Get The App

સોનાનો ભાવ એક તોલાએ રૂા. 50,000થી પણ વધુ બોલાશે

હોટલાઈન - ભાલચંદ્ર જાની

પીળી ધાતુનો ઝગમગાટ હવે લોકોને દઝાડશે

Updated: Jan 12th, 2020

GS TEAM

Google News
Google News
સોનાનો ભાવ એક તોલાએ રૂા. 50,000થી પણ વધુ બોલાશે 1 - image


ભારતમાં દર વર્ષે બે કરોડ લગ્ન લેવાય છે. વધુ નહીંને દરેક કન્યાને સરેરાશ ૧૦ ગ્રામ સોનું અપાય તો પણ લગ્ન પ્રસંગે ખરીદાતાં સોનાનો જથ્થો ૨૦૦ ટન જેટલો થઈ જાય

તહેવારોની મોસમમાં બધી ચીજવસ્તુઓના ભાવ ઉપર જાય એ તો સ્વાભાવિક બીના છે. પરંતુ વાત જ્યારે સોનાની આવે ત્યારે જેણે હમણાં સોનું ખરીદવું ન હોય તેના પેટમાંય ફાળ પડે છે... સોનાનો  ભાવ ૪૦,૦૦૦નો આંકડો વટાવી ગયો  છે.

હા. સોનાના ભાવમાં ફરી ઝડપી ઉછાળો આવ્યો છે. આર્થિક ઉદારીકરણ પછી સોનું હવે આંતરરાષ્ટ્રીય મુદ્રાનું રૂપ ધારણ કરી રહ્યું છે. અમેરિકામાં વ્યાપેલી તીવ્ર મંદીના કારણે ડોલર નબળો પડયો છે. એટલે સુવર્ણ ધાતુમાં જ ચાંદી છે.  આંતરરાષ્ટ્રીય બુલિયન બજારમાં સોનાનો ભાવ જે રીતે તેજીથી વધી રહ્યા છે તેની અસર સ્થાનિક બજાર પર પણ પડી છે.

ઝવેરી બજારના ઝવેરીઓ માને છે કે જો આ જ સિલસિલો (ભાવવધારાનો) ચાલુ રહ્યો તો ૨૪ કેરેટ સોનાનો ભાવ વિદેશોમાં  ઔંસ દીઠ ૧,૮૦૦ ડોલર થઈ જશે અને મુંબઈમાં ૧૦ ગ્રામ દીઠ ૫૦,૦૦૦ રૂપિયા કરતાંય  મોંઘા ભાવે વેંચાશે.  ગયા મહિને મુંબઈમાં સો ટચના સોનાનો ભાવ વધીને રૂ. ૪૦,૦૦૦ થયા ત્યારથી તેજી ભભૂકવા લાગી છે. આખા એશિયામાં સોનાના ભાવો ખૂબ વધી ગયા. ન્યૂયોર્કમાં પણ આ તેજીના કારણે સોનાનો ભાવ છેલ્લા ત્રણ વર્ષનો ઊંચો ભાવાંક વટાવી ગયો.

ઝવેરી બજારના એક અગ્રણીએ સોનાની ભભૂકતી તેજી પાછળનું કારણ સમજાવતા કહ્યું કે અમેરિકામાં હાલ મંદી ઘર કરી ગઈ છે. અર્થવ્યવસ્થા કંગાળ છે. યેન, પૌંડ, યુરોડોલરની સરખામણીમાં અમેરિકા ડોલર પાંગળો બની ગયો છે. 

