Get The App

ગુજરાતમાં સરસ્વતી ભરપટ્ટે વહેવા લાગી

પારિજાતનો પરિસંવાદ - ડૉ. કુમારપાળ દેસાઈ

Updated: Nov 9th, 2019

GS TEAM

Google News
Google News
ગુજરાતમાં સરસ્વતી ભરપટ્ટે વહેવા લાગી 1 - image


'શબ્દાનુશાસન'ના આઠમા અધ્યાયના પ્રાકૃત વ્યાકરણમાં હેમચંદ્રાચાર્યે મહારાષ્ટ્રી, શૌરસેની, માગધી, પૈશાચી, ચૂલિકાપૈશાચી અને અપભ્રંશ એમ છ ભાષાઓની ચર્ચા કરી છે

કવિશ્રી નિરંજન ભગતને મળવા આવેલા એક ફ્રેન્ચ અભ્યાસીએ એમને પૂછ્યું કે, ગુજરાતના ઇતિહાસની સૌથી મોટી ઘટના કઈ ? પાટણમાં નીકળેલી 'સિદ્ધહેમશબ્દાનુશાસન'ની શોભાયાત્રા કે ગાંધીજીએ કરેલી દાડીકૂચ.

ત્યારે નિરંજન ભગતે જવાબ આપ્યો કે આજથી આશરે હજાર વર્ષ પહેલાં પાટણમાં થયેલી આ સરસ્વતી યાત્રા એ ગુજરાતની સૌથી મોટી ઘટના કહેવાય.

આ સાંભળી ફ્રેન્ચ અભ્યાસીએ કહ્યું, 'છેક એ સમયે આ ઘટના બની કે જ્યારે અમે સાવ જંગલી અવસ્થામાં જીવતા હતા.'

ગુજરાતના ઇતિહાસની આ સૌથી વધુ ગૌરવવંતી ઘટના કેટલાને યાદ હશે ? વિદ્યાના આવા અપૂર્વ મહિમાનો કેટલાને ખ્યાલ હશે ? અને ત્યારે સ્મરણ થાય છે એ હેમચંદ્રાચાર્યની વિપુલ સાહિત્યરચનાની ગંગોત્રીનો પ્રારંભ ગુજરાતની અસ્મિતા અને સંસ્કારિતા જગાડનારી એક ઘટનાના પ્રતિભાવમાંથી થયો. જયસિંહ સિદ્ધરાજ માલવપતિ યશોવર્માને હરાવી, ધારાનગરીનો ધ્વંસ કરી, તેનો અમૂલ્ય ગ્રંથ ભંડાર પાટણમાં લાવ્યા. વિદ્વતાપ્રેમી રાજા જયસિંહ સિદ્ધરાજ સેંકડો ગાડાંઓ ભરીને એ ગ્રંથો પાટણમાં લાવ્યો.

આ જ્ઞાાનભંડાર જોઈને એ આશ્ચર્યચક્તિ થતો હતો. એમાં ભોજરાજ વિરચિત 'સરસ્વતી કંઠાભરણ' નામના વ્યાકરણ ગ્રંથ ઉપર નજર પડી. પંડિતોને પૂછતાં એને જાણવા મળ્યું કે પોતે જે પ્રદેશને પરાજિત કર્યો છે તે પ્રદેશના ભોજનું આ વ્યાકરણ છે અને વળી તે એના રાજ્યમાં ભણાવાય છે. ભોજરાજની વિદ્વતાની પંડિતોએ કરેલી પ્રશંસાએ સિદ્ધરાજને એના માત્ર પ્રદેશવિજયની લઘુતા બતાવી. એને સમજાયું કે રાજા ભોજ અને માળવા દેશ સામે હોય કે ન હોય, કિંતુ વિદ્વદ્જનોના હૃદયમંદિરમાં તો એ બંનેની ઉપસ્થિતિને શાશ્વત રાખનારું આ વ્યાકરણ છે.

