સ્વામી વિવેકાનંદે પ્રત્યક્ષ નિહાળેલો યોગશક્તિનો એક અદ્ભુત ચમત્કાર !
અગોચર વિશ્વ - દેવેશ મહેતા
યોગવિદ્યા અને ગૂઢ શક્તિની અંતર્ગત એક એવી સિદ્ધિ પણ આવે છે જેમાં સિદ્ધયોગી ગમે તે વસ્તુને ગમે તેટલે દૂરથી અદ્રશ્ય રીતે લાવીને પ્રગટ કરી શકે છે
'ધ પાવર ઑફ ધ માઇન્ડ', 'ધ હિલિંગ પાવર ઑફ ધ માઇન્ડ'ના લેખક ડૉ. રોલ્ફ એલેકઝાન્ડર એમના આ પુસ્તકોમાં લખે છે કે ધ્યાન અને એકાગ્રતાના અભ્યાસ દ્વારા માનવમન એના શરીરથી થોડે દૂર રહેલા અન્ય સજીવ પ્રાણીઓ અને નિર્જીવ પદાર્થો પર પણ એની ઇચ્છા મુજબ પ્રભાવ પાડી શકે છે. દ્રઢ ઇચ્છા શક્તિ દ્વારા સ્થૂળ જગત પર નિયંત્રણ કરવું સંભવ છે. બ્રિટિશ-અમેરિકન પરામનોવિજ્ઞાાની અને મનોવિશ્લેષક ડૉ. નાન્ડોર ફોડોર એમના 'બિટવિન ટુ વર્લ્ડસ'માં લખે છે કે એકવાર વિખ્યાત મનોવિજ્ઞાાની કાર્લ ગુસ્તાવ જુંગ એમના મિત્ર મનોવિજ્ઞાાની સિગ્મંડ ફ્રોઇડને મળવા ગયા.
એ વખતે એ બન્ને વચ્ચે દ્રઢ ઇચ્છાશક્તિ અને સંકલ્પબળ પર ચર્ચા-વિચારણા થઈ. કાર્લ જુંગે ફ્રોઇડનેે કહ્યું કે ઇચ્છા શક્તિ દ્વારા જડ પદાર્થોને પણ પ્રભાવિત કરી શકાય છે. સિગ્મંડ ફ્રોઇડ આ બાબત સાથે સંમત ન થયા. એટલે જુંગે એ જ વખતે એમને એ પ્રત્યક્ષ બતાવવાનો પ્રયોગ કર્યો. તે એક જગ્યાએ સ્થિર બેસી ગયા અને એમની ઇચ્છા શક્તિ તથા મનોબળને એકાગ્ર કર્યા. એ સાથે ઓરડાની બધી વસ્તુઓ હાલવા લાગી. ટેબલ પર મૂકેલા પુસ્તકો એવા ઉછળ્યા કે તે છતને અડકીને નીચે પડયા.
ફ્રોઇડે આ નજરો નજર જોયું એટલે એમને પોતાની માન્યતા બદલવી પડી. એમણે 'મેટર' ઉપર 'માઇન્ડ'નો પ્રભાવ સ્વીકારી લીધો અને એમના પુસ્તકમાં એનો ઉલ્લેખ પણ કર્યો. રશિયન મહિલા નિના કુલાગિના ઊર્ફે નેલ્યા મિખાઈલોવા તથા ડૉ. વેન્શનોઇની ચૈતસિક શક્તિનું પણ તેમાં નિરૂપણ થયું છે જે એમના મનનાપ્રભાવથી, દ્રષ્ટિથી વસ્તુઓને એમની જગ્યાએથી ખસેડી, ઇચ્છા પ્રમાણે ગતિમાન કરવા સમર્થ હતા.
