ફિટ ઇન્ડિયા: ખેલોગે કૂદોગે, બનોગે નવાબ....
અર્વાચિંતનમ્ - પરેશ વ્યાસ
ફિટ સ્કૂલનું ફાઇવસ્ટાર રેન્કિંગ થીયરીમાં પરફેક્ટ થશે. પણ એની પ્રેક્ટિકલ અમલવારી વિષે શંકા છે. આ તો પરીક્ષા છે. જેમાં સ્કૂલ પોતે એક વિદ્યાર્થી છે
મૂળ હિંદી કહેવત ગળથૂથીમાં ખોટી છે. કોઈ ખેલકૂદથી ખરાબ થતું નથી. ફિટ રહેવું આવશ્યક છે. ગુજરાતી લેક્સિકોન અનુસાર 'ફિટ' શબ્દનો એક અર્થ થાય છે : સ્વસ્થ, તંદુરસ્ત, લાયકાતવાળું, સમર્થ, કાર્યક્ષમ, લાયક, યોગ્ય. 'ફિટ' શબ્દનો બીજો અર્થ સાવ ઊલટો છે. આંચકી, વાઈ, તાણ, દરદનો આકસ્મિક હુમલો, લાગણીનો ઉભરો, આંકડી, ફેફરું, લહેર, તરંગ, મૂર્ચ્છા. જ્યારે મોદીસાહેબ 'મન કી બાત'માં તનકી બાત કરે, 'ફિટ ઇન્ડિયા'ની વાત કરે ત્યારે અલબત્ત ફિટ શબ્દ એનાં પહેલા અર્થમાં જ હોઈ શકે.
ફિટ રહેવું, તંદુરસ્ત રહેવું જરૂરી પણ આ સરકારનું કામ નથી. એ આપણું પોતાનું પોતીકું કામ છે. સરકાર જો કે લોકોમાં સાગમટે બિહેવિયરલ ચેન્જ (વર્તણુંક પરિવર્તન) લાવવા માંગે છે. સીબીએસઇ સાથે સંલગ્ન શાળાઓ ડીસેમ્બર માસમાં ફિટ ઇન્ડિયા વીક ઉજવવા જઈ રહી છે. ફરીથી એ જ ફોર્મ્યુલા છે.
નિબંધ લેખન, પ્રશ્નાવલિ પરીક્ષા, લેખ, ચિત્રકામ, યોગાસન, પરંપરાગત અને સ્થાનિક રમતો, યોગાસન, નૃત્ય અને ખેલકૂદ. દરેક શાળાનું રેન્કિંગ થશે. સ્ટાર રેટિંગ પણ અપાશે. દરેક શાળા સરકારી ઓનલાઇન પોર્ટલ પર જઇને જાતે જ પોતાનું રેન્કિંગ કરી શકશે. તમને લાગે કે આ નવું તૂતફતૂર છે તો તમે સાવ ખોટા નથી. અને તેમ છતાં 'ફિટ ઇન્ડિયા'ની તાતી તરફેણ કરવી જોઈએ.
ફિટ સ્કૂલનું ફાઇવસ્ટાર રેન્કિંગ થીયરીમાં પરફેક્ટ થશે. પણ એની પ્રેક્ટિકલ અમલવારી વિષે શંકા છે. આ તો પરીક્ષા છે. જેમાં સ્કૂલ પોતે એક વિદ્યાર્થી છે. અહીં જ્ઞાાન લક્ષ્ય નથી. લક્ષ્ય છે વધારે માર્ક મેળવવા. માર્ક કઈ રીતે વધારે મળી શકે, એ માટે કન્સલટન્ટ માર્કેટમાં આવી જશે. સ્કૂલ સારા માર્કે પાસ થાય એ માટે કોચિંગ ક્લાસ ! સારો નંબર મેળવીને સન્માન પામવા માટેનાં હવાતિયાં શરૂ થઇ જશે. દિલ્હી બોલાવીને એવોર્ડ અપાશે. પછી સઘળું ભૂલી જવાશે. સરકાર પછી પોતાની યશગાથા પોતે ગાશે.