આ જાણીને રાજા સિદ્ધરાજને વિચાર આવ્યો કે તલવારથી મેળવેલા વિજયો આજે મળે અને કાલે ભૂંસાઈ જાય, જ્યારે વિદ્વતા એવી હોય છે કે એ વહેંચવાથી વધે છે અને આપવાથી વિસ્તરે છે. વળી એને એ વધુ માહિતી મળી કે જ્ઞાાનોપાસના માટે માળવાના વિદ્યાર્થીએ ક્યાંય જવું ન પડે એ માટે જુદી જુદી વિદ્યાના ગ્રંથો ત્યાં રચાયા છે, જેમાં ચિકિત્સાશાસ્ત્ર, સ્વપ્નશાસ્ત્ર, સામુદ્રિકશાસ્ત્ર અને નિમિત્તશાસ્ત્ર છે. બાર બાર વર્ષની મહેનત પછી મેળવેલો માળવાના વિજયનો આનંદ ઝાંખો પડી ગયો અને એને સરસ્વતીના તીરે આવેલા પાટણમાં વિદ્યાની દેવી સરસ્વતીનાં વહેણ વહેવડાવવાનો સંકલ્પ કર્યો. વિ.સં. ૧૧૯૩માં સિદ્ધરાજે આ વ્યાકરણ લખવાનું કાર્ય હેમચંદ્રાચાર્યને સોંપ્યું.

સિદ્ધરાજે આને માટે ઠેર ઠેરથી હસ્તપ્રતો મંગાવી. રાજચિહ્ન સાથે પત્રો પાઠવ્યા. રાજદૂતોને તત્કાળ કાશ્મીર મોકલવામાં આવ્યા અને ત્યાંના ભારતીદેવી પુસ્તકાલયમાંથી આઠ વ્યાકરણો મંગાવ્યા. કાશ્મીરના પંડિતોએ આઠ વ્યાકરણ મોકલવા ઉપરાંત ઉત્સાહ નામના પંડિતને પણ હેમચંદ્રાચાર્યને વ્યાકરણ રચનામાં મદદ કરવા માટે મોકલ્યો હતો.

આચાર્યશ્રીએ પ્રચલિત ગ્રંથોનું અધ્યયન કર્યું અને આ નવા વ્યાકરણની રચના કરી. સાથેસાથે મહારાજ સિદ્ધરાજની માનસસૃષ્ટિમાં પણ પરિવર્તન આવ્યું આજ સુધી યુદ્ધનાં દુંદુભિ નાદોનું શ્રવણ કરનારા એના કાનમાં વ્યાકરણના સૂત્રો અને મધુર દ્રષ્ટાંતો ગુંજવા લાગ્યા. રાજ્યોના વિસ્તારને બદલે વિદ્યાવિસ્તાર અંગે અહર્નિશ ચિંતન કરવા લાગ્યા.

રાજકાજમાંથી સમય મળતા મહારાજ સિદ્ધરાજ ઉપાશ્રયમાં આવીને એક ખૂણે શાંતિથી બેસતા હતા અને વિદ્યા-યજ્ઞામાં સામેલ થતા હતા. સિદ્ધરાજની ઉપસ્થિતિએ સાધુઓ અને વિદ્વાનોના ઉત્સાહમાં ઉલ્લાસના રંગ પૂર્યા. એક વર્ષમાં તો સવા લાખ શ્લોકો રચીને આ વ્યાકરણ ગ્રંથ બનાવ્યો.

હેમચંદ્રાચાર્યનો જન્મદિન કાર્તિક પૂર્ણિમા ! એ શુભ દિવસે આરંભાયેલું વ્યાકરણ સર્જનનું મહાન કાર્ય બીજી કાર્તિક પૂર્ણિમાએ બરાબર એક વર્ષે પૂર્ણ થયું, મૂલસૂત્ર, ધાતુપાઠ, ગણપાઠ, ઉણાદિ, પ્રત્યય અને લિંગાનુશાસન એમ પાંચેય અંગોથી સહિત વ્યાકરણની પૂર્ણ રચના તેમણે કરી, જેમાં પ્રાકૃત અને અપભ્રંશ ભાષાનું વ્યાકરણ પણ સમાવી લેવામાં આવ્યું હતું. વ્યાકરણનું નામ અને એના પ્રેરક મહારાજ સિદ્ધરાજ અને રચનાર હેમચંદ્રાચાર્યનું સંયુક્ત સ્મરણ જાળવવા માટે 'સિદ્ધહેમશબ્દાનુશાસન' રાખવામાં આવ્યું.

એક દિવસ આચાર્યદેવે મહારાજ સિદ્ધરાજને કહ્યું, 'રાજેશ્વર તમારી ઇચ્છા મુજબ સંસ્કૃત વ્યાકરણની રચના પૂર્ણ થઈ છે.'

