વાર્તા વિશ્વ: ધ હેપ્પી પ્રિન્સ
'આ પૂતળું શું કામનું જો એ વરસાદથી બચાવી ન શકે?' એણે કહ્યુંત 'મારે હવે કોઇ ઘર ઉપરનાં છાપરાં ઉપરનાં ધુમાડિયાની શરણ લેવી રહી,' અને એણે નક્કી કર્યું કે અહીંથી ઊડી જવું.
( 'ધ હેપ્પી પ્રિન્સ એન્ડ ધ અધર સ્ટોરીઝ' - બાળકો માટેની વાર્તાઓનો આ સંગ્રહ પ્રથમ વખત સને ૧૮૮૮માં પ્રકાશિત થયો હતો. આમ તો આ વાર્તા બાળકો માટેની ક્લાસિક ફેન્ટાસી વાર્તા છે. ક્લાસિક વાર્તાની એ ખૂબી હોય છે કે સાંપ્રત કાળમાં પણ એ એટલી જ પ્રસ્તુત છે. આમ પણ આપણે જેને ટૂંકી વાર્તા કહીએ છીએ એની શરૂઆત ફેન્ટાસી વાર્તાથી જ તો થઇ છે.
આ વાર્તાનો નાયક હેપ્પી પ્રિન્સ (ખુશખુશાલ રાજકુમાર) એની આખી જિંદગી 'સેન્સુચી મહેલ'માં રહ્યો હોવાનો ઉલ્લેખ છે. શું છે આ સેન્સુચી મહેલ ? વેલ, એ છે પ્રુશિયાનાં રાજા ફ્રેડ્રિક ધ ગ્રેટનો સમર પેલેસ. સેન્સુચીનો અર્થ જ થાય છે 'કોઇ ચિંતા વિનાની જગ્યા, ફિકર-નોટ (!) અથવા તો કેર-ફ્રી જગ્યા'. સ્વાભાવિક છે કે આખી જિંદગી એ હેપ્પી જ રહ્યો હોય છે. પણ મર્યા બાદ એ હેપ્પી રહે છે ખરો? આગામી ૧૪ નવેમ્બર ચિલ્ડ્રન્સ ડે નિમિત્તે ધ હેપ્પી પ્રિન્સની વાર્તા..)
(ભાગ-૧ )
શહેરમાં ઘણી ઊંચાઇ ઉપર આવેલા એક વિસ્તારમાં એક ઊંચા સ્થંભ ઉપર એક હેપ્પી પ્રિન્સનું પૂતળું ઊભું હતું. એ પૂતળાંનાં આખા શરીરે સોનાનાં બારીક પાંદડાંનો ઢોળ ચઢાવ્યો હતો, આંખોમાં બે નીલમ રત્ન હતા અને એની તલવારની મૂઠ ઉપર એક મોટો ઘેરો લાલ માણેક રત્ન અંકિત હતો.
સૌ કોઇ એનાં ભરપૂર વખાણ કરતા હતા. ''એ વેધરકોક જેટલો જ ખૂબસૂરત છે.'' એ પૂતળાંને વેધરકોક એટલે કે પવનની દિશા સૂચવતા કૂકડાંનાં યંત્ર જેટલો સુંદર કહેનાર આ માણસ આ શહેરનાં ચૂંટાયેલા કાઉન્સિલર્સ પૈકીનો એક હતો. એ કાઉન્સિલરને પોતે કલાનો મર્મજ્ઞા છે, એવી પ્રતિષ્ઠા પામવાની ઇચ્છા હતી. ''જો કે વેધરકોક જેટલો ઉપયોગી નથી.'' એવું ય એ કહેતો. કારણ એને ડર હતો કે એ પૂતળાંનાં શિલ્પકૌશલનાં વધારે પડતા વખાણ કરશે તો લોકો એમ માનશે કે એ વ્યવહારુ નથી. એ પોતે જો કે વાસ્તવમાં અવ્યવહારુ નહોતો.
