સિક્સ સિગ્મા ગુણવત્તા સંચાલન
મેનેજમેન્ટ - ધવલ મહેતા
સિક્સ સિગ્મા ક્વોલીટી કન્ટ્રોલ એટલે ગુણવત્તા સંચાલનની એટલી કડક વ્યવસ્થા કે સાતત્યપૂર્ણ ઉત્પાદન પધ્ધતિમાં જે પ્રોડક્ટસ કે પાટ્ર્સનું મેન્યુફેકચરીંગ થાય તેમાં ૯૯.૯૯૯ ટકા પ્રોડક્ટસ કે પાટર્સ સ્વીકાર્ય થાય
ગુણવત્તા સંચાલનનો વિચાર સૌ પ્રથમ અમેરીકામાં ઊભો થયો હતો પરંતુ તેને વધુ સારી રીતે જાપાને અપનાવ્યો. ગુણવત્તાના બે મુખ્ય અર્થ થાય છે. તેનો એક અર્થ વિશ્વસનીયતા થાય છે. ગ્રાહકને પ્રોડક્ટ કે સેવા વિશે જે વચનો (ગેરંટી) આપ્યા હોય તેને કંપનીએ પૂરા કરવા પડે. તેનો બીજો અર્થ થાય છે એક્સેલન્સ એટલેકે ઉત્તમતા. એકબાજુ કંપનીએ ગ્રાહકોની પ્રોડક્ટ વિશેની અપેક્ષાઓ પૂરી પાડવાની છે અને બીજી બાજુ જે કાર્યો માટે પ્રોડક્ટની ડીઝાઇન રચવામાં આવી હોય તે પ્રમાણે તેણે કામગીરી કરવાની છે.
તેટલું જ પૂરતું નથી. પ્રોડક્ટ કે સર્વીસમાં કોઇ ત્રુટિ (ડીફેક્ટસ) તો ના જ ચલાવી લેવાય. ગ્રાહક મીક્સર ખરીદે અને પ્રથમ ટ્રાયલે જ તેની મોટર ના ચાલે તો તેમાં કંપનીનો સો ટકા વાંક છે. કંપનીને આ ત્રુટિની ભારે કિંમત ચુકવવી પડે છે. એક તો મટીરીયલનો બગાડ અને બીજું બ્રાંડની ઈમેજને નુકસાન.
૧૯૮૦ અને ૧૯૯૦ના દાયકાઓમાં સૌપ્રથમ જાપાનીસ કંપનીઓ અને તેનું અનુસરણ કરીને અમેરીકન કંપનીઓએ ટોટલ ક્વોલીટી મેનેજમેન્ટનો વિચાર સ્વીકાર્યો અને અમલમાં મુક્યો. ટોટલ ક્વોલીટી મેનેજમેન્ટનો વિચાર અમેરીકાના ત્રણ મેનેજમેન્ટ નિષ્ણાતોએ - એડવર્ડ ડેમીંગ, જોસેફ જ્યુશન અને એ.વી. ફેઇનબોમે - શોધ્યો હતો પરંતુ જેમ બુધ્ધ ધર્મ ભારતની ભૂમિ પર ઊભો થયો પરંતુ ભારત કરતા તે ચીન, જાપાન, આયર્લેંડ, શ્રીલંકા વગેરેમાં બહુમતી દ્વારા સ્વીકારાયો તેવી રીતે ટોટલ ક્વોલીટી મેનેજમેન્ટનો વિચાર અમેરીકામાં ઊભર્યો પણ વધુ ઊંડાઇથી અને નિષ્ઠાપૂર્વક જાપાનમાં (ખાસ કરીને જાપાનીસ કાર મેન્યુફેકચરીંગ સેકટરમાં) સ્વીકારાયો અને આ ટેકનીકનો ઉપયોગ કરીને જાપાને પોતાની કારો માટે અમેરીકામાં એટલું મોટું બજાર ઊભું કર્યું કે અમેરીકન કાર ઉત્પાદકો ગભરાઇ ગયા. તેમણે પીછેહઠ કરવી પડશે. અમેરીકાની ગટાગટ પેટ્રોલ પીતી ગેસગઝલર કારોનું બજાર ઘટયું અને પેટ્રોલનો બચાવ કરતી જાપાનીસ કારોનું વર્ચસ્વ વધ્યું.