જયસિંહ સિદ્ધરાજે ત્રણસો લહિયાઓ રોકીને 'સિદ્ધહેમ' વ્યાકરણની પ્રતિલિપિ તૈયાર કરાવવા માંડી. થોડા જ મહિનાઓમાં આ ગ્રંથની અનેક હસ્તપ્રતો તૈયાર થઈ. મહારાજ સિદ્ધરાજે દેશવિજયની જેમ આ ગ્રંથનું ભવ્ય સ્વાગત કરવાની આજ્ઞાા બહાર પાડી.

ભારતના જુદા જુદા દેશોમાં- પ્રદેશોમાં કંકોતરીઓ મોકલવામાં આવી. આ વિદ્યાના ઉત્સવમાં કાશી, બંગાળ અને મિથિલાથી વિદ્વાનોને નિમંત્રણ આપવામાં આવ્યા. આઠ દિવસનો ઉત્સવ રચવામાં આવ્યો. છેલ્લે દિવસે ગ્રંથયાત્રાનો વરઘોડો કાઢવામાં આવ્યો.

નગરસુંદરીઓએ વ્યાકરણની પ્રતિઓને મોતીડે વધાવી, ચાંદી- સોનાના થાળમાં પધરાવી, માથે મૂકી. પાછળ સૂર્યમુખી ફૂલ ને કૂકડાની છાપથી અંક્તિ ધ્વજો લઈને મલ્લ લોકો ચાલવા લાગ્યા. એમની પાછળ એમનું ગામનું મહાજન, રાજ્યના મંત્રીઓ અને સેનાપતિ ચાલવા લાગ્યા. અને ત્યારબાદ સ્વયં મહારાજ સિદ્ધરાજ અને મહાગુરુ હેમચંદ્ર ચાલતા નજરે પડયા.

આચાર્ય હેમચંદ્રના મુખ પર અચલ શાંતિ અને સાધુસુલભ નમ્રતા વિલસી રહ્યાં હતાં. આજુબાજુ પંડિતો અને પ્રતિષ્ઠિતોથી વીંટળાયેલા હેમચંદ્ર શોભાયાત્રાના મધ્યમા તેજરાશિ જેવા શોભતા હતા.

મહારાજના પટહસ્તીને શણગારીને લાવવામાં આવ્યો હતો અને અંબાડી પર ગગનભેદી નાદોની વચ્ચે સિદ્ધહેમ વ્યાકરણ મૂકવામાં આવ્યું. બે પટ્ટણી સુંદરીઓ ચામર ઢોળતી પાછળ બેઠી હતી. હજારો સ્ત્રી-પુરુષો એ ગ્રંથની સ્વાગતયાત્રામાં જોડાયાં. ભારત વર્ષમાં હાથીની અંબાડી પર આજ સુધી માત્ર રાજા- મહારાજાઓ બિરાજમાન થયા હતા.

વિજયી રાજવી અંબાડી પર બેસીને પ્રજાનું અભિવાદન ઝીલતો હતો. ક્યારેક કોઈ મહાશ્રેષ્ઠી આવા હસ્તી ઉપર બેસીને ઉત્સવ- મહોત્સવે મહાલતો હતો, પણ આજે પહેલીવાર હાથીની અંબાડી પર 'સિદ્ધહેમશબ્દાનુશાસન' ગ્રંથ બિરાજમાન હતો અને એની સાથે વિદ્વતાના ભંડાર સમા આચાર્યશ્રી અને વીરતાના પ્રતીક સમા રાજા સિદ્ધરાજ ચાલતા હતા. ભારતના ઇતિહાસમાં વિદ્યાની ક્યારેય આવી ભવ્ય પ્રતિષ્ઠા થઈ નહોતી.

એક બીજી અનોખી ઘટના એ સર્જાઈ કે રાજસભામાં પંડિતોની સમક્ષ એનું વાંચન થયું ત્યારે સર્વ પંડિતો મુગ્ધ બની ગયા. એ પછી રાજાએ રાજપુરોહિતોને બોલાવીને પાટણના કાયસ્થ વૈયાકરણ કક્કલને 'સિદ્ધહેમશબ્દાનુશાસન'ના મુખ્ય અધ્યાપક તરીકે નિયુક્ત કર્યા. આ વ્યાકરણનું અધ્યાપન કરનારા વિદ્યાર્થીઓને જ્ઞાાનપંચમીને દિવસે પરીક્ષાઓ લેવાતી. ત્રણસો લહિયાઓને બેસાડી આ વ્યાકરણની નકલ કરાવી, અંગ, બંગ, નેપાળ, કર્ણાટક, કોંકણ, સૌરાષ્ટ્ર, કાશ્મીર, ઇરાન, લંકા એમ સઘળે ઠેકાણે એની નકલો મોકલી આપવામાં આવી.