સોેનાનો ભાવ છેલ્લા બે દાયકામાં વિક્રમજનક સપાટીએ પહોંચી ગયો. છે. ૧૦ ગ્રામ સોનાનો ભાવ ૪૨,૦૦૦ની સપાટીને આંબવા મથી રહ્યો છે. તેવું કોઈ વૃધ્ધો  સાંભળે તો બિચારા કમને પણ પોતાની જુવાનીના દિવસો યાદ કરી લે. જ્યારે સોનું ૧૫૦ રૂપિયા તોલાના હિસાબે મળતું હતું. પણ આ તો છ દાયકા પુરાણી વાત થઈ. અમેરિકામાં વ્યાપાક મંદી આવ્યા પછી રોકાણકારો, ખાસ કરીને સ્ટોક્સ, શેર અને બોન્ડ્સ નાણા રોકાણકારોને જબરદસ્ત નુકસાન થયું હતું.

ડોલરની નાજુક સ્થિતિનું અનુમાન એ વાતથી કરી શકાય છે કે ૧૯૭૧માં ૩૫ ડોલરમાં એક ઔંસ સોનું મળતું હતું, જ્યારે આજે તેના લગભગ ૧૬૦૦ ડોલર થાય છે.

ડોલરની આ બગડી રહેલી સ્થિતિ તાત્કાલિક દેખાઈ રહી નથી. અર્થાત્ થોડાં વર્ષ પહેલાં ૪૦ રૂપિયામાં એક ડોલર મળતો હતો, જેના આજે ૭૨ રૂપિયા લાગે છે.

મૂડીરોકાણનું પુષ્કળ ધોવાણ થતા ઘણા ઈન્વેસ્ટરોના છાતીના પાટિયા બેસી ગયા હતા.  પરંતુ જેમણે સોનામાં પૈસા રોક્યા હતા તેમને કોઈ ભાવ ઘસરકો નડયો નથી. કોઈપણ આપત્તિ વખતે સોનુ મદદે આવતું હોવાની આપણા વડવાઓની શિખામણ પાછી સાચી ઠરી છે.

એકલું મુંબઈ શહેર વરસે  ૧૫૦થી  ૨૦૦  ટન સોનાની આયાત કરે છે. ત્યાં આ સોેનાની ભભૂકતી તેજીની તીવ્ર અસર વર્તાય એ સ્વાભાવિક છે. 

ગોલ્ડ કાઉન્સિલના આંકડા અનુસાર ગયા વર્ષમાં રિઝર્વ બેન્ક સહિત ૧૪ મધ્યસ્થ બેન્કોએ એક ટન કરતા વધુ સોનાની ખરીદી કરી હતી.

આ વર્ષે અનેક ભૌગોલિક, રાજકીય પડકારો તથા અવળચંડી આબોહવાને કારણે બજારોની સ્થિતિ ડામાડોળ રહેશે. ખાસ કરીને ઈરાન-અમેરિકા વચ્ચે વધી રહેલા ટેન્શનને કારણે  ખાડી દેશોમાં મામલો ગરમાયો છે. પેટ્રોલિયમ પ્રોડક્ટ્સના ભાવ ઝડપથી વધી રહ્યા છે. બીજી તરફ દુનિયાભરમાં વ્યાજદર નીચા રહેવાથી સોના જેવા સલામત રોકાણ સાધનોના ભાવ ઊંચા જશે.

બીજી તરફ ચીન-અમેરિકા વચ્ચે ચાલતા વેપારયુદ્ધથી લઈને મધ્ય પૂર્વ (ખાડીના દેશો)માં પ્રવર્તતી તંગદિલીને કારણે આંતરરાષ્ટ્રીય બજારોમાં અફડાતફડી જોવા મળશે. આવા અનેક કારણસર ટૂંક સમયમાં સોનુ ૧૦ ગ્રામ દીઠ રૂા. ૪૫૦૦૦ (ઓંસદીઠ ૧૬૫૦ ડોલર)ની સપાટીએ પહોંચી જશે. બજારોની સ્થિતિ વધુ વણસે, ઇરાન-અમેરિકા-ઇઝરાયલ યુદ્ધ ફાટી નીકળે તો સોનુ ૫૦,૦૦૦ રૂપિયાનો આંક પણ વટાવી શકે.