ભારતની યોગવિદ્યામાં અભિરુચિ રાખનારા ફ્રાન્સના વિદ્વાન લુઇ જકાલિયટે એમના પુસ્તકમાં એક ભારતીય યોગીનો ઉલ્લેખ કર્યો છે જેણે એની ઇચ્છા શક્તિથી પાણીથી ભરેલા ઘડાને હવામાં ઉપર ઉઠાવી તેને અધ્ધરપધ્ધર લટકતો રાખ્યો હતો. મહર્ષિ મહેશ યોગીએ પણ એમના ભાવાતીત ધ્યાન (ટ્રાન્સેન્ડેન્ટલ મેડિટેશન)ની પધ્ધતિથી એવા સાધકો તૈયાર કર્યા હતા જે ધ્યાન દરમિયાન જમીનથી થોડા ઉપર ઊઠી લેવિટેશનની સ્થિતિમાં રહેતા હતા. તેમના પર ગુરુત્વાકર્ષણની કોઈ અસર થતી નહોતી તેથી તેટલો સમય તે હવામાં અધ્ધરપધ્ધર તોળાઈ રહેતા. પછી ધીમે ધીમે તેમનું શરીર નીચે ઊતરી આવતું અને જમીન પર સ્થિર થઇ જતું. અનેક વિજ્ઞાાનીઓ અને તબીબોની હાજરીમાં આ પ્રયોગો કરવામાં આવતા હતા.
યોગવિદ્યા અને ગૂઢ શક્તિની અંતર્ગત એક એવી સિદ્ધિ પણ આવે છે જેમાં સિદ્ધયોગી ગમે તે વસ્તુને ગમે તેટલે દૂરથી અદ્રશ્ય રીતે લાવીને પ્રગટ કરી શકે છે. આ શક્તિને 'એપોર્ટ' નામથી પણ ઓળખવામાં આવે છે. સ્વામી વિવેકાનદે આ શક્તિનો પ્રયોગ પ્રત્યક્ષ નિહાળ્યો હતો અને એનું પોતાના પુસ્તકમાં પણ વર્ણન કર્યું હતું. સ્વામી વિવેકાનંદ એકવાર હૈદરાબાદ ગયા ત્યારે તેમને આ ગૃહસ્થજીવન જીવતા સિધ્ધનો મેળાપ થયો હતો. તે બ્રાહ્મણ વેપારી હતો જેણે યોગની ગૂઢ સિદ્ધિ મેળવવા સાધના કરી હતી.
કોઈપણ વ્યક્તિ તેની પાસે કોઈપણ વસ્તુ માંગે તો તે તેને ઘડીના છઠ્ઠા ભાગમાં પ્રકટ કરી આપતો સ્વામી વિવેકાનંદે આ વિશે સાંભળ્યું હતું એટલે તે તેને પોતાની આંખો સામે જોવા માગતા હતા. જ્યારે તે તેને મળવા ગયા ત્યારે ત્યાં ઘણા લોકો હાજર હતા. તે દિવસે તેને તાવ આવ્યો હતો એટલે તેને એ વિદ્યાનો પ્રયોગ કરવાની ઇચ્છા નહોતી. પણ સ્વામી વિવેકાનંદ આવ્યા અને એમણે એ પ્રયોગ કરવા વિનંતી કરી એેટલે એ તૈયાર થયો. તેણે સ્વામીજીને પોતાના માથે હાથ મૂકી આશિષ આપવા કહ્યું. સ્વામીજીએ તેને એ રીતે આશિષ આપ્યા.
તે બ્રાહ્મણ યોગીએ એના શરીર પર એક માત્ર ટૂંકું ધોતિયું પહેર્યું હતું. શિયાળાના દિવસો હતા એટલે તેણે એ કામળો ઓઢવા માટે માંગ્યો. એ કામળાને બધાની સામે ખંખેરીને એને ખુલ્લો કરી બધાને દેખાડી તે યોગીને આપવામાં આવ્યો. પછી તેણે તે ઓઢી લીધો અને કહ્યું - તમારે જે વસ્તુ જોઇતી હોય તે લખીને આપો. બધાએ એક કાગળ પર લખી લખીને જે જોઇતું હતું તે માંગ્યું.
