ટર્નએરાઉન્ડ વ્યૂહરચના ખોટ કરતી કંપનીને નફાકારક બનાવી શકે
મેનેજમેન્ટ - ધવલ મહેતા
સફળ ટર્નએરાઉન્ડની વ્યૂહરચનાના કારણે ફીઆટ કંપનીનું ૧૯૮૩માં વેચાણ ૧૦૦૦ બીલીઅન ડોલર્સ થઇ ગયું અને નફો ૩૦થી ૪૦ બીલીઅન ડોલર્સ પર પહોંચ્યો.
ખોટ કરતી કંપનીઓને ખોટમાંથી નફો કરવાની જે વ્યૂહરચના ઘડવામાં આવે છે તેને ટર્ન એરાઉન્ડ સ્ટ્રેટેજી કહે છે. ભારત અત્યારે આર્થિક સ્લોડાઉનમાંથી પસાર થઇ રહ્યું છે એટલે નફો કરતી કંપનીઓ માગના અભાવે ખોટ કરવાનું શરૂ કરશે. તેમને કેવી રીતે બચાવવી ? ભારતની જાહેર ક્ષેત્રની ઘણી કંપનીઓ 'અનવાયેબલ' હોવાથી તેમને બંધ કરવાનું પગલું શ્રેષ્ઠ છે. આ કંપનીઓના સીઇઓએ નીચેના કેસનું અધ્યન કરવું પડશે
ઈટાલીની ફીઆટ કંપનીનું ટર્નએરાઉન્ડ : ઈટાલીની ફીઆટ કાર કંપની ઈટાલીમાં નંબર ૧ કારની કંપની ગણાય છે. પરંતુ ૧૯૮૧માં કંપનીએ ૨૫૪.૪ બીલીઅન લીરા (ઈટાલીનું ચલણ)ની ખોટ કરી. ૧૯૮૨માં કંપનીની ખોટ ઘટીને ૮૦ બીલીઅન લીરા થઇ ગઇ. ૧૯૭૯ અને ૧૯૮૦ના બે વર્ષોમાં પણ કંપનીએ ખોટ કરી હતી અને ઘણાં ફાયનાન્સીયલ નિષ્ણાતોને લાગ્યું હતું કે કંપની બચી શકશે નહીં.
૧૯૭૯માં ઈટાલીની ફીઆટ કાર ઈટાલીમાં નંબર ૧ હતી અને સમગ્ર યુરોપમાં તેનું સ્થાન ચોથું હતું. યુરોપમાં જર્મનીની વોક્સવેગન, ફ્રાંસની રીનોલ્ટ અને પ્યુજો પછી ઈટાલીની ફીઆટ યુરોપની સૌથી મોટી કાર કંપની હતી. હવે જો આ કંપની સતત ચાર વર્ષ સુધી ખોટ કરે તો ઈટાલીનું અર્થકારણ પણ નબળું પડે તેવા સંજોગો ઊભા થયા હતા. પરંતુ કંપનીએ ઈ.સ. ૧૯૮૨માં ૮૦ બીલીઅન લીરાની ખોટ ખાધા પછી નક્કી કર્યું કે તેણે કોઇપણ હિસાબે કંપનીનું ટર્નએરાઉન્ડ કરવું છે.
૧) ખોટ કરતા એકમો બંધ કર્યા: દક્ષિણ અમેરિકાના બ્રાઝીલની બહાર આવેલા પોતાની માલીકીના ખોટ કરતા તમામ કાર બનાવતા એકમો વેચી દીધા. આ બાબતમાં જગતની કંપનીઓ ઢચુ પચુ હોય છે - માત્ર બ્રાઝીલમાં આવેલા પોતાના એકમો ચાલુ રાખ્યા. બ્રાઝીલની બહારના જ નહીં પરંતુ અમેરીકા, સ્પેન, દક્ષિણ આફ્રીકામાં આવેલા પોતાની માલીકીના કાર મેન્યુફેકચરીંગ એકમોને પણ વેચી દીધા. ફીઆટનું આ ઘણું મોટું સાહસિક પગલું હતું. અલબત્ત ફીઆટનું મેન્યુફેકચરીંગ અન્ય ઠેકાણે લાયસન્સીંગ હેઠળ (માલીકી હેઠળ નહીં) ચાલુ રહ્યું. જેમાં કંપનીને માત્ર લાયન્સ ફી જ મળતી હતી.
