જૈન વસ્ત્રપટ્ટ દર્શન મહિમા
રસવલ્લરી સુધા ભટ્ટ .
દેવદિવાળીએ શ્રીમદ્ રાજચન્દ્ર જન્મ જયંતિ ઓચ્છવ
દેવ દિવાળીની નોબત વાગી ગઈ છે. બે જ દિવસ કેડે એના આગમનની છડી પોકારાઈ ગઈ છે. ત્યારે કાર્તિકી પૂર્ણિમાએ વિશેષ સ્નાન અને તુલસી વિવાહનું સમાપન થાય છે. દેવઉઠી અગિયારસથી માંડી કારતકની વ્રતની પૂનમ સુધી ઉજવણી જ ઉજવણી. સિખ ગુરુ નાનકસાહેબની પણ એ જન્મજયંતિ છે. દક્ષિણ ભારતીય મંદિરોના શિખરો પર ગોખલે ગોખલે દીવા ટમટમે. વળી, પ્રાંગણમાં દીપવૃક્ષની રચના પણ એટલી તો અનેરી હોય ! દેવને મનભાવન સુગંધી દ્રવ્યોના સ્નાન- માન- પાન મળે અને મનગમતી સામગ્રીનું પ્રસાદમાં રૂપાંતર થાય એ પણ એની આગવી વિશેષતા.
દેવને જગાડે તે દિવસને 'કારતક સુદ પ્રબોધિની એકાદશી' પણ કહેવાય અને ચોમાસાના ચાતુર્માસની પૂર્ણાહુતિનો આરંભ વાજતે ગાજતે થાય તે પૂનમે જ એને શાંતિનો શ્વાસ લેવાનો સમય મળે. આ દિવસે જૈન મુનિઓ અને આચાર્યોના વિહાર- પ્રવાસ પણ શરૂ થાય. જૈન મંદિરો- દેરાસરોમાં ભગવાનના વિવિધ સ્વરૂપોની ઝાંખી કરાવતી પ્રતિમાઓની પશ્ચાદભૂમાં અદ્ભુત વસ્ત્રપટ્ટ દર્શનનો વિશેષ લ્હાવો ભક્તજનોને સાંપડે.
આ પટપ્રદર્શનનું ધાર્મિક અને સામાજિક મહાત્મ્ય આપણા વડીલોએ જાળવી રાખ્યું છે અને આગળ ધપાવી રહ્યા છે. કળાનો આ વારસો આજ લગી સચવાયેલો છે તેનો આનંદ જાણે કે દેવો પણ પરસ્પર વહેંચે છે. અવતારી સ્ત્રી કે પુરુષના જીવનની ઝાંખી, વૈરાગ્યના નિમિત્ત સમ પ્રસંગોની માંડણી આ વસ્ત્રપટોમાં થાય.
દેવદિવાળીએ વસ્ત્રપટ્ટના દર્શન કરવાનો ભાવસભર આગ્રહ
ચાલો, આવવું છે જૈન વસ્ત્રપટ્ટના દર્શને ? હા, દેવદિવાળીએ દેરે જઈશું તો થશે જ દર્શન; પરંતુ વગર અવસરે કે પર્વે પણ એક સાથે અનેક કલાત્મક અને વિષયવૈવિધ્ય સાથેના પટ્ટના દર્શન કાજે પ્રદર્શન માણવાનું મળી જાય તો ? એ પ્રદર્શન કેટલુંક કાયમી ધોરણે તો કેટલુંક હંગામી ધોરણે આપણા એલ.ડી. મ્યુઝિયમ (અરે ! લાલભાઈ દલપતભાઈ જ તો !) ગુજરાત યુનિવર્સિટીની પડખે આવેલું છે ત્યાં જ આપણને મળવા આતુર છે.
