સોસાયટીના માર્ગ પર આમ-તેમ રીક્ષાને ઘુમરિયો ખવડાવતો એ ડ્રાઇવર કોણ છે ?
ઝાકળઝંઝા - પરાજિત પટેલ
સાંભળી લો અંકલ, હું તમારારૂપિયા લઇને મારી બેદાગ ઇમાનદારીને અભડાવવા નથી માગતો.' મારી ઇમાનદારી ઇનામની લાલચની બાંદી નથી !
'ક્યાં મળશે એ વડીલ ?'
નારણપુરાના એક વિસ્તારમાં ઓટો રીક્ષા ફરી રહી છે ;ને રીક્ષાવાળાના મોઢામાં આનું આ જ વાક્ય બોલાય છે ;'ક્યાં મળશે એ વડીલ ? અરે, એમનાં ઘરવાળાંને જોઉં તો ય તરત ઓળખી પાડું' રીક્ષા આમ જાય છે, તેમ જાય છે, ક્યાંક વળી ઊભી રહી છે... રીક્ષાવાળો નજરને લંબાવે છે. ઘર ઘર આગળ રીક્ષા ધીમી પાડે છે.. નજર ફેંકે છે.. એની નજર શોધક નજર છે... કોકને શોધી રહી છે એની નજર ! નજર તો નંખાય છે... પણ નજર નિરાશ થઇ જાય છે. નજર લાચાર બની જાય છે. રીક્ષાવાળો નજરને પાછળ લઇ જાય છે, ને એના ચહેરા ઉપર ચિંતાની રેખાઓ દોરાઇ જાય છે ;'જાય રે, જાય, ક્યાં મળશે એ કાકા ? સોસાયટીના નાકે કાકા-કાકી ને મેં ઉતાર્યાં છે, પણ એ ગયાં હશે ક્યાં ?'
ચિંતા જ ચિંતા !
પ્રશ્નો જ પ્રશ્નો !
નંખાતી નજર !
વંકાતી નજર !
તીરની જેમ દોડતી નજર !
કોઇને શોધતી નજર !
હૃદય પર - મગજ પર - નજર પર કશોક ભાર છે. ને એ ભારને કારણે એને ચિંતા થયા કરે છે ! હશે માંડ ત્રીસેક વરસનો યુવાન. પોતલડી મૂછો છે... ને સરસ રીતે હોળેલા વાળ છે... ચોખ્ખો ચહેરો છે.
નજર પણ ચોખ્ખી છે.
પણ એની નજર તો -
ઠેર ઠેર દોડયા કરે છે
ઘેર ઘેર દોડયા કરે છે -
ખુલ્લા ઘરનાં બારણામાં ઘુસી જાય છે નજર... પાછું એને થાય છે ;'મેં ય ભૂલ જ કરી છે ને ? ગજવામાં મોબાઇલ તો છે ! કાકાનો ફોટો જ ખેંચી લીધો હોત તો ? જાહેરે, જાહ ! મોટી ભૂલ થઈ ગઈ છે. પણ મને ક્યાં ખબર હતી કે - 'ને એ રીક્ષામાં પાછળ નજર કરે છે ;'મને આવી ખબર હોત તો ફોટો જ ન ખેંચી લેત ?'
કશીક ચિંતા છે,
કોઇ સવાલ એને સતાવે છે.
સવાલ કદાચ સામાન્ય નહીં હોય !
ભારેખમ હશે !
ત્યાં જ એનું મન બોલી ઊઠે છે ;'ભારેખમ એટલે ? સવાલ તો છે બે-અઢી લાખનો.. પણ જવાબ ક્યાં જડે છે ? જવાબ વગરનો સવાલ ચિંતા કરાવે છે.
આમ તેમ દોડે છે રીક્ષા.
આ છેડેથી પેલે છેડે.
ત્યાં જ એક ભાઈ બૂમ પાડે છે ;'એ રીક્ષાવાળા ભાઇ...' ને એ નજીક જાય છે ;'બોલ, આવવું છે કાલુપુર ?'
'કાલુપુર જવું છે ?'
'હા ! તારે આવવું છે ?'
'ના !'
'કેમ ?'
'મારે કામ છે ! એક કામ કરો -'
'શું ?'
'તમે બીજી રીક્ષા શોધી લો, હું તો ભારેખમ કામમાં છું...' ને રીક્ષાવાળો ઘુમરિયો લે તો સોસાયટીના માર્ગ પર રીક્ષા દોડાવે છે. પેલો માણસ જોઇ રહે છે. પછી હસે છે. આમ તેમ દોડતી રીક્ષાને જોઇ રહે છે... પછી બબડે છે ;'ક્યારનો ય આમ તેમ આંટા મારે છે સામેથી વર્ધી મળી તો ય ના પાડે છે !' સાવ ગાંડું છે ને !'