'સિદ્ધહેમશબ્દાનુશાસન' વ્યાકરણ આજ સુધી કોઈએ ન કર્યું હોય તેવું કાર્ય કર્યું. અગાઉના વ્યાકરણ ગ્રંથોમાં અતિવિસ્તાર, દુર્બોધતા અને ક્રમભંગ એ ત્રણ દોષો જોવા મળતા હતા. હેમચંદ્રાચાર્ય આ વ્યાકરણની રચનામાં સંક્ષેપ, સુગમતા અને ક્રમબદ્ધ આયોજન રાખીને એ ત્રણે દોષથી મુક્ત રહ્યા.

આ વ્યાકરણ ગ્રંથની બીજી વિશેષતા એ છે કે એના પાંચેય અંગો (વ્યાકરણના પાંચ અંગો તે ઃ (૧) સૂત્રપાઠ (૨) ઉણાદિગણસૂત્ર (૩) લિંગાનુંશાસન (૪) ધાતુપરાય; અને (૫) ગણપાઠ) હેમચંદ્રાચાર્યે પોતે લખ્યા છે. બીજા વૈયાકરણોએ વ્યાકરણસૂત્ર અને બહુ બહુ તો તેના ઉપરની વૃત્તિની રચના કરી છે. વ્યાકરણના અન્ય અંગોની રચના તો અનુગામીઓએ કરે તેવી પરિપાટિ હતી. હેમચંદ્રાચાર્યે સ્વયં આ પાંચેય અંગોની રચના કરીને, પાણિની, ભટ્ટોજી, દીક્ષિત અને ભટ્ટિ એ ત્રણેય વૈયાકરણોનું કામ એકલા હાથે કર્યું. એમના આ વ્યાકરણ ગ્રંથે વર્ધમાનસૂરિ અને બુદ્ધિસાગરસૂરિજીના વ્યાકરણગ્રંથોને વિસ્મૃત કરી દીધાં.

એક વર્ષમાં આ વ્યાકરણનાં સૂત્રો અને લઘુવૃત્તિ તેમણે રચ્યાં હશે એની બૃહદવૃત્તિ અને બીજા અંગોનું નિર્માણ તેમણે પછીથી કર્યું હશે. મૂળસૂત્ર, ધાતુ, ગણપાઠ, ઉણાદિ પ્રત્યય અને લિંગાનુશાસન - એમ પંચાંગી વ્યાકરણની રચના એમણે સવા લાખ શ્લોકોમાં કરી હતી. મેરુતુંગાચાર્યે પણ નોંધ્યું છે કે હેમચંદ્રાચાર્યે આ વ્યાકરણ સવા લાખ શ્લોકોનું રચ્યું હતું.

સંસ્કૃત, પ્રાકૃત, માગધી વગેરે ભાષાઓનું વ્યાકરણ આપ્યું. પણ સાથેસાથે અપભ્રંશ અને પ્રાચીન ગુજરાતી ભાષાનું વ્યાકરણ આપ્યું, ગુજરાતી ભાષાનું પરોઢ થાય છે. આ 'સિદ્ધહેમશબ્દાનુશાસન' વ્યાકરણથી આજ સુધી વાણિજ્યે શૂરા અને વીરતામાં પૂરા એવા ગુજરાતીઓ સાહસ કરીને ગુજરાતની બહાર ગયા હતા, પરંતુ ગુજરાતની વિદ્યા દેશ અને વિદેશમાં ફેલાઈ.