પ્રોડક્ટસના લક્ષણો
આપણે જેને પ્રોડક્ટ (જેમકે રેફરીજરેટર, કાર, સ્કુટર, ટ્રક, ટેલીવીઝન, સાયકલ, ફર્નીચર, ઘર, બગીચો વગેરે) કહીએ છીએ તેમના અનેક લક્ષણો હોય છે જેને ગ્રાહકો જુદી જુદી રીતે ચકાસે છે. આ ચકાસણી તેઓ પોતાની જરૂરિયાત મુજબ અને ભાવ અનુસાર નક્કી કરે છે. નીચેની એક નાનકડી યાદી જ તમને આશ્ચર્ય પમાડશે કે પ્રોડક્ટના ઘણા લક્ષણો હોઇ શકે છે: (૧) પ્રોડક્ટના ફીચર્સ (૨) પ્રોડક્ટની કામગીરી (૩) પ્રોડક્ટનું ટકાઉપણું (૪) સ્ટાઇલ (૫) પ્રોડક્ટની વિશ્વસનીયતા, તે ઉપરાંત પ્રોડક્ટને મેળવવાનું સ્થાન, પ્રોડક્ટની ડીલીવરી સમયસર થાય છે કે નહીં, પ્રોડક્ટનું પેકેજીંગ, પ્રોડક્ટનું ઈન્સ્ટોલેશન, ગેરંટી અને વોરંટી, પ્રોડક્ટની જાહેરાત મુજબ તેનો દેખાવ છે કે નહીં, પ્રોડક્ટની સેફટી વગેરેનો સમાવેશ થાય છે છતાં હજી આ યાદી અધૂરી છે.
દરેક ઠેકાણે ગુણવત્તા સંચાલન
જ્યારે ફેકટરીમાં માલ બને છે. તેની એસેમ્બ્લી થાય છે કે તે દુકાનમાં વેચાય છે ત્યારે ઘણે ઠેકાણે તેની ગુણવત્તાની ચકાસણી થતી હોય છે. ખરીદ અને વેચાણની પ્રક્રિયા ધારીએ તેટલી સરળ હોતી નથી. તેથી ઉત્પાદનના દરેક તબક્કે અને વેચાણના પણ દરેક તબક્કે ગુણવત્તા સંચાલન જરૂરી હોવાથી તેને ટોટલ ક્વોલીટી મેનેજમેન્ટ કહે છે. પોતાની કંપનીની પ્રોડક્ટની કામગીરી, ડીઝાઇન, ટકાઉપણું વગેરે હરીફની પ્રોડક્ટ કરતા કેટલા વધારે સારા છે તેનું કંપનીએ સતત ધ્યાન રાખવાનું છે અને તે અંગે જરૂરી ગુણવત્તા સંચાલન કરવાનું છે. આ માટે ગુણવત્તાની ચકાસણીના અનેક સૂચકાંકો (ઈન્ડેક્ષ) ખોળી કાઢવાના છે.
