દુર્ભાગ્યને સદ્ભાગ્યમાં પલટાવનારી
આજકાલ - પ્રીતિ શાહ .
તામાંગ સામાજિક રૂઢિઓને ઓળંગીને લાલ લુગડા કપડાં અને ઘરેણાં પહેરે છે. એની વાતોની અસર લોકો પર એટલી બધી છે કે સહુ એને રાજકારણમાં જવા માટે સલાહ આપતા
જીવનની કેટલીય તડકી- છાંયડી નિહાળનારી રામ દેવી તામાંગ નેપાળના એક અત્યંત રૂઢિચુસ્ત પરિવારમાં જન્મી હતી. વીસ વર્ષની ઉંમરે તેના લગ્ન પ્રેમ લામા સાથે થયા. બંને ખૂબ ખુશ હતા અને પોતાના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનાં સ્વપ્નો જોતાં હતાં. પ્રેમ એક સંસ્થામાં નોકરી કરતો હતો અને તામાંગ કપડાં સીવવાનું નાનું-મોટું કામ કરતી હતી.
નેપાળ જેવા દેશમાં સ્ત્રીઓ માટે રોજગારીના ક્ષેત્રો સીમિત હોય છે, પરંતુ તામાંગ મહેનત અને આવડતથી કામ કરતી અને સાથે કમાણી પણ. લગ્ન પછી એક વર્ષમાં પુત્રીનો જન્મ થયો, તેથી વિશેષ ખુશ રહેતું આ દંપતી તે માટે રોજ ઇશ્વરનો આભાર માનતું. સમય જતાં બીજી પુત્રીનો જન્મ થયો. પરિવાર પોતાની રીતે ખૂબ આનંદભેર રહેતો હતો, પરંતુ એક અકસ્માતે પરિવારની સઘળી ખુશીઓ છીનવી લીધી.
બે પુત્રીના પિતા પ્રેમનું મોટરસાઇકલ અકસ્માતમાં અવસાન થયું. રાતોરાત તમાંગની દુનિયા બદલાઈ ગઈ. માથે આપત્તિઓનું જાણે આભ તૂટી પડયું. આવા સમયે જે સ્વજનો અને પરિચિતો પાસેથી સાથ- સહકાર અને હૂંફની અપેક્ષા હતી, તેમની પાસેથી લાગણીભર્યા બે શબ્દો તો ન મળ્યા, પરંતુ તેના પર બિનપાયાદાર આક્ષેપો કરીને તેને હડધૂત કરવામાં આવી. તેના સાસરિયા પ્રેમના મૃત્યુ માટે તેને જવાબદાર અને બદનસીબ સ્ત્રી માનવા લાગ્યા.
તામાંગ આજે પણ એ સ્થિતિને યાદ કરતા કહે છે કે, એ લોકોએ કહ્યું કે તે એના પતિને ખાઈ ગઈ. આટલેથી ન અટકતાં એને સતત અભાગણી અને અમંગળ પગલાંની કહેતા. એને એમ પણ કહેતાં કે હવે જો તે આ ગામમાં રહેશે, તો બધા પુરુષોને ખાઈ જશે. આ રીતે જે દિવસે તામાંગ વિધવા થઈ, ત્યારે એણે માત્ર એના પતિને જ નહોતો ગુમાવ્યો, પરંતુ એનું સર્વસ્વ લૂંટાઈ ગયું.
સૌથી પહેલાં તો એ લોકોએ તામાંગનું કામ બંધ કરાવી દીધું. નાની નાની વાતમાં વગર વાંકે એને અપશબ્દો કહેવા અને માર મારવો, એ સામાન્ય બાબત બની ગઈ. એનું ઘર, એની બચત સઘળું છિનવી લીધું. સામાજિક રૂઢિ અને માન્યતાને કારણે તામાંગના પિયર પક્ષમાંથી પણ કોઈએ એને સાથ ન આપ્યો, કારણ કે ત્યાં એવી માન્યતા છે કે વિધવા થયેલી કોઈ સ્ત્રી પોતાના પિતાના ઘરે પાછી જઈ શકતી નથી.
