Magazines

લોકસંગીતમાં અનેરું સ્થાન મેળવાનારા કલાકાર

By GS Team
11 Jan 20203 mins read
This article was originally published on 11 Jan 2020
લોકસંગીતમાં અનેરું સ્થાન મેળવાનારા કલાકાર

મોં માથે કાળી ભમ્મર દાઢી મૂછના કાતરા, વગડાના વાહારે ફરકતા હોય, ગળામાં રૂદ્રાની માળા, ઉઘાડી છાતી પર વાઘ નહોર ઝૂલતા હોય, ખંભે પડેલી કામળી

પાગટયનું પહેલું કિરણ આપમેળે પ્રગટે એમ તેમનામાં પ્રજ્ઞાા પ્રગટી ગઇ હતી. ધરતી ફાડીને અણધાર્યો વાંસનો અંકુર ફૂટે એમ વિદ્વતા વિસ્તરી ગઇ હતી.

ઇતિહાસની વાત માંડે ત્યારે આર્યવર્તનો ઇતિહાસ નાનો થઇ જાય.

નાથ સંપ્રદાયનો નાદ જેના રૂંવે રૂંવે નર્તન કરે. પડખે બેઠેલો ભાગ્યવાન હોય તો આઠેય કાંઠે ટાઢક ઢળે એવો જોની ભીતરમાં અભરે ભર્યો ભંડાર હતો.

જેને ઓળખવા માટે અંતરની આંખ જોઇએ. પામવાને માટે ગરૂડરાજની પાંખ જોઇએ. પંચાવવા માટે પાત્રતા જોઇએ સાચા અર્થમાં સમર્થ સાહિત્યકાર.

મોં માથે કાળી ભમ્મર દાઢી મૂછના કાતરા, વગડાના વાહારે ફરકતા હોય, ગળામાં રૂદ્રાની માળા, ઉઘાડી છાતી પર વાઘ નહોર ઝૂલતા હોય, ખંભે પડેલી કામળી. ત્રાંબા વરણી કાયાના કારણે કળામય રૂપ ધારણ કરતી હોય હાથના કાંડામાં ગેંડાનું કડું રમતું હોય. એક હાથમાં મુંજડા બળદોની રાશ હોય.

બીજી ભૂજા હળને ભીંસ દેતી હોય. ઊપર ગેળૂંબેલું આસમાન અંતરમાં આનંદના ઓઘ ઉછાળતું જરાક ઝૂકીને જેની વિધ્વતાના વારણાં લેતું. વઢવાણની સીમમાં આવું રૂપ બંધાયેલું દેખાયેલું ત્યારે એ એંધાણીએ અમે જાણેલું કે હળનો હાંકનારો બીજો કોઇ નહી પણ બચુભાઇ ગઢવી છે.

ગણત્રી વગરના ગુણયલ ગઢવીની જીભને ટેરવેથી સાહિત્યના તમામ પ્રકારોને ત્રબકતા હતાં.

જેની બાનીમાં બુલંદી હતી, જેની નજરમાં બ્રહ્માંડને નિરખવાની નિજાનંદી હતી. બચુભાઇના પ્રતાપી પૂર્વજોનું મૂળવતન રાજસ્થાનની મરૂ ભૂમિ મારવાડ, મારૂ ચારણ ભાવસિંહ રોહડીઆ અને માતા જીવુબાનું સંતાન.

ભગવાન મહાવીરના પુનિત પગલે પાવન થયેલી ભોમકા પર વસેલા વઢવાણને વતન બનાવેલ પિતા ભાવસિંહજી રોહડીઆની બાની રાજા રજવાડામાં રમતી હતી. માતા જીવુબાબરેનનો તાર આદ્યશક્તિ ઇશ્વરીમાં એકાકાર થયેલો. બચુભાનિે બિરદાવતા દુહા રચાણાં.

(દુહા)

શબ્દુનો સાહેબ ધણી ધીંગો માડુ ધજ 

જીવ્યો કરેલી કાજ, રંગે તુને રોડડિયા

શિવા, રાણ, વરઘમાની તો વિગતુને વણનાર

એના નવરંગ ચીતાર રંગ પુરી ગ્યો રોહડીઓ

માતા જીજીબાઇએ જેમ શિવાજીને હીરની દોરીએ હિંચોળતા હિંચોળતા રામ લખમણની વાત હાલરડાં ગાતા ગાતા પીવરાવીને વિશ્વખ્યાતિના ખિતાબ ધારણ કરાવ્યા હતા. એમ બચુભાનિી જોગમાયાના અવતારના અંશ સમાન માતાએ ખેતરમાં વાવણી વાવતા કે કાપણી કાપતા કાપતા સાહિત્યના અમીકૂપા પાયા.

બચુભાઇમાં શબ્દચાતુર્યની ચેતના સળવળી ત્યારે રાજદરબારો નહોતા. જો હોત તો લાખ પસાવાના ઘણી બનત અને હવેલીઓમાં રહીને હીંડોળે હીંચકતા હોત. તેમ છતાં એ હીંડોળે હીંચકાવ્યા. હળ હાંકીને ધીંગાધોરીને લાડ લડાવતા તેમણે ધરતીને ખેડી ધાનના અને જ્ઞાાનના ઢગલા કર્યાં.

એની પાસે વિષયોનો પાર નહોતો. અણકથી કથાઓનો અણમૂલ અને અણખૂટ ખજાનો હતો. એની વાણીનાં વારિ સરિતાનાં ઘોડાપૂરની જેમ લોઢે ચઢતાં, સાગરનો ઘૂઘવાટ સહજ હતો. ગહન જ્ઞાાન પણ ગજબનું હતું. ગુઢ તત્વોને તારવી જાણનાર તત્વજ્ઞાાનીના આસન ઉપર આરૂઢ થઇ શકવાનું સામર્થ્ય ધરાવનાર ધારણ ધીંગી ધરાનો ધીંગો જણ હતો, જેની ઉંચાઇ આભને આંબતી હતી.

હજારો જનમેદનીને જીતી જનાર કંઠ તો જનેતાની ધાવણની ધારાએ પોાયો હતો, પણ એની સાધના સિધ્ધિનાં શિખરોને શોભાવતી હતી.

બચુભાઇ ગઢવી કોઇના આશ્રિત નહોતા. તે કોઇ ફરમાસુ ગાય કે વાર્તાકાર નહોતા. લોક હૈયામાં એનું દબદબાભર્યું આસન પડતું. કારણ કે તેઓ સાહિત્યના સાચા સંસ્કાર રોપનાર નરબંકો હતો. અંતરતમ ભાવોને પકડવાની સૂજબૂઝ કીર્તિકળશને ઝળહળાવે એ સહજ ગણાય. 

તણખો

સત્તા, સંપત્તિ અને સુંદરી માટેના સંઘર્ષો સનાતન સમજવા, આધુનિક શિક્ષણમાં કે વિજ્ઞાાનમાં પણ તેના કોઇ ઉકેલ શોધ્યા જડતા નથી વિજ્ઞાાને વધુ વિનાશક સામગ્રી પૂરી પાડી છે એવું નથી લાગતું ?