દા.ત. કોઇ કલર કાચો નથી પણ પાકો છે તેનો સૂચકાંક કયો ? કોઇ સીમેંટ બીજી સીમેંટ કરતા વધુ મજબૂત છે તેનો સૂચકાંક કયો ? લોખંડની મજબૂતાઇ કેવી રીતે માનવાની ? ગુણવત્તા સંચાલન માટે સેંકડો સૂચકાંકો કંપનીએ ઊભા કરવા પડે છે. દા.ત. કારનું એન્જીન ગરમ થઇ જતું નથી તે માટે એન્જીન પર ઘણા ટેસ્ટ્સ કરવા પડે છે અને તે પછી તે અંગેનો સૂચકાંક તૈયાર થાય છે. પાંચ રૂપિયાની બોલ પોઇન્ટ પેન કેટલા અક્ષરો લખ્યા પછી તેની શ્યાહી ખૂટી જાય છે તેના પણ સ્ટેન્ડર્ઝ નક્કી કરવા પડે છે. દરેક ક્વોલીટી સુધારણના કાર્યક્રમમાં પ્રોડક્ટની કે સર્વીસની ડીઝાઇન અગત્યનો ભાગ ભજવે છે.
સીક્સ સીગ્મા ક્વોલીટી કન્ટ્રોલ
સીક્સ સીગ્મા ક્વોલીટી કન્ટ્રોલ એટલે ગુણવત્તા સંચાલનની એટલી કડક વ્યવસ્થા કે સાતત્યપૂર્ણ ઉત્પાદન પધ્ધતિમાં જે પ્રોડક્ટસ કે પાટ્ર્સનું મેન્યુફેકચરીંગ થાય તેમાં ૯૯.૯૯૯ ટકા પ્રોડક્ટસ કે પાટર્સ સ્વીકાર્ય થાય અને દર દસ લાખ પ્રોડક્ટસ કે પાર્ટસના ઉત્પાદનમાં વધુમાં વધુ માત્ર ૩.૪ પ્રોડક્ટસ જ ક્ષતિપૂર્ણ હોય. અહીં આપણે સોમાંથી સો ટકા ક્ષતિરહિત ઉત્પાદનની વાત કરતા નથી કારણ કે દુનિયામાં કોઈ ઉત્પાદન સોએ સો ટકા ક્ષતિરહિત હોતું નથી. અહીં આપણે જથ્થાબંધ ઉત્પાદનની વાત કરીએ છીએ.
જનરલ ઈલેક્ટ્રિક કંપની અને સીક્સ સીગ્મા
સીક્સ સીગ્મા ક્વોલીટી કન્ટ્રોલને વિકસાવવા તેમજ વ્યવહારિત કરવા માટે અમેરિકાની જનરલ ઈલેક્ટ્રીક કંપનીનું નામ તથા તેના એક વખતના જગપ્રસિદ્ધ વડા જેક વેલ્સનું નામ જાણીતું છે. અહીં સીગ્મા નામ એ ગ્રીક શબ્દ છે અને તેનો સ્ટેટીસ્ટીક્સમાં ઉપયોગ 'સ્ટેન્ડર્ડ ડેવીએશન' માપવા થાય છે. તેની ચર્ચાને અહીં સ્થાન નથી પરંતુ સ્ટેસ્ટીશીયનો પોતાને વિદ્વાન બતાવવા અને અન્ય લોકોને આંજી નાખવા આલ્ફા, બીટા, થીટા, લેમડા જેવા ગ્રીક અંકોનો ઉપયોગ કરે છે તેથી અંજાઈ જવું નહીં. તેની પાછળનું લોજીક બહુ સહેલું હોય છે.
દા.ત. તેમની એક ટેકનીક રીગ્રેશન એનાલીસીસમાં રીગ્રેશન શબ્દ તદ્દન કઢંગો અને બીનઉપયોગી છે જેમ અર્થશાસ્ત્રમાં ખરીદનાર કે વેચનાર વર્તણુક માટે 'રેશનલ' શબ્દ છે. જનરલ ઈલેક્ટ્રીક કંપનીએ સીક્સ સીગ્મા ક્વોલીટી કન્ટ્રોલ ટેકનીકનો ઉપયોગ કોમ્પ્યુટર ટોપોગ્રાફીને બનાવવા કર્યો. આ યંત્ર માનવ શરીરના ત્રણ પરીમાણીય અવલોકન માટે ડૉક્ટરોને ખૂબ ઉપયોગી સાબીત થયું છે.