ત્યાં જ એણે એક મકાન આગળ માંડવો બંધાયેલો જોયો. ગાણાંય ગવાતાં હતાં. માંડવો શણગારાયેલો હતો. બાજોઠો મૂકાઈ રહી હતી. ગોર મહારાજ માંડવા નીચે તેમની ગોઠવણો કરતા હતા. કન્યા આવી રહી છે. કન્યાને ઊંચકીને એના મામા મંડપ નીચે પધરાવવા આવી રહ્યા છે !'
પણ આમને તો હજી વાર છે !
હજી તો માંડવો બંધાય છે.
તોરણ લટકાવાય છે.
બાજોઠો મૂકાય છે.
ખુરશીઓની ગોઠવણી થાય છે. વરરાજા - અને કન્યા માટે સ્પેસ્યલ કેટેગરીની સોફાચેર મૂકાય છે... હજી તો વાર છે ! ત્યાં જ રીક્ષાવાળા વિચાર આવ્યો ;'કદાચ આ ઘેર તો કાકા કાકી નહિ આવ્યાં હોય ? લગ્નમાં ભાગ લેવા આવ્યા હોય ! કદાચ કન્યાના બાપના સગામાં પણ હોય ! કારણ કે -'
ને એણે નજરને પાછળ ઘુમાવી ;'લાગે છે તો એવું !'
બે ય જણાં લગ્નમાં જ આવ્યાં હશે !
ને તેણે રીક્ષા ઊભી રાખી. ઘરની બિલકુલ સામે જઇને તે ઊભો રહ્યો.. ને હાથ લાંબો કરીને બોલ્યો ;'ક્યાં ગયા કાકા ? ઝટ બહાર મોકલો.'
'પણ વાત શી છે ?' ઘરમાલિકે પૂછયું.
'તમે એમને બહાર મોકલો. સફેદ લેંઘો અને ગુલાબી ઝભ્ભો પહેર્યો છે. એમને ઝટ મોકલો.'
'પણ વાત શી છે ?'
'તમે મોકલોને ! શું સમજે છે એમના મનમાં ? એમના જેવો માણસ હજી સુધી મેં બીજો કોઇ જોયો નથી ! સાવ દિમાગ વગરના છે એ કાકા -'
'એઇ રીક્ષાવાળા ! મોઢું સંભાળીને બોલ.'
'કેમ ?'
'એ મારા સાળા છે...'
'એમ ? તમારા સાળા છે એમ ? ભાણીના લગ્નમાં આવ્યા છે એમ ? ભાણીને મસ મોટી ભેટો આપવાના છે એમ ? મામેરું ભરવાના છે, એમ ?'
'હા, તું આવું બધું બોલ્યા વગર રસ્તે પડ.'
'જુઓ વડીલ ! હું રસ્તે પડીશ લગનમાં વિઘન આવશે. મામો ભાણીને કંઈ જ નહિ આપી શકે !'
'એટલે ?'
'તમે એમને મોકલો ને !'
- અવાજ સાંભળીને અંદરના ઓરડેથી એમના સાળા કચરાલાલ અને બહેન બહાર દોડી આવ્યાં. તેમની નજર રીક્ષાવાળા પર પડી, આ તો લાલ દરવાજેથી ઊતરીને જેમાં બેઠા હતાં તે રીક્ષાવાળો છે !' રીક્ષાવાળાની નજર પણ કચરાલાલ પર પડી... ને બોલી ઉઠયો એ ;'લો, આવી ગયા તમારા સાળા ! બહાર આવો બારણા પાસે ઊભા રહ્યા વગર ! હું જોઇ તો લઉં !'
'કેમ, તું શું કરી લઇશ ?'
કચરાલાલ બહાર આવ્યા. 'બોલ, શું છે ? તારે ઝગડો કરવો છે મારી સાથે ? પૈસા ઓછા પડયા છે ? તેં કહ્યું તે ભાડું તો આપી દીધું છે... હવે કેમ આડું-તેડું બોલે છે ?'
'તમારું નામ ?'
'કચરાલાલ.'
'તો દિમાગ પરથી કચરો ઝાપટતા હોવ તો !'
'એટલે ?'
'ભાણીના લગ્નમાં આવ્યા છો ને ? ભાણીનું મસમોટું મામેરું કરવા આવ્યા છો ને ?'