જોકે સોનાના ભાવ વધ્યા તેમ માગ ધીમી પડી ગઈ છે. આપણા દેશમાં પણ સોનાની માગ પૂરા થયેલા ૨૦૧૯ના વર્ષમાં ૭૫૦ ટનની આસપાસ રહી છે. ગત વર્ષમાં રિઝર્વ બેન્કે આશરે ૬૦ ટન સોનું ખરીદ્યું હતું. ચીન રશિયા, તુર્કી, પોલેન્ડ પણ મોટા ખરીદદાર હતા.

૨૦૧૦ના પૂર્વાર્ધમાં ભારતમાં સોનાની માગ આગલા વર્ષની સરખામણીએ ૯૪ ટકા વધીને ૩૬૫ ટન થઇ છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા પ્રમાણે વેલ્યુની દ્રષ્ટિએ સોનાની માગ રૂ.૨૭,૩૦૦ કરોડથી વધીને રૂ.૬૦,૫૦૦ કરોડની થઇ છે, જે ૧૨૨ ટકાનો વધારો દર્શાવે છે. આ સાથે સોનામાં થયેલા રોકાણમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. 

જો કે વેપારની વધઘટથી સોનાના ભાવ પર તો એકપક્ષી જ અસર પડી છે. ભાવ સતત વધતા ચાલ્યા છે. બહુ દૂરની વાત ન કરીએ તો ૧૯૯૧માં ૧૦ ગ્રામ સોનાના ભાવ ૩૪૫૧ હતા તે ૧૯૯૨માં ૪૨૯૭ થઈ ગયા, ૧૯૯૫માં ૪૬૬૭, ૧૯૯૭ માં ૫૦૭૦ અને પછી ઘટીને ૧૯૯૮ રૂ.૪૩૪૭, ૧૯૯૯માં રૂ.૪૨૬૮, ૨૦૦૧ માં રૂ.૪૪૭૩ અને ૨૦૦૨માં રૂ.૫૩૦૦/-  થઈ ગયો પરંતુ ત્રણ જ વર્ષમાં રૂ.૧૭૦૦ થી વધુ ઉછાળો આવતાં  સોનાનો ભાવ ૧૦ ગ્રામ દીઠ ૭૦૦૦ ની આસપાસ પહોંચી ગયો  હતો. ગયા વર્ષે આખર સુધી સોનાના ભાવે ૩૦,૦૦૦નો આંક વટાવ્યો નહોતો. પરંતુ આ વર્ષે માર્ચ-એપ્રિલ પથી સતત ભાવ વધતો જાય છે.

સોનાના ભાવમાં આવેલા અભૂતપૂર્વ ઉછાળાએ ગઈ દિવાળીના તહેવાર અને લગ્નગાળામાં જ કેટલાંક ફેમિલીના બજેટને  વેરવિખેર કરી નાખ્યું છે.

મુંબઈમાં  રહેતા મહેન્દ્રભાઈએ તેમની દીકરી મયુરીનું વેવિશાળ હજુ ગયા ડિસેમ્બર મહિનામાં જ કર્યું હતંપ અને આ સાલ ડિસેમ્બરમાં લગ્ન લેવાનું નક્કી કર્યું હતું. દેસાઈ પરિવારના હોવાથી વાંકડામાં ૪૦ તોલા સોનું આપવાનું પણ મહેન્દ્રભાઈએ તેમના સંઘિ દલપતભાઈને વચન આપ્યું હતું. મહેન્દ્રભાઈને આ વાંકડનીય ખાસ ચિંતા નહોતી. કારણ કે ૨૦ તોલા સોનું બજારમાંથી ખરીદવાનું હતું. પણ મહેન્દ્રભાઈએ સહેજ આળસ કરી એટલામાં સોનાની બજારમાં તેજી ભભૂકી ઊઠી અને બિચારા મહેન્દ્રભાઈને  આશરે રૂ. બે લાખનો ફટકો પડયો.