''શા માટે તું આ હેપ્પી પ્રિન્સ જેવો ખુશ નથી?'' એક નાનો છોકરો જે ચંદ્રમાને પકડવાની જીદ લઇને રડતો હતો ત્યારે એની માતાએ એને આમ પૂછયું હતું. ''આ હેપ્પી પ્રિન્સ છે.. અને એ તો સપનામાં ય ન રડે, ક્યારેય નહીં, કોઇ પણ બાબતે નહીં.''
''મને આનંદ છે કે આ દુનિયામાં કોઇ તો છે જે ખરેખર ખુશ છે,'' એ અદ્ભૂત પૂતળાં સામે જોઇને એક નિરાશ માણસ બબડયો હતો.
''આ તો અદ્દલ દેવદૂત જેવો લાગે છે.'' કિરમજી ઝભ્ભો અને સફેદ ચોખ્ખા પિનફોર ડ્રેસ પહેરેલાં બાળકોએ દેવળમાંથી બહાર આવતી વખતે કહ્યું હતું.
''તમને શી રીતે ખબર પડી?'' એમનાં ગણિતનાં શિક્ષકે પૂછયું હતું, ''તમે તો દેવદૂતને ક્યારેય જોયા પણ નથી.''
''આહ! પણ અમે જોયા છે, અમારાં સપનામાં,'' બાળકોએ જવાબ આપ્યો હતોત અને ગણિતનાં શિક્ષકે ડોળા કાઢયા હતા.એ શિક્ષક ભારે કઠોર દેખાતા હતા કારણ કે બાળકો સપના જોયા કરે એ એમને ગમતું નહોતું.
એક રાતે એક નાનકડાં ચકલાં જેવો જંતુભક્ષી યાયાવર પક્ષી શહેર પરથી પસાર થયો. એનાં મિત્રો છ અઠવડિયાં પહેલાં જ ઇજિપ્ત જવા નીકળી ગયા હતા,પણ એ રોકાઇ ગયો હતો કારણ કે એ નદી કિનારે ઊગેલી એક સૌથી સુંદર ઘાસની પોલી સળીનાં પ્રેમમાં હતો. ગઇ વસંતતુમાં એ જ્યારે વહેતી નદી ઉપર ઊડતા એક પીળાં પંતગિયાની પાછળ પડયો હતો ત્યારે એ ઘાસની સળીને એ અનાયાસે મળ્યો હતો. એની પાતળી કમરથી એ એટલો તો પ્રભાવિત થયો હતો કે એની સાથે વાત કરવા એ રોકાઇ ગયો હતો.
''હું તને પ્રેમ કરું?'' યાયાવર ચકલાએ ઘાસની સળીને પૂછયું હતું. એની તો આદત જ હતી કોઇ પણ જાતની આડીતેડી વાત કર્યા વિના સીધું મુદ્દાની વાત ઉપર આવી જવું, અને ઘાસની સળીએ નીચે ઝૂકીને હકારમાં ઉત્તર આપ્યો હતો. અને એટલે એ ચકલો ઘાસની સળીની ચોગરદમ ગોળગોળ ઊડતો રહ્યો, એની પાંખો પાણીને અડતી રહી અને પાણીમાં રૂપેરી લહેરિયાં ઊડાડતી રહી. આ એનું પ્રણયાચન હતું, સંવવન હતું, જે આખા ઊનાળા સુધી ચાલતું રહ્યું હતું.
''આ તો સાવ વાહિયાત વળગણ છે,''અન્ય યાયાવરી ચકલાંઓએ ચીંચીં કરતા કહ્યું હતુંત ''એની પાસે પૈસા ય નથી, અને એને કેટલાં ય સાથે વધારે પડતા સંબંધો પણ તો છે'' અને એ વાત પણ સાચી હતી કારણ કે આખી નદી, ઘાસની સળીઓથી ભરપૂર હતી. અને પછી જ્યારે પાનખર આવી ત્યારે ઠંડીથી બચવા એ બધા ચકલાંઓ ત્યાંથી ઊડી ચૂક્યા હતા.
