નન્હે મુન્હે બચ્ચે ...તેરી મૂઠ્ઠીમેં ક્યા હૈ
હોરાઈઝન - ભવેન કચ્છી
હવે વિશ્વના ટીન એજરો નક્કી કરે છે કે અમારે કેવી દુનિયામાં જીવવું
દિલ્હી ગેસ ચેમ્બર બની ગયું છે . પ્રદુષણને કારણે ભારતમાં અત્યારે તો દિલ્હી સરકારને અમુક દિવસો શાળામાં રજા જાહેર કરાવી પડે તેવી નોબત આવી છે પણ એ દિવસો દુર નથી કે જ્યારે શાળાના વિદ્યાર્થીઓ જ પ્રદુષણ કે સર્વાંગી સ્વસ્થ ભારતની રીતે તેઓને તેમનું ભવિષ્ય નહીં દેખાય તો સ્વયંમ સામુહિક રીતે કોઈને કોઈ પ્રશ્ને એકાદ દિવસની પ્રતીકાત્મક હડતાલ જાહેર કરતા થશે.
વિશ્વના પર્યાવરણ પરત્વે વિકસિત દેશો જે હદે ''ખાવાના જુદા અને દેખાડવાના દાંત જુદા'' જેવો દંભ આચરી ભયજનક સપાટી વટાવતી બેદરકારી બતાવી રહ્યા છે તેની સામે સ્વીડનની ૧૬ વર્ષની છોકરી ગ્રેટા થન્બર્ગે વર્લ્ડ ક્લાઈમેટ પરિષદથી માંડી યુનાઈટેડ નેશન્સ સુધી હાહાકાર મચાવ્યો તે હવે જગજાહેર છે. ભલે પશ્ચિમના દેશોની સરકાર અને કોર્પોરેટ મળતિયા સાથે બેઠેલા મીડિયા અને નીતિ ઘડવૈયાઓએ ગ્રેટાને સ્ટંટબાજ અને કોઈના હાથે રમતા રમકડા તરીકે જાહેર કરી તેને માનસિક રીતે ખતમ કરવાની રણનીતિ અપનાવી પણ વાસ્તવિકતા એ છે કે ગ્રેટાએ વિચારમંથનનું વાવાઝોડું તો સર્જ્યું જ છે.
તેના કરતા પણ વિશ્વને વળાંક આપતી એ ઘટના આકાર પામી રહી છે કે કિશોર વયના વિદ્યાર્થીઓમાં એવો મિજાજ કેળવાયો છે કે અમે જે ભાવિ વિશ્વમાં પાંગરવાના છીએ તેમાં આદર, આત્મ સન્માન,અને તમામ પાસોમાં ગુણવત્તાસભર જીવન પ્રાપ્ત કરવાના અમે હકદાર છીએ. આજે વિશ્વભરમાં એવો પ્રવાહ સર્જાતો જાય છે કે બાળ ચળવળકારો જુદી જુદી સમસ્યાઓ હાથમાં લઈ વૈશ્વિક આંદોલનની આહલેક જગાવી રહ્યા છે.
પાકિસ્તાન સહીત ઈસ્લામ દેશોમાં બાળકીઓની શિક્ષણ અને સન્માનની રીતે આદિયુગ જેવા માનસ સાથેની જે સ્થિતિ પ્રવર્તે છે તે અંગે નીડર નિવેદનો અને ભાષણોથી સભા ગજવી વૈશ્વિક જાગૃતિ ફેલાવનાર મલાલા પર કટ્ટર પંથીએ ગોળીબાર કર્યો પણ સદનસીબે તે બચી ગઈ. ક્રીટીકલ સારવાર -સર્જરી બાદ બેઠી થઈને તેનણે વધુ જલદતાથી તેના વિચારોનો પડઘો પાડવાનો જારી રાખ્યો.