સોનાના ભાવમાં આવેલા આ અભૂતપૂર્વ ઉછાળાએ મહેન્દ્રભાઈ જેવા કેટલાય લોકોને લગ્નગાળામાં દઝાડી મૂક્યા. ગરીબમાં ગરીબ મા-બાપ પણ સાસરે જતી દીકરીને એક  મંગળસૂત્ર આપવાની ભાવનાતો સેવતો જ હોય ને! એક અંદાજ મુજબ ભારતમાં દર વર્ષે બે કરોડ લગ્ન લેવાય છે.

વધુ નહીંને દરેક કન્યાને સરેરાશ ૧૦ ગ્રામ સોનું અપાય તો પણ લગ્ન પ્રસંગે ખરીદાતાં સોનાનો જથ્થો ૨૦૦ ટન જેટલો થઈ જાય. એની સામે સોનાની કુલ માગ તો ૯૦૦ ટનથી પણ વધુ છે. વિશ્વમાં સોનાની વાર્ષિક ઘરાકી ૨૫૦૦ ટન છે તેમાંથી એકલું ભારત ૯૦૦ ટન સોનું વાપરે છે. ધનાઢ્ય દેશ અમેરિકામાં સોનાનો વાર્ષિક વપરાશ ૫૦૦ ટન છે.

જોકે એક વાત ખાસ નોંધવા જેવી છે કે ભારત (અંદાજે રૂ.૪૦,૦૦૦ અબજ) મૂલ્યનો સોનાનો ૧૮, હજાર ટનનો જથ્થો ધરાવે છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના મતે વિશ્વમાં સોનાના કુલ જથ્થામાંથી ૧૧ ટકા હિસ્સો ભારત પાસે છે. વિશ્વમાં ભારત એકમાત્ર એવો દેશ છે જ્યાં સોનામાં સૌથી વધારે રોકાણ કરવામાં આવે છે. અહેવાલ મુજબ છેલ્લા દસ વર્ષમાં ભારતમાં સોનાની માગમાં સરેરાશ વાર્ષિક ૧૩ ટકાના દરે વધારો થયો છે.

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અહેવાલ મુજબ ભારત માથા દીઠ સરેરાશ ૧૪ ગ્રામ સોનું ધરાવે છે, જે  પાશ્ચાત્ય દેશોનાં વપરાશ કરતા ઓછું પ્રમાણ છે. અહેવાલમાં જણાવ્યા મુજબ છેલ્લા દસ વર્ષમાં ભારતમાં વાર્ષિક સરેરાશ ૧૩ ટકાના દરે સોનાની માગ વધી છે જેની સરખામણીએ ભારતમાં જીડીપી, ફુગાવો અને વસ્તીવૃદ્ધિના દરમાં અનુક્રમે છ ટકા, આઠ ટકા અને ૧૨ ટકાનો વધારો થયો છે.

ભારત હાલ વિશ્વમાં સૌથી વધુ બચતનો દર ધરાવે છે. એક અંદાજ પ્રમાણે ભારતમાં આવકના સરેરાશ ૩૦ ટકાની બચત કરાય છે જેમાંથી ૧૦ ટકા રોકાણ સોનામાં કરવામાં આવે છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અહેવાલમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે ભારત વિશ્વનું સૌથી મોટુ ગોલ્ડ માર્કેટ છે, તથા નજીકના ભવિષ્યમાં આ સોનાની માગમાં ધરખમ વધારો નોંધાશે.

ડોલર સામે સતત ધોવાતા રહેલા રૂપિયાને લીધે તથા આંતરરાષ્ટ્રીય બજારમાં માલની ખેંચને પગલે સોનાના ભાવ વધ્યા છે. પરિણામે સોનાની આયાત મોંઘી થતા સ્થાનિક બજારોમાં સોનાના ભાવોએ ઊંચો કૂદકો માર્યો છે. ઝવેરીબજારના જાણકારો એવું કહે છે કે પ્રવર્તમાન સ્થિતિ એવા સંકેત આપે છે  કે ટૂંક સમયમાં ૧૦ ગ્રામ સોનાનો ભાવ ૪૫,૦૦૦ રૂપિયાનો આંક વટાવી જશે. માલની ખેચને પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં ગરમાટો આવી રહ્યો છે. તેથી હાલ તુરંત સોનાના ભાવ તૂટે એવું લાગતું નથી.

