લગ્ન પહેલાનો વિશાલ-રશ્મિનો રોમાંચ-રોમાન્સ
હું, શાણી અને શકરાભાઈ - પ્રિયદર્શી
વિશાલ અને રશ્મિ પગથિયાં ચડીને ઘરમાં પ્રવેશ્યાં ત્યારે તેમને વધાવવા બારણાં પાસે ફેન્ટા, પટલાણી ઊભાં હતાં.
છોકરો અને છોકરી, યુવાવયે સર્વ સંમતિથી પરસ્પરને પસંદ કરે પછી લગ્ન પહેલાંનો ટૂંકો સમયગાળો બંને માટે અત્યંત રોમેન્ટિક (Romentic) વરસાદના પહેલા ઝાપટા જેવો હોય છે. બંનેને પરસ્પર કંઇક ને કંઇક કરી છૂટવાની તમન્ના હોય છે. એમનો સ્ફૂટ થતો જતો પ્રેમ કલ્પનાની પાંખે કંઇ કંઇ સ્વપ્નલોક દેખાડે છે.
વિશાલ સુજન, સુશીલ હતો. શિખાદીદીના સહવાસમાં એ કાબેલ અને વધુ પ્રેમાળ બન્યો હતો. રશ્મિ સાથે ઇન્ટરવ્યૂ પછી બંનેના હસ્તમિલનથી(shahe hand) રશ્મિ કરતાંય વિશેષ પુણ્યબાણની અણી વિશાલને વધારે સ્પર્શી ગઈ હતી.
શિખાદીદીએ ફેન્ટાને તરત મોબાઈલ પર શુભ સંદેશો પાઠવી દીધો કે વિશાલને રશ્મિ પસંદ આવી છે. બંને જણાં તરતમાં ત્યાં આવવા નીકળે છે.
વિશાલે અને રશ્મિએ પણ શિખાદીદીને સાથે આવવા વિનંતી કરી. આગ્રહ કર્યો. વિશાલે તો ધમકી પણ આપી કે તમારા વિના હું અમદાવાદ નહિ જાવું.
શિખાદીદી વિશાલના ભોળા મન પર વારી ગઈ અને રશ્મિને એની આવી ઘેલછા પર મુખે મરકલડું આવી ગયું.
સમજદાર અને વ્યવહાર-કુશળ શિખાદીદી એ વિશાલને ફરી ક્યારેક આવવાનું વચન આપ્યું અને રશ્મિએ પણ વાત પતાવી દીધી.
અમદાવાદ તરફ દોડતી જતી કારમાં રશ્મિએ વિશાલને એક મઝાનો પ્રશ્ન કર્યો ;'વિશાલ તમે મને તમે, તમે કેમ કર્યા કરો છો ?'
વિશાલ આશ્ચર્યથી 'હેં' બોલી ઊઠયો રશ્મિએ એને સમજ આપી તમારે મને 'તું-તું' કહીને બોલાવવાની 'તમે તમે નહિ કહેવાનું' બોલતાં એમ બકી ગઈ.
વિશાલ મુગ્ધ થતો હસી રહ્યો.
ફેન્ટાએ વેળાસર મંજરીને, વિશાલ એની વહુને લઈને આવે છે એવી ફોન પર જાણ કરી જ દીધી હતી. બંનેને હવે સારી બનતી રાશ હતી.
મંજરી, બંને ક્યારે આવે તેની આતુર રાહમાં હતી પરીને એણે વાત કરી દીધી હતી કે તારા વિશાલભાઈ એમની વાઇફને લઈને કારમાં આવે છે.
આ સમાચાર સાંભળતાં જ પરીનું હૃદય ધડકવા માંડયું હવે એ સાવ નાની બાળક નહોતી. સહેજે આઠેક વર્ષ થયાં હશે. એની જિજ્ઞાાસા મમ્મીની જિજ્ઞાાસા કરતાંય વધારે તીવ્ર બનતી ગઈ. અને પંદરેક મિનિટ એનાં, તીવ્ર જિજ્ઞાાસામાં વિત્યાં અને કારનું હોર્ન સંભળાયું. મંજરી કરતાં ય વધારે આતુરતાથી તેણે અધખૂલા બારણામાંથી ડોક્યું કર્યું.
વિશાલ એની 'વાઈફ' સાથે કારમાંથી ઊતર્યો. રશ્મિનો હાથ પકડીને તેને કારમાંથી ઊતરતા જોઈ પરીના ચિત્તમાં અટપટા વિચારોનો ચગડોળ ચાલ્યો વિશાલભાઈ વાઇફ સાથે આવ્યા એટલે મને ભૂલી ગયા હશે ? એમણે અમારા ઘર તરફ પણ નજર નાખી નહિ ! એને જરીક અસૂયા પણ થવા માંડી. એનું મન હવે સાવ નિર્દોષ રહ્યું નહોતું.
વિશાલ અને રશ્મિ પગથિયાં ચડીને ઘરમાં પ્રવેશ્યાં ત્યારે તેમને વધાવવા બારણાં પાસે ફેન્ટા, પટલાણી ઊભાં જ હતાં. પેથાભાઈ છૂપી નજરે દ્રશ્ય નિહાળતા હતા. પેથાભાઈનો બાબલો એમના આગમન બાબતે બેફિકર હોય તેમ દૂર ઊભો હતો.