ચંદ્રકાંત બક્ષી સાહેબનાં શબ્દોમાં તો સરકાર આત્મશ્લાઘા કરવામાં સ્વાવલંબી છે. સાચી પરિસ્થિતિનો કોઇ ક્યાસ કાઢતું નથી. સરકારની ટીકા કરવાનું જોખમ કોઇ લઇ શકે ? રાજાને કોણ કહે કે એ જન્મદિવસનાં પોષાકમાં છે ! અને છતાં આ બધું જરૂરી છે. સ્વચ્છ ભારત મિશન, જલ જીવન મિશન, સ્માર્ટ સિટીઝ મિશન જેવાં અનેક સરકારી મિશન્સ છે, જે શહેર કે સંસ્થાઓની આપસી સ્પર્ધા ઉપર ચાલે છે.
સારા કામ માટેની તંદુરસ્ત સ્પર્ધા જરૂરી છે. મિશન એટલે માનવનું જીવનધ્યેય, જીવનકાર્ય, જીવનલક્ષ્ય. લોકોએ સામૂહિક વર્તણુંક સુધારવી જોઈએ. આપણે જે કાંઈ છીએ એ આપણું પોતાનું કર્યુંકારવ્યું છે. આપણે ફિટ ન હોઇએ તો સરકારને દોષ શા માટે ?
વિદ્યાર્થીઓએ ફિટ રહેવા શું કરવું જોઈએ ? વિદ્યાર્થીઓનું મુખ્ય લક્ષ્ય વિદ્યા મેળવવાનું છે. કસરત ફસરત કરવાનો ટાઇમ કોની પાસે છે ? કસરત માટે એસ્ટન યુનિવર્સિટી, યુ.કે.ની પાંચ ટિપ્સ બેહદ આસાન છે અને દરેક વિદ્યાર્થીઓને મદદરૂપ થઇ શકે. ૧. કસરત મિત્રને શોધી લેવો. એવો મિત્ર જે શારીરિક સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ હોય. પછી તો સંગ તેવો રંગ. એકબીજાને પ્રેરણા ય મળે અને ટેકો પણ મળે. ૨. શાળા કોલેજોમાં સ્પોર્ટસ ક્લબ હોય તેમાં જોડાઈ જવું. એક વાર શરૂ કરો. પછી તો એની ટેવ પડે.
સમય પણ મળે અને મઝા પણ પડે. શું કહ્યું ? સ્કૂલ કોલેજમાં સ્પોર્ટસ કલબ નથી ? તો તમે શરૂ કરો... ! ૩. કસરતની ભૂરકી ચઢે અને સામટી દંડબેઠક પીલી નાંખો પછી શરીર એવું દુ:ખે કે ફિટ રહેવાનો ઉભરો ઓસરી જાય. અરે સાહેબ, સઘળું સ્ટેપ બાય સ્ટેપ કરો. પહેલાં દસ મિનીટ, પછી પંદર, પછી ક્રમશ: વધારો. ૪. ગમતી કસરત, ગમતી રમત હોય તો એ લાંબો સમય ચાલે.
બાકી આરંભે શૂરા હોઇએ અને પછી કડડભૂસ- એ ન ચાલે. અને ૫. જસ્ટ ડૂ ઈટ.... તમે જ તમારા ભાગ્યવિધાતા. તમે જ તમારી પ્રેરણા, તમે જ તમારું પ્રોત્સાહન. કાંઈ મોંઘા સાધન કે જીમની જરૂર નથી. કાંઈ ન હોય તો ય ફિટ રહી જ શકાય.
કહે છે કે ફિટનેસનું પણ માનવ સંબંધો જેવું છે. અંચાઈ કરો, છેતરપિંડી કરો તો સઘળું ભાંગી પડે. તમે ફિટ નહીં હો તો ફિટી જશો, મિત્રોં !