એ બધાં જ્યારે ઊડી ગયા ત્યારે એ યાયાવર ચકલાંને એકલું એકલું લાગવા માંડયું,અને પછી એની પ્રેમિકાથી પણ હવે એને કંટાળો આવવાની શરૂઆત થઇ ચૂકી હતી. ''એ કાંઇ બોલતી જ નથી'' એ બોલ્યો, ''એ પવન સાથે હંમેશા પ્રણયચેષ્ટા કર્યા કરે છે. અને મને ડર છે કે આ પ્રેમિકા ભારે નખરેબાજ છે.'' અને હતું પણ એવું જ. જ્યારે પવન વાતો હતો ત્યારે એ ઘૂંટણીએ પડીને નમીને સલામ કરતી હતી. ''હું સ્વીકારું છું કે એ એની જમીન સાથે જોડાયેલી છે,'' એ આગળ બોલ્યો, ''પણ મને હરવાફરવાનું ખૂબ ગમે છે અને પરિણામે જે કોઇ પણ મારી પત્ની બને એને પણ હરવાફરવાનું તો ગમતું જ હોવું જોઇએ.''
''તું મારી સાથે દૂર આવી શકીશ?'' એણે ઘાસની સળીને આખરી વાર પૂછયુંત પણ ઘાસની સળીએ માથું હલાવીને ના પાડી કારણ કે એ એનાં પોતાના ઘર સાથે એટલી તો જોડાયેલી હતી.
''તેં મારી સાથે રમત રમી છે. હું તો આ ઊડયો પીરામિડ્સ તરફ. ગૂડ-બાય!''
આખો દિવસ એ ઊડતો રહ્યો અને રાતે એ શહેરમાં પહોંચ્યો. ''હું ક્યાં રાતવાસો કરું?'' એણે કહ્યુંત ''મને લાગે છે કે શહેરમાં કોઇ તો વ્યવસ્થા હશે જ.''
અને ત્યારે એણે એક ઊંચા સ્તંભ ઊપર જડેલું એક પૂતળું જોયું.
''હું ત્યાં જ રોકાઇશ,'' એ બોલી ઊઠયોત ''એ સરસ જગ્યા છે, અહીં સરસ તાજી હવાની ભરમાર છે.'' અને એમ બોલીને એણે હેપ્પી પ્રિન્સનાં બે પગ વચ્ચે ઉતરાણ કર્યું, પણ ઊતરતી વખતે જેવું એનું માથું બે પાંખોની વચ્ચે રાખી રહ્યો હતો ત્યારે પાણીનું એક મોટું ટીપું એના માથે પડયું.
''કેવી આશ્ચર્યજનક વાત છે આ!'' એ મોટેથી બોલી ઊઠયોત ''આકાશમાં એકે ય વાદળું નથી, ચમકતાં તારાઓ સ્પષ્ટ દેખાઇ રહ્યા છે,અને તેમ છતાં વરસાદ પડી રહ્યો છે. ઉત્તરીય યુરોપનું હવામાન ખરેખર બહુ ખરાબ છે.''
''ઘાસની સળીને વરસાદ ગમતો હતો પણ એ તો માત્ર એનો સ્વાર્થ જ હતો.''
ત્યાં તો બીજું ટીપું પડયું.
''આ પૂતળું શું કામનું જો એ વરસાદથી બચાવી ન શકે?'' એણે કહ્યુંત ''મારે હવે કોઇ ઘર ઉપરનાં છાપરાં ઉપરનાં ધુમાડિયાની શરણ લેવી રહી,'' અને એણે નક્કી કર્યું કે અહીંથી ઊડી જવું.
પણ એ પોતાની પાંખો પસારે તે પહેલાં ત્રીજુ ટીપું પડયું અને એણે ઊંચે નજર કરી તો જોયું કે-આહ! એણે શું જોયું?
હેપ્પી પ્રિન્સની આંખો સજલ હતી અને આંસુઓ એનાં સોનેરી ગાલો ઉપરથી નીચે સરી રહ્યા હતા. ચાંદનીમાં હેપ્પી પ્રિન્સનો ચહેરો એટલો સુંદર દેખાઇ રહ્યો હતો કે યાયવર ચકલાંનાં મનમાં દયા ઊભરાઇ.