નેપાળના પારંપારિક હિંદુ સમાજમાં આજે પણ વિધવા સ્ત્રી પર અનેક પ્રકારના પ્રતિબંધો છે. જેમ કે તે પુનર્વિવાહ ન કરી શકે, લાલ કપડા ન પહેરી શકે ન કોઈ ઘરેણાં પહેરી શકે. એણે શાકાહાર ભોજન જ કરવાનું અને કોઈ ધાર્મિક કે માંગલિક પ્રસંગમાં તે ભાગ ન લઈ શકે વગેરે. તામાંગે આ બધું જોયું અને વિચાર્યું કે આવી બંધિયાર કે ગૂંગળામણભરી જિંદગીમાંથી મુક્તિ મેળવવી હશે તો આ ગામ છોડી અન્ય કોઈ સ્થળે જવું પડશે.
આવી જિંદગીમાં એને પોતાની બે બાળકીઓનું ભવિષ્ય પણ અંધકારમય લાગતું હતું. તેને પોતાની પુત્રીઓના ભવિષ્યની ચિંતા સતાવતી હતી. તે બંનેને ઉચ્ચ શિક્ષણ આપવા માંગતી હતી. તે સમયે નેપાળની આંતરિક રાજકીય પરિસ્થિતિ પણ સારી નહોતી, પરંતુ તામાંગે આ બધાની સામે હિંમત કરીને પોતાની બે પુત્રી અને ત્રણ સિલાઈ મશીન સાથે પોતાનું ગામ છોડયું અને કાઠમંડુથી પચીસેક કિ.મી. દૂર બનેપા ગામમાં વસવાટ કર્યો.
તામાંગના જીવનના આ સૌથી કપરાં દિવસો હતા. બે દિકરીઓની જવાબદારી અને પાસે પૈસા નહીં, પરંતુ એને પોતાના કૌશલ્યમાં વિશ્વાસ હતો. એણે સિલાઈ કામ શરૂ કર્યું. સાથે સાથે ઘરમાં અથાણાં બનાવીને વેચવા લાગી. ધીમે ધીમે આવક થવા લાગી અને બંને દીકરીઓને સ્કૂલમાં પ્રવેશ પણ અપાવ્યો, પરંતુ તે વિધવા થઈ તે પરિસ્થિતિ, તે પીડા, એને અંદર ને અંદર કોરી ખાતી હતી.
તે વિચારતી કે પતિ જીવતા હતા, ત્યારે પરિવાર અને સમાજમાં એને જે માન-સન્માન મળતું હતું, તે એકાએક નફરતમાં કેમ બદલાઈ ગયું ? અને પતિના મૃત્યુમાં એની તો કોઈ ભૂલ નહોતી તો પછી આવું કેમ ? એણે વિધવા સ્ત્રીઓને બદનસીબ સમજવાની વિચારસરણી સામે લડત ચલાવીને લોકોને જાગૃત કરવાનું નકકી કર્યું. કારણ કે નેપાળમાં લાખો વિધવાઓ લાચારીથી એક અભિશાપભર્યું જીવન જીવતી હતી.
તામાંગ હવે વિધવાઓના અધિકારો માટે કામ કરવા લાગી. એમના સશક્તિકરણ માટે સૌથી પહેલું કામ હસ્ત-કલાકારીગરી શીખવવાનું કર્યું. તે ઉપરાંત અન્ય કૌશલ્ય શીખવવા લાગી કે જેથી સ્ત્રીઓ આર્થિક રીતે સ્વાવલંબી બની શકે. એ કહે છે કે, 'મારા મુશ્કેલીભર્યા સમયમાં સ્ત્રીઓએ મને સાથ આપ્યો છે. તેથી હું તકલીફોમાંથી પસાર થઈ ચૂકી છું, એમાંથી એ લોકોને બહાર કાઢવા માંગુ છું. એમનામાં કોઈ ને કોઈ આવડત વિકસે તે માટે તેમને પ્રોત્સાહિત કરું છું. પૈસા તો આવશે અને જશે, પરંતુ તમારી આવડત તમારી પાસે રહેશે.'
આજે તામાંગ સામાજિક રૂઢિઓને ઓળંગીને લાલ લુગડા કપડાં અને ઘરેણાં પહેરે છે. એની વાતોની અસર લોકો પર એટલી બધી છે કે સહુ એને રાજકારણમાં જવા માટે સલાહ આપતા. તામાંગને પણ એવું લાગ્યું કે રાજકારણમાં જવાથી તે વિધવાઓ માટે કદાચ વધુ સારું કામ કરી શકશે. તેથી ૨૦૧૭માં નામોબુદ્ધા મ્યુનિસિપાલિટીમાં ડેપ્યુટી મેયરની ચૂંટણી લડી અને તેમાં જીત હાંસલ કરી. જે મહિલાને ક્યારેક એના સમાજે અભાગણી કહીને અપમાન કર્યું હતું, તે આજે અવિરત સંઘર્ષ કરીને વિધવાઓ માટે કામ કરી રહી છે.