૨) કંપનીના ઉત્પાદનનું રોબોટીકરણ: ફીઆટે કાર મેન્યુફેકચરીંગમાં છેક ૧૯૭૮થી રોબોટનો ઉપયોગ શરૂ કર્યો હતો. આ કામ તેણે ચાલુ રાખ્યું અને વધાર્યું. ૧૯૮૯માં તેની શરૂઆત થઇ પછી કંપની પાસે ૧૯૮૩માં ૬૦૦ રોબોટ્સ ઉત્પાદન ક્ષેત્રે કાર્ય કરતા હતા અને ૧૯૮૫માં કંપની બીજા ૩૦૦ રોબોટ્સ ખરીદવાની હતી. રોબોટ્સે કંપનીની ઉત્પાદકતા ઘણી વધારી દીધી જે નીચે જોઇશું. અલબત્ત કંપનીમાંથી ઘણા માણસોને છૂટા કર્યા.
૩) નોકરીમાંથી કર્મચારીઓને છૂટા કર્યા: ઈ.સ. ૧૯૮૪માં કંપનીનો વર્ક ફોર્સ ૧૯૭૮માં હતો તેના કરતા ૨૫ ટકા ઓછો હતો. એનો અર્થ એ કે કંપનીએ પોતાના ૨૫ ટકા વર્ક ફોર્સ (કામદારો અને સુપરવાઇઝરો તથા મેનેજરો)ને છૂટા કર્યા. આ કામ ઘણું મુશ્કેલ હતું કારણકે ઈટાલીમાં ટ્રેડ યુનિયન બહુ જ શક્તિશાળી હોય છે. તેઓનો ઝોક ડાબેરી હોય છે.
૪) ઉત્પાદકતામાં મોટો વધારો: કંપનીની એક મોટી સિધ્ધિ એ હતી કે ૧૯૭૯માં દરેક કામદાર દીઠ ૧૪.૮ કારનું સરાસરી ઉત્પાદન થતું હતું તે ૧૯૮૩ના અંતે વધીને સરાસરી કામદાર દીઠ ૨૫ કારનું થઇ ગયું. કંપનીની ઉત્પાદકતામાં આને જંગી વધારો ગણી શકાય. વળી ૧૯૭૯માં કામદારોની ગેરહાજરીની ટકાવારી ૨૦ હતી તે ટકાવારી ઘટીને પાંચથી છ ટકા વચ્ચે આવી ગઇ. કંપનીને રોબોટીક્સથી ઘણો ફાયદો થયો.
૫) સપ્લાયર્સની સંખ્યામાં ઘટાડો: કંપનીનું ડાઇ-કાસ્ટીંગનું કામ બહારના સપ્લાયરો કરતા હતા. આ માટે કંપનીના ૧૦૦૦ સપ્લાયર્સ કંપનીને ડાય-કાસ્ટીંગની સેવાઓ આપતા હતા. કંપનીએ તેમની સંખ્યામાં કમી કરીને માત્ર ૬૦૦ની કરી નાખી. આને સપ્લાયરોની સંખ્યાનું રેશનલાઇઝેશન કહેવામાં આવે છે. કંપની અન્ય પાર્ટસનું ઉત્પાદન પણ સપ્લાયરો પાસેથી કરાવતી હતી. આ કોમ્પોનન્ટ સપ્લાયર્સની સંખ્યા ૨૦૦૦ હતી તેનું રેશનલાઇઝેશન કરીને ૧૫૦૦ કરી નાખી. આને કારણે કંપની ચાલુ સપ્લાયર્સ પર વધુ ધ્યાન આપી શકી.