''તું કોણ છે?'' એણે પૂછયું.
''હું હેપ્પી પ્રિન્સ છું.''
''તો તું રડે છે શા માટે?'' ચકલાંએ પૂછયુંત ''તેં તો મને તદ્દન ભીંજવી નાંખ્યો.''
''જ્યારે હું જીવતો હતો અને મારા શરીરમાં માનવીય હૃદય ધડકી રહ્યું હતું,'' પૂતળાંએ જવાબ આપ્યો, ''મને ખબર જ નહોતી કે આંસુ શું ચીજ છે કારણ કે હું તો સેન્સુચી મહેલમાં રહેતો હતો કે જ્યાં દુ:ખને આવવાની મનાઇ હતી. દિવસ દરમ્યાન હું મારા સાથીદારો સાથે બગીચામાં રમતો હતો અને સાંજે હું ગ્રેટ હાલમાં ડાન્સ કરતો હતો. બગીચાની ફરતે ઊંચી દીવાલ હતી પણ મેં ક્યારેય એ દરકાર કરી નહોતી કે એની પાછળ શું છે, મારા માટે જે કાંઇ પણ હતું એ દીવાલની અંદર હતું અને એ સઘળું અતિ સુંદર હતું.
મારા દરબારીઓ મને હેપ્પી પ્રિન્સ કહેતા, સુખી રાજકુમાર. અને હું સુખી હતો, ચોક્કસ સુખી હતો, જો મોજશોખને સુખ કહેવાતું હોય તો... હું એવી રીતે જીવ્યો અને એવી રીતે જ મર્યો. અને કારણ કે હવે હું મરી ગયો હતો એટલે તેઓએ મને એટલે ઊંચે પ્રસ્થાપિત કર્યો કે હવે હું આ શહેરની બધી જ બેડોળતા અને આ શહેરની સઘળી કંગાલિયત હું મારી સગી નજરે નિહાળી શકું છુંત અને ભલે મારું હૃદય સીસુંનું બનેલું છે પણ હું ઇચ્છું તો ય રડયા વિના રહી શકતો નથી.''
''વ્હોટ! શું એ સાબૂત સોનામાંથી બન્યું નથી?'' યાયાવર ચકલાંએ સ્વગત કહ્યું. એ એટલો તો નમ્ર હતો જ કે કોઇ વિષેની અંગત ટિપ્પણી એ મોટા અવાજે કરતો નહોતો.
''અહીંથી દૂર,'' પૂતળાંએ ધીમા સંગીતમય અવાજમાં બોલવાનું ચાલું રાખ્યું, ''દૂર નાનકડાં મહોલ્લામાં એક ગરીબનું ઘર છે. એની એક બારી ખુલ્લી છે અને એમાંથી હું જોઇ શકું છું ટેબલ પર બેઠેલી એક સ્ત્રીને. એનો ચહેરો પાતળો અને જીર્ણ છે, એનાં હાથ ખરબચડાં અને લાલ છે. એનાં હાથ સોઇથી કોચાયેલા છે કારણ કે એ સીવણ કરનારી સ્ત્રી છે. આગામી પાર્ટીમાં રાણીની સુંદરતમ સખીઓને પહેરવા માટેનાં નરમ મુલાયમ સાટિન ગાઉનમાં પેશન-ફ્લાવર એટલે કે કૃષ્ણકમળ ફૂલનું ભરતકામ કરી રહી છે.
રૂમનાં એક ખૂણામાં એક ખાટલો છે જેની ઉપર એનો નાનકડો દીકરો બીમાર હાલતમાં પડયો છે. એને તાવ આવે છે અને એને સંતરુ ખાવું છે. એની માતા પાસે એનાં દીકરાને નદીનાં પાણી સિવાય આપવા માટે કાંઇ જ નથી અને એટલે એ રડી રહ્યો છે. ઓ ચકલાં, ઓ ચકલાં,ઓ યાયાવરી ચકલાં, શું તું મારી તલવારની મૂઠમાં જડેલાં માણેકને લઇને એ સ્ત્રીને નહીં દઇ આવે? મારા પગ તો આ થાંભલાની કુંભી સાથે જડેલાં છે અને હું તો અહીંથી હાલી શકું એમ ય નથી.''
