ગિલગિટ-બાલ્ટિસ્તાનને ભારત સાથે જોડવામાં હવે વધુ વિલંબ નહીં ચાલે
હોટલાઈન - ભાલચંદ્ર જાની
ભારતમાં ઘણા લોકો કાશ્મીર સમસ્યા વિશે સુપેરે જાણે છે પરંતુ ગિલગીટ- બાલ્ટિસ્તાનના અબોટ, અખૂટ સૌંદર્યથી અજાણ છે.
ભારત હવે જમ્મુ-કાશ્મીર અંગે પાકિસ્તાન સાથે કોઈ ચર્ચા કરવા તૈયાર નથી. ઉલ્ટાનું સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે થોેડા વખત પૂર્વે કહ્યું તેમ હવે તો વાત આઝાદ કાશ્મીર અને ગિલગીટ- બાલ્ટિસ્તાનની થવી જોઈએ. હાલમાં પાકિસ્તાનના કબ્જા હેઠળના આ બેઉ પ્રદેશ પાછા મેળવવાનો ભારતને પૂરેપૂરો હક છે. પરંતુ ૭૦ વર્ષ પૂર્વે ગુમાવી ચૂકેલા આ અત્યંત સુંદર પ્રદેશને એમ સહેલાઈથી આંચકી શકાશે નહીં. ભારતે એને માટે લાંબો સંઘર્ષ કરવો પડશે જે કદાચ લોહિયાળ પણ હોય.
વર્તમાન સમયમાં પાકિસ્તાન ગિલગિટ અને બાલ્ટિસ્તાન સાથે તેની કોલોની જેવું વર્તન કરી રહ્યું છે. પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર સાથે સરહદ ધરાવતા આ વિસ્તારો મુદ્દે અમેરિકા સ્થિત એક્ટિવિસ્ટ સેન્જ સેરિંગે કહ્યું હતું કે, આ વિસ્તારમાં શું ચાલી રહ્યું છે એ શોધવા યુનાઇટેડ નેશન્સે ઝડપથી પ્રતિનિધિમંડળ મોકલવું જોઈએ. આ દરમિયાન યુનિવર્સલ મુસ્લિમ્સ એસોસિયેશન ઓફ અમેરિકાના સભ્યોએ પાકિસ્તાનમાં શિયા મુસ્લિમો પર થતાં અત્યાચારની પણ ચોંકાવનારા પુરાવા આપ્યા હતા.
ગિલગિટ અને બાલ્ટિસ્તાનમાં સ્થાનિક સરકાર છે અને ચૂંટાયેલા મુખ્યમંત્રી પણ છે. પાકિસ્તાન પણ નિયમ પ્રમાણે તેને જુદો ભૌગોલિક પ્રદેશ માને છે. વિયેતનામની જેમ ગિલગિટ અને બાલ્ટિસ્તાનમાં પણ આંતરરાષ્ટ્રીય સમુદાયની મદદ વિના લોકોને તેમના હક નહીં મળે, એવી ઘણાં સમયથી માગ થઇ રહી છે.
અમેરિકન એક્ટિવીસ્ટ સેરિંગે થોડાં સમય પૂર્વે પાકિસ્તાનને આડે હાથ લેતા કહ્યું હતું કે, અમે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને અરજ કરીએ છીએ કે, યુએનની મદદથી ગિલગિટ અને બાલ્ટિસ્તાનને મદદ પહોંચાડવામાં આવે. આ ઉપરાંત પાકિસ્તાને જેલમાં ધકેલી દીધેલા રાજકીય કેદીઓની સ્થિતિની પણ સમીક્ષા કરે.
સેરિંગે ચોંકાવનારી માહિતી આપતા કહ્યું હતું કે, પાકિસ્તાનના લશ્કરી અને ગુપ્તચર એજન્સીના અધિકારીઓ ગિલગિટ અને બાલ્ટિસ્તાનમાં હજારો એકર જમીન પચાવીને પ્રાઇવેટ પ્રોપર્ટી ઊભી કરી છે. જે લોકો પાકિસ્તાનની આવી અન્યાયી નીતિનો વિરોધ કરે તેમને આતંકવાદી જાહેર કરીને જેલમાં ધકેલાય છે અને ભયાવહ્ અત્યાચાર પણ કરાય છે.
ધ એશિયન હ્યુમન રાઇટ્સ કમિશનના અહેવાલ પ્રમાણે, ગિલગિટ અને બાલ્ટિસ્તાનમાં હજારો એકર જમીન પચાવી પાડવાના કારણે સ્થાનિકોએ સ્થળાંતર કરવાની ફરજ પડી રહી છે. આ જ કારણસર ત્યાં સ્થાનિકોની વસતી ઘટી ગઇ છે કારણ કે, અનેક લોકો પાસે ફક્ત પાકિસ્તાન જવાનો જ વિકલ્પ બાકી બચે છે.