માત્ર ૧૭ વર્ષની વયે મલાલાને શાંતિનું નોબેલ પ્રાઈઝ મળ્યું. ગ્રેટા થન્બર્ગ પણ આ વર્ષે નોબેલ પ્રાઈઝ માટે ફેવરીટ હતી પણ તેને પ્રાઈઝ મળે તે મુડીવાદી દેશોની પર્યાવરણના સંદર્ભમાં પાશવી હરકતો પર મહોર વાગે તેવો ઘાટ ઘડાય તેમ હોઈ પડદા પાછળ કંઇક રંધાઈ ગયું. મલાલા અને ગ્રેટાને ચોક્કસ તત્વોની કઠપૂતળી તરીકે ભલે ઉતારી પડાય પણ બાળકો તેમના ભાવિ નિર્માણ માટેના હકદાર છે તેવો મેસેજ આપવામાં તો તેઓને સફળતા મળી જ છે અને તેમાં ખોટું નથી.
ગયા વર્ષે ઓગસ્ટમાં ગ્રેટા તેની શાળાની બહાર સ્વીડીશ ભાષામાં કે જેનો અર્થ ''બહેતર હવામાન માટે શાળામાં હડતાળ'' તેવું બેનર લઈને બેઠી હતી ત્યારે તેની વય ૧૫ વર્ષની હતી . તે પછી તેણે વિશ્વભરની શાળાઓના વિદ્યાર્થીઓને પર્યાવરણ માટે જે તે દેશની સરકાર,કોર્પોરેટ અને ઉદ્યોગ જગતને ખુલ્લા પાડવા કોઈ એક શુક્રવાર હડતાળ પાડવા અને બેનરો સાથે શાળાની બહાર ઉભા રહેવા જણાવ્યું. જેને જોરદાર પ્રતિસાદ સાંપડેલો.
તે પછી વિશ્વ કલાયમેટ પરિષદ વખતે જ આ વર્ષે ૨૦ સપ્ટેમ્બરના રોજ તેણે શાળાઓને સામુહિક રીતે હડતાલ પાડવાની જાહેરાત કરી અને વિશ્વના ૧૫૦ દેશોની ૪૫૦૦ શાળાઓએ તેના કોલને આવકાર્યો. કુલ ૬૦ લાખ વિદ્યાર્થીઓ અને વાલીઓ તેમાં જોડાયા. વિદ્યાર્થીઓથી પ્રેરાઈ ૩૫૦ એનજીઓ પણ તેમનાં ૭૬ લાખ દેખાવકારો સાથે રસ્તા પર ઉતરી પડયા હતા. નવી દિલ્હીની શાળાઓના વિદ્યાર્થીઓ,શિક્ષકો અને વાલીઓએ પણ આ દિવસે ગ્રેટાના એલાનને ટેકો આપી હડતાલ પાડી હતી અને તે પછી દશેરાના રાવણ દહન કાર્યક્રમમાં પ્રદુષણને દસમાં માથા તરીકે ધડાકાભેર ઉડાવ્યું હતું.
આજે એવી સ્થિતિ નિર્માણ પામી છે કે વિશ્વમાં જુદા જુદા પ્રશ્નોને હાથમાં લઇ બાળ ચળવળકારો નેતાગીરી લઈને જનઆંદોલનો થકી શાસકને નીતિ -કાયદા બદલવા સુધી લઇ ગયાછે.
અમેરિકામાં અવારનવાર કોઈને કોઈ શહેરની શાળામાં કોઈ વિકૃત દિમાગની વ્યક્તિ કે ભૂતપૂર્વ વિદ્યાર્થી હતાશા અને સીસ્ટમ સામેના રોષ સાથે બેફામ ગોળીબાર કરી માસુમ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને મોતને ઘાટ ઉતારે છે. આ ઉપરાંત પણ શૂટ આઉટની ઘટનાનું પ્રમાણ વધ્યું હોઈ જે રાજ્યોમાં ગન કંટ્રોલનો કાયદો નથી ત્યાં હજારોની સંખ્યામાં સરકાર સામે કાયદો બદલવાની માંગ સાથે નાગરિકો રસ્તા પર આવી પડે છે.