ખોવાયેલી આશાનો શોધક
લેવિસ હૉવેસના મોટા ભાઈ ડ્રગ્સ વેચવાના ગુના બદલ જેલમાં જઈ આવ્યો હતો. એની બહેનને દારૂ પીવાની લત લાગી ચૂકી હતી. તો હૉવેસ પણ ડિપ્રેશનમાં સરી પડયો હતો
લેવિસ હૉવેસનો જન્મ ૧૯૮૩ની ૧૬મી માર્ચે ઓહાયોના ડેલવેયરમાં થયો. ચાર ભાઈ-બહેનોમાં સૌથી નાનો લેવિસ. સામાન્ય રીતે સૌથી નાનું સંતાન કુટુંબમાં સહુનું લાડકું હોય છે, પરંતુ લેવિસના કિસ્સામાં સાવ જુદી વાત હતી. તે એવા દંપતીનું સંતાન હતું કે, જેમના પોતાનાં સ્વપ્નાં પૂરાં ન થઈ શકવાથી અંદરોઅંદર ઝગડતા રહેતા હતા. લેવિસના માતા-પિતા કૉલેજમાં સાથે અભ્યાસ કરતા હતા એ સમયે ગાયક- ગાયિકા બનવાના સ્વપ્નો જોયાં હતાં, પરંતુ એ શક્ય બન્યું નહીં.
ઘરમાં સતત તનાવ અને આર્થિક તંગી પરેશાન કરતા હતા. એના પિતાએ ઘણી નોકરીઓ કરી. છેવટે વીમા કંપનીમાં સ્થાયી નોકરી મળી. લેવિસ નાનપણથી આવા વાતાવરણમાં ઉછર્યો અને માતા-પિતાના વાત્સલ્યથી વંચિત રહ્યો. તે પોતાના બચપણને યાદ કરતા કહે છે કે એ બહુ મુશ્કેલીભર્યા દિવસો હતા. ઘરમાં સતત તનાવ રહેતો અને તેની બાળકો પર બહુ ખરાબ અસર થઈ.
લેવિસ હૉવેસના મોટા ભાઈ ડ્રગ્સ વેચવાના ગુના બદલ જેલમાં જઈ આવ્યો હતો. એની બહેનને દારૂ પીવાની લત લાગી ચૂકી હતી. તો હૉવેસ પણ ડિપ્રેશનમાં સરી પડયો હતો. અભ્યાસમાં એનું મન લાગતું નહોતું. સ્કૂલમાં જ્યારે કંઈ વાંચવાનો વારો આવતો ત્યારે તે પરસેવાથી રેબઝેબ થઈ જતો હતો. કોઈ વસ્તુમાં એનું મન લાગતું નહીં. કોઈ એની સાથે મિત્રતા કરવા ઇચ્છતું નહીં અને હૉવેસ પણ બધાથી અતડો રહેતો હતો.
આ બધા વચ્ચે સારી બાબત એ હતી કે દર વર્ષે ગરમીની રજાઓમાં હૉવેસના માતાપિતા બધાં બાળકોને ક્રિશ્ચિયન સમરકેમ્પમાં મોકલતા હતા. એક વર્ષે એની મુલાકાત બોર્ડિંગ સ્કૂલના કેટલાક છોકરાઓ સાથે થઈ અને જાણે હૉવેસને કંઈક આવા જ મિત્રોની શોધ હોય તેમ એમની સાથે હળીભળી ગયો. એ બધા ખૂબ મિલનસાર, ખુશમિજાજ અને શક્તિથી ભરપૂર હતા. સૌથી સારી વાત એ હતી કે તેઓ કોઈના વિશે અભિપ્રાય જાહેર નહોતા કરતા અને આ વાત જ લેવિસ હૉવેસને સ્પર્શી ગઈ.
પોતાના નાના ગામમાં એ ખુશ નહોતો. એ પોતાના ભાઈની જેમ જિંદગી જીવવા નહોતો માંગતો. તે કશુંક પરિવર્તન ઇચ્છતો હતો, જે તેને અહીં જોવા મળ્યું. કેમ્પમાંથી ઘરે પાછા ફર્યા બાદ એણે માતા-પિતા સાથે વાત કરી અને બોર્ડિંગ સ્કૂલમાં અભ્યાસ કરવાની ઇચ્છા વ્યક્ત કરી. તે જે મિત્રોને સમર કેમ્પમાં મળ્યો હતો તે બોર્ડિંગ સ્કૂલમાં આઠમા ધોરણમાં અભ્યાસ કરવા માટે પ્રવેશ મેળવ્યો, પરંતુ તેનો બુદ્ધિઆંક જોતાં બીજા ધોરણમાં અભ્યાસ કરવાને લાયક હતો તેમ જણાયું.