'શબ્દાનુશાસન'ના આઠમા અધ્યાયના પ્રાકૃત વ્યાકરણમાં હેમચંદ્રાચાર્યે મહારાષ્ટ્રી, શૌરસેની, માગધી, પૈશાચી, ચૂલિકાપૈશાચી અને અપભ્રંશ એમ છ ભાષાઓની ચર્ચા કરી છે. અપભ્રંશ વિભાગમાં નોંધેલા દુહાઓનું વૈવિધ્ય આકર્ષક છે. અપભ્રંશના સૂત્રોની વૃત્તિમાં લગભગ ૧૭૭ દુહાઓ હેમચંદ્રાચાર્યે નોંધ્યા છે, જેમાં ઉપદેશાત્મક, વીરરસપ્રધાન, પૌરાણિક, શૃંગારરસપ્રધાન અને જૈન ધર્મને લગતા દુહાઓ મળે છે. આ દુહાઓમાં કેટલાક લોકોક્તિરૂપે ઉતરેલા છે.

આ અપભ્રંશ દુહાઓ છેક ગુજરાતી ભાષા સુધી ઉતરી આવ્યા છે. અપભ્રંશ દુહાઓનું અર્વાચીન ભાષાઓમાં કેવું રૂપાંતર થયું છે તેની તપાસ સંશોધકો માટે રસપ્રદ વિષય બને તેમ છે. અપભ્રંશ વ્યાકરણમાં મળતા દુહાઓ દ્વારા એ સમયના લોકસાહિત્યની અનુપમ ઝાંખી થાય છે. આમ, કલિકાલસર્વજ્ઞા હેમચંદ્રાચાર્યના 'સિદ્ધહેમશબ્દાનુશાસન' વ્યાકરણથી ગુજરાતમાં સરસ્વતી ભરપટ્ટે વહેવા લાગી.

ક્ષણનો સાક્ષાત્કાર

આધુનિક માનવી એની અતિ વ્યસ્તતાને કારણે એ ભૂલી ગયો છે કે, એના જીવનમાં નિદ્રાનું પણ કોઈ સ્થાન છે. અતિ પ્રવૃત્તિશીલ માનવી પલંગ પર સુએ છે ખરો, પરંતુ એ દરમિયાન એના મનમાં દિવસભરની પ્રવૃત્તિઓનું અનુસંધાન સતત ચાલુ હોય છે. એનું માથુ ઓશિકા પર ટેકવ્યું હોય છે, પરંતુ એ મસ્તિષ્કમાં રહેલું મન તો બજારની, પરિસ્થિતિની કે રાગદ્વેષની વધઘટમાં ડૂબેલું હોય છે. એના શરીરને આરામ નથી, કારણ કે હજી જીવનની દુકાનનો હિસાબ સાવ અધૂરો છે ! એના હૃદયમાં લોહીના પરિભ્રમણની સાથોસાથ કેટલીય અધૂરી યોજનાનું ભ્રમણ પરિભ્રમણ ચાલતું હોય છે.

એના મનની ચંચળતા જેવી દિવસે હતી, એવી જ પલંગ પર સૂતી વખતે હોય છે. અને એની સક્રિયતામાં લેશમાત્ર પરિવર્તન આવતું નથી. માત્ર પરિસ્થિતિમાં પરિવર્તન હોય છે, પહેલા એ પોતાની દુકાન ઑફિસમાં હતો અને અત્યારે પોતાના ઘરના પલંગ પર છે. બાકી બધું એમનું એમ છે અને તેથી જ આ માનવીને ઉંઘ મેળવવા માટે દવાનો આશરો લેવો પડે છે.

વૃક્ષ નિરાંતે આરામ કરે છે, પશુપક્ષીને ક્યારેક અનિદ્રાનો રોગ લાગુ પડયો નથી. ગરીબ માનવીને અનિદ્રા કનડી શકતી નથી, પરંતુ અતિ પ્રવૃત્તિશીલ એવા ધનિક માનવીને નિદ્રા માટે તરફડિયા મારવા પડે છે. હકીકતમાં એનું મન તરફડિયા મારતું હોય છે અને તેથી જ નિદ્રા એનાથી કેટલાય ગાઉ દૂર ચાલી ગઈ હોય છે.

આને માટે એ જુદા જુદા ઉપાયો યોજે છે, પણ એ બહુ કારગત નીવડતા નથી જીવનનું સૌથી મોટું સુખ એ ગાઢ નિદ્રા છે અને એ જ એના તન અને મનના સ્વાસ્થ્યને માટે જરૂરી છે. આજના સમયમાં વિદ્યાર્થી હોય કે અધિકારી, વેપારી હોય કે શિક્ષક એ બધા ઉજાગરાની પાછળ દોડે છે અને પરિણામે એમને કેટલાય દર્દોને કારણે ઉજાગરા કરવાનો વારો આવે છે.

Tags :