આવા આંદોલનને સૌથી વધુ સંવેદના સાથે વેગ આપી છેક ટ્રમ્પ સુધી પડઘા પાડવામાં જો કોઈને સફળતા મળી હોય તો ૧૯ વર્ષની એમ્મા ગોન્ઝાલેઝને તે માટેનો જશ જાય છે. પાર્કલેન્ડ ,ફ્લોરીડાની ડગ્લાસ સ્કુલમાં ૧૭ બાળકો ગોળીબારમાં મૃત્યુ પામ્યા તે પછી જુદા જુદા રાજ્યોમાં જનમેદની એકઠી કરી બધાના હૃદય હચમચાવી નાંખતા ભાષાણો કરે છે. જે વાલીઓએ તેમના સંતાન ગુમાવ્યા છે તેઓને સ્ટેજ પર લાવે છે. ''તમારે જીવવા માટે પણ લડવું પડશે.
તમારા કોઈ દોષ વગર કોઈપણ તમારું ગમે ત્યારે મૃત્યુ નીપજાવે તે પહેલા તમે ગન ધરાવવાની મુક્તિ આપતા કાયદાને ખતમ કરી દો'' તે તેના આ દ્વારા સ્થપાયેલ ગ્રુપનું મિશન છે. એમ્મા ખુબ હૃદયસ્પર્શી વક્તા છે. એક જનજુવાળ ઉભો કરવામાં તે સફળ થઇ છે. ફ્લોરીડા સરકારે તેની માંગને સ્વીકારતા હવે એવો કાયદો લાવ્યો છે કે કોઈપણ વ્યક્તિ માટે ગન ખરીદવી અગાઉ જેટલી આસાન નથી રહી.
આવી જ એક બીજી ટીન એજ બ્રિટનમાં રહેતી ૧૮ વર્ષની અમિકા જ્યોર્જ છે. તેણે જોયું કે તેના દેશમાં અંતરિયાળ વિસ્તારમાં હજુ એવી ગરીબ વિદ્યાર્થીનીઓ છે કે જેઓને માસિક સ્ત્રાવના દિવસો દરમિયાન કઈ બિન ચેપી રીતે સ્વાસ્થ્યની જાળવણી કરાવી તે અંગેની અજ્ઞાાનતા તો છે જ પણ આથક સ્થિતિ સારી નહિ હોઈ તેઓ સેનેટરી પેડ પણ ખરીદી નહોતી શકતી.
સરકારને રજૂઆત કરવા છતાં ખાસ ફર્ક ન પડતા અમીકાએ મીડીયાને સાથે રાખી ૨૦૦૦ મહિલાઓ કે જેમાં મોટાભાગની ટીન એજરો છે તેનું'ફ્રી પીરીયડ્સ ટુ ફાઈટ પીરીયડ પોવર્ટી' ગ્રુપ બનાવ્યું. સરકારે હવે મફત પેડ અને માર્ગદર્શન કીટ,પોષણયુક્ત આહારની સવલત પૂરી પાડવાનો નિર્ણય લીધો છે.
આવી જ એક ટીન એજ સેન્સેસન જેઝ જેનીંગે ટ્રાંસજેન્ડર કે જેઓએ સર્જરી કરાવી તેમની જાતિનું પરિવર્તન કર્યું છે તેમના સમુદાયનાં હક્કો તેમજ તેઓને સન્માનની નજરે જોવાય તે માટે 'પર્પલ રેઈનબો ટેઈલ્સ' નામની એનજીઓ બનાવી છે. તે યુ ટયુબ પર તેની કોમ્યુનીટીના ૬,૫૦,૦૦૦ સભ્યો જોડે કનેક્ટ રહી કાર્યરત છે.અન્ય એક આવી એકટીવિસ્ટ મિલી બોબી બ્રાઉન તો ૧૫ વર્ષની જ છે.'સ્ટ્રેન્જર થિંગ્સ' નામની હોલીવુડ ફિલ્મથી તે આગવો ચાહક વર્ગ ધરાવે છે. 'યુનિસેફ'ની તે સૌથી યુવા એમ્બેસેડર છે.