કદાચ કોઈ કારણસર પ્રત્યાઘાતી ઘટાડો આવે તો પણ ફરીવાર સોનાની તેજી ચાલુ જ રહેવાની. એટલે જ ઘણા શાણા લોકોએ શેરબજાર તરફથી નજર  હઠાવી લઈને સોના-ચાંદી તરફ મીટ માંડી છે. તેજીના સમયના શેરોમાં જે મોટા માર્જિનનો નફો થાય છે તેવો કદાચ સોનાના રોકાણમાં ન મળવાનો હોય તો પણ એ વાત તો સાચી  જ કે શેરબજારમાં મંદી આવે તેવી મંદી આવવાની સોનાબજારમાં કોઈ શક્યતા નથી. ૧૯૫૪માં સોનાનો ભાવ ૧૦ ગ્રામ દીઠ ૧૬૦ રૂપિયા હતો એ ત્યારબાદ સતત વધતો રહ્યો છે અને આવતા બે વર્ષમાં આ ભાવ ૫૦,૦૦૦નો આંક વટાવી જશે તેવું બજારના જાણકારો કહે છે.

કમનસીબી એ છે કે સોનાની સૌથી વધુ ભૂખધરાવતા ભારતમાં ૯૦૦ ટનની માગ સામે વર્ષે માત્ર અઢી ટન સોનુ  પેદા થાય છે. લગ્નની સિઝન આવે એટલે ભાવ વધે એ તો દર વર્ષનો નિયમ છે. દિવાળી જાય પછી સોનાનો ભાવાંક ઊંચકાવા લાગે અને વૈશાખ-જેઠ સુધીમાં સૌથી ઊંચે પહોંચી જાય, પરંતુ આ વખતના ભાવવધારાના એક નહીં અનેક કારણો છે  જેમાં મુખ્ય ત્રણ કારણ છે : આંતરરાષ્ટ્રીય બુલિયન બજારની તેજી, ડોલર નબળો પડવો અને આયાત માલમાં મર્યાદિત આવકો તથા દાણચોરીના માલની આવકનો અભાવ.

બિનનિવાસી ભારતીયો દ્વારા આયાત થતા સોનાનું પ્રમાણ પણ માત્ર પાંચ કિલો જેટલું છે. જે મોસમી ઘરાકીની જરૂરિયાત સંતોષી શકે તેમ નથી. સોનાના બિસ્કિટ (૧૧૬.૫૦ ગ્રામ) નો ભાવ પણ   ચાર લાખ રૂપિયાની ઉપર જઇ ચાર લાખ એંસી હજાર રૂપિયા બોલાયો છે. પરિણામે  દોઢ દાયકા પહેલાં જે ગોલ્ડ બિસ્કિટ ૫૦,૦૦૦માં મળતું હતું તેના આજે    આશરે પાંચ લાખ રૂપિયા ચૂકવવા પડે છે.

કાળા પેટ્રોલમાં કરોડોની કમાણી કરનારા આરબ શેખોને આ 'પીળી ધાતુ'નો નાદ લાગ્યો છે ત્યારથી ડોલર અને સોના વચ્ચે સીધો સંબંધ બંધાયો.  આરબ અમીરો સામાન્ય સંજોગોમાં તેમનું મૂડીરોકાણ અમેરિકન ડોલરમાં કરે છે. પરંતુ અમેરિકન લોકો વ્યાજનો દર ઘટાડે અથવા સોના બજારમાં તેજી આવે ત્યારે આરબો તેમનું મૂડીરોકાણ સોનામાં ફેરવવા માંડે છે.

