક ત્રીજો વર્ગ ભારતમાં યુવાશક્તિનો છે. જેમને પ્રોગ્રેસીવ, મોર્ડન પરિવાર મળ્યા કે સારા કોઈ ટીચર મળ્યા. જેમણે બંધન માટે નહિ, પણ મુક્તિ માટે વાંચ્યું. જેમને ધાર્મિકતાનું ખોખળાપણું અને રાજ-સમાજનો દંભ નાની ઉંમરે સમજાયા. જે પોતાના દિમાગને મીડિયાને શરણે નથી મૂકી દેતા, જે મુગ્ધ છે, થોડા સ્વપ્નીલ-તરંગી છે. ભૂલો કરે છે, ઓછું જાણે અને વધુ બોલે છે - પણ સંવેદનશીલ છે. જેમને બળતરા તીખું ઉંબાડિયું ખાધા વિના ય થાય છે.
અને માનો એનાથી એ યુવાચિત્ત ધરાવતો વર્ગ મોટો છે. એમને મોદી ગમે છે, પણ વૈશ્વિક વિકાસ માટે. એમને એનઆરસીના નામે ધાર્મિક વિભાજન જેન્યુઇનલી ગમતું નથી. ભલે એમને જડસુ મુલ્લાઓ ય ગમતા નથી. સૌરવ ગાંગુલી બંગાળ ઇલેકશનનું ફેકટર હોઈ શકે, સરકારે એને બીસીસીઆઈનું અધ્યક્ષપદ આપ્યું છે. પણ એની યુવા દીકરી સના ખુશવંતસિંહના ધારદાર ફાસિઝમ વિરોધી વિચારો ટ્વીટ કરે છે. જેમાં નફરતના નામે યૂથને 'વેર્સ્ટનાઇઝડ' માનતી સંકુચિત વિચારધારાનો વિરોધ છે. ગાંગુલી વાત વાળવા પ્રયાસ કરે, પણ ઘરે સંતાનો લુચ્ચા લેફ્ટીસ્ટ નહિ પણ જાણીને રિયલ લિબરલ થયા છે, એ હકીકત છે.
આપણે એ યુવાનીને ભણાવી તો ભણતર ખાલી નોકરી માટે થોડું છે ? એ 'સમ્યક દર્શન' માટે છે. તો એ વિચારશે, સવાલો ય પૂછશે. અક્ષયની સ્માર્ટ ને હોશિયાર સાયન્સ સ્ટુડન્ટ પત્ની ટ્વીંકલની જેમ એ પોતાના સ્વજનોની ઇન્ટેગ્રીટી ચેક કરશે. એમનું સેક્યુલરિઝમ કોંગ્રેસી તુષ્ટિકરણનું નથી. તે એમનું હિન્દુત્વ ભગવું ભાજપી નથી. એ ગ્લોબલ હ્યુમાનિટીની જનરેશન છે. જે લંડન કે ન્યુયોર્ક, સિડની કે ટોકિયો, બર્લિન કે પેરિસ, નાઈરોબી કે ઓકલેન્ડ, ટોરેન્ટો કે મિલાન, દુબઈ કે ઇસ્તંબુલ, હોંગકોંગ કે હાઈફા - બધે સરખી છે.
એમને રોજ સવારે ઉઠીને મૂળ ઇકોનોમિક પ્રોબ્લેમ ભૂલાવી દેતા હિન્દુ-મુસ્લીમ, મંદિર-મસ્જીદ વિખવાદોની ધમાલની એલર્જી છે. એ માટે એ ઘરે ઝગડા કરી શકે છે. એમનો પર્યાવરણપ્રેમ પોસ્ટર લઇ ઉભા રહેવાનો છે. એ ઓસ્ટ્રેલિયા કે એમેન્ડોમના વૃક્ષો - પશુપંખીઓના નાશ માટે રડી શકે છે. એમને વેદમંત્રોથી બળાત્કાર ન થાય, ગાયના ગોબરમાંથી સોનું બની જાય, જન્નતમાં બોંતેર હૂર હોય એવી બધી દકિયાનૂસી વાતોની ચીડ છે.
એ કેર ફ્રી મસ્તીમાં આજનો લ્હાવો લેવામાં માને છે. પણ કાલ કોણે દીઠી છે, એવું સાવ અમીર નબીરાંઓ માફક નથી માનતા. એમને શાંતિ, માનવતા, પ્રેમ, સહઅસ્તિત્વ, ભણતરવાળી કાલ જોઇએ છે. રક્તપાત અને પરંપરાની જંઝીરોમાં ભૂખરું ભવિષ્ય નથી ખપતું. એ મૌન રહી મોબાઈલ સાયલન્ટ રાખી મલ્ટીપ્લેક્સમાં ફિલ્મો જુએ છે. ટ્રાફિકમાં હોર્ન વાગે તો સોરી બોલે છે.
એ પેઢી ઉત્સાહી છે, પણ વિવેકી છે, શરાબ પીને પાર્ટી કરે છે. પણ કોઇનું લોહી પીવામાં માનતી નથી. એમનું દિલ દ્રવે છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રી કે બિઝનેસ બધે એ આવતા જાય છે. પહેલા એવું કહે કે તમે બોલતા નથી, ને બોલે તો એમની સામે ઘૂરકિયાં થાય - એ વાસ્તવથી એ સરળ-ભોળી-સાહસિક-રસિક પેઢી ડઘાઈ જાય છે. યુવા રાજવી કવિ કલાપીની જેમ જ એ ગાય છે : હાસ્ય છે માત્ર ઘેલાઈ, રોવું તે નબળાઈ છે. વિશ્વની મિષ્ટતા કિન્તુ રે રે ત્યાં જ સમાઈ છે !
ફોક્સ ઓન ધેમ. ટ્રીટ ધેમ વેલ. ફોલો ધેમ. એમન ડર નહિ લીડર આપો. ઉપદેશ નહિ, દેશ આપો. સંસ્કૃતિની સાંકળો નહિ, પરમની પાંખો આપો. એમના લર્નિંગ ને અર્નિંગ આપો. આધુનિક જ હોવાના. અધુના એટલે સંસ્કૃતમાં હમણાનું. એ તાજાં ખીલેલા પુષ્પો છે. એ જો મૂરઝાઈ જશે તો નુકસાન આપણું છે. બાગ ખંડેર બની જશે. લવ, લિબર્ટી, લાફટર ઇઝ ધેર લાઈફ. ફૂડથી ફિલ્મની સેન્સરશિપ એમને નથી ગમતી; બ્રેકફાસ્ટ ક્લબ નામની અદ્ભુત ફિલ્મમાં હતું એમ; જો આ નહિ થાય તો જ્યારે આપણે પુખ્ત પરિપકવ થઈશું, ત્યારે આપણું દિલ મરી જશે !'
(શીર્ષક: જગદીશ જોશી)
ફાસ્ટ ફોરવર્ડ
Please don't tell me I should hug,
Don't tell me I should care.
Don't tell me just how grand I'd
feel
If I just learned to share.
Don't say, ‘‘It''s all right to cry,
‘‘Be kind,'' ‘‘Be fair,'' ‘‘ Be true.''
Just let me see YOU do it,
Then I just might do it too.
(Shel Silverstein)