અમેરિકાની ૧૯ વર્ષની અશ્વેતો માટેના હક્કો માટે લડતી યારા શાહીદી પણ મોટું નામ નાની વયે ધરાવે છે. તે 'એઇટીન ટ૧૮' સંસ્થા પણ ચલાવે છે અને દેશભરમાં યુવાનોને મતદાન માટે જાગૃત કરે છે. તેનું એક ઓનલાઈન મિશન એ પણ છે કે શિક્ષણથી ગરીબીને જાકારો આપી શકાય છે તેવો મેસેજ ફેલાવવો. તેના પ્રદાનથી પ્રભાવિત થઈને ઓબામાએ હાર્વર્ડ યુનિવર્સીટીને પત્ર લખી ભલામણ કરી હતી કે યારાને તમારા પ્રોજેક્ટમાં સામેલ કરજો.
હવે તો એવું લાગે છે કે કિશોર અને તરૂણવયના નક્કી કરે છે કે તેઓ મોટા થઇ કેવા વિશ્વમાં જીવવા માંગે છે. ૧૯ વર્ષની કરોલીના ફાર્સ ફેસબુક પર પોસ્ટ મૂકી ૧૦૦૦૦ નાગરિકોને તેના દેશ સ્લોવાકીયામાં ચાલતા ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવા એકત્રિત કરી શકે છે. તેની સાથે અલેક્ષ માર્શલ નામનો યુવાન જોડાયો છે. તેનું જોઇને યુરોપમાં પણ યુવાનો વન પર્સન આર્મી બનીને શરૂમાં નીકળે અને તે પછી કોઈપણ ઇસ્યુમાં જનસમર્થન મેળવે છે.
લંડનમાં બેલ માત્રોસ અને કોફી અસંતે જેવા યુવાનો પર્યાવરણ, અશ્વેત, બ્રેક્ષિટ જેવા મુદે સક્રિય છે. સિરિયામાં સરકાર અને આઇએઆઈએસ વચ્ચેના ટકરાવમાં બાળકોની કેવી હાલત છે તેની ૧૫ વર્ષનો મુહમ્મદ નાજેમ સીટીઝન રિપોર્ટર બની તસ્વીરો અને અહેવાલ નીડરતાથી પોસ્ટ કરે છે.થાઈલેન્ડમાં અભિવ્યક્તિના સ્વતંત્ર માટે નેત્વિત ચોતીફાતા તો ઈઝરાયેલમાં ૧૯ વર્ષની નોઆ ગોલન ભ્રષ્ટાચાર સામે જંગે ચઢેલી છે.
ભારતમાં હજુ ટીન એજરો તેમના અભ્યાસક્રમના બોજ અને માંર્કસની રેસમાં જ એટલા રચ્યાપચ્યા રહે છે કે દેશ કે વિશ્વના વર્તમાન કે ભાવિ પડકારોથી એ હદે વાકેફ નથી . યુનિવર્સીટી સ્તરે જે કંઈ ચળવળ ચાલે છે તે એનજીઓ, રાજકીય પક્ષોના પ્રભાવ જમાવવા કે વિચારધારા પ્રેરીત છે. યુવાનો રાજકારણમાં પ્રવેશવાનું મિશન ધરાવવા કોઈ જ્ઞાાતિ, જાતિ, ધર્મના ઠેકેદારો બની જાય છે. દેશ અને વિશ્વના બદલાવમાં ટીન એજરોથી માંડી યુવાનો જુદા જુદા માધ્યમોથી ભૂમિકા ભજવે તે આવકાર્ય છે. ગરીબી, શિક્ષણ, સમાનતા, સમરસતા અને પર્યાવરણના પડકારો માટે વિશ્વમાં યુવા હવા જામી છે.