''ઇજિપ્તમાં મારી રાહ જોવાઇ રહી છે,'' યાયાવર ચકલાંએ કહ્યું. ''મારા મિત્રો નાઇલ નદીનાં ઉપરવાસ અને હેઠવાસ ઉપર ઊડી રહ્યા છે અને મોટાં કમળનાં ફૂલો સાથે વાતો કરી રહ્યા છે. હવે થોડી વારમાં જ મહાન રાજાની કબર ઉપર સૂવા તેઓ માટે જશે. ત્યાં એની રંગીન ચિત્રિત શબપેટીમાં રાજા પોતે બિરાજમાન છે. એ પીળાં લિનનનાં કાપડમાં વીંટળાયેલાં છે અને એનાં શબમાં મસાલા ભરીને એને ટકાવી રખાયા છે. એનાં ગળામાં ચેઇન છે, જેમાં આછા લીલા રંગનો રત્ન જડેલો છે અને એનાં હાથ જાણે કે સૂકાઇ ગયેલાં જીર્ણ પાંદડા જેવા દેખાઇ રહ્યા છે.''
''ઓ ચકલાં, ઓ ચકલાં, ઓ યાયાવરી ચકલાં,'' પ્રિન્સે કહ્યું, ''તું એક રાત મારી સાથે ન રહી શકે? શું તું એક રાત મારો સંદેશવાહક ન બની શકે? એ છોકરાને ખૂબ તરસ લાગી છે, અને એની માતા ખૂબ દુ:ખી છે.'
સર્જકનો પરિચય
ઓસ્કાર વાઈલ્ડ
જન્મ:૧૬ ઓક્ટોબર, ડબ્લીન, ૧૮૫૪
મૃત્યુ : ૩૦ નવેમ્બર, પેરિસ, ૧૯૦૦
ઓસ્કાર ફિન્ગલ ઓ' ફ્લાહેર્ટી વિલ્સ વાઈલ્ડ એક આઈરિશ કવિ અને ટૂંકી વાર્તા તેમજ નાટયલેખક હતા. સને ૧૮૮૦નાં દાયકામાં વિવિધ પ્રકારનાં સાહિત્યનું સર્જન કર્યા બાદ તેઓ સને ૧૮૯૦ માં લંડનનાં સૌથી લોકપ્રિય નાટયકાર બન્યા. એની ચતુરોક્તિ કવિતાઓ અને એનાં નાટકો તેમજ નવલકથા માટે જાણીતા છે. એમને જેલમાં પૂરવાનાં કારણો અને સંજોગો તેમજ એમનું અકાળ મૃત્યુ પણ ચર્ચાસ્પદ રહ્યું. ઓસ્કાર વાઈલ્ડનાં જીવનનાં કેટલીક મહત્વની બાબતો...
૧. ડબ્લીનનાં એન્ગ્લોઆઈરિશ બુદ્ધિજીવી પરિવારમાં એમનો જન્મ થયો.
૨. તેઓ નાના હતા ત્યારે જ તેઓ ફ્રેંચ અને જર્મન ભાષામાં પારંગત થઇ ચૂક્યા હતા. ત્યાર બાદ તેઓએ ઇંગ્લિશ ઉપરાંત ઇટાલિયન અને ગ્રીક ભાષા પણ શીખી લીધી હતી. જો કે તેઓને તેઓની માતૃભાષા આઈરિશ આવડતી નહોતી.
૩. ડબ્લીન અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીઝમાં તેઓ અભ્યાસમાં આઉટસ્ટેન્ડિંગ રહ્યા.
૪. સૌંદર્ય મીમાંસાવાદની ફિલસૂફી ત્યારે ઊભરી રહી હતી અને તેઓ એમાં સક્રિય રહ્યા.
૫. યુનિવર્સિટી બાદ તેઓ લંડનનાં ફેશનેબલ સાંસ્કૃતિક અને સામાજિક વર્તુળોમાં લોકપ્રિય રહ્યા.