જો કે આ વખતે જે રોકેટ સ્પીડે ભાવવધારો થયો તેનાથી લંડન, ન્યૂયોર્ક, પેરિસ અને જીનિવાના ગોલ્ડ બુલિયન ડિલર્સો પણ અચંબામાં પડી ગયા. ઘણી પાર્ટીઓએ તો આવી તેજીના કારણો જાણવા નિષ્ણાતોને રોક્યા છે જેથી સટ્ટો ખેલવા અંગે નિર્ણય લઈ શકાય.

મુંબઈમાં પણ સોનાનો સટ્ટો તેજીમાં  ચાલે છે પરંતુ સટ્ટાને કારણે સોનાના ભાવ આટલા ઝડપથી  ઊંચે ક્યારે ન જાય, બહુ બહુ તો ૫૦-૧૦૦ રૂપિયાનો ઉછાળો આવે. એક અગ્રણી ઝવેરી કહે છે કે  સટ્ટાખોરની સિન્ડિકેટ કરી કરીને કેટલું સોનું કોર્નર કરી શકે? નવા સોનાની સામે મુંબઈની બજારોમાં જૂનું સોનું પણ મોટા પ્રમાણમાં આવે છે.

જૂનું સોનું  કાઢી નાખી પૈસા રોકડા કરી અથવા નવા દાગીના ખરીદનારા જ બજારમાં રોજ દસ કરોડનું  સોનું ઠાલવતા હશે. તેમાંય ભાવ સતત ઉપર જતો હોય ત્યારે જૂનાં દાગીના કાઢી નાખનારા ધસારો કરે છે. આખા દેશમાં ૧૭,૦૦૦ થી વધુ પરવાનેદાર ઝવેરીઓ છે તેમાં એકલાં મુંબઈમાં ૧૯૦૦થી વધુ સોની-ઝવેરીઓની દુકાનો હશે. 

જૂનું સોનું ખરીદનારા સોનીઓને પણ તેજીના દિવસોમાં ભારે તડાકો  પડે છે. જૂના દાગીના આપીને નવા દાગીના ખરીદનારને તેજીના દિવસોમાં નુકસાન થાય છે. ૧૦૦ ગ્રામ વજનના જૂના દાગીના સામે ૭૫ ગ્રામ જેટલા જ દાગીના મળે. દાગીનાની ડિઝાઈન બનાવવા સાંધા માટે વપરાયેલા સોલ્ડરિંગ રેણ રૂપે ૨૫ ટકા કાપી લેવામાં આવે. મુંબઈમાં તો હજુ જૂના દાગીના વેચનારાને તાબડતોબ રોકડા પૈસા મળે છે. પરંતુ દિલ્હી કે ઉત્તર ભારતના કેટલાંક શહેરોમાં સોનાના જૂનાં ઘરેણાંના પૈસા આપવામાં ઝવેરીઓ ઢીલ કરે છે.  કેટલાંક જ્વેલરો તો બે-ત્રણ દિવસે પૈસા આપે છે.

દાગીના ઉપરાંત મૂડીરોકાણ માટે પણ સોનાને સલામત રોકાણ ગણવામાં આવે છે. જમીન-ફ્લેટોમાં કાળા નાણાંનું મૂડીરોકાણ કરનારા ઉપરાંત એક મોટો વર્ગ એવો છે જે સોનામાં મૂડી રોકે છે. અલબત્ત બીજા દેશોની માફક આપણે ત્યાં કોઈ હીરામાં મૂડીરોકાણ કરતું નથી. રૂપિયાનું મૂલ્ય ઘટતું જાય છે એટલે લોકોનો સોનામાં વિશ્વાસ વધી ગયો છે. હવે તો ગ્રામીણ વિસ્તારોનો ખેડૂતવર્ગ પણ સોનું ખરીદતો થયો છે.