'હા.'
'નહિ થાય ?'
'કેમ ?'
'હું અહીંથી જતો રહીશ તો નહીં થાય !'
'કેમ ?'
'બોલો, ભાણી અને બહેન માટેના દાગીના શામાં મૂકયા હતા ? મોંઘીદાટ સાડીઓ અને બનેવી માટેનો ડ્રેસ શામાં મૂક્યા હતા ? રોકડારૂપિયા શામાં મૂક્યા હતા ?'
'સૂટકેસમાં.'
'તો, બતાવો મને સૂટકેસ.'
- ને કચરાલાલ અંદર ગયા. ખાંખાં ખોળા કરી ધડકતા ને ધબકતા હૈયે ચહેરા પર ચિંતાના લપેડા સાથે બહાર આવ્યા.
'લાવ્યા સૂટકેસ ?'
'ના.'
'ક્યાં ગઈ ?'
'શી ખબર !'
'આ રહી તમારી સૂટકેસ...' એમ કહીને રીક્ષાવાળા યુવાને રીક્ષાના પાછળના ભાગમાંથી સૂટકેસ બહાર કાઢી, ને હાથમાં ઝુલાવતાં બોલ્યો ;'જોઇ લો... આ જ છે ને તમારી સૂટકેસ ? સૂટકેસ પાછળ જ રહેવા દઇને હાથ હિલોળતા ઊતરી પડયા હતા તમે ! બરાબર ? ભાણીને લગભગ દોઢ લાખના દાગીના, મોંઘામૂલી સાડીઓ રોકડારૂપિયા પચાસ હજાર.... બધું જ સલામત છે મારી રીક્ષામાં... ગણી લો ! જોઇ લો ! તપાસી લો બધુ !'
રીક્ષાવાળાએ સૂટકેસ કચરાલાલના હાથમાં મૂકી દીધી.
કચરાલાલની ચિંતાનાં વાદળ વિખરાઇ ગયાં ! સૌના ચહેરા પર હર્ષ અને આશ્ચર્ય સર્જાઇ ગયાં ! રીક્ષાવાળો પણ ગજબનો ઇમાનદાર છે. અંદર બે અઢી લાખનો માલ હોવા છતાં એણે મનને વિકૃત ન બનવા દીધું. નજર ન બગાડી. કચરાલાલ રીક્ષાની નજીક આવ્યા. રીક્ષાવાળાને હર્ષનાં આંસુડે રડતાં રડતાં ભેટી પડયાં ;'ભાઈ, તું તો મારા માટે દેવદૂત બનીને આવ્યો... તારો જેટલો આભાર માનું તેટલો ઓછો છે... ચાલ, અંદર !'
રીક્ષાવાળો અંદર આવ્યો.
'બેસ.'
રીક્ષાવાળો ખુરશી પર બેઠાં... ગજવામાંથી કશુંક કાઢીને કચરાલાલે રીક્ષાવાળા સામે ધર્યું ;'લે મારા પ્રભુ, લે ! લઇ લે તારું ઇનામ ! બહુ નથી. પાંચ હજાર જ છે !'
'ના... કાકા' રીક્ષાવાળાએ કચરાલાલનો હાથ પાછો ઠેલી દીધો ;'ના, અંકલ ! હું ઇનામ નહીં લઉં !'
'કેમ ?'
'રૂપિયા લઉ તો ભવિષ્યમાં મારું મન લાલચથી બગડવા લાગે ! સાંભળી લો અંકલ, હું તમારારૂપિયા લઇને મારી બેદાગ ઇમાનદારીને અભડાવવા નથી માગતો.' મારી ઇમાનદારી ઇનામની લાલચની બાંદી નથી ! હા, મારું નામ નૈતિક છે, ઘરનો ગરીબ છું, પણ મારી નૈતિકતા કાયમ બેદાગ અને અણીશુદ્ધ રાખું છું ! હું નથી ઇચ્છતો કે મારી ઇમાનદારી પર કોઇ દાગ પડે !' ને હાથ જોડીને એ ઊભો થયો, બહાર નીકળ્યો, રીક્ષામાં બેઠો ને એણે રીક્ષાને દોડાવી મૂકી !
- ત્યારે સંખ્યાબંધ આંખો જઇ રહેલી જીવતી - જાગતી ઇમાનદારીને આશ્ચર્ય અને આનંદને આંખોમાં ભરીને જોઇ રહી !!
(સત્ય ઘટના - જરૂરી ફેરફાર સાથે)