કળારસજ્ઞા અને માર્ગદર્શક ડો. રતન પરિમુએ આ સંગ્રહ સ્થાનમાં રસપ્રાણ ફૂંક્યો છે અને નગરશ્રેષ્ઠી શ્રી કસ્તુરભાઈ લાલભાઈને મળેલી કલાકૃતિઓ ઉપરાંત અન્ય અનેક સ્થળોએથી પ્રાપ્ત થયેલ વૈવિધ્યસભર કળાના નમૂનાઓને રસિકોને ચરણે ભેટસ્વરૂપે મૂકવા તેઓ પ્રતિબદ્ધ છે. વળી, શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈના પરિવારજનો પણ આ કળાવારસાને વહેંચવા કટિબદ્ધ છે. જે લોકો પ્રવાસે નથી જઈ શકતા તેમને આવા દર્શન- પ્રદર્શન આશ્વાસન પૂરું પાડે છે અને તેમને ભાવસમાધિ પ્રાપ્ત થાય છે.
પર્યુષણ સહિતના અનેક પર્વો નિમિત્તે પણ 'છોડ' તરીકે ઓળખાતા આવા વસ્ત્રપટ્ટો પિછવાઈની જેમ પ્રભુ પ્રતિમા કે છબીની પાછળ શણગાર થઈને શોભે છે. ભારતીય ચિત્રકળાનો ઇતિહાસ ભીંતચિત્રો, ગુફાચિત્રો, પહાડ ઉપર થતા ચિત્રો, સ્મારકો પર થતા ચિત્રોથી આરંભાયો તે તાડના પાંદડા, ધાતુ કે પછી કાપડ અને ત્યારબાદ કાગળ સુધી પહોંચ્યો.
અતિ આધુનિક સ્તરે કમ્પ્યુટરે પણ હામ ભીડી છે. જૂનું એટલું સોનું. હાથવણાટનું બરછટ જેવું કાપડ અને પ્રકૃતિમાને ખોળેથી ભેગાં કરેલા 'ઓર્ગેનિક'- જૈવિક રંગોના રસભર કચોળાં. કુશળ ઉત્સુક ચિત્રકારો- પારંપારિક વિષયો અને કળાના રખોપાં કરનાર રાજવીઓ- કળારાણીએ જીવવું જ પડે ભાઈ !
પ્રભુના ભવ્ય શણગારો, વસ્ત્રપટ્ટ અને મંદિરોની ધ્યાનાકર્ષક સજાવટ
જૈન ચિત્રકળાએ ભારતના સાંસ્કૃતિક વારસાને પ્રબળ બનાવ્યો છે. પંદરમી સોળમી સદીમાં આ કળાએ કાઠું કાઢ્યું અને સત્તર, અઢાર તથા ઓગણીસમા સૈકા સુધી એ પ્રચલનમાં રહી. 'કલ્પસૂત્ર' જેવા ગ્રંથોમાં પૂજનીય તીર્થંકરોના ચિત્રણ મળ્યા ત્યારબાદ સુતરાઉ કાપડ પર દાર્શનિક, વૈચારિક અને પ્રતીકાત્મક વિષયો બ્રહ્માંડને લગતા ચિત્રોને લઈને આવ્યા. બ્રહ્માંડ વિજ્ઞાાન અંતર્ગત અઢીદ્વીપ, લોકપુરુષ જેવા ચિત્રો મળ્યા. બાર ઇંચ પહોળાઈ અને ત્રીસ ફૂટ સુધીની લંબાઈવાળા (સ્ઝોલ) વીંટી શકાય એવા કાપડ પર જાહેરાત- વિજ્ઞાપ્તિપત્રો પણ મળી આવ્યા.
જૈન ચિત્રકલાના મૂળ કેન્દ્ર પાટણમાંથી અને રાજસ્થાનમાંથી પણ જૈન શૈલીના ચિત્રો (સોળમી સદીનાં) મળ્યાં. અલબત્ત, રાજસ્થાની શૈલી અને લઘુચિત્રોનો વ્યાપ વધવાથી એની અસર પણ જૈન શૈલી પર પડી. વલ્લભ સંપ્રદાયની પિછવાઈએ સુધ્ધાં એની ઉપર પોતાની અસર છોડી. રહસ્યવાદી, તાંત્રિક, યંત્ર- મંડલ અને અતાંત્રિક ચિત્રોનો વ્યાપ વધ્યો. 'અઢીદ્વીપ' ચિત્ર દ્વારા પૃથ્વીના ગોળાકાર સ્વરૂપનું ચિત્ર છે જેમાં જંબુદ્વીપમાં જન્મેલા ચોવીસ તીર્થંકરોનું ચિત્રણ છે.