૬) સાદી અને સસ્તી કાર: કંપનીએ પોતાની સાદી કારોનું ઉત્પાદન શરૂ કર્યું અને તે માટે 'ઉનો' (ેંર્શં) કારથી શરૂઆત કરી. ફીઆટની આ સાદી ઉનો કારમાં તેની અન્ય કારો કરતા વેલ્ડીંગવર્ક પચાસ ટકા ઓછું હતું. બાકી આ વેલ્ડીંગનું કામ પણ રોબોટ્સ કરતા હતા. વળી અન્ય કારોના કોમ્પોનન્ટ્સ કરતાં ફીઆટની ઉનો કારમાં ૩૩ ટકા ઓછા કોમ્પોનન્ટ્સ હતા.
૭) કારની વિવિધતામાં ઘટાડા: કંપનીએ પોતાની કારના મોડેલો ઘટાડયા. કારના જુદા જુદા દસ અન્ડરબોડીઝને બદલે માત્ર છ સ્ટેન્ડર્ડ અન્ડરબોડીઝ નક્કી કર્યા. જુદા જુદા કાર મોડેલો માટે જુદા જુદા ૩૪ એન્જીન્સ હતા. તેમાં સંખ્યા ઘટાડીને ૨૪ કરી નાંખી. તે માટે કંપનીએ મૂળભૂત બોડી ટાઇટલ પણ ઘટાડી નાંખી.
૮) કંપનીમાં શ્રમિક સંબંધો: કંપનીના તેના કામદારોના સંગઠનો સાથેના સંબંધો ખરાબ હતા. તેને કંપનીએ સુધારા કર્યા જેથી કામદારોની ઉત્પાદકતા વધી અને કામદારની ગેરહાજરીનું પ્રમાણ ઘટયું.
૯) કારના ઉત્પાદન ખર્ચમાં ઘટાડો: ૧૯૭૯માં કંપનીનું કારદીઠ ઉત્પાદન ખર્ચ જે હતું તે ૧૯૮૨માં ૯થી ૧૦ ટકા ઘટી ગયું. ૧૯૭૯માં કંપની જ્યારે ૧૫ લાખ કારનું ઉત્પાદન કરતી હતી ત્યારે બ્રેક ઈવન (નહીં નફો નહીં ખોટ) બીંદુ પર પહોંચતી હતી. ૧૯૮૪ના અંતે તેનું બ્રેકઈવન પોઇન્ટ ૧૧ લાખ કારના ઉત્પાદન પર પહોંચી ગયું હતું.
૧૦) સંયુક્ત પ્રોડક્ટસ: ફીઆટ કંપનીએ અનેક હરીફ કાર કંપનીઓ સાથે સંયુક્ત પ્રોડક્શન શરૂ કર્યું. ફીઆટે હળવી ટ્રકોનું ઉત્પાદન કર્યું. જેનું એન્જીનનું ઉત્પાદન હરીફ કાર કંપની પ્યુજોને સોંપ્યું. મીની કારના કોમ્પોનન્ટ્સનું અને પાર્ટસનું ઉત્પાદન તેની હરીફ કંપની આલ્ફા રોમીઓને સોંપ્યું. વળી ફીઆટ કંપનીની લાન્સીઆસ બ્રાંડની કાર ફીઆટની હરીફ કંપની જીછછમ્ બનાવે છે. ભારતમાં કદાપી આવું બની શકે ?
સમાપન: કંપનીની સફળ ટર્નએરાઉન્ડની વ્યૂહરચનાના અમલીકરણને કારણે ફીઆટ કંપનીનું ૧૯૮૩માં વેચાણ ૧૦૦૦ બીલીઅન ડોલર્સ થઇ ગયું અને નફો ૩૦થી ૪૦ બીલીઅન ડોલર્સ પર પહોંચ્યો. આ એક અંદાજ છે કારણ કે આ કેસ ૧૯૮૩ના નવેમ્બરમાં લખાયો હતો (ભારતીય કંપનીઓ આ સ્ટ્રેટેજી શીખી જાય તો ભારતના અર્થકારણને કેટલો બધો ફાયદો થાય ?