શરૂઆતમાં આ યંત્રની વેક્યુમ ટયુબ દર ત્રણ મહીને બદલવી પડતી હતી. ઉચ્ચ ગુણવત્તા સંચાલન દ્વારા આ વેક્યુમ ટયુબનું આયુષ્ય કંપનીએ ત્રણ મહીનાથી વધારીને એક વર્ષથી પણ કાંઈક વધારે કરી નાખ્યું. વળી એક સીટીસ્કેન કરવા માટે પહેલા જે ત્રણ મીનીટનો સમય લાગતો હતો તેને ઘટાડીને માત્ર ૨૦ સેકન્ડ કરી દીધો. આજે આપણે સતત ગુણવત્તા સુધારણા કરી શકીએ. પ્રોડક્ટની ગુણવત્તા કેટલી સુધારી શકાય કે કારની ઝડપ કેટલી વધારી શકાય કે માનવનું આયુષ્ય કેટલું લંબાવી શકાય તેનો કોઈ અંત નથી.
એવું પણ બની શકે કે માનવ આયુષ્ય ૫૦૦ વર્ષ સુધી પણ લંબાવી શકાય. યાદ રહે કે ૧૯૦૧ પહેલા ભારતમાં સરેરાશ આયુષ્ય માત્ર ૨૧ વર્ષનું હતું અને આજે તે ૬૮.૫ વર્ષે પહોંચી ગયું છે તેનું કારણ જીવનની ગુણવત્તા અને તબીબીશાસ્ત્રની ગુણવત્તા સુધરી છે. ટોટલ ક્વોલીટી કન્ટ્રોલ પ્રોગ્રામને વ્યવહારમાં મુકવા કર્મચારીઓને ઘનીષ્ઠ તાલીમ આપવામાં આવે છે. ખૂબ જ ખંતીલા અને મહેનતુ કામદારોને અલગ તારવીને તેમને વધારાની સીક્સ સીગ્માની પેથોડોલોજીમાં ટ્રેનીંગ આપીને 'બ્લેક બેલ્ટ'નું બીરૂદ આપવામાં આવે છે.
ગુણવત્તા માપવાના અનેક સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે કે તેની શોધ કરવામાં આવે છે. પ્રોડક્ટની ગુણવત્તા સુધારવામાં સૌથી વધુ ઉપયોગી જે તે મશીન પર કામ કરનારા કારીગરો હોય છે. તેઓ આ અંગે શ્રેષ્ઠ સુધારા સુચવે છે. તેઓના સૂચનો ગંભીરતાથી લેવાની જરૂર છે. કંપનીમાં ગુણવત્તા સંચાલન સુધારવાની જવાબદારી તમામ ફન્કશનલ ડીપાર્ટમેન્ટસની છે. તેમના સહકાર વિના એકલું ક્વોલીટી કન્ટ્રોલ ડીપાર્ટમેન્ટ નિસહાય છે અને તેની નિષ્ફળ જવાની સંભાવના વધુ છે.
ક્વોલીટી કન્ટ્રોલ ડીપાર્ટમેન્ટનું એક વધારાનું અગત્યનું કામ સપ્લાયરોના માલની અને પાર્ટસની ક્વોલીટીની સુધારણા માટેને સૂચનોનું છે. તેઓએ સપ્લાયરો સાથે મળીને સપ્લાયરોના માલની અને પાર્ટસની ગુણવત્તા સુધારવાની છે. જાપાન આ કુશળતામાં ઘણું આગળ છે. જાપાનમાં સપ્લાયરો અને માલ ખરીદનાર કંપની વચ્ચે અદ્ભુત સુમેળ અને સંકલન જોવા મળે છે જેથી જાપાનમાં જસ્ટ ઈન ટાઇમ ઈન્વેન્ટરીની ટેકનીક સૌથી વધુ સફળ થઈ છે.