તેણે તે બધાની માંગેલી વસ્તુ કામળામાંથી કાઢીને વિવેકાનંદને આપ્યા. દ્રાક્ષના ઝુમખા અને નારંગી તો એટલી બધી માત્રામાં કાઢીને આપ્યા કે તેના ઢગલે ઢગલે થઇ ગયા. એ ફળોનું વજન એ યોગીના વજન કરતાં બમણું થઇ જાય એટલા બધા પ્રમાણમાં ફળો પ્રકટ કર્યા. એમાંથી જેને જે ફળો ખાવાની ઇચ્છા હતી તે ફળો ખાવા પણ આપ્યા અને જેટલા ઘેર લઇ જવા હોય એ ઘેર લઇ જવા પણ આપ્યા. એનાથી એ સાબિત થયું કે એ સામૂહિક સંમોહન નહોતું. કોઈ દ્રષ્ટિભ્રમ નહોતો પણ વસ્તુનું પ્રગટીકરણ હતું.
સ્વામી વિવેકાનંદને એ યોગીની થોડી વધારે ચકાસણી કરવાની ઇચ્છા થઈ. તેમણે તેને દોઢસો તાજા ગુલાબના ફૂલ પ્રકટ કરવા આહ્વાન આપ્યું. તેમણે યોગીના શરીર પરથી કામળો ઉતારી સ્વયં બરાબર ચકાસ્યો. એ સાવ ખાલી જ હતો. પછી તેણે તે ઓઢી લીધો. બે-ચાર પળો પછી તેણે કામળામાંથી દોઢસો તાજા ગુલાબના ફૂલ કાઢીને વિવેકાનંદને આપ્યા.
દરેક ગુલાબની પાંખડીઓ પર વહેલી સવારના ઝાકળ બિંદુ છવાયેલા હતા. જાણે હમણાં જ ડાળી પરથી તોડીને લાવ્યા હોય એવું લાગતું હતું ! દરેક ગુલાબ પૂરેપૂરું ખીલેલું, અખંડિત અને આખું જ હતું. બધા થઇને દોઢશો ગુલાબ જ હતા. એક પણ ઓછું નહીં કે એક પણ વધારે નહીં. એ પછી એ યોગીએ જેનો કામળો હતો એને એ પાછો આપી દીધો હતો. એમણે તથા સર્વેએ કામળો બરાબર ફરી તપાસ્યો હતો. એમાં ગુલાબની સુગંધ સિવાય બીજું કંઇ નહોતું.
યોગશક્તિનો આ અદ્ભુત પ્રયોગ જોયા બાદ સ્વામી વિવેકાનંદે લખ્યું હતું - 'કેટલાકે આને જાદુ માની લીધો તો કેટલાકે આને ચમત્કાર માન્યો. પણ મારી દ્રષ્ટિએ આ યોગનું ઉચ્ચ વિજ્ઞાાન જ છે. હું એના વિશે જરા પણ શંકા સેવતો નથી કે એને અયોગ્ય સમજતો નથી. આ સત્યનું જ દર્શન હતું. જેહોય જ નહીં એની છાયા ક્યાંથી ઉદ્ભવી શકે ? એટલે આ માયા નહોતી. જે અદ્રશ્યમાંથી દ્રશ્ય થયું, અપ્રકટમાંથી પ્રકટ થયું એ કેવળ દેખ્યાનો આભાસ નહોતો કેમ કે એ વસ્તુ કાયમ રાખવા માટે આપી દેવામાં આવી.
એટલે એ સં-મોહ પણ નહોતો. આ મન અને આત્માની શક્તિનું પ્રમાણ છે. યોગ દ્વારા મનની શક્તિઓને વિકસાવવામાં આવે તો તે કંઇપણ કરવા સમર્થ બને છે. આત્મ-વિજ્ઞાાનની સહાયથી સાધક સાધનાથી સિધ્ધિ સુધી પહોંચી શકે છે. બ્રહ્માણ્ડની બધી શક્તિઓ પહેલેથી આપણી છે. આપણે જ આપણી આંખ પર હાથ રાખી દઇએ છીએ અને પછી રડીએ છીએ કે કેટલો અંધકાર છે ! મસ્તિષ્કમાં અનંત શક્તિઓ પડેલી છે. તે સૂર્યના કિરણો સમાન છે જ્યારે તે કેન્દ્રિત થાય છે ત્યારે તે પ્રબળ શક્તિ ઉત્પન્ન કરે છે અને ચમકી ઊઠે છે.'