અલબત્ત, સોનામાં કરેલું ઈન્વેસ્ટમેન્ટ સલામત મૂડીરોકાણ ગણાય પરંતુ આવકની દ્રષ્ટિએ એ એટલું કમાઉ નથી. ૧૯૫૦ની સાલમાં સોના પાછળ રોકાણ કરનારાઓ કરતાં અન્ય રીતે વ્યાજે પૈસા મૂકીને રોકાણ કરનારાઓએ ૫૦ વર્ષમાં ત્રણથી ચાર ગણું વળતર મેળવ્યું છે.

સોનાની જેણે વર્ષો સુધી અવગણના કરી હતી એ રશિયા અને પૂર્વ યુરોપિયન દેશોમાં પણ છેલ્લા ત્રણ દાયકાથી સોનાની માગ વધી છે. અરે, લાલ ચીન જેવા સામ્યવાદી દેશને પણ સોનાની ચાનક ચઢી છે.

 છેલ્લા ૫૦ વર્ષોમાં દરેક દસકામાં સોનાના ભાવો જે તબક્કાવાર વધ્યા છે, તેમાં સૌથી વધુ ઉછાળો ૧૯૭૦થી ૧૯૮૦ના દસકા વચ્ચે આવ્યો છે. ૧૯૭૦માં સોનાનો તોલાદીઠ ભાવ ૨૧૪ રૂપિયા હતો તે ૧૯૮૦માં સીધો ૧૮૬૬ થઈ ગયો હ તો. એક દસકામાં સોનાના ભાવમાં ૧૬૦૦ રૂપિયા જેટલા વધારા પાછળ  નિષ્ણાતોના મતે વિયેતનામ યુદ્ધ અને વ્યાપક આર્થિક મંદીનો મોટો ફાળો હતો.

સોનાની મહત્તા હવે સૌ કોઈને સમજાવા લાગી છે. વિશ્વમાં સોનાના ઉત્પાદનમાં દક્ષિણ આફ્રિકા (વાર્ષિક ઉત્પાદન ૭૦૦ ટન) પછી બીજા નંબરે આવનાર રશિયામાં વર્ષે ૩૨૦ ટન સોનું નીકળે છે. ૭૦ વર્ષ પૂર્વે રશિયામાં સોનાનું ઉત્પાદન માત્ર ૪૦ ટન જેટલું હતું. હાલમાં રશિયા પાસે ૧૫૦૦ ટન સોનું હોવાનો અંદાજ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે બાંધ્યો છે. એવું પણ કહેવાય છે કે વિશ્વમાં અત્યારે જેટલું સોનું છે તેમાંથી ૨૫ ટકા સોનું સરકાર તથા કેન્દ્રિત બેન્કો પાસે રિઝર્વ છે.

૧૯૯૧માં ભારત સરકાર વિદેશી હુંડિયામણના મામલે ભીંસ અનુભવતી હતી ત્યારે સરકારે સોનું ગીરવે મૂકીને નાણાભીડ હળવી કરી હતી. જાપાનમાં પણ અમુક બેન્કોની કામગીરી બાબત શંકાસ્પદ અહેવાલો આવવા લાગતા લોકોએ બેન્કોની થાપણો ઉપાડી લઈ સોનું ખરીદ્યું હતું. ભારતમાં સોનામાં રોકણ અને સંગ્રહ વધવા માટેનું એક કારણ એ છે કે ભારતીય લોકો પાસે રોકાણ માટેના સુવર્ણ  સિવાયના આકર્ષક વિકલ્પો બહુ ઓછા છે.

અણધારી કૌટુંબિક કે સામાજિક આફતમાં પણ અડધી રાતે સોનું વેચીને આફત દૂર કરી શકાય છે. આમ વર્તમાનમાં વિવિધ કારણોસર સોનાની માગ વધતી રહેશે. પરિણામે સોનાની બજાર પણ તેજીમાં રહેવાની.સોનુ મોંઘુ થશે. નજીકના ભવિષ્યમાં સોનું ૧૦ ગ્રામે રૂપિયા ૪૫,૦૦૦થી ૫૦,૦૦૦ની સપાટીએ આંબે તોય નવાઈ નહીં.

Tags :