ભારતમાં ઘણા લોકો કાશ્મીર સમસ્યા વિશે સુપેરે જાણે છે પરંતુ ગિલગીટ- બાલ્ટિસ્તાનના અબોટ, અખૂટ સૌંદર્યથી અજાણ છે. તેમના કબ્જા હેઠળના આ પ્રદેશ પર હકુમત જમાવી રાખવા પાકિસ્તાન વર્ષોથી છળકપટ રમે છે.
ભારતના નકશામાં છેક ઉપર નજર કરશો તો એક પ્રદેશ નજરે પડશે જે ગિલગિટ અને બાલ્ટિસ્તાન તરીકે ઓળખાય છે. ભારત આ પ્રદેશને ભારત અંતર્ગત જમ્મુ અને કાશ્મીર રાજ્યનો હિસ્સો બતાવે છે. પાકિસ્તાનના નકશામાં જોશો તો એ પ્રદેશને સ્વાભાવિકપણે જમ્મુ અને કાશ્મીરનો હિસ્સો બતાવવામાં આવે છે, પરંતુ ખૂબી એ છે કે ભારતના કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરને પાકિસ્તાનના નકશામાં પાકિસ્તાન અંતર્ગત રાજ્ય તરીકે બતાવવામાં આવતું નથી, પણ ભારતના કબજા હેઠળની ડિમ્મટેડ ટેરિટરીઝ તરીકે ઓળખાવવામાં આવે છે.
આ બધાની વચ્ચે ગિલગિટ અને બાલ્ટિસ્તાનનો સત્તાવાર દરજ્જો આટોનોમસ નાર્ધર્ન એરિયાનો છે. ગિલગિટ-બાલ્ટિસ્તાન નથી અવિભાજિત જમ્મુ અને કાશ્મીરમાં, નથી આઝાદ કાશ્મીર તરીકે ઓળખાતા પાકિસ્તાનના કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં કે નથી સીધા પાકિસ્તાનમાં. આ પ્રદેશની પ્રજા નથી સ્વતંત્ર, નથી સ્વાયત્ત કે નથી પાકિસ્તાની નાગરિક. સાત દાયકાથી ત્યાંની પ્રજા ત્રિશંકુ અવસ્થામાં જીવે છે. કહેવાતો રાષ્ટ્રવાદ અને ધર્મવાદ કેટલાં હિંસક અને અન્યાયી હોઈ શકે એનું આ ઉદાહરણ છે.
હવે પાકિસ્તાને નિર્ણય લીધો છે કે એ ગિલગિટ અને બાલ્ટિસ્તાન ે પાકિસ્તાનના અવિભાજ્ય અંગ તરીકે માન્યતા આપીને એને પાકિસ્તાનના પાંચમા પ્રાંત તરીકેનો દરજ્જો આપશે. આ દરજ્જો માત્ર ગિલગિટ અને બાલ્ટિસ્તાનને જ આપવામાં આવી રહ્યો છે, પાકિસ્તાનના કબજા હેઠળના કહેવાતા આઝાદ કાશ્મીરને નહીં. આવું શા માટે? જૂના જમ્મુ અને કાશ્મીરના આ રીતે ચાર ટુકડા થયા.
એક ટુકડો ભારતના કબજામાં, એક ટુકડો (અક્ષઈ ચીન) ચીનના કબજામાં, બે ટુકડા પાકિસ્તાનના કબજામાં જેમાંથી એક પાકિસ્તાનનો અવિભાજ્ય પાંચમો પ્રાંત અને એક પાકિસ્તાનના કબજા હેઠળનું કહેવાતું આઝાદ કાશ્મીર. જો પાંચમો પ્રાંત બનાવવો જ હતો તો પાકિસ્તાન જેને આઝાદ કાશ્મીર તરીકે ઓળખાવે છે એ મુઝફ્ફરાબાદના પ્રદેશને પણ એમાં જોડી દેવો જોઈતો હતો અથવા એને છઠ્ઠા પ્રાંત તરીકેની માન્યતા આપવી જોઈતી હતી? મુઝફ્ફરાબાદની ઉપર આવેલા કબીલાઈ પ્રદેશને પાકિસ્તાનનો અવિભાજ્ય હિસ્સો બનાવવામાં આવે અને સાંસ્કૃતિક રીતે પાકિસ્તાનની નજીક ગણાતા મુઝફ્ફરાબાદને બહાર રાખવામાં આવે એની પાછળ કઈ રમત છે?