જો કે તે ખૂબ સરસ ફૂટબૉલ રમતો હતો તેથી સ્કૂલ ટીમમાં પસંદગી કરવામાં આવી. તે પોતાની એકાકી જિંદગીમાંથી મુખ્યધારામાં સામેલ થવા માટે બધું કષ્ટ ઉઠાવવા તૈયાર હતો. તે કહે છે કે, તેની પાસે ગુમાવવા જેવું હતું પણ શું ? ત્યારબાદ કૉલેજની ટીમમાં પસંદગી પામ્યો અને પછી એરીના લીગમાં રમવાની તક મળી. આ લીગમાં રમવા બદલ એને દર અઠવાડિયે અઢીસો ડોલર મળતા હતા. ધીમે ધીમે બધું ગોઠવાઈ જશે એવા આશાના કિરણો દેખાયા, ત્યાં જ ફરી અંધકાર છવાયો.
૨૦૦૭માં એનું હાડકું ભાંગી ગયું અને જે કાંઈ બચત કરી હતી, તે બધી વપરાઈ ગઈ. તે પોતાની બહેનને ત્યાં ઓહાયો ગયો. એની પાસે એવું કશું નહોતું કે જેનાથી એને નોકરી મળે. વળી એ સમયે અમેરિકામાં મંદી ચાલી રહી હતી. હતાશા ફરી એને ઘેરી વળી. એક દિવસ ટેલિવિઝન પર બેજિંગ ઑલિમ્પિકમાં હેન્ડબૉલની રમત જોઈ. એણે તપાસ કરી તો ખબર પડી કે આની સૌથી શ્રેષ્ઠ ક્લબ ન્યૂયોર્કમાં છે. ત્યાં જવા માટે પૈસા કમાવાનો નિર્ધાર કર્યો.
તે એક એવા બિઝનેસની શોધમાં હતો કે બહુ ઝડપથી પૈસા કમાઈ શકે કે જેથી તે ન્યૂયોર્ક જઈ શકે. તે દરરોજ એની બહેનના ઘરે કલાકો સુધી ઇન્ટરનેટ પર બિઝનેસ મોડલના વીડિયો જોતો અને માહિતી મેળવતો. તેને એક મેન્ટરે કહ્યું કે તે લિંકડઇન પર પ્રયત્ન કરે તો કદાચ સફળતા મળી શકે. તે રોજના આઠ કલાક તેના પર રહેવા લાગ્યો અને છેવટે સ્પોર્ટ્સ એક્ઝીક્યુટિવ્ઝ માટે લિંકડઇન ગુ્રપ શરૂ કર્યું. એક વર્ષમાં તેના દસ હજાર સભ્યો બની ગયા. તે બિઝનેસમાં લિંકડઇનનો ઉપયોગ કેવી રીતે કરવો એથી માંડીને સોશિયલ મીડિયાના અનુભવોને આધારે કન્સલ્ટન્સી કરવા લાગ્યો.
બે વર્ષમાં એની ઑનલાઇન કંપની પચીસ લાખ ડોલર કમાઈ ચૂકી હતી. આજે તે અમેરિકાની નેશનલ હેન્ડબોલ ટીમનો સભ્ય છે. ઑલિમ્પિકની તૈયારી કરી રહ્યો છે. ત્રીસ વર્ષથી નીચેના અમેરિકાના સો શ્રેષ્ઠ એન્ટરપ્રેન્યોરમાં તેનું નામ હતું. આજે ૩૬ વર્ષના લેવિસ હૉવેસ એકસો પોડકાસ્ટ ચલાવે છે. તેણે 'ધ સ્કૂલ ઑફ ગ્રેટનેસ' અને 'ધ માસ્ક ઓફ માસ્ક્યુલિનિટી' નામના બે પુસ્તકો લખ્યા છે. 'ન્યૂયોર્ક ટાઇમ્સ'ના બેસ્ટ સેલર લેખક છે. 'પાંચ ઇન્ટરનેટ ગુરુ ધેટ કેન મેક યુ રીચ'માં લેવિસ હૉવેસનો સમાવેશ થાય છે.