'લોકપુરુષ' એક સ્થાયી માનવ આકૃતિ છે જે ત્રણ ગણા બ્રહ્માંડનું પ્રતિનિધિત્વ કરે છે. લાલ પટ, પીળી ફૂલ પત્તીવાળી કિનાર, લંબચોરસ આ ઊભા પટને ઉપરને ખૂણે ગુલાબનાં ફૂલ ભૌમિતિક આકારો સહ શોભે છે. વચ્ચોવચ્ચ ઉભેલા પ્રભાવી પુરુષે બંને હાથ કમરે ટેકવ્યા છે જેની છાતી ઉપર ભૌમિતિક આકૃતિઓ છે. રાજસ્થાની શૈલીની અણિયાળી આંખો, તીણું નાક અને શિરપેચ નોંધપાત્ર છે. કમરની નીચે સાત ખાનામાં વિવિધ જીવનચક્રો, પશુ, માનવ અને બે યક્ષોનું યાદગાર નિરૂપણ છે.
'જ્ઞાાનચૌપદ' પટમાં સાપ- સીડીની રમત અને મોર પર સવાર બાદશાહની ફેન્ટસી
'જહાંગીર ફરમાન' અતિ રંગીન પટ છે જેમાં પશુ અને માનવની પરસ્પર લાગણી વણાઈ છે. અતિ ઝીણવટભર્યા આલેખનમાં જીવહત્યાનો વિરોધ દર્શાવાયો છે. 'પાર્શ્વનાથ યંત્રપટ્ટ' પ્રકૃતિથી ખૂબ નજીક એવું ચોરસ યંત્રપટ છે જેમાં કિનારીઓમાં પુષ્કળ પાન, ફૂલ, કળી, ઘાસ અને ચારખૂણે એકમેકમાં વીટળાયેલા સર્પ સમૂહ દેખાય. ધરા ઉપરના દરેક જીવને મહત્ત્વ આપતા આ પટમાં લાલ, પીળા, લીલા, ભૂરા, કાળા રંગો રમે છે.
'નેમિનાથ વિવાહ વરઘોડો' ચિત્રમાં પ્રભુનું વૈભવશાળી જાનપ્રસ્થાન છે જેમાં હાથી, ઘોડા, રથ, બગી, પાલખી, સુસજ્જ જાનૈયાઓ, કુંભ કળશથી શુકન કરાવતી રમણીઓ, વાદ્યો, નગરશણગાર, હવનકુંડ, લગ્નવેદી આદિ ઉપરાંત નેમિનાથજીને વૈરાગ્ય તરફ લઈ જનાર રાંક પશુઓની હત્યાના પ્રયત્નોનો ચિતાર છે. રંગ અને આકાશે અત્યંત રમણીય 'પર્યુષણ ક્ષમાપના પત્રિકા'માં લાલ, લીલા, પીળા, વાદળી, ભૌમિતિક વિભાગોમાં માનવજીવનની ગતિવિધિઓનું અંકન છે.
'સહસ્ત્રફેણા પાર્શ્વનાથ' પટચિત્રમાં લાલ રંગ પશ્ચાદભૂમાં રસળ છે. ભૌમિતિક ભાતવાળી કિનાર વિલસે છે. ચિત્રમાં અનેક રંગો ઉપરાંત ભગવાનનું લીલા રંગનું શરીર અને ઊંચો થયેલો પગ કંઈક કહે છે. સૌમ્ય શાંત મુખારવિંદ, અનેક ઝીણી વિગતો સાથે માથે વળાંકદાર સહસ્ત્રફેણા નાગ પીળા, કાળા, વાદળી રંગો સહ દીપી ઉઠયો છે. ખરે જ ! સમેતશિખરજી કે શત્રુંજ્ય તીર્થ ચડી ન શકનારને ઘરઆંગણે આવા પટચિત્રો તૃપ્ત કરે.
લસરકો: તીર્થપટ્ટનાં દર્શન. દર્શકને વાસ્તવિક તીર્થની અનુભૂતિ કરાવે.