રમત એવી છે કે પાકિસ્તાન જમ્મુ એનૈ કાશ્મીર પરનો દાવો જતો કરવા નથી માગતું એટલે જૂના અવિભાજિત જમ્મુ અને કાશ્મીરના એક અવશેષ તરીકે એ મુઝફ્ફરાબાદને આઝાદ કાશ્મીર તરીકે જીવતું રાખવા માગે છે. પાકિસ્તાન એમ નથી કહેતું કે જમ્મુ અને કાશ્મીર પાકિસ્તાનનો અવિભાજ્ય હિસ્સો છે જેમ ભારત દાવો કરે છે. પાકિસ્તાન એમ કહે છે કે જમ્મુ અને કાશ્મીર ભારત અને પાકિસ્તાન વચ્ચે વિવાદિત પ્રદેશ છે જેનો નિકાલ આવવાનો બાકી છે.
જે અમારા કબજામાં છે એ આઝાદ છે અને જે ભારતના કબજામાં છે ત્યાં ભારત કબજાખોર છે અને ત્યાંની પ્રજાને નિર્ણય લેવાની આઝાદી આપતું નથી. જો પાકિસ્તાન મુઝફ્ફરાબાદના પ્રદેશને પાકિસ્તાનના અવિભાજ્ય પ્રદેશ તરીકે માન્યતા આપી દે તો જૂના જમ્મુ અને કાશ્મીરના વિભાજનને માન્યતા આપી કહેવાય. બીજા શબ્દોમાં કહીએ તો અંકુશરેખાને આંતરરાષ્ટ્રીય સરહદ તરીકે સ્વીકારી લીધી હોવાનું કહેવાય.
અહીં એક સવાલ થવો સ્વાભાવિક છે કે તો પછી પાકિસ્તાન ગિલગિટ અને બાલ્ટિસ્તાનને શા માટે પાકિસ્તાનના અવિભાજ્ય અંગ તરીકેની માન્યતા આપી નથી રહ્યું ? જે તર્ક મુઝફ્ફરાબાદને લાગુ પડે છે એ તર્ક ગિલગિટ અને બાલ્ટિસ્તાનને પણ લાગુ પડે છે. યુનો જેવા જગતના ચોરે દાવો ઊભો રાખવા માટે ગિલગિટ અને બાલ્ટિસ્તાન પણ ખપમાં આવી શકે. શા માટે વચ્ચે મુઝફ્ફરાબાદ છોડીને પાકિસ્તાન ગિલગિટ અને બાલ્ટિસ્તાનને પાકિસ્તાનના અવિભાજ્ય અંગ તરીકે અને સાથે જ સંપૂર્ણ રાજ્ય તરીકેનો દરજ્જો આપી રહ્યું છે? આનો ઉત્તર એ છે કે ચીનને ગિલગિટ અને બાલ્ટિસ્તાનનો ખપ છે.
ચીન એના ઝીન્ઝિયાંગ પ્રાંતમાંથી થઈને પાકિસ્તાનના ગ્વાડર બંદર સુધી ઇકાનામિક કારિડોર વિકસાવી રહ્યું છે ે જેમાં એને ગિલગિટ અને બાલ્ટિસ્તાન પ્રદેશનો ખપ છે. ચીન છેક ઈરાનના અખાત સુધી રેલવે અને રોડ વિકસાવવા માગે છે. આ ઉપરાંત ગિલગિટ અને બાલ્ટિસ્તાનની ઉપરથી સિલ્ક રોડ પસાર થાય છે. આ કારણે પાકિસ્તાને કહેવાતા આઝાદ કાશ્મીરને ઝઘડાના અવશેષ તરીકે -પાકિસ્તાનથી અલગ રાખ્યું છે અને ગલગિટ અને બાલ્ટિસ્તાનને પાકિસ્તાનમાં ભેળવી દીધું છે.
દાયકાઓથી ગિલગિટ અને બાલ્ટિસ્તાનની પ્રજા માગણી કરતી હતી કે તેમના પ્રદેશને પાકિસ્તાનમાં ભેળવી દેવામાં આવે અને પાકિસ્તાનના સંપૂર્ણ નાગરિકનો દરજ્જો આપવામાં આવે. પાકિસ્તાનના શાસકો તેમની માગણી સ્વીકારતા નહોતા એમાંનું એક કારણ આગળ કહ્યું એમ ઝઘડાના અવશેષ તરીકે એનો ખપ હતો અને બીજું મહત્ત્વનું કારણ શિયા બીલાઈ પ્રદેશ છે. એક તો શિયા, ઉપરથી પહાડી આદિવાસી અને એ ઉપરાંત દુર્ગમ પ્રદેશ એટલે મેઇનલેન્ડ પાકિસ્તાનને એ પ્રદેશ સાથે કોઈ પ્રકારનો ભાવનાત્મક સંબંધ નથી.