પ્રોફેસર પ્યારેલાલ શાંત અને પ્રસન્ન ચિત્તે નજર માંડીને બેઠા હતા. એમને તો પેથાભાઈએ ખાસ ઇજન આપ્યું હતું. આખરે તો આંતરિક વિકાસમાં એમનો સિંહ ફાળો હતો.
વિશાલની પાછળ પાછળ રશ્મિ અસંકોચ દબાતે પગલે દાખલ થઈ. તરત વધામણાં મળ્યાં વિશાલે દાદા-પેથાભાઈની ઓળખ આપી. રશ્મિ દાદાના ચરણમાં ઝૂકે તે પહેલાં જ એમણે કહ્યું, 'બેટા, પહેલાં આ વડીલ પ્રોફેસર પ્યારેલાલ બેઠા છે તેમનો ચરણ સ્પર્શ કર. વિશાલના એ ધર્મપિતા છે. રશ્મિ ઉત્સાહભેર એમના ચરણનો સ્પર્શ કર્યો. રશ્મિનો વડીલોને પ્રણામ વિધિ પત્યો એટલે એ તરત ફેન્ટા પાસે ગઈ. ફેન્ટા એને વળગી જ પડી. બહુ હેતથી એને થાબડી.'
પ્રોફેસર પ્યારેલાલ આ ભાવભર્યું દ્રશ્ય ધન્ય બનીને જોતા રહ્યા. મનમાંથી થઈ ગયું કે જુગતે જોડી છે. બધો વિવેકવિધિ પૂરો થયો. વિલાસ મોટા સોફા પર બેઠો. રશ્મિ અવઢવમાં હતી ત્યાં જ ફેન્ટાએ તેને વિશાલની બાજુમાં બેસાડી દીધી.
રશ્મિનો સ્પર્શ થતાં અચાનક જ એને પરી યાદ આવી. એ યાદ આવતાં જ ચિત્તમાં આકરાં સંવેદન ઉછળ્યાં પરી 'પરી ક્યાં હશે ? શું કરતી હશે ? પરીએ એને થોડા જ સમય અગાઉ પૂછ્યું હતું કે 'વિશાલભાઈ' તમારે 'વાઇફ' છે !'
વિશાલ આ સ્મરણ થતાં જ દ્રવી ગયો એના સમગ્ર વ્યક્તિત્વમાં પરી જ પરી !
એકાએક ચોંકીને એણે ફેન્ટાને પૂછ્યું ;'મમ્મી, પરી ક્યાં છે ? પરી ને નથી બોલાવી ? એને બોલાવોને !'
જેમ વિશાલને તેમ પરીને પણ થોડો જ અજંપો હતો. વિશાલભાઈ મને ભૂલી ગયા ! એનું જ તીવ્ર રટણ ચાલવાં માંડયું. એની આંખો ભરાઈ આવી. એ મનની વેદના કહે પણ કો ને ?
પણ...મમ્મીએ જ એને આશ્ચર્ય અને ઉત્સાહથી ચોંકાવી, ચમકાવી દીધી 'પરી' ચાલ. અન્કલને ભેટ તારા વિશાલભાઈ ક્યારના તને યાદ કરીને તારી રાહ જોતા બેઠા છે.
ફેન્ટાએ જ મંજરીને વિશાલની આતુરતા ફોન પર વર્ણવી હતી.
મંજરીએ ફટાફટ પરીને સજાવી દીધી બંને પેથાભાઈ અન્કલને ત્યાં ઉતાવળા પગલે પહોંચી ગયાં.
બારણાં ખુલ્લાં જ હતાં. મંજરી પ્રવેશી એની પાછળ સંકોચાતી, મૂંઝાતી પરી હતી.
વિશાલે એને જોતાં જ બૂમ મારી ;'પરી, પરી, એણે ઝડપથી ઊઠીને પરી પાસે જઈને તેનો હાથ પકડીને પોતાની સાથે અડોઅડ સોફા પર બેસાડી દીધી.'
રશ્મિ અને વિશાલની વચમાં ઢીંગલી જેવી પરી અસંકોચ બેઠી. પણ વિશાલે તેનો સંકોચ તરત ખંખેરી નાંખ્યો. 'પરી' જો તારા વિશાલભાઈ, વાઇફ લઇ આવ્યા. તારી ભાભી !
વિશાલે એને પોતાની વધુ નજીક ખેંચી.
રશ્મિ આ પ્રેમદ્રશ્યથી તાજજુબ થઈ ગઈ. એણે તરત જ પરીને પોતાની પાસે ખેંચી ;પરી હવે હું તારા વિશાલભાઈની વાઇફ નહિ. તારી વહાલી ભાભી હોં ! પરીને તેણે જરા ગલગલિયાં કર્યા હસાવી દીધી. પરીને તો હૃદયમાં સો સો દીવા પ્રગટી ગયા ! એ ભાઈ અને ભાભીની વચ્ચોવચ અડોઅડ હતી વિશાલ એને ત્યારે પંપાળતો થાબડતો રહ્યો.