ભારતે પાકિસ્તાનના નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો છે. ભારત પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર પર દાવો કરી રહ્યું છે એટલે વિરોધ નોંધાવવો જરૂરી છે. કાશ્મીરની ખીણના અલગતાવાદી નેતાઓએ પણ પાકિસ્તાનના નિર્ણયનો વિરોધ કર્યો છે, કારણ કે તેઓ અખંડ જમ્મુ અને કાશ્મીરની સ્વતંત્રતા ઇચ્છે છે. તેઓ એ નથી સ્વીકારતા કે એક સાંસ્કૃતિક એકમ તરીકે જમ્મુ અને કાશ્મીર ક્યારેય અખંડ નહોતાં.
ભારતનો વિરોધ વાજબી છે. ચીને તો પહેલો પ્રસ્તાવ અંકુશરેખાને આંતરરાષ્ટ્રીય સરહદ તરીકે સ્વીકારી લઈને કાયમ માટે જમ્મુ અને કાશ્મીરનો પ્રશ્ન ઉકેલવાનો રાખ્યો હતો. ' ઇકાનામિક કારિડોરની લાલચમાં પાકિસ્તાન એના માટે તૈયાર છે. આમ તો દાયકા પહેલાં અંકુશરેખાને સરહદ બનાવવાની સમજૂતી બે દેશ વચ્ચે થઈ ચૂકી છે, માત્ર જાહેરમાં સમજૂતીનો સ્વીકાર કરીને સહી કરવાની બાકી છે. હવે નરેન્દ્ર મોદી મજબૂત સ્થિતિમાં છે તો એનો લાભ લઈને જમ્મુ અને કાશ્મીરનો પ્રશ્ન ઉકેલી નાખવો જોઈએ.
પાકિસ્તાનની ઉત્તરે ચીન સાથે સમાન સરહદ છે. તેના ઉપર કારાકોરમ હાઈવે છે. તેના થકી ચીન સાથે પાકિસ્તાનનો વ્યવહાર સરળ બન્યો છે. પાકિસ્તાન સાથેનાં બે યુદ્ધમાં ગિલ્ગીટનું સ્થાન મહત્ત્વનું બન્યું હતું. આજે કાશ્મીરમાં પાકિસ્તાન જે સતત ઘૂસણખોરી કરાવે છે અને રોજરોજ આતંકી કારનામા કરે છે. તેનો ઉકેલ રાજકીય વાટાઘાટથી આવવાનો નથી.
પાકિસ્તાન પ્લુટોનિયમમાંથી બનેલા નાના અણુબોંબની રાહ જુએ છે. એકાદ વર્ષમાં પાકિસ્તાન હુમલો કરે તે પહેલાં ભારતે ચેતી જઈને આઝાદ કાશ્મીર સાથે ગિલ્ગીટને પણ સર કરવું જોઈએ. અત્યારે જ મોકો છે. પાકિસ્તાન અત્યારે ઠંડું-ગરમ વાતાવરણ રાખીને અને રાજકીય વિચારણાઓનો દંભ કરીને પ્લુટોનિયમના બોમ્બ તૈયાર થાય તેની રાહ જોઈ રહ્યું છે. તે પહેલાં જો આઝાદ કાશ્મીર અને ગિલ્ગીટને પાછું મેળવી નહીં લેવાય તો બચેલા કાશ્મીરને પણ ભારતે ગુમાવવું પડશે.
કાશ્મીરના પ્રશ્ને પાકિસ્તાન સામે યુદ્ધે ચઢવાનું પગલું બન્ને દેશો માટે ખતરનાક છે. રોજનો યુદ્ધનો ખર્ચ રૂા.૫૦૦ કરોડ થાય.
આઝાદ કાશ્મીરીઓની સંખ્યા ૧૨ લાખની છે. તેમની લાગણીઓને ભડકાવાઈ રહી છે.
આઝાદ કાશ્મીરમાં જે ચળવળો થાય છે અને ત્યાં વિદેશી પત્રકારો પણ સ્વતંત્ર કાશ્મીરી પ્રજાસત્તાકમી બેહૂદી વાતને પ્રોત્સાહન આપે છે તે જોતાં હવે મોદી સરકારે તમામ રાજકીય પક્ષોને વિશ્વાસમાં લઈને આઝાદ કાશ્મીર અને ગિલ્ગીટને પાછાં મેળવવા પૂરતું મર્યાદિત યુદ્ધ કરવા બાંયો ચઢાવવી જોઈએ.